Wednesday, December 14, 2011

પોલીસ વિ. પબ્લિક મહાખેલમુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૧૨-૨૦૧૧ |અધીર અમદાવાદી |
 
ગુજરાતની જનતા તો જન્માષ્ટમી પર સ્વયંભુ અને પક્ષાપક્ષીથી પર રહીને ‘રમે ગુજરાત’ સૂત્ર સિદ્ધ કરે છે. પણ ૨૦૧૦ની સાલથી ખેલ મહાકુંભ (કે.એમ.કે.) શરુ કરી ગુજરાત સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાનું પ્રશંસનીય કામ થયું છે. એક મહિના ચાલનાર ખેલ મહાકુંભમાં આ વર્ષે ૧૯ લાખ ખેલાડીઓ ભાગ લેશે. જો કે આંકડાની વાઈબ્રન્ટ રમતમાં આ સંખ્યા સુધી પહોંચવા આ વખતે પણ ગઈ વખતની જેમ બધી નીતિઓ અપનાવવામાં આવશે એવાં આક્ષેપો પણ હંમેશની જેમ શરું થઈ ગયાં છે.

એક અહેવાલ મુજબ ગયાં વરસે ખેલ મહાકુંભમાં જીંદગીમાં રમી કે તીન-પત્તીથી વધારે જેને કોઈ રમતમાં રસ નથી તેવા ૩૫,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓને ભેદભાવ વગર ખેલમાં જોતરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી તો શિક્ષકો પાસે જ ઇલેક્શન અને વસ્તી ગણતરી એવા ઈતર કામો કરાવવામાં આવતાં હતાં, પણ પોલીસવાળાનો નંબર લાગવાથી અમારા જેવા કેટલાય પોલીસ-દુખીયા ખુશ થયા હતાં. એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ રાઠોડ સાહેબ ફૂલ-રેકેટ રમતા હોય કે ચાર-રસ્તા પર વાહનો કાબુમાં રાખતા જેની ફેં ફાટી જતી હોય એવા ટ્રાફિક હવાલદાર મુળુભા ચેસમાં રમકડાને ચલાવતા હોય એ જોવું એ જિંદગીનો એક લહાવો કહેવાય! જેમ દાંડીકુચ કે ગાંધીજીની સ્મશાનયાત્રા કોક ધાબામાંથી જોનાર દાદાજીઓ ઉત્સાહથી એ ઘટના વિષે બોલે છે એમ આ ખેલ મહાકુંભમાં પોલીસકર્મીઓ દ્વારા રમાતી મેચ પ્રત્યક્ષ જોનાર પોતાનાં સંતાનો અને સંતાનોનાં સંતાનો આગળ ગર્વથી એની ગાથા ગાઈ શકશે.  

આમ તો પોલીસ વિરુદ્ધ પબ્લિકની મેચ અવાર નવાર યોજાતી હોય છે. આમાં પકડ દાવ, સંતાકૂકડી ને થપ્પો જેવી રમતો મુખ્ય હોય છે. પોલીસ કર્મચારીઓની ટીયર ગેસ ફેંકવામાં, લાકડીઓ ઉલાળવામાં, શુટિંગ અને આંધળી ખિસકોલીમાં વર્ષોથી માસ્ટરી જોવા મળે છે. તો પબ્લિક પણ પથરા ફેંક, નિશાનબાજી, સાંકળ સાતતાળી જેવી રમતોમાં જન્મજાત કાબેલિયત ધરાવે છે. પણ ખેલ મહાકુંભમાં આ બે ટીમ સામે આવે તો પરિસ્થિતિ કંઇક જુદી બને. આવી જ એક પોલીસ વિરુદ્ધ પબ્લિક મેચમાં કોક અમારા જેવો ખણખોદીયો જીવ પહોંચી ગયો હતો, જેનો ખાનગી અહેવાલ કોઈ છાપા કે ચેનલ સુધી પહોંચે તે પહેલા તમારા માટે અહીં રજુ કરું છું.

