Sunday, August 21, 2011

ક્રિશ્નાને કાગળ

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | અધીર અમદાવાદી | ૨૧-૦૮-૨૦૧૧ |

ડિયર ક્રિષ્ના :) ,

તને કયા નામે બોલાવવો એ પ્રશ્ન ખુબ ચર્ચાઈ ગયો છે, કેટલાય તો ભજનો બન્યા છે, પણ એ બધું મને બહુ બોરિંગ લાગે છે એટલે હું તો ક્રિષ્નાથી કામ ચલાઉ છું. અહિ ફેસબુક પર લોકો એક કરતાં વધારે નામથી એકાઉન્ટ રાખે છે. ભારતવર્ષમાં તો આજકાલ ખાલી હિસ્ટ્રીશીટરો એક કરતા વધારે નામ રાખે છે. જેમ કે ચકો ચેઈન ઉર્ફે ભૂરો ઉર્ફે દીનુ ડોન, એવા બહુનામધારી અહિં અસામાજિક પ્રવૃત્તિ કરતાં જોવા મળે છે. અને આપણાં કવિઓ પણ એક કરતા વધારે નામ ધરાવે છે, અને એ લોકોનો ત્રાસ પણ હિસ્ટ્રીશીટરોથી કમ નથી હોતો. : P

હેય નટવર, તારા આ નટવર નામધારી એક મનુષ્ય લોકો સાથે છેતરપીંડી કરવા માટે મશહૂર થયો હતો. એટલે સુધી કે પછી આવા ઠગોને લોકો નટવર લાલ નામથી ઓળખે છે. ભારતના એક ભૂતપૂર્વ વિદેશ પ્રધાન પણ હતાં, નટવર સિંઘ નામથી, જેમણે ઓઈલ ફોર ફૂડ સ્કેમ કર્યું હતું, જેમની પછી કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થઇ હતી. જો કે આ કૌભાંડ કદાચ આઠ દસ કરોડનું હતું એટલે પછી શું થયું તેમાં લોકોને બહુ રસ નથી પડ્યો. તારા અન્ય એક નામધારી નરસિંહ રાવ એક વખત વડા પ્રધાન હતાં, જેમણે નિર્ણયો ન લેવાની નીતિ દેશને આપી હતી, જે પાછળથી નરસિંહ રાવ નીતિ તરીકે જાણીતી થઇ હતી. તારા એક નામ કૃષ્ણ પરથી હાલ એક વિદેશ પ્રધાન છે જે ભૂલમાં ભળતા સળતા ભાષણો વાંચી ભારત વર્ષનું નામ છેક યુએનમાં રોશન કરી આવ્યા છે.  અને એટલું પૂરતું ન હોય તેમ ભારતમાં સજા ભોગવી રહેલા એક કેદીને પાકિસ્તાન છોડી દેશે તેવી આશા પણ વ્યકત કરી હતી !

તારા નામધારી મનમોહન આજકાલ ભારતવર્ષના નાઈટ વોચમેન તરીકે કામ કરી રહ્યા છે એ તો તારી જાણકારીમાં હશે અંતરયામી. આમ તો એ પણ તારી માફક સહનશીલ છે. તેં જેમ તારા કઝિન શિશુપાલની અનેક ભૂલો માફ કરી હતી એમ એમણે પણ આતંકવાદીઓ, માઓવાદીઓ, પ્રાંતવાદીઓ, ભ્રષ્ટાચાર વાદીઓ, લાંચવાદીઓ જેવા કઈક વાદીઓની હરકતો ને પ્રેમથી નિભાવી લીધી છે. તેં તો શિશુપાલના સો ગુના પછી તારું સુદર્શન ચક્ર ચલાવ્યું તું. પણ પ્રભો, અમારા મનમોહન એટલા ભલા માણસ છે કે એ ફાંસીએ ચડવાની રાહ જોઈ રહેલોઓને જેલમાં ચિકન ખવડાવીને તગડા કરે છે !

