Tuesday, August 06, 2013

સસ્તું ભાણુંને મુંબઈની જાત્રા
| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૪-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |


સસ્તું કોને નથી ગમતું. વડીલો ‘અમારા જમાનામાં તો ...’ થી વાક્ય શરું કરી ઘી, તેલ, પેટ્રોલના ભાવ બોલવા લાગે એટલે ભલભલાનું ડાચું પહોળું થઈ જાય અને એ પહોળા ડાચામાંથી એક જ ઉદગાર સરી પડે, ‘ના હોય!’. પાંચ રૂપિયે લીટર પેટ્રોલ અને સો રૂપિયે તેલનો ડબો જે જમાનામાં મળતો હશે એ જમાનો સતયુગથી કમ તો નહી જ હોય, એવું પણ મનમાં થાય.


એટલે જ રાજ બબ્બર કે જેની ૨૦૧૩માં રીલીઝ ફિલ્મની ટીકીટ ૧૫૦-૨૦૦ રૂપિયા હતી તે જો એમ કહે કે મુંબઈમાં ૧૨ રૂપિયામાં પેટભરીને જમવાનું મળે છે, તો કોને આનંદ ન થાય? આજકાલ તો શૌચાલય વાપરવાના પણ અમુક જગ્યાએ પાંચ રૂપિયા આપવા પડે છે. એટલે જ હવે અમદાવાદથી મુંબઈ લોકો ‘સસ્તું ભાણું અને મુંબઈની જાત્રા’ હિસાબે આવવા લાગે તો નવાઈ નહી. જોકે રાજ બબ્બરને બદલે આમીર ‘ગજની’ ખાન આવું બોલ્યો હોત તો કોઈને આશ્ચર્ય ન થાત. બની શકે કે વચ્ચેના વીસ વરસ એ ભૂલી ગયો હોય. પણ અમે હવે રાજ બબ્બરની ફિલ્મ નહી જોવાનું નક્કી કર્યું છે. ફિલ્મ ન જોવાથી જે દોઢસો રૂપિયા બચે એમાં ઓછામાં ઓછાં બાર જણાને એક ટંક માટે ભરપેટ જમાડી શકાય. આમેય અમે પાકાં અમદાવાદી તરીકે ફિલ્મ રીલીઝ થાય, એનું એક અઠવાડિયું વીતી જાય, અને ફિલ્મના સાવ સાચા અંગત રીવ્યુ મળે, પછી જ એ જોવા જઈએ છીએ.

ઇકોનોમિસ્ટ મનમોહન સિંહ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી મોંઘવારી વધી છે. આવું અમે નથી કહેતા, બધાં કહે છે. આવામાં સુપર ઇકોનોમિસ્ટ રાજ બબ્બરના ઇકોનોમિક્સ પ્રમાણે તમે ખાલી એક પાન ન ખાવ તો એક જણને, એક બરફ ગોળો ન ખાવ તો બે જણને, એક વડાપાવ ન ખાવ તો ત્રણ જણને, એક સેન્ડવીચ ન ખાવ તો ચાર જણને, મલ્ટીપ્લેક્સમાં એક પોપકોર્ન ન ખાવ તો પાંચ જણને, એક આઈસ્ક્રીમ સન્ડે ન ખાવ તો છ જણને, એક કોફી કેપેચીનો ન પીવો તો સાત જણને અને એક એક સ્મોલ પિઝા ન ખાવ તો આઠ જણને ભરપેટ જમાડી શકાય છે.

ગુજરાતીમાં કહેવત છે કે મફતનું ખાવું ને મસ્જિદમાં પડ્યા રહેવું.  મફતનું ખાવું કોને નથી ગમતું? અમે અમેરિકાની ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે ત્યાં કોઈ એક્સપર્ટ લેક્ચર ગોઠવાય તો લેકચરના અંતે ‘ફ્રી પિઝા’ ખાવા મળતાં. એમાં નોટીસ બોર્ડ પર લેક્ચરની જાહેરાત વાંચો તો એમાં લેક્ચર કરતાં ‘ફ્રી પિઝા’ લખેલું વધારે સ્પષ્ટ વંચાય. એટલે લોકો પિઝા ખાતર પણ લેક્ચર સાંભળવા જતાં. ભારતમાં મફત તો છોડો, સસ્તું મળતું હોય તો પણ લોકો લાઈનો લગાડી દે છે. અમદાવાદમાં ધનતેરસના દિવસે આઈસ્ક્રીમ સાથે પ્લાસ્ટિકના ઠોબરા ફ્રી મળતાં થયાં ત્યારથી ધનતેરસના સપરમાં દિવસે આઈસ્ક્રીમ ખરીદવા માટે સવાર સવારમાં લાઈનો લાગતી થઈ ગઈ છે. 

