Wednesday, May 03, 2017

રહસ્યોની રહસ્યમય દુનિયા


 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૩-૦૫-૨૦૧૭

છેક ૧૯૪૦ની સાલથી ખોરાક અને પાણી વગર જીવી રહેલા પ્રહલાદ જાની કે જે માતાજી તરીકે જાણીતા છે એ વિજ્ઞાન માટે પણ એક કોયડારૂપ છે. ખોરાકની વાત તો જવા દો, ખાલી પાણી વગર પણ જો આપણે ચાલતું હોત તો પટાવાળાની હજારો પોસ્ટ ફાજલ થાત. બીજો કિસ્સો કેરાલાના એક ગામનો છે જેનું નામ છે કોડીન્હી. આ ગામની વસ્તી ૨૦૦૦ છે પણ એમાં ૨૦૦ જેટલા તો જોડિયા છે. એટલે આ ગામનું નામ પડ્યું છે ટ્વીન વિલેજ. છે ને અચરજ ભર્યું? કેટલા કન્ફયુઝન થતા હશે આ ગામમાં? અમને તો ટીચર્સનો વિચાર આવે છે કે હાજરી પુરતી વખતે રમેશ હાજર છે કે સુરેશ એ નક્કી કરવું કેટલું અઘરું પડતું હશે?? એવી જ રહસ્યમય ઘટના આસામના જાતીંગા ગામમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ આપઘાત કરે છે એની છે. જોકે હજુ સુધી આપઘાત માટે કેન્દ્ર સરકારને જવાબદાર નથી ઠેરવી એ ગનીમત છે. કદાચ આપઘાત વર્ષોથી થતા આવે છે એ જ કારણ હશે.

આથી જુદા, એક ફિલ્મના સસ્પેન્સ માટે છેલ્લા વરસથી આખું ભારત ગાંડું થયું છે. એ રહસ્ય છે કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા? આ રહસ્ય વિષે અનેક તર્ક, વિતર્ક, કુતર્ક, સુતર્ક અને અંતે અતિતર્ક થઇ ચૂકયા છે જે દર્શાવે છે કે ભારતમાં બેરોજગારી કેટલી છે. ઓફીસના સમય દરમિયાન થતી આ પ્રવૃત્તિ માટે કામચોરી પણ જવાબદાર છે. મહિલાઓ પણ આ તર્કમાં જોડાઈ છે, જે સ્ત્રી-પુરુષ સમાનતા દર્શાવે છે. બાળકો જોકે હોબી અને ટ્યુશન ક્લાસમાંથી નવરા નથી પડતા એટલે એમણે આ ચર્ચામાં ઝંપલાવ્યું નથી. અમને આ રહસ્ય અંગે જોકે લેશમાત્ર ઉત્કંઠા નથી એટલે અમે અમારી તર્કની તલવાર મ્યાન જ રાખી છે. આમ પણ અમે અમદાવાદી છીએ એટલે કટપ્પા નવરો બેઠો માખીઓ મારે કે બાહુબલીને મારે, આપણે કેટલા ટકા?

ફિલ્મના સસ્પેન્સ માટેની પ્રજાની દીવાનગી આજની નથી. આજે તો ‘ફિલ્મ’ ઈન્ટરનેટ કે સેટેલાઈટ મારફતે સીધી જ પ્રોજેક્ટર પર અપલોડ કરી દેવામાં આવે છે પણ વર્ષો પહેલા ફિલ્મના રીલ ડબ્બામાં આવતા. લોકોને ફિલ્મ કેટલા રીલની છે એ જાણવાનું કુતૂહલ રહેતું. સોળથી અઢાર રીલની ફિલ્મમાં છેલ્લું રીલ અગત્યનું રહેતું. સામાજિક ફિલ્મમાં છેલ્લે ઘીના ઠામમાં ઘી પડ્યું રહેતું અને કુટુંબને કિલ્લોલ કરતું બતાવતા. લવ-સ્ટોરીમાં છેલ્લા રીલમાં અમીર-ગરીબ, ઊંચ-નીચના ભેદ ભુલાવીને પ્રેમીઓ મળી જતા કે પછી અકડુ બાપ પોતાની દીકરીને ‘જા સીમરન જા ..’ કહીને ચાલુ ગાડીએ ચઢવા ધકેલી દેતો. કવચિત પ્રેમી પંખીડા ફાની દુનિયા છોડી જતા. એક્શન ફિલ્મોમાં છેલ્લે મારામારી આવતી અને નાનપણમાં અમે છેલ્લા રીલની રાહ જોઇને બેસતા. સસ્પેન્સ થ્રીલરમાં પંદરથી સત્તર રીલમાં ખૂન, કાવતરા કે અગોચર ઘટનાઓની શૃંખલાથી રહસ્યની જમાવટ કર્યા બાદ છેલ્લા રીલમાં રહસ્ય ખુલતું ત્યારે જેના ઉપર ઓછામાં ઓછી શંકા આવે એવું પાત્ર અપરાધી નીકળતું. આ ફોર્મ્યુલાઓ કાયમી હતી પણ શી ખબર કેમ પણ હરખપદૂડી પબ્લિક ચારચાર વાર ફિલ્મો જોતી; જાણે એન્ડ બદલાઈ જવાનો હોય!

