Wednesday, May 10, 2017

લગ્નપ્રસંગની ભેટ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૦-૦૫-૨૦૧૭

લગ્નપ્રસંગે કન્યાને શું ભેટ આપવી એ મૂંઝવણનો મધ્યપ્રદેશના મંત્રી ગોપાલ ભાર્ગવે અંત લાવી દીધો છે. એમણે એક સમૂહ લગ્નમાં કન્યાઓને જેના ઉપર ‘શરાબીઓને સીધા કરવા માટે ભેટ’ છાપેલું હોય એવા લાકડાના ધોકા ભેટ આપ્યા છે. ઉપરથી આશ્વાસન પણ આપ્યું છે કે તમે આનો ઉપયોગ તમારા શરાબી પતિની ધોલાઈ માટે કરશો તો પોલીસ તમને નહીં પકડે. સૌ જાણે છે કે પોલીસ પાસે ક્યાં ઓછા કામ છે કે એ કોઈના ઘરેલું મામલામાં દખલ કરે? એમાય કયો દારુડીયો પતિ ફરિયાદ કરવા જવાનો છે કે મારી પત્ની ધોકાથી મારી ધોલાઈ કરે છે, અને એ પણ પાણી નાખ્યાં વગર? જોકે મધ્યપ્રદેશમાં થયું તેવું ગુજરાતમાં થઈ શકે તેમ નથી. કારણ કે આપણે ત્યાં દારૂડિયા પતિ થીયોરેટીકલી એક્ઝીસ્ટ કરતા નથી. આપણે ત્યાં દારૂબંધી છે ને એટલે. આમ છતાં ગુજરાતી પતિઓ સીધા કરવાને લાયક છે જ એમાં કોઈ બેમત નથી. અહીં કવિ સ્ત્રી વાચકોની સહાનુભુતિ ઉઘરાવી રહ્યા છે એમ સમજવું! 
 
Add caption
તુલસીદાસજીએ પતિને મારવા માટે ધોકો વાપરવો કે નહીં તે અંગે કંઈ લખ્યું નથી. પરંતુ આપણે ત્યાં સીતાજી લવિંગ કેરી લાકડીથી રામને મારે છે, અથવા તો વેર વાળે છે એવા ગીત લખાયા છે. અહીં લવિંગ એ પ્રતિક છે. આપણે ત્યાં લવિંગ વઘારમાં નખાય છે. ગુજરાતી મિડલક્લાસ પતિ સાથે વેર વાળવા માટેનો સૌથી સરળ ઈલાજ એના જીભના ચટાકાને કાબુમાં લેવાનો છે. જો પતિ બહુ ઉછળતો હોય તો દાળમાં મીઠું સહેજ વધારે કે ‘ટામેટા ખલાસ થઈ ગયા છે, અને આંબલીથી મમ્મીને સોજા આવે છે’ પ્રકારની ઘીસીપીટી દલીલ કરીને ભલીવાર વગરની દાળ પધરાવી દેવાનો ઉપાય વર્ષો જૂનો અને હજુપણ અકસીર છે. ટૂંકમાં ગુજરાતી સ્ત્રીઓએ ધોકાવાળી કરવાની જરૂર નથી. આમેય ગુજરાતીઓની છાપ મારામારી કરનારી નથી. આપણી આઈપીએલમાં આપણી ટીમ હોઈ શકે, કારણ કે એમાં કમાણી છે, પરંતુ લશ્કરમાં આપડી અલગ બટાલીયન ન હોય.

ગાંધીનું ગુજરાત શાંતિપ્રિય રાજ્ય તો છે જ સમૃદ્ધ પણ છે, અહીં ઘેરઘેર વોશિંગમશીન આવી ગયા છે. ધોકો હવે મિડલકલાસના લોકો પણ નથી વાપરતા. એટલે ધોકો આપવાનો સવાલ નથી થતો. તો પછી એવું શું આપી શકાય કે જે આપાતકાલીન પરસ્થિતિમાં કામમાં આવે? અમને લાગે છે કે આજકાલ પતિ-પત્ની વચ્ચે સંવાદનું પ્રમાણ ઘટી ગયું છે. એ માટે સ્માર્ટ ફોન જવાબદાર છે. આવું ન બને એ માટે કન્યાને શોર્ટ રેન્જ મોબાઈલ જામર સાથેનું મંગલસૂત્ર ભેટ આપી શકાય. આ મંગલસૂત્ર એવું હોય કે પત્નીની પાંચ મીટરની ત્રિજ્યામાં પતિ પ્રવેશે એટલે એનો મોબાઈલ જામ થઇ જાય. જોકે પતિઓ પણ આવું ડીવાઈસ લઈ આવે તો શું કરવું, એ વિષે વિચારવું પડે.

આપણે ત્યાં પુરુષોમાં દારૂ કરતા મોટી બદી માવા-ફાકી-ગુટખાની છે. તમાકુની લતમાં પૈસા સાથે માણસ સ્વાસ્થ્ય પણ ગુમાવે છે. પુરુષ પ્રધાન સમાજમાં જ્યાં દરેક બાબતમાં પતિને પૂછીને આગળ વધવાનું હોય ત્યાં મોમાં માવો દબાવીને બેઠેલા માટીડાના જવાબો લકવાના પેશન્ટ જેવા અસ્પષ્ટ હોય એમાં નવાઈ નથી. પેલી પૂછે કે –

‘તમારી પાસે ત્રણેક હજાર રૂપિયા હશે?’

પેલો માવાનો કોગળો કરતો હોય એવા અવાજે વળતું પૂછશે,

‘ટન હજાર ળુપિયાનું તાળે હુ કામ હે?’

‘હેં?’ નહિ સમજાય એટલે પેલી પૂછશે

‘ટન હજાર ળુપિયાનું હુ કળીસ?’

‘સાડી લેવી છે.’

‘પન ચાળ મહિના પેલા ટો કિશોળના લદનમાં ટન સાળી લીધી હે. ફળી હુ કામ ખળચો કળવો હે’ ઉશ્કેરાટમાં રેલા ઉતરતા મોઢે પેલો બરાડશે.

છેલ્લે પેલી ‘ભૈસાબ તમે પહેલા તો માવો થુકી આવો અને પછી વાત કરો’ કહીને વાતનો અંત લાવવા મજબૂર થશે. એને પણ શર્ટ અને સોફાના કવર બગાડવાની ચિંતા પણ હોય ને! આવા કિસ્સાઓમાં લગ્ન વખતે કન્યાને સરકાર તરફથી ચ્યુંઈંગમની બરણીઓ આપવી જોઈએ. ના. એના પતિને માવાની તલબ લાગે ત્યારે ખાવા માટે નહિ પણ પેલો માવાબાજ સુતો હોય ત્યારે ચાવેલી ચ્યુંઈંગમ એના વાળમાં અને એની મર્દાનગીના પ્રતિક સમી મૂછોમાં ચોંટાડવા માટે! પછી ભલે એ મહિના સુધી આખા ગામને ‘કોણ મરી ગયું?’ના જવાબો આપતો ફરે!

જેને ઊંઘમાં નસકોરાં બોલાવવાની ટેવ હોય એવા પતિના નાક ઉપર લગાડવા માટે કપડા સુકવવાની કલીપો પણ આપી શકાય. સવારના મોડા સુધી ઘોર્યા કરતા કુંભકર્ણના કઝીનોને ઉઠાડવા માટે ‘સ્નૂઝ’ બટન વગરના અનબ્રેકેબલ એલાર્મ ઘડિયાળો પણ આપી શકાય. જુઠ્ઠાડા પતિઓ માટે કોઈ ખાસ લાઈડિટેકટર મશીન ભેટ આપવાનો આઈડિયા તમારા મગજમાં આવશે. પરંતુ સ્ત્રીઓને જુઠ પકડવાની કુદરતી બક્ષિસ આપી છે એટલે એનો ખર્ચો કરશો તો મશીન ઘરમાં ધૂળ ખાશે. દિવસો સુધી એકનું એક ગંજી કે પેન્ટ પહેરીને ફરતા એદી અને અઘોરી પ્રકૃતિના પતિદેવો એ ગાભાને જાતેજ એને ધોવા નાખી દે એવો કારસો કરવા માટે કરિયાવરમાં સિંદૂર સાથે કુવેચ એટલે કે ખુજલી પાવડરની ડબ્બી પણ આપી શકાય. જોકે આ કિસ્સામાં પછી એ પોર્ટેબલ ઉકરડાને હેન્ડલ કરવા માટે ચીપિયો અને ગ્લવ્ઝ પણ આપવા પડે.

આ તો જસ્ટ થોડુ ચખાડ્યું. બાકી અમારી પાસે પતિ નામના પ્રાણીને કાબુમાં રાખી શકાય એવી વસ્તુઓનું લાંબુ લીસ્ટ છે અને કોઈ પૂછે તો વિના મુલ્યે કિસ્સા આધારિત કન્સલ્ટન્સી સર્વિસ આપવા અમે તૈયાર છીએ. પણ કોઈ અમને પૂછે તો ...

મસ્કા ફન
દીકરીને પૂછડું આમળતા બરોબર શીખવાડ્યું હોય તો પોંખતી વખતે જમાઈનું નાક ખેંચવાની જરૂર નથી.

No comments:

Post a Comment