■■■

એક તરફવાળા ખેલાડીઓ અને દર્શકો સહિત ચારેકોર ટેન્શનનો માહોલ હતો. સમરસ ટીમ રચવાની ઉપરથી આવેલી સૂચનાને ધ્યાનમાં રાખીને પોલિસની ટીમમાં પ્રથમ વર્ગનાં અધિકારીઓથી લઈને ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર અને હવાલદારો એક જ સાઈડ પર રમતા જોવાં મળતાં હતાં. પણ સાહેબોની હાજરીથી દરેક વર્ગ પોતપોતાની જગ્યા ઉપર સંકોચાઈને ઉભો હતો. એમાંય સાહેબ તો વારે-ઘડીએ આ જ હવે બાકી રહ્યું છે એવું બબડતા સાંભળવામાં આવતાં હતાં. પોલીસ ટીમના ભાગે સર્વિસ આવતાં સાહેબે બોલ હાથમાં લીધો. પણ કેપ્ટન ગઢવી સાહેબ કોને સર્વિસ આપવી એ બાબતે સ્વભાવ મુજબ અનિર્ણિત જણાતા હતાં. એમની આવી ઢીલી નીતિનાં  પરિણામે જ અમુક ગુનેગારો સજા પામતા પહેલા ઉપર સિધાવી ગયા હતાં, જોકે બીજી તરફ એમની આ ઢીલી નીતિનાં કારણે જ ગામમાં એક બંગલો, અને અમદાવાદ સુરતમાં એક એક ફ્લેટ બંધાઈ ગયાં હતાં એવી ચર્ચાઓ એમના વતન બાલીસણામાં જાહેરમાં થતી હતી.

આમ ને આમ અડધો કલાક વીતી ગયો ત્યાં સુધી રેફરી અને સામેની ટીમવાળા પણ રાહ જોતા ઊભા હતાં. અમુક ખેલાડીઓ તો વચ્ચે એકી-પાણી માટે પણ જઇ આવ્યાં હતાં. છેવટે ગઢવી સાહેબે સબ-ઇન્સ્પેક્ટર ભટ્ટને બોલ આપ્યો. પણ ભટ્ટનું અને સાહેબનું જજમેન્ટ ખોટું પાડતો હોય તેમ ભટ્ટે સર્વિસ કરેલો બોલ ઉછળીને સીધો સાહેબની પીઠ પર જઇ જોરથી અથડાયો. સાહેબનાં મ્હોમાંથી એક ગાળ નીકળી પડી. ભટ્ટ તડકા કરતાં પણ સાહેબનાં ડરથી લાળ-ચોળ થઇ ગયો. પણ જોનારાંને ખરું કૌતુક ત્યારે લાગ્યું જ્યારે સામેની ટીમનો કેપ્ટન અને જીલ્લા કક્ષાનો ખેલાડી સુરેશ ચાકી સાહેબ તરફ આવી વગર વાંકે સોરી કહેવા લાગ્યો. છેવટે સાહેબ પણ સ્પોર્ટસમેન સ્પીરીટ બતાવી, ‘રીટાયર્ડ હર્ટ’ થઈ બાઇજ્જત મેદાન છોડી ગયાં હતાં.

સાહેબનાં ગયા પછી મેચ બરોબર જામી હતી. જોકે ઈન્સ્પેક્ટર ભટ્ટ તો એવાં બઘવાઇ ગયાં હતાં કે સાહેબની ગેરહાજરીમાં પણ એ સર્વિસ કરવા તૈયાર નહોતાં. પણ ઇન્સ્પેક્ટર બારીયાએ બોલ હાથમાં લઇ સર્વિસ કરી નાખી. બારીયાએ આગળની રાતે ગમે તે પીધું હોય, કે પછી બોલને એમણે ગુનેગાર સમજીને ગુમ્બો માર્યો હોય, એ જે હોય તે, પણ કોલેજ તરફ જવા નીકળેલ વિદ્યાર્થી ક્લાસરૂમને બદલે કેન્ટીન પહોંચે તેમ બોલ કોર્ટની લાઈનથી બહાર દૂર દેશાવર તરફ પ્રયાણ કરી ગયો. પણ આ જોઈને ચીયર લીડર કમ સાતમાં ખેલાડી હવાલદાર દિનેશ કાંતિએ બુમ પાડી સામેની ટીમનાં કેપ્ટન સુરેશ ચાકીને કંઇક કહ્યું તેમાં ચેમ્પિયન ચાકી કોર્ટની લાઈનની બહાર સાડા ચૌદ ફૂટ સુધી દોડ્યો અને છેવટે ડાઈવ મારીને બોલને અડી આવ્યો. અને આમ પોઈન્ટ પોલીસટીમને મળ્યો. આમ એકતરફી રમતમાં વચ્ચે બે વાર ફાકી ખાવાનાં અને ચા પીવાનાં અન-ઓફીશીયલ બ્રેક પડ્યા, જે દરમિયાન ભટ્ટ મોટેભાગે એસપી સાહેબની સરભરામાં ગુમ થઇ જતાં હતાં. અંતે હિન્દી ફિલ્મોમાં જેનો મહિમા ગવાય છે તે કાનુનનાં હાથ લાંબા હોવાથી અથવા તો ગમે તે કારણે જીત પોલીસ ટીમની થઈ. ને આ ખબર છાવણીમાં પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં ગઢવી સાહેબ શર્ટ પહેરતાં પહેરતાં ઇનામ વિતરણ સમારંભનાં મંચ ભણી આવતાં દેખાયા!

No comments:

Post a Comment