Wednesday, October 25, 2017

તહેવારો પછીની શાંતિ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૫-૧૦-૨૦૧૭

પાંચમ જલ્દી આવે તો સારું. દિવાળી નિમિત્તે બજારો બંધ છે. રસ્તા સુમસામ છે. કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થઈને વેરાયા હોય એમ ફૂટેલા ફટાકડાના કાગળિયાં સફાઈ કામદારના આગમનની આંખ ફાડીને પ્રતીક્ષા કરતા હોય એમ આમ તેમ ઉડી રહ્યા છે. આ વખતે ભાઈ-બીજ પછી રવિવારની રજા હોઈ ગામના કૂતરાને બાદ કરતા સાવ ઘરકૂકડી પડોશીઓ પણ ફરવા જતાં રહ્યા છે. તમે નથી ગયા એટલે નવરાશ છે. કેટલાક સગા સંબંધીઓએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટા જોઇને ખબર પડે છે કે પાર્ટી મનાલી કે મલેશિયા ગઈ છે એટલે આ વખતે એમના ઘેર થપ્પો કરવા જવાનું નથી. મતલબ થોડી વધુ નવરાશ! વતન કે વિદેશ ન ગયેલા લોકો માટે ભાઈબીજના દિવસ સુધીમાં ઘર ગણવાનું પતાવ્યા પછી અને દિવાળીમાં રીલીઝ થયેલું મુવી જોઈ નાખ્યા પછી સોશિયલ મીડિયા સિવાય કોઈ સહારો નથી રહેતો. દિવાળીના શોરબકોર અને તોફાનો પછી અચાનક મળેલી આ શાંતિ થોડી ખુંચે છે.

આ શાંતિ પણ ભ્રામક છે. યોગ પ્રશિક્ષકોના કહેવા મુજબ બહાર શાંતિ હોયએ સમય અંતરની શાંતિની સાધના કરવા માટે ઉત્તમ સમય ગણાય. આમ છતાં તમે મગ્ન થઇ શકશો નહિ. તમારું નામ મગન હશે તો પણ! કારણ? જેવા તમે ધ્યાનમુદ્રામાં બેસીને ચિત્તને ચેતનાતીત અંત:કરણ તરફ વાળશો ત્યારે જ નાભીના મણીપુર ચક્ર નજીકના વિસ્તારમાંથી ઘૂઘરા, મઠીયા, ચા, કોફી અને કોલા સર્જિત કોલાહલ એમાં ખલેલ પહોંચાડશે. બોણી માગવાવાળા પણ વારંવાર બેલ મારીને તમારું ધ્યાન ભંગ કરશે. તમારા મોબાઈલમાં નેટ ચાલુ હશે અને મહેલના ગુંબજ ફરતે બેઠેલા કબૂતરાના ચરક પેઠે ટપકતા વોટ્સેપ મેસેજીસથી તમારું એસ.ડી. કાર્ડ ભરાઈ જશે. મેસેજીસના સતત ટડીંગ ટડીંગ વચ્ચે ઊંઘ પણ ન આવે ત્યાં તંબુરામાંથી ધ્યાન લાગવાનું હતું?

તો કરવું શું ?

બેચેની દૂર કરવા મનને બીજી તરફ વાળો. દિવાળી અંકો ખરીદી લાવો ચાર-પાંચ! એમાં વાર્તા તો ઘણી બધી હોય છે અને એ વાંચવામાં ટાઈમપાસ પણ થઇ જાય. ખાસ કરીને વાર્તાઓની શરૂઆતમાં કયું પાત્ર વાત કરી રહ્યું છે? શ્રાવણી મનોહરલાલની પત્ની છે કે દીકરી? એની ઉંમર કેટલી હશે? જીહ્વા અને સત્ય એક જ શહેરમાં રહે છે કે જુદા જુદા? પારેવી અને હંસજ એક જ ક્લાસમાં ભણે છે કે પારેવી હંસજની સિનીયર છે? સુવર્ણમય શ્રોફ સત્યાવીસ વર્ષે શહેરમાં પાછો આવે છે અને સાવ અચાનક અનન્યા અજાતશત્રુને એ મોલમાં જુએ છે ત્યારે ચાલીસ વર્ષ જુના ખખડેલ મોડેલ કે જેણે સુવર્ણમયને ‘તારો પ્રેમ પ્રેમ નથી, શારીરિક આકર્ષણ છે’, કહી ફૂટાડી દીધો હતો એની ઓળખાણ કાઢવાને બદલે પાછો કેમ નહીં વળી જતો હોય? આવા અનેક સવાલોના જવાબો માટે આખી વાર્તા વાંચવી, સમજવી પડે છે, અને જેમ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતી વખતે વારંવાર રીસ્ટાર્ટ કરવું પડે છે તેમ ફરી વાર્તાની શરૂઆત વાંચવી પડે છે. જોકે અમે તો ઉપાય શોધી કાઢ્યો છે. અમે નોટપેડ અને પેન લઈને આ વાર્તાઓ વાંચવા બેસીએ છીએ. અને દરેક પેરેગ્રાફનો સાર ટપકાવતા જઈએ છીએ. છેલ્લે બધા મુદ્દા અને વાર્તામાં જે સમજ પડી હોય એને આધારે આખી વાર્તા સમજી લઈએ છીએ. પણ આ બધા થૂંકના સાંધા છે. બીજા અવરોધો પણ છે.

