Sunday, December 18, 2011

બિચારો શિયાળો !


| સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૮-૧૨-૨૦૧૧ | અધીર અમદાવાદી | 

ચોમાસું આવે અને પહેલો વરસાદ થાય એટલે કવિઓ ઘેલા બની કવિતા લખવા મંડે. પણ આજ કવિઓ જ્યારે શિયાળો આવે એટલે કવિતા લખવાને બદલે ગોદડું ઓઢીને સુઈ જાય છે. કવિઓ શિયાળા પર ચોમાસા જેટલા વારી નથી ગયા. અરે, જોડકણાં બને એમાં પણ આવ રે વરસાદ જોડકણું આવે. કદી ઠંડી માટે કોઈએ આવું લખ્યું છે ખરું?

પડ રે ઠંડી
ફગાવો ગંજી બંડી
તાજું તાજું ઊંધિયુંને
ગાજરનો હલવો ખા !

આ કવિઓ ને તો .... પહેલો વરસાદ પડે એટલે એ ઘેલાં કાઢે છે. પણ કદી કોઈએ પહેલી ઠંડી પર ગઝલ લખી છે? પહેલી ઠંડી પડે એટલે કોઈનો હુંફાળો સંગાથ યાદ આવે. પહેલી ઠંડી પડે ભેજવાળી હવામાં મારેલી ફૂંકો યાદ આવે. પહેલી ઠંડીમાં બાઈકની પાછલી સીટ પર કોઈ બેઠું હોય તોયે સીટ સાવ ખાલી લાગે એવો અડોઅડ અહેસાસ લાગે. પણ હરામ બરોબર આવી ઘટનાઓ પર કોઈએ કવિતા કરી હોય તો. ને આપણી ગુજીષાઓ તો એન્ગેજમેન્ટ થયાં પછી ગુજ્જેશ જોડે પહેલી વાર સજોડે ફરવા ગઈ હોય ને ત્યાં રાતે નવ વાગે એટલે ‘સ્કાર્ફ તો ભૂલી જ ગઈ’ કે ‘સ્વેટર લાયા હોત તો સારું થાત, મમ્મી કે’તીતી’, કે ‘બાંકડો બૌ ઠંડો છે’ કે ‘તાપણાં પાસે બેસીએ?’ '‘બવ ઠંડી લાગે છે, જઈશું?’ જેવા લવારા ચાલુ કરી દે છે. પેલો બિચારો ત્રણ ત્રણ તો ગ્રાંડ રિહર્સલ કરીને આવ્યો હોય, એ તાપણાં પાસે અજવાળામાં બેસવા નહિ. પણ આ ઠંડી પ્રિયા એની ચુંબન અભિલાષાનું ઠંડીની મદદથી ઠંડા કલેજે ખુન કરી નાખે છે! પણ, આ સઘળો ઇતિહાસ ભૂલી આ જ ગુજ્જેશ એ જ ગુજીષા સાથે હનીમુન મનાવવા ડિસેમ્બર મહિનામાં સિમલા પહોંચી જાય છે!

શિયાળો આવે એટલે લોકો કકળાટ કરવાં મંડે છે. અમુક તો પાછાં કેલેન્ડર જોઈને જીવતાં હોય. ‘ડિસેમ્બરની દસમી થઈ, હજુ ઠંડી નથી પડી’ એવાં બખાળા કરતાં ફરે. જાણે ઠંડી પડે તો એ રજા જાહેર કરવાના હોય એમ. હા, ભુજનું હમીરસર તળાવ ચોમાસામાં ભરાય તેમાં રજા જાહેર થાય છે, પણ શિયાળાના આવાં માન પાન નથી. કોઈ દિવસ અમદાવાદમાં સાડા ત્રણ ડીગ્રી ઠંડી માટે રજા પડી નથી. શિયાળો તો બિચારો આવે એટલે લોકો રજાઈઓ કાઢે, સ્વેટરનાં પોટલાં ઉકેલે, ચાલીસ ઉપર પહોંચીને નિવૃત્ત થઈ ગયેલી આંટીઓ સ્વેટર પર શાલો લપેટે, ડોશીઓ ઠંડીથી રક્ષણ કરવાં અડદિયા પાક બનાવે, ચોકીદારો અને ફૂટપાથ પર સુનારા તાપણાં કરી ગ્લોબલ વોર્મિંગ કરેવ્યસનીઓ આ તાપણાંમાંથી બીડી સળગાવે, અને મહાવ્યસનીઓ ઠંડી ભગાડવા દારૂ પીવે. બધાંનો એક જ હેતુ હોય ઠંડીથી બચો!

અને જો કોઈ ઠંડીની તરફેણમાં હોય તો બહુ બહુ તો ‘આજે ગુલાબી ઠંડી છે’ એવું કહે. પણ જ્યાં થર્મોમીટરનો પારો ૧૦ ડીગ્રી સે.થી નીચે જાય એટલે એ જ ઠંડી ગુલાબીમાંથી કાતિલ બની જાય! લોકો જાણે ‘ઠંડીમાં ઠુંઠવાઈ જાય’. સાહિત્યકારો ઠંડીની ભયાનકતા દર્શાવતાં ‘ગાત્રો શિથીલ થઈ જાય એવી ઠંડી’, ‘હાડ ગળી જાય એવી ઠંડી’ ને એવાં બધાં ભયંકર અને બિહામણા શબ્દ પ્રયોગો વાપરે એટલે લોકો ઠંડીથી ડરે. અને એમાં કાશ્મીર કે હિમાલયમાં જ્યાં બરફ પડ્યો નથી ને બીજાં દિવસે છાપામાં ‘હિમાલયમાં હિમ વર્ષા’ એવું છાપી નાખે. અને સવારે આ વાંચીને આંટી અંકલને ધરાર બુઢીયા ટોપી પહેરાવે. પણ વિચારો કે હિમાલયમાં હિમવર્ષા ન થાય તો શું અગ્નિ વર્ષા થાય? આમ શિયાળો અને ઠંડીને નવી વહુની માફક વગોવવાનું જ લખાયેલું છે.

પણ આવો શિયાળો આવે એટલે સ્વેટર, ઊંધીયા, પતંગ અને પાકનું સીઝનલ માર્કેટ ખુલે છે. શિયાળામાં કફ શરદીના દર્દીઓ થકી ડોક્ટરોની સિઝન ઉઘડે છે. શિયાળો આવે એટલે અમદાવાદીઓનું ઈલેક્ટ્રીસિટી બિલ બચે છે. શિયાળામાં રાતની ટ્રેઈનોમાં જગ્યા મળે છે. શિયાળામાં રાતે સુમસામ રસ્તા મળે છે. શિયાળામાં બીજાઓનાં પરસેવા સુંઘવામાંથી છુટકારો મળે છે. શિયાળામાં છોકરાં રાતે રખડતા બંધ થાય છે. અને સૌથી વધુ મઝા તો શિયાળામાં ત્રણ કિલોમીટર દૂરથી ટ્રેઈન પસાર થતી હોય એનો અવાજ સાંભળવામાં આવે છે! છે આટલા ફાયદા ચોમાસાનાં?

ડ–બકા
સળગતા હો તાપણાં કે પછી ચાલુ હોય એસી બકા,
શિયાળો, ઉનાળો ને ચોમાસું, તું સદાય દેસી બકા !

  2 comments: