Sunday, May 10, 2015

આંખના ઉલાળા અને પાયલના ઝણકાર વગરનો મેળો – પુસ્તક મેળો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૦-૦૫-૨૦૧૫

સદીઓથી મેળા આપણા લોકજીવનનો ભાગ રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ વર્ષે દહાડે ભવનાથ, શામળાજી અને અંબાજીના મેળા સહીત દોઢ હજાર જેટલા મેળા ભરાય છે. બીજા ધાર્મિક મેળાઓમાં દર બાર વર્ષે ભરાતો કુંભ મેળો પ્રખ્યાત છે. વેકેશનમાં આનંદ મેળાઓ યોજાય છે. જુદા જુદા સમાજો જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરીને લગ્નેચ્છુકોને ડાળે વળગાડે છે. ચોમાસા પહેલાં સરકાર કૃષિમેળાનું આયોજન કરે છે. અમદાવાદમાં છેલ્લા થોડા વર્ષોથી પુસ્તક મેળો ભરાય છે. મુનસીટાપલીના પુસ્તકમેળામાં ધાર્મિક મેળાના બ્રાન્ડ એમ્બેસેડર ગણાય એવા દિગંબર સાધુઓ તો જોવા ન મળ્યા પણ પુસ્તકોના આ સરોવરમાં પીંછા પલાળ્યા વગર મોજથી તરી રહેલા મુલાકાતી રૂપી બતકો સારી એવી સંખ્યામાં જોવા મળ્યા.

પહેલાંના મેળા અને આધુનિક મેળામાં ઘણો ફેર છે. હિન્દી ફિલ્મોને આધાર ગણીએ તો પહેલાના જમાનાના મેળામાં બાળકો મા-બાપથી છુટા પડી જવાની ઘટનાઓ ઘણી બનતી. આ છુટા પડેલા બાળકો મોટા થઈને ડાકુ કે પોલીસ ઇન્સ્પેક્ટર બને તે પછી એમનું મા-બાપ સાથે મિલન થતું. આજે તો ટેણીયું છૂટું પડે તો ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને પપ્પાને કહી દેશે કે ‘હું ફૂડ કોર્ટ ઉપર છું અહીં આવી જાવ’. એ જમાનામાં મેળાની સીઝનમાં તમને એક પણ ડાકુ નવરો નહોતો મળતો કારણ કે એ સમય બહારવટિયાઓ અને ડાકૂઓ માટે ‘ધંધે ટેમ’ ગણાતો. કાળા ખમીસ અને ધોતિયા-સાફામાં સજ્જ ડાકૂઓ ઘોડા ઉપર સવાર થઈને આવતા અને વેપારીઓ અને ગ્રામજનોને લૂંટતા. આજકાલ પુસ્તક મેળામાં અમુક નવતર પ્રકારના બહારવટિયાઓ આવે છે. મોંઘાં બ્રાન્ડેડ કપડામાં કે પછી ખાદીના કપડામાં સજ્જ થઈને લક્ઝરી કારોમાં આવતા આ બહારવટિયા સંબંધ કે હોદ્દાની અણીએ સ્ટોલવાળા પાસેથી મોંઘાં પબ્લિકેશનો ગીફ્ટમાં પડાવતા જાય છે. હજી પણ પુસ્તક મેળાઓ ઊંડો વાંચનરસ પણ પ્રમાણમાં ઓછી ખરીદ શક્તિ ધરાવતા અદના વાચકોના સહારે જ ટકી રહ્યા છે એ હકીકત છે.

આનંદ મેળામાં મોતનો કૂવો હોય છે. પુસ્તક મેળામાં પણ આવા મોતના કૂવા જેવા પ્રકાશનો હતા જે વાંચીને આપણું મગજ ચકરાવે ચઢે. પુસ્તક મેળામાં અન્ય મનોરંજક કાર્યક્રમો જેવા કે નાટકો, કવિ સંમેલનોનું મફત આયોજન કરવામાં આવ્યું હતું. મફત શબ્દ અમદાવાદીઓને બદનામ કરવા માટે વાપરવામાં આવે છે, પણ આ મેળામાં મફતનો લાભ લેવા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવ્યા હતા. પુસ્તક મેળામાં અમારા સહિત ઘણાં કવિ-લેખકો પણ રખડતા જોવા મળ્યા હતાં. આયોજકોએ એમના માટે ખાસ એક ઓથર્સ કૉર્નર એટલે કે લેખકોનો ખૂણો પણ રાખ્યો હતો. આ ખૂણામાં નામી-અનામી લેખકો તેમના કેપ્ટીવ ઓડીયન્સ સાથે પધાર્યા હતાં. એમને સાંભળીને ઘણાંએ એવું સૂચન કર્યું હતું કે આ લેખકોએ થોડા વર્ષો ખૂણો પાળવો જોઈએ.

હું તો ગઈ’તી મેળે .... ગુજરાતી ગીત સુપર પૉપ્યુલર છે. નાયિકા આ ગીતમાં પોતાના મેળાનુભવો વર્ણવે છે. એના મેળામાં આંખના ઉલાળા અને ઝાંઝરના ઝણકાર હોય છે. મેળામાં હૈયા મળે છે, જોબનના રેલામાં હૈયું તણાઈ જાય છે, વગેરે વગેરે. બુક ફેરમાં આવું કંઈ નહોતું. અહીંતો આંખના ઉલાળા કરનારને તાણી જવા માટે ખાસ બાઉન્સરો રાખ્યા હતા! અહીં દસ ટકા ડિસ્કાઉન્ટમાં પુસ્તકો વેચાય છે. સ્ટૉલ વચ્ચેના પેસેજમાં સ્નેહમિલન સમારંભ થાય છે. અમદાવાદી આવી ગરમીમાં કોઈને ઘેર બોલાવવાને બદલે એસી કન્વેન્શન હોલમાં મળવાનું બારોબાર પતાવી દે છે. એ પછી ફૂડકોર્ટ તરફ ધસારો થાય છે. ટૂંકમાં બુકફેર પર આવું કોઈ સુંદર ગીત રચાય એવી શક્યતા નહિવત્ છે. છતાંય કોઈ કવિ કે કવયિત્રી બુક-ફેરની પ્રશસ્તિમાં ગીત ઘસડી નાખે તો કંઈ કહેવાય નહિ.

અમદાવાદનો પુસ્તક મેળો અને એમાં સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવાની હિમાયત કરનારા કાળા બિલ્લાં લગાડીને જાગૃતિ આણતાં ફરતાં જોવા મળ્યા હતા. જોકે બિલ્લાં લગાડી ફરનારા સાહિત્ય પ્રેમીઓ કોઈ એક પોલીટીકલ આઈડીયોલોજીનાં અથવા કોઈ એક આઈડીયોલોજીનાં વિરોધી હોય એવું વધારે લાગ્યું. અમને પણ રસ છે કે અકાદમી સ્વાયત્ત થાય. અમને આશા છે કે અકાદમી સ્વાયત્ત થશે એટલે દરેક સાહિત્યપ્રેમીની લાઇબ્રેરીમાં એક-એક હજાર પુસ્તક જમા થશે. અથવા બની શકે કે કવિ-લેખકો એકબીજાની ટાંટિયા-ખેંચ બંધ કરી દેશે.

લોકમાન્ય તિલકે કહ્યું છે કે “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં એની મેળે જ સ્વર્ગ રચી દશે.” પણ અમને લાગે છે નરકની લાઇબ્રેરીમાં છાપ્યા પછી વેચાતાં કે વંચાતા ન હોય તેવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવતાં હશે, જે નર્કજનોને સજા તરીકે વાંચવા પડતાં હશે. જો આદરણીય તિલકજીની પુસ્તકોમાં સ્વર્ગ રચવાની શક્તિવાળી વાત માની લઈએ તો પુસ્તક મેળામાં સ્વર્ગ સમું વાતાવરણ હોવું જોઈએ. કમનસીબે પુસ્તક મેળામાં પણ લોકો આ દુનિયામાં આવે છે એમ ખાલી હાથ આવતા અને ખાલી હાથ જતાં જોવા મળ્યા! આ માનસિકતા નહિ બદલાય તો આ પ્રકારના મેળા ટૂંક સમયમાં જ ઓક્સિજન ઉપર આવી જશે એ નક્કી જાણજો. 

મસ્કા ફન

પુસ્તક મેળામાં બે પ્રકારનાં લેખકો જોવા મળ્યા. એક જેમને વાચકો શોધતા હતાં, અને બીજા જે વાચકોને શોધતા હતાં !

No comments:

Post a Comment