Sunday, October 11, 2015

જીવન ચલને કા નામ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૧૦-૨૦૧૫ | અધીર અમદાવાદી |

મારા બેટરહાફને ઘરમાં વસ્તુઓની ગોઠવણીમાં ફેરબદલ કરવાની ટેવ છે. આ ટેવ વસ્તુઓ પૂરતી જ છે એટલું સારું છે. આ ફેરબદલને કારણે કોક સવારે જે ખાનામાં શેવિંગ ક્રીમ મળવી જોઈએ એને બદલે છાપામાંથી કાપેલી રેસિપીનાં કટિંગ મળે છે. જોકે આવું થાય એટલે અમે શેવિંગ ભૂલી જઈ એ કટિંગમાં ખોવાઈ જઈએ છીએ. એ કટિંગમાંની એકપણ આઈટમ ઘરમાં બની નથી એવો વિચાર ઝબકી જાય છે. પછી એમ થાય છે કે જે થાય છે એ સારા માટે. જોકે છોકરી લગ્ન પહેલા છોકરાને પસંદ કરે ત્યારે એ ઘર સિલેક્ટ કરતી વખતે જેમ ‘આમાં આટલા ફેરફાર કરીશું, ડ્રોઈંગ રૂમમાંથી કિચનનો દરવાજો થોડો મોટો કરાવીશું, પ્લેટફોર્મ અને બાથરૂમ નવા બનાવીશું, અને બાલ્કનીમાં હીંચકો મુકાવીશું એટલે મારી ચોઈસનું થઈ જશે’ એવું વિચારે છે તેમ છોકરા બાબતે પણ એવું જ વિચારતી હોય છે. ‘થોડો માવડિયો છે’, ‘માવો ખાવાની ટેવ છે’, ‘વાળ ઓળતા આવડતું નથી’, ‘મૂછો સારી લાગતી નથી’, આ બધું બદલવાના એ ખ્વાબ જોતી હોય છે. પણ એ બદલતાં બદલતાં જિંદગી વીતી જાય છે. પેલો વાળ ઓળતાં શીખે ત્યાં સુધીમાં એને ટાલ પડી ગઈ હોય છે.

સરકારો બદલાય છે. જૂની પેનલ જાય છે અને નવી પેનલ આવે છે. નવું મેનેજમેન્ટ આવે એટલે જૂનાં મેનેજમેન્ટમાં કેટલાં ગુણ હતાં એ ખબર પડે છે. જુના કચકચિયા બોસ જાય અને નવા કડક બોસ આવે એટલે જુનો કચકચિયો બોસ સારો લાગે. ઉત્સાહથી ચૂંટેલી નવી સરકાર ઇન્કમટેક્સમાં રાહત ન આપે એટલે નોકરિયાતોને લાગી આવે. એટલે કદાચ સારું અને ખરાબ બધું સાપેક્ષ છે. 
એક જૂની ચ્યવનપ્રાશની એડવર્ટાઈઝમાં ડૉ. શ્રીરામ લાગૂ કહેતા કે ‘જો ખરા હૈ વો કભી નહિ બદલતા’. આ વિધાન સારી ક્વોલીટીનું સૂચક હતું. પણ અમુક લોકો ‘હમ નહિ સુધરેંગે’ની કેટેગરીમાં આવે છે. આવા માણસોને કાળા વાળને બદલે ધોળા આવે કે ટુ-વ્હીલરને બદલે ફોર વ્હીલર આવે ત્યારે પણ એના એ જ રહે છે. સ્કુટર ચલાવનાર પાસે કાર આવે ત્યારે એ કાર પણ સ્કુટરની જેમ ચલાવે છે. આંખે બેતાલાનાં ચશ્માં આવે તો પણ યુવતીઓને ત્રાંસી આંખે જોવામાં કોઈ ફેરફાર નથી થતો. માણસને ધોળા આવે તો એ હજુ કાળા છે એમ માનીને ગુલાંટો મારવાનું ભૂલતો નથી. શિક્ષક ઉદ્યોગપતિ બને પણ એ ટ્યુશન કરવાનું નથી છોડી શકતો. કેશિયરને પત્તા ચીપવા બેસાડો તો દરેકને બેવાર ગણીને પત્તા આપે એમાં એ વહેંચે ત્યાં સુધી અડધાં તો ઊંઘી જાય એવું બને. સિવિલ એન્જીનીયર લગ્નમાં જાય તો માથે ટોપી પહેરી અને કમરમાં મેઝરટેપ ભરાવીને જ જાય છે, પછી ભલે શેરવાની પહેરી હોય. અને પચાસ મિનીટથી ઓછો સમય હોય તો પ્રોફેસરને બોલવા ઉભો જ ન કરાય!

એ તો સૌને ખબર હશે કે બોસ અને પત્નીને સુધારવા અશક્ય હોય છે. બલ્કે આમ તો કોઈને જ સુધારી નથી શકાતાં. જેલમાં કેદીઓ સુધરવાને બદલે નવી ગેંગ બનાવવામાં અને જેલવાસના સમયનો ઉપયોગ કરી, અગાઉ કરેલી ભૂલો ન થાય એવું જડબેસલાક પ્લાનિંગ કરવામાં વાપરે છે. જે સુધરે છે એ જાતે જ પોતનામાં ફેરફાર લાવે છે. ગાંધીજીના અક્ષર હોય કે શક્તિ કપૂરના લક્ષણ, એ પ્રાણની સાથે જ જાય છે. કોઈને સુધારવા કરતાં જાતે સુધરવું સહેલું છે. પણ જે મનુષ્યો પોતાની જાતનું કહ્યું નથી માનતાં એ બીજાના ઉપદેશથી સુધરે એવી આશા રાખવી વધારે પડતી છે. અમારી પોતાની વાત કરીએ તો અમે રિસેપ્શનમાં બુફે કાઉન્ટર પર ઉભા હોઈએ ત્યારે અમારો ઓલ્ટર ઈગો અમને સામે ઉભો ઉભો મીઠાઈનાં પાત્રથી દૂર જવા સૂચના આપે છે, પણ એની દરકાર કર્યા વગર અમે રસમલાઇ કે રબડી પ્રેમથી વાડકીમાં ભરી લઈએ છીએ.

