Wednesday, December 21, 2011

કાગડાનો ઇન્ટરવ્યુ .....


દિવ્યભાસ્કર  ડોટ કોમ

એરપોર્ટ પર અવારનવાર પક્ષી અથડાવવાના બનાવો બને છે તે કારણે એરપોર્ટ ઓથોરીટી બર્ડ સર્વે કરવાની છે એવા સમાચાર છાપામાં વાંચ્યા. હવે આ સર્વે કેવો હશે ? અમે તપાસ કરવા ગયા તો ત્યાં એક મહિલા રિપોર્ટર એરપોર્ટની આજુબાજુ પક્ષીઓ ચણતા હોય ત્યાં કેમેરામેન સાથે આંટાફેરા કરતી હતી. અમે જરાક નજીક ગયા અને એ રિપોર્ટર શું કરતી હતી એ અહિ નોંધ્યું છે. એ છોકરીનું નામ કદાચ અભરખા હતું.
અભરખા : એ કાગડા ડુડ, ઉભા રહો. તમારો ઇન્ટર વ્યુ લેવાનો છે
(અમદાવાદી) કાગડો : કઈ ચેનલમાંથી આવો છો તમે ?
અભરખા : વેલ, એરપોર્ટ માટે બર્ડ સર્વે થવાનો છે, એટલે અમારી ચેનલને રસ પડ્યો.
કાગડો : ચેનલનું નામ ?
અભરખા : વેલ, નવી ચેનલ છે, એ.એન.એન.
કાગડો: એ.એન.એન ? સી.એન.એન. સાંભળ્યું છે, આવું નામ તો પહેલી વાર સાંભળ્યું.
અભરખા : એ.એન.એન. એટલે અધીર ન્યુઝ નેટવર્ક.  
કાગડો :  તો પછી મારી પાસે સમય નથી, મેઈન રોડ પર ઉંદર પડ્યો છે એ બીજું કોક ઉઠાવી જશે ..
અભરખા : અરે, હું તમને પૂરી આપીશ, પ્લીઝ
કાગડો : ના બેન ના .. મને હાઈ કોલેસ્ટોરોલ છે, અને પાછું તમે મને ગાવાનું કહેશો તો પૂરી પડી જશે
અભરખા :  અરે, તો શું થયું ? મારા અંકલ બોલીવુડમાં મ્યુઝીક ડાઈરેક્ટર છે, તમને કદાચ ચાન્સ મળી જાય
કાગડો : એમ, તો સારું જલ્દી બોલો શું પૂછવું છે.
અભરખા : તમારું નામ
કાગડો : અમારે નામ હોય ?
અભરખા : ના હોય ? તો એકબીજા અંદર અંદર એકબીજાને કઈ રીતે બોલાવો તમે?
કાગડો : કા કા કરી ને
અભરખા : અરે, પણ ચાર કાગડા બેઠા હોય તો ?
કાગડો : તો જેને બોલાવવો હોય એની બાજુમાં જઈ ને કાં કાં કરવા નું સિમ્પલ !
અભરખા : ઓહ હા... તમે તો બહુ ઈન્ટેલીજન્ટ છો એ ભૂલી ગઈ
કાગડો : એમ ? તમને કઈ રીતે ખબર પડી ?
અભરખા : હા, તમારા દાદાનાં દાદાના દાદાએ પેલું કુંજામાં કાંકરા નાખીને પાણી પીધું હતું, એ વાર્તા યાદ છે મને
કાગડો : અરે જવા દો ને, પછી એ કાંકરા વાળું પાણી પી ને ડોહાને પથરી થઇ અને છેવટે ગુજરી પણ ગયા, સારું છે એ કોઈ ને ખબર નથી !
અભરખા : ઓહ, એવું હતું ?
કાગડો : હા, યે, અંદર કીબાત હૈ ..
અભરખા : થેન્ક્સ, પણ આ વિમાનો ઉડે એમાં તમે લોકો વચ્ચે અથડાવ છો એનાં લીધે ફ્લાઈટ્સ મોડી પડે છે એ વિષે તમારે શું કહેવું છે ?
કાગડો : અરે ધૂળ મોડી થાય છે, કોઈ પથરો મારે તો ઉડી જઈએ છીએ તો આવડું મોટું વિમાન આવે તો ના દેખાય ? આંધળા થોડા છીએ ?
અભરખા : તો પછી આ બર્ડ હીટનાં સમાચારો ?
કાગડો : એ બધું બોગસ, કોક વી.આઈ.પી.ને લેવા ફ્લાઈટ પાછી વાળવી પડે તો કોક બહાનું તો જોઈએ ને એ લોકો ને ?
અભરખા : હે ??????????????? તો પછી આ બધાં સમાચારમાં પક્ષીઓને ખોટા બદનામ કરે છે
કાગડો : તો, અમે બદનક્ષીનો કેસ કરવાના જ છીએ, અમારી નાતમાં ઘણાં વકીલ છે !
અભરખા : બ્રેકિંગ ન્યુઝ.... વીઆઈપી કો લેને કે લીયે ફ્લાઈટ વાપસ આતી હૈ અહમદાબાદમેં... કૌન હૈ યે વીઆઈપી ? યે જાનને કે લીયે દેખતે રહીયે એ.એન.એન.

1 comment:

  1. title ma bhul thi kaagad lakhaai gayu chhe sudhaari lejo... :)

    ReplyDelete