Sunday, June 14, 2015

ટ્રાફિક સંબંધિત પાપ-પુણ્ય

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૪-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી | 
 

કોમ્પ્યુટરના દર મહીને નવા અપગ્રેડેડ મોડલ્સ આવે છે. મોબાઈલના મોડલ દર અઠવાડિયે બદલાય છે. થર્ડ જેન્ડરને માન્યતા મળે છે. જૂનાં કાયદા સ્ક્રેપ થાય છે અને નવા કાયદા આવે છે. આમ છતાં પાપ અને પુણ્ય કાર્યની વાત કરીએ તો એ લીસ્ટ હજુ ત્યાંનું ત્યાં જ છે. ગાયને ઘાસ નાખવાથી પુણ્ય મળે છે અને અન્નનો તિરસ્કાર કરવાથી પાપ લાગે છે. દાન કરવાથી પુણ્ય મળે છે અને ચોરી કરવાથી પાપ લાગે છે. શું તમને એમ નથી લાગતું કે કોઈના નામનું ફેક એકાઉન્ટ ખોલાવવું એ પાપ છે? શું તમને એમ નથી લાગતું કોઈનું ઈ-મેઈલ હેક કરવું એ પાપ છે? શું પતિ કે પત્નીના મેસેજ ખાનગીમાં વાંચવા એ પાપ નથી? શું તમને એમ નથી લાગતું કે પાપ અને પુણ્ય કાર્યો બદલાતા સમય સાથે બદલાવા જોઈએ? શું આ પાપ-પુણ્યનાં લીસ્ટમાં સુધારો-વધારો કરવાની જરૂર નથી લાગતી?
 
આજકાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. સતયુગમાં જયારે પાપ અને પુણ્ય વિષે વિદ્વાનોએ વિચાર કર્યો હશે ત્યારે ટ્રાફિકની સમસ્યા નહીં હોય જેથી કરીને ટ્રાફિક સંબંધિત પાપ-પુણ્ય લીસ્ટમાં જણાતાં નથી. જેમ કે કોઈના દરવાજા આગળ હાથી પાર્ક કરવાથી પાપ લાગે. અથવા કોઈના રથનું પૈડું બદલવામાં મદદ કરવાથી પુણ્ય મળે. આવું વેદ કે પુરાણોમાં વાંચવા નથી મળતું. તો ચાલો થોડું એ વિષે આપણે વિચારીએ.

સૌથી પહેલા તો કારણ વગર હોર્ન વગાડી પોતાનાં અસ્તિત્વની લોકોને જાણ કરવી એ ઘોર પાપ છે. આ પાપનો કરનાર નરકમાં જઈ સ્વપ્રશસ્તિપુર નગરમાં સ્થાન પામે છે. ત્યાં એ સવાર સાંજ જાણીતાં લેખકોની આત્મશ્લાઘા સાંભળવા પામે છે. માત્ર અડધો કલાક જ આવા સંભાષણ સાંભળી ત્રસ્ત થયેલ જીવ આગળના સાત જનમ ‘જરૂર પડશે તો પણ હોર્ન નહીં મારું’ તેવી કાલાવેલી યમદુતોને કરતો થઈ જાય છે. જે અડધી રાત્રે રીવર્સ હોર્ન વગાડી લોકોની ઊંઘ બગાડે છે તેને નરકનાં કચકચ નામના નગરમાં સ્થાન મળે છે જ્યાં રોજ એને હેડફોન પર ફૂલ-વોલ્યુમમાં યોયો હનીસિંગના ગીતો રીપીટ મોડમાં સાંભળવા પડે છે.

જેમ મા-બાપની સામે બોલો એ પાપ ગણાય છે તેમ વાંકમાં હોવા છતાં ટ્રાફિક પોલીસ સાથે જે જીવ માથાકૂટ કરે છે, અથવા કોક ઉચ્ચ પદધારી મહાનુભવને ફોન કરી દંડ ભરવામાંથી છટકવા પ્રયાસ કરે છે, તેને મર્યા પછી નર્ક સ્થિત લાગવગપુરની મુનસીટાપલીમાં કમ્પ્લેઇન નોંધવા બેસાડવામાં આવે છે. જે જીવ રસ્તા વચ્ચે વાહન ઊભું રાખી ‘હવે ક્યાં જવું?’ તે વિચાર કરે છે તેને મર્યા બાદ નરકની આદર્શનગર ઝૂપડપટ્ટીમાં ડ્રેનેજ લાઈન પર ખાટલો એલોટ થાય છે. જે કોઈના વાહન પાછળ પોતાનું વાહન પાર્ક કરી જતો રહે છે તેના મર્યા બાદ તેની છાતી પર દિવસમાં બાર કલાક સુમો પહેલવાન બેસાડવાની સજા પામે છે. જે મનુષ્ય ચાલુ વાહને બેદરકારીપૂર્વક પાનની પિચકારી મારે છે, તે નરકમાં તો જાય જ છે, પણ ત્યાં એને થુંકના સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ શીખતાં પાપીઓના કોચ તરીકે સેવા આપવી પડે છે.