‘હુ મુવ્ડ માય ચીઝ’ બેસ્ટ સેલરમાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી ફેરફારને અપનાવવાની વાત કરી છે. મોટાભાગના લોકો પોતાની નોકરી, ઘર, રેસ્ટોરાં, મોબાઈલ, કાર, દોસ્તોનાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી શકતાં નથી. જો બોસ કે મેનેજમેન્ટને સુધારી ન શકાતું હોય તો નોકરી બદલી લેવી જોઈએ. સગવડ, સુખ અને શાંતિ માટે ઘરનાં પડદા, ટીવી, સોફા, મોબાઈલ, કોમ્પ્યુટર, કામવાળા જે બદલી શકાતું હોય એ બદલી નાખવું. ભૂતકાળ બદલી શકાતો નથી, પણ ભવિષ્ય તો ચોક્કસ બદલી શકાય છે. જે બદલી શકાય એવું નથી એને સ્વીકારી લેવું. જોકે આવું કહેવું સહેલું છે, બાકી આજકાલ નવું લાવવું સહેલું છે, પણ જુનું કાઢવું ઘણું અઘરું છે !!!

ગાંધીજીએ કહ્યું છે કે તેમ જે ફેરફાર દુનિયામાં જોવા ઈચ્છો છો એ ફેરફાર તમે બનો. કલાપી કહે છે કે સુંદરતા પામતાં પહેલા સૌન્દર્ય બનવું પડે. કશુંક મેળવવા માટે કશુંક બનવું પડે છે. વિદ્યા બાલન જેવી પત્ની જોઈતી હોય તો ઘરમાં પહેલા ટોઇલેટ બંધાવવા પડે. ઐશ્વર્યા જેવી પત્ની જોઈતી હોય તો પપ્પા અમિતાભ જેવા વજનદાર જોઈએ. અને મનમોહન જેવા પતિ જોઈતાં હોય તો પૂર્વજન્મમાં ખુબ સત્કર્મો કરેલાં હોવા જોઈએ. જોકે રાહુલ અને તુસ્સાર જેવા સંતાનો સત્કર્મોની જીવનમાં કેટલી જરૂર છે તે દર્શાવે છે.

એવું કહ્યું છે ને કે વા ફરે વાદળ ફરે, પણ શૂરા બોલ્યા નવ ફરે. હરિશ્ચન્દ્ર અને રઘુકુળમાં સત્ય અને વચનબધ્ધતા હતી. હવે તો માણસ જુઠ્ઠું બોલે એટલી વખત કાગડો કરડે તો જગતના બધાં કાગડાં અપચાથી મરી જાય. કોર્ટકેસમાં ફસાયેલા ફિલ્મસ્ટાર્સને ન્યાયતંત્ર કરતાં વકીલમાં વધુ વિશ્વાસ હોય છે, કે પુરાવા ગમે તેટલા સજ્જડ હોય વકીલ મેનેજ કરી લેશે.

કેટલીક વાતોમાં ફેરફારને અવકાશ નથી. જે બની ચુક્યું છે એમાં ફેરફારને અવકાશ નથી. કુતરું કરડે પછી ઇન્જેક્શન જ લેવા પડે, જે કરવાનું હોય તે કુતરું ન કરડે એ માટે કરવાનું હોય. મચ્છર કરડી જાય એટલે મેલેરિયા થાય, એને ઘરમાં ઘૂસતાં અટકાવવા પ્રયત્નો કરવા પડે. દૂધ ફાટી જાય તે સંધાવાનું નથી, એમાંથી પનીર બની શકે. સેન્ડ થયેલી મેઈલ કે મેસેજ પાછો નથી આવતો. ચોરાયેલી ઘડિયાળ પાછી મળી શકે છે, પણ જે સમય જતો રહે છે તે પાછો આવતો નથી. ● 
 
----------------
 ઋણસ્વીકાર
------------------
સપ્ટેમ્બર ૨૦૧૦થી શરુ થયેલ મુંબઈ સમાચાર સાથેની લેખન યાત્રા આ લેખ સાથે પાંચ વર્ષ પુરા કરી વિરામ લે છે. આ અરસામાં લગભગ ૨૫૦ ઉપર લેખ મુંબઈ સમાચારમાં પ્રગટ થયા. મુંબઈ સમાચારમાં સૌ પ્રથમ લખવા માટે આમન્ત્રણ આપનાર તે વખતના તંત્રી પિંકીબેન દલાલ અને અત્યારના તંત્રી નિલેષભાઈ, પૂર્તિ કોર્ડીનેટ કરતાં કમલભાઈ જોષી સૌનો દિલથી આભાર. આ યાત્રા દરમિયાન બધી રીતે પ્રોત્સાહન આપનાર મિત્રો અને વાંચકોનો ઋણસ્વીકાર.
 
પર્સનલ પ્રાયોરીટી અને અન્ય લેખન પ્રકાર પર કામ કરવાનો આશય આ નિર્ણય માટે જવાબદાર છે. નવગુજરાત સમયમાં બધિર અમદાવાદી સાથેની કોલમ યથાવત છે. 
 
થેંક યુ મુંબઈ સમાચાર .....

No comments:

Post a Comment