Sunday, October 04, 2015

મચ્છર એક, ગુણ અનેક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૪-૧૦-૨૦૧૫
 
વિશ્વમાં દર વર્ષે ૭૦ કરોડ લોકોને મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. મચ્છરમાં પણ એનાફિલીસ મચ્છરની માદા ખતરનાક છે, જેના કરડવાથી મેલેરિયા થાય છે. મેલેરિયા, ફાલ્સીપારમ, ડેન્ગ્યું, ચીકન ગુનિયા, એન્સીફ્લાઈટીસ વગેરે જેવા સાંભળવાથી ડરી જવાય તેવા રોગ અઢી મીલીગ્રામ વજનનું મચ્છર કરડવાને લીધે થાય છે. નાના પાટેકરે તો એક ફિલ્મમાં મચ્છરને કારણે માણસ હિજડો બની જાય છે એવી પણ થિયરી રજૂ કરી હતી, જેને વૈજ્ઞાનિક માન્યતા તો નહોતી મળી પણ લોકપ્રિયતા જરૂર મળી હતી. હિન્દી ફિલ્મોમાં વેક્યુમ ક્લીનરથી ડિલીવરી, ત્રણ ભાઈઓનું લોહી હાથમાંથી નીકળી ઉપર લટકતી બોટલમાં ગુરુત્વાકર્ષણનાં નિયમોની ઐસીકીતૈસી કરીને પહોંચી જાય અને ત્યાંથી, લેબમાં ક્રોસ-મેચ કર્યા વગર, ડાયરેક્ટ બુઢીયાને ચડાવવામાં આવે તેવી ઘટનાઓ બની છે, જેને પ્રેક્ષકોએ હરખભેર, સપરિવાર ફિલ્મ જોવા જઈ સમર્થન આપેલું છે.
 
મચ્છરની ઉત્પત્તિ પાણીમાં થાય છે. છતાં એ જળચર નથી. એમ તો મચ્છર હવામાં ઉડે છે અને ઈંડા મુકે છે પણ એ પક્ષી નથી. મચ્છર ગણગણે છે પણ એ ગાયક કે ગાયિકા નથી. એ કરડે છે પણ કુતરું નથી. મચ્છરના કરડવાથી હડકવા નહિ, પણ હડકવાનો પ્રાસ જેની સાથે બેસે છે તેવો મેલેરિયા થાય છે. મચ્છર ભેજવાળી, કાળી અને અંધારી જગ્યામાં વધુ જોવા મળે છે, અને મચ્છરનો ત્રાસ અંધારી આલમનાં ત્રાસ કરતાં જરા પણ ઓછો નથી. અંધારી આલમની હડફેટે ચઢો તો તમારી નેટવર્થનું ધોવાણ થાય છે, મચ્છરની અડફેટે ચઢો તો લોહીમાં પ્લેટલેટસ અને તમારી સંપત્તિનું ધોવાણ થાય છે, અને આ કાર્યમાં સફેદ ડગલા પહેરેલા ડોકટરો દૂતનું કામ કરે છે.

મચ્છર જન્મી, મોટા થઈને બે મુખ્ય કામ કરે છે. ગણગણવાનું અને કરડવાનું. ગણગણવા માટે મચ્છર કાનની આસપાસ આવે છે. એ એકલાં એકલાં કે ખૂણામાં ભરાઈને ગીત ગાતાં હોય તો પણ અમે જોવા કે સાંભળવા ગયા નથી, અથવા બીજાં કોઈએ આવો અભ્યાસ કર્યો હોય તો અમે એ અભ્યાસનો અભ્યાસ નથી કર્યો. એક મચ્છર ગણગણતો હોય ત્યારે બીજા મચ્છર સંગતમાં તબલા કે મંજીરા વગાડતા હોય છે એવું યુરોપની કોઈ યુનીવર્સીટીનો સંશોધક જાહેર કરશે તો અમે માનવા તૈયાર છીએ કારણ કે ‘યુરોપીયનો એટલે યુરોપીયનો’ (લાભુ મેરાઈ, મુ. શાહબુદ્દીનભાઈ ફેઈમ). મચ્છર ગુજરાતી ગરબા કે હિન્દી ફિલ્મી ગીતો કરતાં વેસ્ટર્ન મ્યુઝિકમાં મહારત ધરાવે છે તેવું મચ્છરનાં ગણગણવા અને ઇલેક્ટ્રિક ગીટારનાં અવાજની સામ્યતાને લીધે લાગે છે. ટૂંકમાં અમારા સંશોધન પરથી અમે ચોકસાઈપૂર્વક માત્ર એટલું જ કહી શકીએ છીએ કે મચ્છરને કાનમાં વાત કરવાની ટેવ છે. કાનમાં ખાનગી વાત થતી હોય છે, જેને અંગ્રેજીમાં ગોસિપ કહે છે, જે માટે મહિલાઓ કુખ્યાત છે. આમ મહિલા મચ્છરો કરડે છે, અને મચ્છર ગોસિપ કરે છે એ બેઉ મચ્છરોમાં પણ મહિલાઓનાં વર્ચસ્વ તરફ ઈશારો કરે છે. રૂડયાર્ડ કિપલિંગે પણ એક કવિતામાં કહ્યું છે કે ‘The Female of the Species is More Deadly than the Male.’ અમને પણ આ વાતમાં અસ્થમા એટલે કે દમ લાગે છે.

