Saturday, August 06, 2011

આપણી ગાળ સંસ્કૃતિ

| અભિયાન | હાસ્યમેવ જયતે | અધીર અમદાવાદી | ૨૩-૦૭-૨૦૧૧ |
ઉત્તર પ્રદેશમાં વીસપુર અને મહુઆરી કરીને ગામોમાં નાગપંચમીનાં દિવસે એકબીજાને ગાળો આપવાનો રિવાજ છે. અહીં મહિલાઓ સહિત સૌ પેટ ભરીને એકબીજાને ગાળો આપે છે, છતાં કોઈ ખરાબ નથી લગાડતું. અને એકવાર તો આ રિવાજ બંધ કરાવવા માટે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ગાળાગાળી બંધ કરવાથી ગામ પર આપત્તિ આવી હોવાનું લાગતાં પાછો આ પવિત્ર રિવાજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તો જેમને ડેલી બેલી ગમ્યું છે, તે લોકો પોતાનાં જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા આ નાગપંચમી પર ઉત્તરપ્રદેશ જવા માટેનું બુકિંગ કરાવી શકે છે. આ તો વાત થઈ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની. પણ ગાળો દેવાનો રિવાજ બીજે બધે પણ ઘણો પ્રચલિત છે. જેમ કે યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરને વિદ્યાર્થી નેતાઓ, સત્તાધારી પક્ષને વિરોધ પક્ષ, સસરાને જમાઈ, ચોરને પોલીસ, પતિને પત્ની, ફેકટરી માલિકને યુનિયન લીડર, અને કર્મચારીઓને બોસ તેમને મળેલા રાઇટ ટુ ગાલિપ્રદાન અંતર્ગત ગાલિપ્રદાન કરી શકે છે. 

હિન્દી ફિલ્મોમાં જોકે ગાળો કાંઈ નવી નથી. હિન્દી ફિલ્મોમાં ગાળો માટે લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ ચોક્કસ ધર્મેન્દ્રનાં વર્ષોના યોગદાનને આધારે આપી શકાય. ધર્મેન્દ્રએ તો મુખ્યત્વે કુત્તા અને કમીના એ બે પ્રમાણમાં ઓછી વાંધાજનક ગાળોને જાણીતી કરી હતી. ધમભાએ તો આદતથી મજબૂર થઈને ગબ્બરની ટોળકીને પણ પાગલ કુત્તા ઠરાવી બસંતીને એમની સામે નાચવા મનાઈ ફરમાવી હતી. પરંતુ, સમદ્ગષ્ટિ બસંતીને કૂતરાં સામે નાચ કરવામાં કદાચ કશુંય વાંધાજનક ન લાગવાથી એણે જબ તક હૈ જાંવાળો મશહૂર ડાન્સ કર્યો હતો. અને ભારતમાં તો રખડતાં કૂતરાની ઉપસ્થિતિમાં ક્રિકેટ સ્ટૅડિયમમાં મેચ રમાય જ છે ને ? તો પછી ડાન્સ કરવામાં શું વાંધો હોઈ શકે ? શોલેના લેખક સલીમ-જાવેદ પણ કદાચ ડેલી બેલીનાં લેખક જેટલા ગાળોના જાણકાર નહિ હોય, એટલે શોલેમાં ગબ્બરના મોઢે સૂવર કે બચ્ચોજેવી સાદી ગાળો મૂકી આપી હતી. હવે વિચારો કે ભૂંડના છોકરાં કેટલા ક્યૂટ હોય છે ? એમની સરખામણી એણે કાલિયા એન્ડ કંપની સાથે કરી કાલિયા માટે પ્રેક્ષકોમાં હમદર્દી ઊભી કરી દીધી હતી. આથી જ તો જ્યારે ગબ્બર ત્રણ જણને ઢાળી દે છે ત્યારે આવા માસૂમ સૂવરનાં બચ્ચાઓને મારવા બદલ લોકોને ગબ્બર માટે ધિક્કાર થઈ જાય છે. તમને પણ થયો હતો ને ?

અને આપણા ઘર આંગણે ગાળોનું કાશી કહેવાય એવા સુરતમાં ગાળોની કોઈ નવાઈ નથી. શ્વાસ લેતાં, મૂકતાં, રોકી રાખતાં, જતાં, આવતાં, ખાતાં, અને ખાસ કરીને પીતાં બધે ગાળો સરે છે. સુરતમાં ગાળ ગાળ નહિ, વાતચીતની રીતભાત છે. જેમ પીધેલ વ્યક્તિને પોતે ‘પીધલી’ છે, એવો અહેસાસ નથી હોતો એમ સાચા સુરતીને પોતે ગાળ બોલે છે એવો અહેસાસ નથી હોતો. એક જોક મુજબ, કોઈ સુરતીને પૂછે છે કે તમે સુરતીઓ બહુ ગાળ બોલો નહિ ? તો જવાબ મળે કે (ગાળ) એ અમે નહિ, એ (ગાળ) બીજા. અને સુરતમાં રસ્તે જતાં જો કોઈ નાનો અકસ્માત સર્જાય તો સુરતી હોય તો બે-ચાર ગાળનું આદાન પ્રદાન કરી એકાદ નવી ગાળ શીખી આગળ વધે છે. પણ આવું કશું અમદાવાદમાં થાય તો ગાળો બોલવાથી સંતોષ ન લેતાં જાતક પોતાનાં મસલધારી મિત્રોને મોબાઈલ કરી સત્વરે બોલાવી લે છે. પછી ગાળ કેમ દીધી એ મામલે શક્તિ પ્રદર્શન થાય. જે વાત સુરતમાં માત્ર ગાળથી પતે, તે અમદાવાદમાં આમ લાફાલાફી બાદ પતે છે. પણ આવું જ કશું સૌરાષ્ટ્રમાં થાય તો પછી ખેલ ખરાખરીનો થઈ જાતાં અંતમાં એકાદબેનાં ઢીમ ઢળી જાય છે. હવે તમે જ નક્કી કરો કે ક્યાંના લોકો સારા ? બેશક સુરતના જ !

સુરતમાં ગાળોનું વૈવિધ્ય પણ આ લખનારને સારું જોવા એટલે કે સાંભળવા મળ્યું છે. આમ તો મેં ગાળો માત્ર સાંભળી છે એવું કહેવાય, ખાધી પ્રમાણમાં ઘણી ઓછી છે. જો કે મારા ભૂતપૂર્વ પ્રેમાળ પારસી બોસ કાપડિયા સાહેબ મારા સહિત બધાંને ગાળો દેતા હતાં, પણ એમની તકલીફ એ હતી કે એ એક વાક્યમાં ગાળ બોલતાં તો બીજા વાક્યમાં એ દીકરા પણ કહેતા, એટલે એમની ગાળો કદીય ગાળ નહોતી લાગતી. સુરતી ગાળોનું પણ એવું જ છે. સુરતી ગાળ બોલે તે ગાળ લાગે નહિ. પણ મઝા કૉલેજનાં રેગિંગમાં આવે. ગાળો બોલાવવી એ સીનીયરોને બહુ ગમે. એમાં જો કોઈ જુનિયર સુરતી છે એવું ખબર પડે તો એને એક પણ ગાળ રીપીટ ન થાય એવી રીતે પાંચ મિનિટ કે દસ મિનિટ સુધી ગાળો બોલવા આદેશ મળે છે. અને કહેવાની જરૂર નથી કે પછી સીનીયરો હસી હસીને બેવડ વળી જાય, અને આ રેગિંગમાં પાર ઉતરેલ જુનિયર સુરતી બીજાં દિવસે જુનિયરોના રેગિંગમાં સીનીયરોને સુરતી ભાષામાં માર્ગદર્શન આપતો પણ જોવા મળે.

અમુક મેડિકલ સંશોધનો કહે છે કે ગાળો બોલે એ લોકો લાંબું જીવે છે. સ્ત્રીઓ રડીને હળવી થઈ જાય છે એટલે એમને પુરુષોના પ્રમાણમાં ઓછા હાર્ટ ઍટેક આવે છે. પુરુષો ગાળો બોલી હળવા થઈ શકે છે, અને હાર્ટ એટેકમાંથી બચી શકે છે. હવે તો જોકે સ્ત્રીઓને પણ સ્ટ્રેસના લીધે હાર્ટ ઍટેક આવે છે, એટલે જ કદાચ, ખાસ કરીને એટલે મધ્યમ વર્ગને છોડીને ઉપરના અને નીચલાં વર્ગની સ્ત્રીઓમાં પણ ગાળો બોલવી એ ઇન થીંગછે. પણ પુરુષો મા-બહેન સમાન ગાળો બોલે છે, તો સ્ત્રીઓ શું ભાઈ-બાપ ઉપર ગાળો બોલતી હશે ? એ અમારા સહિત ઘણાં લોકો માટે  કુતૂહલનો વિષય છે.

ગાળો બોલવી એ અનુભવનો વિષય છે. નવા નિશાળિયા જેમ નવા ગાળોડિયા અલગ તરી આવે છે. નવા નિશાળિયા ગાળ બોલે તો ગાળ અને વાક્ય વચ્ચે પૂરતું સંયોજન નથી થતું એટલે એકંદરે એ જો દસ ગાળ બોલી જાય તો ગાળનો ઘડિયો બોલતો હોય તેવો ભાસ થાય છે. આથી વિરુદ્ધ અઠંગ ગાળવીર સહજતાથી ગાળ બોલે છે. એનાં ગાલિપ્રદાનમાં વ્યાકરણની ભૂલ શોધવી મુશ્કેલ હોય છે. અરે, અમુક વખત તો ગાળો પણ છંદમાં આવે છે અને એમાં વાપરતા અલંકારનાં ઉપયોગથી ધુરંધર કવિઓ પણ ચકિત થઈ જાય છે. ગાળોમાં અંત્યાનુપ્રાસ આવે, વર્ણાનુપ્રાસ આવે, અને રૂપક અને ઉપમા તો હોય જ છે. ગાળોની શાયરી હોય, અને શાયરીમાં ગાળો આવે. અને ગાળોમાં કાફિયા અને રદીફ પણ આવે. વાક્યની શરૂઆતમાં જો ગાળ આવે તો વાક્ય પૂરું પણ ગાળથી જ થાય છે. લાંબા વાક્યમાં વચ્ચે અલ્પવિરામ તરીકે પણ ગાળ આવે છે. જોકે સ્થળ સંકોચના લીધે એ બધું અહિં ઉદાહરણ સહિત સમજાવી શકાય એવું નથી.

ક્રિકેટના અનુભવી બૉલરને જેમ કયા બેટ્સમેનને કેવો બોલ નાખવો, ક્યાં પીચ પાડવી, કેટલી ઝડપથી બોલ નાખવો તે ખબર હોય છે તેમ ગાળ ચેમ્પિયનો કઈ વ્યક્તિ સામે કઈ ગાળ બોલવી, કેટલી તીવ્રતાથી બોલવી વગેરે ખબર હોય છે. બૉલરને અમુક જગ્યાએ ટપ્પી પાડવાથી બેટ્સમેન કઈ દિશામાં બોલ રમશે તે ખબર હોય છે તેમ અનુભવી ગાળવીરને ગાળનાં પ્રત્યાઘાત કેટલા અને કેવાં પડશે તેનો અંદાજ હોય છે. આથી જ તેઓ પોતાના ગાળ-ભાથામાં ગાળો તૈયાર રાખે છે.

સામાન્ય રીતે ગાળ બોલવા સાથે આંગળી, હાથની અમુક મુદ્રાઓ, કોણીથી ડમ્બેલ્સ ઉપયોગ કરતાં હોઈએ એ રીતે ઇશારો, કમરથી ખાસ પ્રકારના ઝટકા આપવા વગેરે અનિવાર્ય ગણાય છે. અને અમુક ગાળો માટે તો પર્યાય રૂપ સંજ્ઞા કે અભિનય એટલાં પ્રચલિત થઇ ગયા છે ગાળ ન બોલો તો પણ ફક્ત ઈશારાથી કામ ચાલી જાય! જો જો ગેરસમજ ન કરતા. અમે જે કહ્યું એનું જાહેર પ્રત્યક્ષ નિદર્શન ક્રિકેટની વન-ડે કે T-20 મેચમાં વિકેટ લીધા પછી બોલરો અવારનવાર કરતાં જ હોય છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કોચ ચૅપલનો અંગુલિનિર્દેશ પણ ઘણો મશહૂર થયો હતો. અને ટીવી પર મેચ જોનાર ગાળોના અમુક ધુરંધરો તો હોઠના ફફડાટ પરથી બૉલર કઈ ગાળ બોલ્યો હશે એ અંગે શરત પણ મારતા હોય છે. અને રિપ્લે સુધીમાં તો વલણ પણ ચૂકવાઈ જતા હોય છે!

અમુક લોકો ગાળ બોલે તો એ ગાળો કાનના કીડા ખેરવી નાખે તેવી હોય છે. જોકે અમારા કોઈ ડૉક્ટર મિત્ર આ વાત સાથે સહમત નથી. જો ગાળોથી કીડા ખરી પડે તો ડોક્ટરો નવરાં થઈ જાય. કે પછી એવું બંને કે કાન-નાક-ગળાના ડૉક્ટરની હોસ્પિટલમાં એક જણને આ કીડા ખેરવવા માટે ખાસ રોકવામાં આવે જે જરૂરીયાતમંદ દર્દીઓના કાનમાં ગાળો બોલ્યા કરે. જો કે ગાળોની કીડાઓ પર અસર એ વિષય પર સંશોધન કરવા જેવું તો ખરું. આ રૂઢિપ્રયોગ કઈ એમનેમ તો ચલણમાં નહિ આવ્યો હોય ને ?

હળવી ગાળોમાં ગધેડા શબ્દનો પ્રયોગ એ પ્રમુખ સ્થાને છે. અહિ ગધેડું એ બેવકૂફીનો પર્યાય ગણાય છે. આ લખનારે એનાં ફેસબુક પ્રોફાઇલમાં ફોટાને બદલે ગધેડાનું કાર્ટૂન પણ કદાચ એટલે જ મૂક્યું છે. આ ઉપરાંત હળવી ગાળોમાં મૂર્ખ, બેવકૂફ, અક્કલ વગરનો, ડફોળ, ભોટ, અક્કલનો ઓથમીર, બુદ્ધિનો બારદાન, જાડી ચામડીનો, બુદ્ધિનો બળદ, ભેંસ, પાડો, કૂતરો, ભૂંડ, ગેંડો, કાગડો, શિયાળ, ઘુવડ, ગીધ, અકલમઠો, દુષ્ટ, પાપી, અધમ, નીચ, નપાવટ, અને આવી બીજી પચાસ ગાળો બોલો ત્યારે બોલનારને માંડ સંતોષ થાય છે, પણ આને બદલે એક પાકી ગાળ દો એટલે પૂરું ! 

આજના આ સાયબર યુગમાં જે કઈ શોધો થઈ તે તમામનો ઉલ્લેખ આપણા વેદોમાં અને પુરાણોમાં મળે છે. જુગાર તો મહાભારત કાળમાં પણ રમાતો હતોએવું તીન પત્તિ જુગારના ચાહકો સ્વબચાવમાં કહેતા હોય છે. તો ગાળપ્રેમીઓ શ્રી કૃષ્ણ અને શિશુપાલનો સંદર્ભ ટાંકી ને સો ગાળ તો ભગવાન પણ ચલાવી લે છેએમ કહી ને સંભળાવતા હોય છે! હવે શિશુપાલ એ સો ગાળ એક દિવસ, મહિના કે વર્ષમાં બોલ્યો હશે એ અધ્યાહાર રાખીને આધુનિક શિશુપાલો ૧૦૦ની સ્પીડે ગાળો દેતા હોય છે. અમારા જૈમિન જાણભેદુને તો લાગે છે કે પુરાતત્વવાળા દક્ષિણ ગુજરાતમાં જો ખોદકામ કરે તો કદાચ શિશુપાલનું મંદિર મળી આવે, અને એનો પુનરુદ્ધાર કરે તો ફરી થી 'ધમધમતું' થઈ જાય. જોકે વિધિની વક્રતા એ છે કે ગુજરાતીમાં ગાળો આપવાની ક્રિયા માટે કટાક્ષમાં સરસ્વતી સંભળાવવીકે સરસ્વતી ભણવીકે સ્વસ્તિ વચન ભણવાએવો પ્રયોગ લેખકો કરી ચૂક્યા છે, પણ આ બાબતે કદી ઊહાપોહ થયો હોય એવું સાંભળ્યું નથી. બની શકે કે હુસેનનાં ચિત્રો ફાડનારા કદાચ એ વખતે જન્મ્યા નહિ હોય !

આમિર ખાનનું ડેલી બેલી આ ગાળોની બીપથી પોપ્યુલારીટીથી મેળવી ચૂક્યું છે. એક્ટર આમિર આમ તો એવૉર્ડ સમારંભમાં જતો નથી, એવૉર્ડ લેવામાં માનતો નથી, પરંતુ આ વર્ષે પણ એને શ્રેષ્ઠ ફિલ્મ માર્કેટિંગનો એવૉર્ડ મળી શકે છે. જો કે એવૉર્ડનો ખરો હકદાર સ્ક્રીપ્ટ રાઈટર છે, જેણે ગાળમાંથી પણ કરોડો રૂપિયા પેદા કરી બતાવ્યા. પણ અમારા વિતર્ક વાંક્દેખાને આ ચીપ પોપ્યુલારીટી લાગે છે, એને તો હવે એવો ડર લાગે છે કે ભારત ખેતી પ્રધાન દેશમાંથી ઉદ્યોગ પ્રધાન દેશ થતા થતાં હવે ગાલિપ્રધાન દેશ બની જશે.

2 comments:

  1. adhirbhai ... vachine ..bau j hasyo hu ... khas karine .. hathi ni mudrao .. koni thi dumbels ... sakhat ... maza aavi gai :)

    ReplyDelete
  2. ખતરનાક લેખ અધીરભાઈ,

    એક વધુ વાત યાદ આવે છે. ગાળ બોલવાની પણ એક છટા હોય છે. ૨, ૩, ૪ કે વધુ અક્ષરોની ગાળમાં કયા અક્ષર પર ભાર મુકો તો એની વધુ અસર થાય એ પણ એક સંશોધનીય વિષય છે.

    આ બાબતે ગાળ અને રબરબેન્ડ મળતા આવે છે. જેમ રબરબેન્ડ ખેંચીને કોઈ ની કમરે ચટકારો, તેવી જ રીતે ગાળના પ્રથમ અક્ષર પર ભાર મુકીને અને એને થોડો લંબાવી ને બોલો તો થોડી એ સંભાળનાર ને વધારે ચચરી ઉઠે. આવું મારું નિરીક્ષણ છે. એકાદ-બે પાકી ગાળો આ રીતે બોલી ને પ્રયોગ કરી જુઓ અને કહો તમારો શો મત છે આ વિષે???

    ReplyDelete