જોકે અંગ્રેજીમાં એવું પણ કહ્યું છે કે ‘ધેર ઇઝ નથીંગ લાઈક ફ્રી લંચ’. કશું મફત નથી મળતું. દસ-પંદર  વર્ષ પહેલાની વાત કરું તો કોઈ જુનાં પરિચિત પણ થોડાં વર્ષોથી સંપર્કમાં ન હોય એમનો ફોન આવે અને ગેટ ટુ ગેધર રાખ્યું છે આવી જજો, ચા-નાસ્તો પણ છે સાથે તો ટેન્શન થઈ જતું. આપણાં સમાજમાં  કોઈ એવું નહી બચ્યું હોય જેને આવી ઓફર નહી આવી હોય. ત્યાં જાવ એટલે મલ્ટી લેવલ માર્કેટિંગ કે જેમાં વેચવાનું કશું ન હોય, માત્ર બીજાં ચાર બોકડા કેવી રીતે બનાવવા એનાં ઉપર જ ભાર મૂકવામાં આવે. આવું જ હવે ક્લબ અને હોલી ડે રિસોર્ટ્સની મેમ્બરશીપ માટે થાય છે. મોલમાં જો તમે શોપિંગ કરીને નીકળતાં હોવ તો તમને એક ફોર્મ પકડાવે, કોન્ટેસ્ટનું. અઠવાડિયામાં તમને જીત્યાનો ફોન આવે જ. એમાં ગિફ્ટ કોઈ દિવસ તમને ઘેર ન મોકલાવે. ગિફ્ટ કલેક્ટ કરવા કપલમાં જવાનું અને એક પ્રેઝન્ટેશન સાંભળવાનું તમને આમંત્રણ મળે. અંતે તમારા કદ પ્રમાણેના શીશામાં ઉતારવામાં આવે.

સસ્તું ભોજન તો પાર્લામેન્ટની કેન્ટીનમાં મળે છે. અહિં વેજીટેરીયન થાળી ૧૨ રૂપિયા ૩૦ પૈસાની મળે છે. એમાં છુટા પૈસા પાછા મળતાં હશે કે કેમ એ સવાલ છે કારણ કે પાવલી તો ચલણમાંથી નીકળી ગઈ છે. આ કેન્ટીનમાં ચા ૧-૦૦ રૂપિયાની મળે છે. એમાંય ચાની ક્વોન્ટીટી પૂરી. આજકાલ મળે છે એટલી ૪૦ મિલી નહી. પાર્લામેન્ટ કેન્ટીનમાં કોણ જમે છે એ જાણવા નથી મળ્યું. અમારા ધારવા પ્રમાણે આ નેતાઓના બોડીગાર્ડ અને ડ્રાઈવરો જમતાં હશે. જોકે પાર્લામેન્ટ કેન્ટીનથી સસ્તું જ નહીં, મફત પણ ઘણી જગ્યાએ મળે છે. વીરપુર અને પાલીતાણા જેવા ધાર્મિક સ્થળોએ સદાવ્રત ચાલે જ છે. આ સાંસદો જે ખાય છે, એ પબ્લિક માટે તો તો સદાવ્રત જ ને?

કવિ ઉમાશંકર કહી ગયા છે કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે’. આ એક પ્રકારની ઉઘાડી ધમકી જ છે. જેને પોલીટીશ્યનો અને ધનાઢ્ય લોકો ઘોળીને પી ગયા છે. નહીંતર વિશ્વમાં સૌથી મોંઘુ રહેઠાણ મુંબઈમાં બનાવવાનું રિસ્ક કોઈ ગુજરાતી ભાયડો ન લે. કદાચ આપણા ભૂખ્યાજનો નાનીમોટી લુંટફાટ જરૂર કરે છે પણ દિલ્હીમાં બેઠેલા સૌથી મોટા લુંટારાઓને કોઈ લૂંટવા કે પૂછવાવાળું પણ કોઈ નથી. હવે તો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ કેમેય કરીને જાગતો નથી, ઉલટું સરકારી ગોદામોમાં અનાજ હજુ નિર્વિઘ્ને સડે છે. ચોમાસામાં તો ખાસ. કદાચ ભૂખ્યાજનોને ૧૨ રૂપિયામાં ભરપેટ ખાવાનું મળી જતું હશે! બની શકે ! છોડો એ બધી પંચાત આપણે ટીવી જુઓ ...

1 comment:

  1. એકદમ સાચું, અધીરભાઈ, 'There is nothing like a free lunch.'એક આડવાત, અમે દેશમાં આવ્યા હતા અને એક સગા અમને મિર્ચમસાલા માં જમવા લઇ ગયા, ત્યાં રેસ્ટોરાં વાળા એ એક ફોર્મ આપ્યું, NRI છો એટલે ભરો,ગીફ્ટ મળશે, ફોર્મ ભર્યું, થોડા દિવસે એક બેન્કમાંથી ફોન આવ્યો, અમારે તમને મળવું છે, મેં કહ્યું આવો, મળીએ, એક ઓફિસર આવ્યા, લાખો રૂપિયાની ડીપોઝીટ મુકવાની વાત કરી, કહ્યું કે ભાઈ એવા લાખો તો નથી, અમે તો આશ્રિત NRI છીએ, એમનું મ્હો બગડી ગયું, ચાલવા માંડ્યા, મેં તો પેલી મફત ગીફ્ટ માંગી, અંતે એમણે મ્હોડું બગાડીને એક જન નું મિર્ચમસાલા ના દીન્નાર નું ગીફ્ટ વાઉચર આપ્યું, ખુબ મઝા આવી ગઈ,

    ReplyDelete