ટીવી પર આ સમયે સુર્યવંશમ, બાદશાહ, હમશકલ્સ જેવી ફિલ્મો આવતી હોય છે. ચેનલો ફેરવવામાં રિમોટના સેલ ખલાસ થઈ જાય છે. આમાં જે ટાઈમપાસ થાય છે એ માત્ર રિમોટનું પાછળનું ઢાંકણું ખોલી સેલ ફરી ફીટ કરવામાં અને રિમોટ પછડાય એટલે એનું ઢાંકણું ઉડીને સોફા નીચે જતું રહે તે બહાર કાઢવા માટે કોઈ આવે એની રાહ જોવામાં થાય છે. આ દરમિયાન સેટ ટોપ બોક્સ પર તમારી પાસે જે ત્રણ પડ્યા છે એવા મિક્સર-ગ્રાઈન્ડર મશીનની જાહેરાતો રીપીટ મોડમાં વાગ્યા કરે છે. છેવટે તમે ડ્રોઈંગરૂમમાંથી કંટાળીને બેડરૂમમાં આડા પાડવા જાવ ત્યાં તમારી પત્નીની મોંઘી સાડી કે ડ્રેસ આખા પલંગ પર ફેલાઈને પડેલો જણાય છે જેને વાળવાની તમારામાં આવડત નથી કે ધીરજ નથી, અને એના ઉપર સુઈ જવાની તમારી હિંમત નથી મનોહરલાલ! શાંતિ? વો કિસ ચીડિયા કા નામ હૈ?

બીજો અજંપો પણ રહેશે, કારણ કે આ એ સમય છે જયારે કામવાળા દિવાળીનું બોનસ લઈને નાસી ગયા છે. જમ્યા પછી જાતે વાસણ માંજવા ન પડે એ માટે પત્ની તરફથી વારંવાર હોટલમાં જમવા જવાના પ્રસ્તાવ આવે છે. સાસરા પક્ષના સભ્યો, તમે દિવાળી પછી સાવ નવરા છો એવું જાણી જતાં, ભાઈબીજનો મોકો જોઈ કોઈ કચરો ડાઈનીંગ હોલમાં ભવ્ય પાર્ટી માટેના દાવપેચ ગોઠવતા જોવા મળે છે. સામેવાળાનું પલ્લું ભારે છે કારણ કે તમારા ઘરની રજેરજની માહિતી એમને પહોંચી રહી છે. આમાંથી છૂટવાના ઉપાયો શોધવામાં ઘણો સમય પસાર થઈ શકે. તમે બહારનું ખાઈ ખાઈને થાક્યા છો એવું કહી શકો છો. એસિડીટી અને પેટની તકલીફો આવામાં સૌથી વધારે કામ આવે છે. છેલ્લા ઉપાય તરીકે છેલ્લા મહિનામાં ગુજરી ગયેલા પરિચિતોમાંથી કોઈના શોકનું ઓઠું લઇ શકાય એમ છે કે નહિ એ પણ તમે તપાસી લો છો. અંતે તો होई हैवही जो राम रचि राखा .. અર્થાત શ્રી રામે નક્કી કર્યું હોય એ જ થશે. જોકે, પત્નીની જીદ ઉપર પ્રભુએ પોતે ધનુષ બાણ લઈને સુવર્ણ મૃગ પાછળ દોડવું પડ્યું હતું એ જોતાં તમારે પાકીટ-ક્રેડીટ કાર્ડ લઈને સાસરિયા પાછળ દોડવા સિવાય કોઈ આરો નથી એ જાણી લેજો. ટૂંકમાં તમે મનોમન આવા દાવપેચો ગોઠવીને એમાં દુશ્મનોને મ્હાત કરવાનો ખયાલી પુલાવ પકાવીને તહેવાર પછીની ઉદાસીનો સમય પસાર કરી શકો છો.

મસ્કા ફન
ચણાના ઝાડ પર ચઢેલા લોકો જાતે નીચે ઉતરતા નથી.

No comments:

Post a Comment