આમ તો પૃથ્વીલોક પર જીવ એકલો આવે છે અને એકલો જવાનો છે. આમ છતાં ટુ-વ્હીલર પર અમુક જીવ ત્રણ, ચાર કે પાંચ સવારીમાં નીકળે છે. આવી રીતે જનાર પાપીને પોતાનું વાહન છોડી યમરાજાનાં વાહન એટલે કે પાડાને ઇશારે ચાલવું પડે છે. યમલોક અને મનુષ્યલોક વચ્ચેનું અંતર છ્યાશી હજાર યોજન છે. આ રસ્તો પાપીઓને મુનસીટાપલીનાં રસ્તા જેટલો જ દુર્ગમ લાગે છે. વાહન ચલાવતા જે જીવ મોબાઈલનો ઉપયોગ કરે છે, તે ઓર્થોપેડિક ડોકટરોએ પૂર્વજન્મમાં કરેલા સત્કૃત્યોનાં બદલા રૂપે સારા દિવસો દેખાડે છે. પણ ફ્રેકચર માટે કરેલા પ્લાસ્ટરની અંદર જ્યારે પાપીને ખણ આવે છે ત્યારે કાંસકો કે સળી અંદર જઈ શકતી નથી. કાર ચલાવતા જે જીવ મેસેજિંગમાં જીવ રાખે છે તે ફરી આફ્રિકામાં જન્મી ટપાલી તરીકે સંસ્કાર પામે છે. ટુ-વ્હીલર ચલાવતા જે ફોન પર વાત કરે છે તે જયારે યમલોકના કોલ સેન્ટરમાં પાણીની ફરિયાદ કરવા ફોન જોડે તો એનો કોલ દોઢ દોઢ કલાક સુધી લટકાવવામાં આવે છે.

થોડાં ટ્રાફિક સંબંધી પુણ્યો પણ જોઈ લઈએ. પૃથ્વીલોક પર જે કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સને અગ્રતા આપે છે એ પુણ્ય કમાય છે અને સ્વર્ગનાં ફ્રી-વાઈફાઈ નામનાં નગરમાં એને સારી વિન્ડ ડાયરેકશનનો બિયુ પરમીશનવાળો ફ્લેટ એલોટ થાય છે. જે કોઈ ઈન્ડીકેટર બતાવ્યા બાદ જ વળે છે તેને જીપીએસ દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિને સ્વર્ગમાં ક્યાંય કોઈને રસ્તો પૂછવો નથી પડતો. જે બિનજરૂરી હોર્ન નથી મારતો એ પછીના જન્મમાં ડબલ શક્તિશાળી કાન પામે છે. જે પોતાનાં સગીર પુત્ર-પુત્રીને લાઈસન્સ વગર વાહન ચલાવવા દેતો નથી તે મનુષ્ય યોનિમાં ફરી જન્મ પામે ત્યારે એણે કોઇપણ પ્રકારના લાઈસન્સ મેળવવા લાઈનમાં ઊભા રહેવું પડતું નથી.

એટલું જ નહીં પણ જેમ પુરાણોમાં પૃથ્વી પર કોઈ મંગલ કે સારા પ્રસંગે દેવદૂતો ઉપરથી પુષ્પવર્ષા કરતાં હતાં એમ જે જંકશન પર લોકો ટ્રાફિક સિગ્નલ બરોબર ફોલો કરતા હોય તેમના પર ટ્રાફિક પોલીસ ગુલાબજળ છાંટે છે. જે લોકો લેનમાં ડ્રાઈવિંગ કરે છે તેમને સ્વર્ગની સ્માર્ટ લેનમાં પ્રવેશ મળે છે.

જેમ પાપી ગંગામાં સ્નાન કરી પોતાનાં પાપ ધોઈ શકે છે એમ ટ્રાફિકમાં વારંવાર પાપ કરનાર પણ પુણ્ય કાર્ય કરી પોતાના પાપ ધોઈ શકે છે. એકવાર ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યાનું પાપ મુંબઈની લોકલ ટ્રેઈનનાં સેકન્ડ ક્લાસમાં એક વાર મુસાફરી કરીને ભૂંસી શકાય છે. આ સિવાય ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક મોનીટરીંગ માટે વિડીયો કેમેરાનું દાન કરીને પુણ્યનું ભાથું બાંધી શકાય છે. આવા પુણ્ય જેણે ભેગા કર્યા હોય તે મર્યા બાદ જયારે છ્યાંશી હજાર યોજન કાપે છે ત્યારે એને રસ્તામાં કોઈ સિગ્નલ નડતાં નથી. પીક અવર્સમાં ટ્રાફિકના નિયમનું પાલન કરનારનાં પુણ્ય બેવડાઈ જાય છે, પણ જે નિયમોનું ઉલ્લંઘન કરે તેનાં પાપ ચાર ગણા વધારે ચોપડે ચઢે છે. એકંદરે ટ્રાફિક સંબંધિત આ પાપ-પુણ્ય વિષે વાંચી તમે ફફડી ન ઉઠ્યા હોવ તો તમને ટ્રાફિક પોલીસ ધોકાવે તેની રાહ જુઓ, તો જ તમે સીધાં થશો ! n
---
કોમેન્ટ્સ આવકાર્ય !

1 comment:

  1. Chalu gadi e cigarate na thutha fenke ene su saja thavi joie????

    ReplyDelete