Wednesday, April 26, 2017

ડોન્ટોપેડાલોજી એટલે બફાટનું સાયન્સ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૬-૦૪-૨૦૧૭
એન્ડી વોરહોલ કરીને એક અમેરિકન આર્ટીસ્ટ થઇ ગયા જેમણે કળા, સેલિબ્રિટી કલ્ચર અને વિજ્ઞાપન વિષય પર કામ કર્યું છે. એમનું એક ફેમસ ક્વોટ છે કે ‘ભવિષ્યમાં દરેક માણસ પંદર મિનીટ માટે વર્લ્ડ ફેમસ બનશે’. અત્યારે ભારતમાં જ લાખોની સંખ્યામાં આવા સોશિયલ મીડિયા સેલીબ્રીટીઝ છે જે એક ટ્વીટ કે પોસ્ટને કારણે ફેમસ થયા હોય. બાકીના કેટલાય પોતાના પતિ, પત્ની, મા-બાપને કારણે જાણીતા થયા હોય. પરંતુ આપણે આવા પંદર મિનીટ ફેમ વાળા નહીં, ગણમાન્ય સેલીબ્રીટીઝની વાત કરવાની છે જેમના બફાટ વડે આપણને કોમેડી શો કરતાં વધારે મનોરંજન મળે છે. તણાવભરી આ જીંદગીમાં આવા સેલીબ્રીટીઝ સ્ટ્રેસબસ્ટર તરીકે કામ કરે છે. આમિરની ફિલ્મ જોવા સાડી ત્રણસો રૂપિયાની ટીકીટ લેવી પડે છે, પરંતુ ૧૫-મિનીટ સેલિબ્રિટી કિરણનો બફાટ મફતમાં સાંભળવા મળે છે. પૃથ્વી પરથી ડાયનોસોર કે ગોલ્ડન દેડકા લુપ્ત થઈ ગયા છે, પણ બફાટ કરતા સેલીબ્રીટીઝ ક્યારેય લુપ્ત નહીં થાય એટલું આશ્વાસન છે. 
 
સેલિબ્રિટી અને બફાટ વચ્ચેનો સંબંધ લેંઘા-નાડા જેવો છે. લેંઘા વગરના નાડા ન હોય, એમ બફાટ વગર સેલિબ્રિટી પણ ન હોય. શાહરૂખ, સલમાન, આમીરથી માંડીને સોનમ કપૂર સુધીના દાખલા તો ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મળી આવશે. વર્ષો પહેલા ગાવસ્કરે હિન્દી ફિલ્મો માટે ‘મેડ બાય એસીઝ, ફોર ધ માસીઝ,’ કોમેન્ટ કરી હતી. હિન્દી ફિલ્મોના હીરો-હિરોઇન્સ વર્ષોથી બાફતા આવ્યા છે. હમણાં જ સોનમ કપૂરે હિંદુ, મુસ્લિમ, સીખ ઈસાઈ શબ્દો આપણા રાષ્ટ્રગીતમાં આવે છે એવું લખ્યું હતું. સોનમ કપૂરની પાછળ ટ્વીટરની ટ્રોલ સેના પાછળ પડી છે. જોકે આલિયા ભટ્ટને સોનમના છબરડાથી ખુબ રાહત થઈ છે. આલિયાએ કોફી વિથ કરનમાં પૃથ્વીરાજ ચૌહાણને પ્રેસિડેન્ટ જાહેર કર્યા એ પછી હજારોની સંખ્યામાં આલિયા ભટ્ટ જોક્સ બન્યા હશે. હવે સોનમ કપૂરનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયાના ઉત્સાહી કીડાઓ વધારે મહેનત ન કરવી પડે એટલે આલિયાવાળા જોક્સ જ સોનમ કપૂરનું નામે માર્કેટમાં વહેતા મૂકી રહ્યા છે! 



બ્રિટનના પ્રિન્સ ફીલીપે બફાટ માટે ડોન્ટોપેડાલોજી શબ્દ શોધ્યો છે. ડોન્ટોપેડાલોજી એટલે ડાચું પહોળું કરીને પોતાના જ પગ પોતાના મોઢામાં મુકવાનું વિજ્ઞાન. ફિલિપ પોતે જ ઘણીવાર આવું કરી ચુક્યા છે. નાઈજીરિયાના પ્રેસિડેન્ટ ફિલિપને મળ્યા ત્યારે એ ટ્રેડીશનલ ડ્રેસમાં હતા, ફીલીપે એ જોઇને કહ્યું કે ‘અરે વાહ, તમે તો સુવા જતા હોવ એવું લાગે છે’. ચીનમાં બ્રિટીશ એક્સચેન્જ સ્ટુડન્ટસની મુલાકાત વખતે ફીલીપે કહ્યું કે ‘તમે આમની સાથે લાંબુ રહેશો તો તમે પણ ચુંચા થઇ જશો’. ચીન વિષે બોલતાં આખાબોલા ફિલિપે એકવાર કહ્યું હતું કે ‘જો ચાર પગ હોય પણ એ ખુરશી ન હોય, જો બે પાંખો હોય ઊડી શકતું હોય પણ એરોપ્લેન ન હોય, અને જો એ તરી શકતું હોય પણ સબમરીન ન હોય તો ચાઈનીઝ એને જરૂર ખાઈ જાય’. જોકે ચીન ભારત સાથે બદતમીઝી કરી રહ્યું છે ત્યારે અમને આખાબોલા ફિલિપના આ બફાટમાં સેન્સ ઓફ હ્યુમર જ દેખાય છે! આપણે પણ ચીન વિષે આવી મજાક કરીએ જ છીએ ને? હમણાં જ જાણીતી કોફીશોપના ફ્રીઝમાં વંદા દેખાયા પછી જયારે ઘરાકે વિડીયો બનાવવાની કોશિશ કરી ત્યારે કોફીશોપના બચાવમાં કોકે લખ્યું હતું કે ‘ચાઈનામાં તો કોફીશોપમાં વંદા ન દેખાય તો ઘરાક ફરિયાદ કરે છે’. અને એમ તો અમે પણ અમદાવાદમાં રખડતા કૂતરાની સમસ્યાના સમાધાન માટે મુનસીટાપલીને ચીન સાથે એમઓયુ કરવાની જ સલાહ આપી હતી ને? એમાં ખોટુંય શું છે?

બફાટ માટે અંગ્રેજીમાં બ્લર્ટીંગ શબ્દ પણ વપરાય છે. ગુજરાતીમાં ભાંગરો વાટવો શબ્દ પ્રયોગ છે. બફાટ બુફે જેવો હોય છે. એ જાતે કરવાનો હોય છે, કોઈ પીરસવા ન આવે. બફાટની રેસીપી કૈંક આવી હોય છે. સૌથી પહેલા કોઈ કરંટ ટોપિક શોધી કાઢો. એમાં થોડું અજ્ઞાન ઉમેરો. એને ડફોળાઈના તાપ પર પકવવા દો, પરંતુ વધારે નહીં. જ્ઞાન લાધે એ પહેલા એને સોશિયલ મીડિયા પર કે ઇન્ટરવ્યુમાં પીરસી દો.

બફાટ કરવા માટે તમારી પાસે અફાટ અજ્ઞાન હોવું જરૂરી છે. સામાન્ય બુદ્ધિ ઝાડ પર મૂકી વાત કરવાથી ઉત્તમ પરિણામ મળે. અભણ હોવ તો શ્રેષ્ઠ. જોકે અભણ હોવ અને આત્મવિશ્વાસનો અભાવ હોય તો પાછું ન ચાલે. બફાટ કરવા માટે બહિર્મુખ હોવું પડે જેના માટે આત્મવિશ્વાસ જરૂરી છે. હવે એમ ના પૂછતાં આત્મવિશ્વાસ ક્યાંથી આવે? એ સફળતાથી આવે. હવે એમ ન પૂછશો કે સફળ કઈ રીતે થવું? એ અમારો વિષય નથી. એ મેનેજમેન્ટ ગુરુ અને ચિંતકોનો વિષય છે. છતાં પણ સોનમ-આલિયા-તુષારને જુઓ તો ખબર પડશે કે ઉપરવાળાની દયા હોય તો તમે ફિલ્મી ખાનદાનમાં જન્મ લો પછી તમે આપોઆપ હીરો કે હિરોઈન બની જાવ છો. પછી બફાટ કરવાની અફાટ તકો મળી રહે છે.

બફાટ કર્યા પછી શું? સૌથી પહેલું તો એની જાહેરમાં ચર્ચા થાય છે. સોશિયલ મીડિયા પર ફીરકી લેવાય છે. પછી સેલિબ્રિટી એના ખુલાસા અને ચમચા બચાવ કરે છે. પણ એક ટ્વીટથી જે આબરૂ નામના ડેમમાં ભગદાળું પડ્યું હોય તે આલિયાએ બનાવ્યા એવા ‘જીનીયસ ઓફ ધ યર’ પ્રકારના કડીયાકામથી રીપેર નથી થતું. તોયે આવા થાગડ-થીગડને વખાણનાર સમદુખિયા બોલીવુડમાં મળી આવે છે.

તમને થશે કે અમે બોલીવુડની પાછળ પડ્યા છીએ અને અવારનવાર ભાંગરો વાટનાર રાજકારણીઓ વિષે કેમ નથી લખતા? હવે એટલા નીચા લેવલ પર પણ અમે નથી જવા માંગતા!

મસ્કા ફન
અમારે તો રોજ બુક ડે જ હોય છે.
અમે સેવ મમરા, ચવાણું, મમરી બધું બુકડે બુકડે જ ખાઈએ છીએ ...

No comments:

Post a Comment