જોકે રહસ્યો પામવા માટેના કુતૂહલે માનવ જીવનમાં ક્રાંતિ આણી છે એ નિર્વિવાદ સત્ય છે. આ જ કુતૂહલે ન્યુટનને ગતિના નિયમો, અઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ અને આર્કિમીડીઝને તારક્તાના નિયમો શોધવા પ્રેર્યા હતા. આમ છતાં પણ બ્રહ્માંડના અસંખ્ય રહસ્યો હજી વણઉકલ્યા છે. એક સવાલ અમને પણ વર્ષોથી મૂંઝવે છે કે જો ગંજીમાં પડેલું કાણું ગંજીના જેવડું જ હોય તો તમે પહેર્યું શું કહેવાય? કદાચ બ્લેક હોલની જેમ ગંજીમાંનું હોલ પણ એની આસપાસના કપડા રૂપી પદાર્થનું ભક્ષણ કરતું હોઈ શકે. ખેર, બ્લેક હોલનું રહસ્ય ખબર પડશે ત્યારે ગંજીનાં કાણાના રહસ્યનો પણ ઘટસ્ફોટ થઇ જશે. આવો જ પ્રશ્ન કાદર ખાને ફિલ્મ ‘જુદાઈ’માં પરેશ રાવલને પૂછ્યો હતો કે ‘એક કૂત્તા ચાર કિલો મીઠાઈ ખા ગયા. ફિર ઉસકા વજન કિયા ગયા તો ચાર કિલો હી નિકલા. તો બતાઓ કી મીઠાઈ મેં સે કૂત્તા કહાં ગયા?’ અને એ રહસ્યનો ભેદ આજ સુધી કોઈ પામી શક્યું નથી.

હવે તો ગુગલ દરેક વસ્તુના સાચા-ખોટા જવાબ શોધી આપે છે બાકી આપણી જીંદગીમાં નાના-મોટા કેટલાય પ્રશ્નો રસ્સ્ય બનીને આપણા મગજમાં આંટા મારતા હોય છે. જેમ કે ‘ડોકટરો ઓપરેશન કરતી વખતે માસ્ક કેમ પહેરે છે?’ જોકે અમને આનો જવાબ ખબર છે. ડોકટરો એ કારણથી માસ્ક પહેરે છે જે કારણથી લુટારુઓ બેંક લુંટતી વખતે બુકાની બાંધે છે. એવું જ એક બીજું રહસ્ય લગ્નવિધિ દરમિયાન પુરુષ ડાબી તરફ અને સ્ત્રી જમણી બાજુ બેસે એનું છે. છે જવાબ? હા છે, પુરુષ પાકીટ જમણા ખીસામાં રાખે છે એટલે સેરવવામાં સુગમતા રહે એ માટે. ડુંગળી સમારતા આંખમાં પાણી કેમ આવે છે એ રહસ્ય તો વિજ્ઞાને ઉકેલી કાઢ્યું છે પરંતુ સ્કુલે જતા છોકરાની આંખમાં પાણી આવે છે પરંતુ કોલેજ જતા નથી આવતું એ રહસ્ય વિષે કોઈ સંશોધન નથી થયું.

Source: Hubpages
એક સીરીયલ વિશેનું રહસ્ય પણ આજ સુધી અકબંધ છે. આજથી બરોબર વીસ વર્ષ પહેલા, ૨૯ એપ્રિલ ૧૯૯૭ના રોજ જેનો પાઈલોટ એપિસોડ રજુ થયો એ સીરીયલ ‘સી.આઈ.ડી.’ના આશરે ૧૪૨૦ એપિસોડમાં દરેક ગુના પાછળનો ભેદ સફળતા પૂર્વક ઉકેલનાર એ.સી.પી. પ્રદ્યુમનને હજી પ્રમોશન નથી મળ્યું અને એ હજી એ.સી.પી જ છે. સીનીયર ઇન્સ્પેક્ટર દયા આટલો સીનીયર હોવા છતાં એને પણ પ્રમોશન નથી મળ્યું એ વાત જવા દઈએ તો પણ એને દરવાજા તોડવા માટેના આધુનિક સાધનો કેમ નથી આપવામાં આવ્યા એ રહસ્ય પણ હજી વણઉકલ્યું છે ત્યાં વળી આ કટપ્પાની બબાલમાં કોણ પડે?

મસ્કા ફન
ભટકતા આત્માને ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી.

No comments:

Post a Comment