હેય નટખટ, તારે તો સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી. આ વાત માટે કુંવારાં અને રસિકજનો તારી ઇર્ષ્યા કરે છે અને પરણેલા પુરુષો તને અહોભાવથી જુએ છે. કારણ કે અહિં તો માત્ર એક પત્ની ધરાવતાં લોકો કંટાળીને સંન્યાસ લઇ લે છે, તો તું કઈ રીતે આટલી બધીઓને સાચવતો હતો એ સમજ નથી પડતી. રો એવરે ચુમાલીસ રાણીઓના તો તારે બર્થ ડે આવતાં હશે, તો આટલી બધીઓને વિશ કરવાનો અને ગીફ્ટ આપવાનો સમય તું કઈ રીતે કાઢતો હતો ? રાણીઓમાંથી કદાચ અમુક સગી બહેનો હોય એ બાદ કરો તો અંદાજે સોળ હજાર સાસુઓ અને સોળ હજાર સસરા તમને તાણ કરીને રક્ષા બંધન પર ને બેસતાં વર્ષે ઘેર જમવા બોલાવતા હશે, તો એમને તું કઈ રીતે ટોપી આપતો હતો તે અંગે કોઈ નોંધ લખી હોય તો જણાવજે જેથી અહિ જે ત્રણ ચાર પત્ની વાળા લોકો છે તેમને કામ આવે.

હેય ગોકુળના કિંગ, ભારતમાં ડેરી ઉદ્યોગ આજકાલ ખુબ વિકાસ પામ્યો છે એ જાણી તને આનંદ થશે. દૂધના ભાવો હવે દર મહિને વધે છે. રાજસ્થાનમાં એક ડેરી અધિકારી પાસે વચ્ચે કરોડો રૂપિયા અને સોનું મળી આવ્યા હતાં. અને તારા ગાયોના પ્રત્યેના લગાવને ધ્યાનમાં લઈને ગાયોના ઘાસચારા માટે કરોડો રૂપિયા ફાળવવામાં તો આવે છે. અમારા અમદાવાદમાં પણ ગાયો મુક્ત વિહાર કરે છે, એટલે કવિ દલપતરામના પેલા આઝાદી પહેલાના ગીતને આજ કાલ આમ ગવાય છે,

દેખ બિચારી ગાયનો કોઈ જાતા પકડે કાન,
એ ઉપકાર ગણી સરકારનો, હરખ હવે તું અમદાવાદ

પણ હે વાસુદેવ, સાચું કહું, તું જો આજ કાલ ભારતમાં ક્યાંક તારા કૃષ્ણાવતાર વાળા કામો કરતો હોત તો રો તું છાપે ચઢત, દરેક પોલીસ સ્ટેશનમાં તારા ફોટા લટકતા હોત, અને તારી સામે હજારો એફ.આઈ.આર. દાખલ થઇ હોત, ભલું હોત તો સી.બી.આઈ.ની તપાસ પણ ચાલુ હોત કે પેલા જરાસંઘ અને ભીમની લડાઈ વખતે પેલા દાતણ ચીરવા વાળો ઈશારો કરીને તે ભીમને ઉશ્કેર્યો હતો ! કે પછી છેવટે મહાભારતના જયદ્રથવાળા કેસમાં તો તને છેતરપીંડી માટે મુખ્ય આરોપી તરીકે અને માનવવધમાં સહઆરોપી તરીકે જરૂર ફીટ કર્યા હોત. અને મહાભારતમાં અર્જુનને સંહાર કરવા તેં સુચના પી હતી તે મામલે કોક અંદરનું તારા સામે એફિડેવિટ કરત, અને પુરાવા તરીકે ગીતાના અઢાર અધ્યાય રજૂ કરત.

પણ હે યુગપુરુષ, यदा यदा ही धर्मस्य.. કહી તેં અમોને બધાને ટીંગાડી રાખ્યા છે. જ્યારે પેટ્રોલના ભાવ સાઈઠ પર ગયા ત્યારે તો થયું હતું કે હવે તો તું તારી ઇન્ડિયાની ટીકીટ બ્લોક કરીશ . અને જ્યારે સંસદમાં નોટો ભરેલી સુટકેસો ઉછળી ત્યારે પણ થયું તું કે હમણાં ક્યાંકથી તું હિન્દી પિક્ચરના હીરોની જેમ પ્રગટ થઈશ. પણ પાટણ કાંડ, મુંબઈ બોમ્બ કાંડ, તેલગી કાંડ, સોહરાબુદ્દીન કાંડ, આઈપીએલ કાંડ, -જી કાંડ, ને એવા કેટલાય કાંડો એક પછી એક થયા કરે છે, ને સ્ટેશન પર પેસેન્જરની રાહ જોતા કોક બુઢઢા રિક્ષાવાળાની જેમ નિરાશ થઈને હું રહી જાઉં છું.

દોસ્ત બહુ તરસાવ્યા તેં, આવ હવે !

લી. તારી અધીરતાથી રાહ જોતો
એક અદનો અમદાવાદી  :(

1 comment: