Sunday, June 14, 2015

ભૂખમરાનાં અન્ય કારણો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૦૬-૨૦૧૫

ભારત ભૂખમરાની સમસ્યાથી પીડાય છે. એક સમાચાર મુજબ ભૂખમરામાં વિશ્વના દેશોની યાદીમાં ભારત પહેલા નંબર પર છે. પોઝીટીવ થીંકીંગમાં માનનારા કદાચ એમ કહે કે ચાલો કશાકમાં તો આપણે પહેલાં નંબર પર છીએ. દેશમાં અત્યારે ૧૯ કરોડ ૪૦ લાખ લોકો ભૂખમરાથી પીડાય છે. આમાં પોતાની કે પરિવારની મરજીથી ઉપવાસ કરતાં લોકોનો સમાવેશ તો કર્યો જ નથી. આર્થિક રીતે સધ્ધર હોવા છતાં મનેકમને અને શરમમાં ભૂખ્યા રહેવું પડતું હોય એવા લોકોનો આ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવે તો ભલભલા ચોંકી ઉઠે.

માણસ અનેક કારણોસર ભૂખે મરે છે. ઉપરોક્ત સર્વેમાં બધા કારણો નહીં જ લખ્યા હોય. જયારે જયારે આવા ભૂખમરાના સમાચાર આવે ત્યારે આપણને એમ લાગે કે આ વીસ કરોડ લોકો પાસે પૂરતા રૂપિયા નહિ હોય, નોકરી ધંધો નહીં હોય જેને કારણે એ ભૂખ્યા રહે છે. હશે, એવા પણ હશે. સામે એવા પણ હશે કે જે ઘરમાં, હોસ્ટેલમાં, કે કોઈ ભોજન યોજના અંતર્ગત મળતું ભોજન ખાવા જેવું નહી હોવાને લીધે ભૂખ્યા રહેતાં હશે. જે ઘરોમાં રાંધનાર આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ હોય અથવા રસોઈકળામાં અબુધ હોય એવા ઘરની વાનગીમાં ખાનારે સ્વાદના આગ્રહનો ત્યાગ કરીને જે કોઈ રસનો અભાવ હોય તેની કેવળ ધારણા કરીને વાનગીનો રસાસ્વાદ કરવાનો હોય છે. આવા કિસ્સાઓમાં ક્ષુધાતૃપ્તિ થયાની માત્ર ધારણાને આધારે જ ભોજનની પ્રક્રિયા પૂરી કરવામાં આવતી હોઈ ક્ષુધાતુર જીવોની સંખ્યામાં વૃદ્ધિ થતી હોય છે. રોજ હોટલનું ખાતાં હોય એ ઘરનું ભોજન ઝંખે છે, રોજ ભાખરા ખાઈને કંટાળેલા હોટલનું ખાવાનું ઝંખે છે, સરવાળે બેઉ અડધાં ભૂખ્યા રહે છે.

ઘણા લોકો લગ્નના જમણવારમાંથી ભૂખ્યા પાછા આવે છે કારણ કે ‘સબ્જી વોઝ વેરી ઓઈલી’ કે ‘રોટી બ્રેક થતી નહોતી’ કે ‘સ્વીટમાં દમ નહોતો’. કેટલાક લોકો તો વેવાઈ જમવામાં આગ્રહ કરવા ન આવે તો જમવાનું અડધેથી છોડી દેતા હોય છે. પ્રસંગે નિમંત્રણ આપવામાં ધ્યાન ન રાખ્યું હોય તો જમવાનું ખૂટી જતું હોય છે. આ સંજોગોમાં વર-કન્યાના સગાને કંપની આપવા ભૂખ્યા રહેલા લોકો રખડી પડતા હોય છે. એક ફીઝીશીયન કે હાર્ટ સ્પેશીયાલીસ્ટ જે જમણવારમાં હાજર હોય એ જમણવારમાં એમના પેશન્ટોએ ફરજીયાત ભૂખ્યા રહેવું પડતું હોય છે. આ બધા પણ રહ્યા તો ભૂખ્યા જ ને? લગ્નમાં ચાંદલો કર્યા છતાં ઘેર જઈને બચારાને ફ્રીજમાં ખાંખાખોળા કરવા પડે તે શું વાજબી કહેવાય?

જેલ અને લશ્કરની મેસ માટે એવું કહેવાય છે કે ત્યા જમવા માટે હૈયામાં હામ અને કાળજુ કઠોર હોવું જરૂરી છે. કાચાપોચાઓ આવી જગ્યાએ ભૂખ્યા જ રહી જાય. હોસ્ટેલની દાળ મરચાંના સૂપ સ્વરૂપે, શાક પ્રાકૃત સ્વરૂપે અને રોટલી-ભાખરી ધરમ-વીરની જોડી જેવી (તોડે સે ભી તૂટે ના યે ...) હોય છે. તાત્વિક રીતે ડાયેટિંગ કરનારા જે સલાડ તરીકે ખાય છે એ જ સલાડ હોસ્ટેલની મેસમાં શાક તરીકે પીરસાય છે. દાળ સબડકા લેવા કરતાં અગાઉ જણાવી તે જડબાતોડ ભાખરીને નરમ કરવા માટેના ‘સોફનર’ તરીકે વપરાય એવી વધુ હોય છે. જે એવું માનતા હોય કે ભાતમાં તો હવે શું ખરાબ થઈ શકે એમણે હોસ્ટેલની મેસના ભાત ખાઈ જોવા. પહેલીવાર એવા ભાત ખાધા પછી અમને એ નવી વાત જાણવા મળી હતી કે અમુક પ્રજાતિનાં જીવડાં અને જીરુના દાણા વચ્ચે બહુ બારિક તફાવત હોય છે અને એ તફાવત નરી આંખે પારખી શકાતો નથી.

શિયાળે બગલાને થાળીમાં ખીર પીરસી હતી એ વાર્તા તમે વાંચી હશે. આ વાર્તા મુજબ ઘણાં ઘરોમાં મહેમાનોને જમાડવામાં આવે છે. ‘મીઠું જોઈએ તો કહેજો, આશિષને અલ્સર છે એટલે અમે બધાં મોળું જ ખાઈએ છીએ’. પછી તો ખબર પડે કે નજર ઉતારતી વખતે જેમ માથા ઉપર લોટો ફેરવવામાં આવે છે એમ જ પાર્ટીએ શાક ઉપરથી મસાલાનો ડબ્બો ગોળગોળ ઉતારીને મૂકી દીધો છે અને દાળમાં પાણી એટલું છે કે વાટકી નવી હોય તો તેના તળિયામાં જોઈને તમે માથું ઓળી શકો ! અમુક જગ્યાએ મહેમાન બનો તો તમને આથી વિપરીત અનુભવ થાય. ગુજરાતમાં સિંગતેલનાં ભાવ કેમ ભડકે બળે છે એનું કારણ તમને જમતી વખતે ખબર પડે. એટલું તેલ ધબકાર્યું હોય. ઉપરથી મરચું તો એટલું નાખ્યું હોય કે દાળનો રંગ જોઈ પીરસનારને કહેવું પડે કે ‘થોડીક જ બસ બસ બસ ..... મને આમેય દાળ ઓછી ભાવે છે’. આપણે જુઠ્ઠું બોલવું નથી હોતું, પણ બોલવું પડે છે અને ભૂખ્યા પણ ઉઠવું પડે છે !

કાઠીયાવાડમાં તો ‘રસોઈ એટલે લોટ પાણીને લાકડા’ કહેવત બહુ પ્રચલિત છે. તમને પ્રેમપૂર્વક કોઈ જમવા બોલાવે અને જમાડતી વખતે આગ્રહ કરે એ ભાવના અને રસોઈનાં ટેસ્ટ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. કદાચ ભંગારીયા રસોઈ બની હોય ત્યાં આગ્રહો વધુ થતાં હોય એવું પણ હોય. એમાં આપણે ભગવાન તો નથી કે માત્ર ભાવનાનાં ભૂખ્યા હોઈએ. પછી તો હોટલો છે જ. તમે નહિ માનો, પણ હકીકત એ છે કે આપણે ત્યાં અડધા લોકો તો બજારમાં મળતા ગાંઠીયા-ભજીયા, દાબેલી-વડાપાઉં અને પિત્ઝા-બર્ગરને લઈને જ સંસારમાં ટકી રહ્યા છે, બાકી સરકાર જો ઘેર ખાવાનું ફરજીયાત કરી દે તો ગીરનાર અને હિમાલયની ગુફાઓમાં વેઈટીંગ ચાલુ થઇ જાય. n

મસ્કા ફન

સાચી ટ્રેઇનિંગ એ કહેવાય જેમાં છોકરી સાસુ-સસરાને મેગી ખાતા કરી દે!
--
[ કોમેન્ટ્સ આવકાર્ય ]

1 comment:

  1. figure conscious ladies are also one of the subject in this Bhukhmara article.and bhakri shaak to tootheless parents( inlaws) are also the subjects of Bhukhmara.

    ReplyDelete