મચ્છર કરડવાથી તાવ આવે છે. તાવ ટાઢ વાઈને આવે છે. ટાઢ ચઢવાથી દાઢી કકડે છે. જાણે મચ્છરને દાંતથી ભચડી ન નાખવાનો હોય! મેલેરિયાની દેશી અને વિદેશી બધી દવાઓ કડવી હોય છે, અને એ ખાનારની જીભ સહિત જીવન કડવું થઈ જાય છે. જોકે જેની જીભ પહેલેથી કડવી હોય તેવા આખાબોલા લોકોને મેલેરિયા થાય ત્યારે જ તેમની જીભ કડવી છે એ ખબર પડે છે. ચીકન ગુનિયા થવાથી સાંધાનાં દુખાવા થાય છે અને સામાન્ય રીતે પચાસની ઉંમરે જે રીતે ચાલતા હોય છે તેમ છમાં પાંચ, છને પાંચ સ્ટાઈલમાં કોઈપણ ઉંમરે ચાલતાં જોવા મળે છે.

ઘરમાં એક જણને તાવ આવે એટલે ઘરમાં બ્યુગલો, રણભેરી, પીપૂડા આવું કશું વગાડ્યા વગર સંગ્રામના મંડાણ થઈ જાય છે. એ પછી જે કરડતાં નથી કે મેલેરિયા માટે જવાબદાર નથી તેવા નર મચ્છર પણ સૂકાં ભેગું લીલુંનાં ધોરણે હડફેટે ચઢે છે. ગુજ્જેશો સ્પોર્ટ્સમાં જરાય આગળ પડતા નથી, છતાય મચ્છરના પ્રતાપે દરેક ઘરમાં રેકેટ, અને તે પણ પાછાં ચાઇનીઝ, વસાવેલાં જોવા મળે છે. નવરાત્રી વગર ઘરમાં પછી તાળીઓ પડે છે, અને જો ઘરનો પુરુષ ઉત્સાહી જીવ હોય તો આજુબાજુમાંથી લીમડાની ડાળી તોડી લાવી ઘરમાં ધુમાડો કરી મચ્છર સહિત ગરોળી, વંદા, અને અન્ય મનુષ્યોનું જીવન દુષ્કર કરી મુકે છે.

પશુ-પક્ષીઓને ભગાડવા માટે આમ તો જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે. એમાં પ્રાદેશિક ફેરફાર પણ હોઈ શકે. તમે તમિલનાડુમાં જઈને ગાયને હિયો હિયો ... કહીને હાંકવા જાવ તો ગાય તમારી સામે તાકી રહે એવું બને. આપણે ત્યાં પ્રાણીઓની પ્રકૃતિ પ્રમાણે, મોટે ભાગે દૂરથી જ; હોડ, હઇડ, હટ્ટ, ત્રો ત્રો, બપ્પો બપ્પો, છૂ...છૂ..., ડચડચ... એવા વિધવિધ અવાજો કરી ભગાડવાનો રીવાજ છે. કમનસીબી એ છે કે હટ્ટ... કહેવાથી પાંચસો કિલોની ભેંશ હટી જાય છે પણ માખી કે મચ્છરને હટ્ટ... કહીને કે ડચકારા બોલાવીને ઉડાડી શકતા નથી. એમ થતું હોત તો આપણે ત્યાં મચ્છર અગરબત્તીના બદલે ડચકારા બોલાવવાના મશીનો પોપ્યુલર હોત. તો કરવું શું? સામાન્ય રીતે આવા જટિલ પ્રશ્નોનાં જવાબ શાસ્ત્રોમાં મળે છે, પણ મચ્છર ભગાડવા માટે શાસ્ત્રો ફેંદવાની વિદ્વાનોએ મનાઈ કરી છે. એમની વાત પણ સાચી છે. તમને મચ્છર કરડવા માટે ટાંપીને બેઠું હોય ત્યારે પોથી ફેંદવાને બદલે એ જ પોથી મચ્છર ઉપર ઝીંકવાથી વધુ સારા પરિણામો મળે છે, એવું ગમે તે બાબ્ભઈ કે બચુભ’ઈ તમને કહી શકશે. ●

મસ્કા ફન

દિલકો દેખો ચેહેરા ના દેખો (રૂપાળી છોકરી કાર્ડિયોગ્રામ લેતા ડોક્ટરને)

No comments:

Post a Comment