Sunday, August 09, 2015

તમે ટળો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |

૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગાંધીજીએ મુંબઈ ગોવાળિયા ટેંક ખાતેથી કવીટ ઇન્ડિયા (ભારત છોડો) મુવમેન્ટ શરુ કરી. અગાઉ મે મહિનામાં ગાંધીજીએ અંગ્રેજોને આ મતલબની વોર્નિંગ આપી હતી કે ‘અમારા દેશમાં જો અવ્યવસ્થા હોય તો ભલે રહી, પણ હવે તમે વટો’. એ દરમિયાન અંગ્રેજોને પાછું જવા કહેવા સારું કોઈ સારા સ્લોગનની તલાશ ચાલી જેમાં ‘ગેટ આઉટ’ પણ વિચારાયું હતું જે ગાંધીજીને (અંગ્રેજો માટે!) જરા વધારે તોછડું લાગતાં એના ઉપર ચોકડી મુકાઈ હતી. રાજગોપાલાચારીએ રીટ્રીટ કે વિડ્રો જેવું સૂચન કર્યું પણ છેવટે યુસુફ મેહરલી (એ સમયના બોમ્બેનાં મેયર) દ્વારા અપાયેલ ‘કવીટ ઇન્ડિયા’ સ્લોગન અમલમાં મુકાયું જેનાં પરિણામસ્વરૂપ બ્રિટીશરોએ દેશ છોડ્યો. આ અરસામાં મૂળ વિસનગરના પણ ઘાટકોપર-મુંબઈથી સ્વ. નવનીત શાહની રાહબરી હેઠળ અમારા વતન વિસનગરમાં પણ આ આંદોલન ચાલ્યું હતું અને એ ‘તમે ટળો’ તરીકે પ્રચલિત થયું હતું. અમારા વડવાઓ દ્વારા અંગ્રેજ શાસન વિરુદ્ધ ‘તમે ટળો’ થકી લોકજુવાળ ઉભો કર્યા અંગેની ગૌરવકથાઓ સાંભળીને અમે મોટા થયા છીએ.

આંદોલન એ રીતે ચાલતું કે રોજ વિસનગરના કોઈ ચોક્કસ વિસ્તારમાં અંગ્રેજોને ચેલેન્જ કરી તેમણે દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપતું લખાણ ધરાવતી ભીંતપત્રિકાઓ ચોંટાડી જતું. તમાશાને તેડું ન હોય એ હિસાબે જેમને વાંચતા નહોતું આવડતું એ પણ ‘ભળાતું નહિ પણ જબરું લશ્યું શ’ કરી એ જોવા ભેગા મળતાં. પોલીસ માટે એ નાલેશીની વાત હતી. અને પછી તો પોલીસના પહેરા વચ્ચે, પોલીસનું ધ્યાનભંગ કરીને, પોસ્ટર ચોંટાડવાની મઝા તોફાનીઓમાં ભળી. આ ભીંતપત્રિકાના કુલ ૧૬૭ અંક બહાર પડ્યા. પણ આ બધ્ધાંમાં અમને આ ‘તમે ટળો’ નામ ખુબ ગમી ગયું. માન-સન્માન અને શિષ્ટાચારનાં પુંછડા એવા અંગ્રેજો માટે કેવું વિનયસભર?

આપણી લાઈફમાં એકએક દેખાં દેતાં ગરોળી અને વંદા, મોકો મળતાં ઘુસી જતાં કૂતરા, ચીટકું પડોશી, વણનોતર્યા મહેમાનો, ક્રેડીટકાર્ડ બિલનાં ઉઘરાણી ગુંડાઓ, ઓફિસમાં અવારનવાર કેબિનમાં ઘૂસી આવતાં સહકર્મીઓ, પરાણે મદદરૂપ થનારાથી લઈને લગ્નમાં થર્ડ જેન્ડરને વિનયપૂર્વક માત્ર ‘તમે ટળો’ કહી ભગાડી શકાતાં હોત તો જોઈતું’તું જ શું? મૂળમાં આપણી જીભ જ ઉપડતી નથી. આપણે ત્યાં મરતાંને મર ન કહેવાનો રીવાજ છે, એમાં ટકી ગયેલા ને ટળ કેમ કહેવાય? આ સંજોગોમાં મહેમાનને જે બેડરૂમમાં ઉતારો આપ્યો હોય ત્યાં પોસ્ટર ચોંટાડી અવાતું હોત તો કેવી મઝા પડત?

અને હવે તો ઘણી સગવડ છે. વોટ્સેપ પર પણ મેસેજ કરાય કે ‘ડુડ ઓફિસમાં ગુલ્લી મારીને તારા માટે સસ્તી ખરીદી કરવા ત્રણ દિવસથી રખડું છું, આમાં તને સાડા છ હજાર રૂપિયાની બચત ભલે થઈ હોય પણ હજુ બે દિવસ આ રીતે કાઢીશ તો મારું પંચોતેર હજારનું ઇન્ક્રીમેન્ટ ડુલ થઈ જશે, માટે બિસ્તરા-પોટલા સમેટી આવતીકાલની ફ્લાઈટ પકડ સારું ડીલ જોઈતું હોય તો મને કહેજે, જરૂર પડે મારા ફ્રિકવન્ટ ફ્લાઈંગ પોઈન્ટ વાપરીને પણ તને સસ્તી ટીકીટ અપાવી દઈશ, શું સમજ્યો?’ આ મતલબનો કોઈ મેસેજ ટોઇલેટમાં પણ ચોટાડી શકાય તો કેવું?

પણ આપણા સંસ્કાર આવું કરવા દેતાં નથી. આપણા સંસ્કાર મહેમાનને ભગવાન કે અતિથી માનવાનું કહે છે. અતિથી એટલે જેના આવવાની કોઈ તિથી નક્કી ન હોય તે. અમેરિકામાં અતિથી નથી હોતા. ત્યાં પ્લાન કરીને જ આવે. છ મહિના પહેલાથી લગ્નમાં હાજરીનું આરએસવીપી આપવું પડે. પાછું લગ્ન હોય કે ખાલી મળવા આવ્યા હોય, સાથે ભેટ લઈને આવે. અહીં તો બબૂચકો ખાલી હાથે આવે. બધું રામભરોસે ચાલે. ‘અમદાવાદ જતો તો અને રસ્તામાં થયું કે વડોદરા ઉતરી જઉં, તે ઉતરી ગયો’. ટીકીટનાં રૂપિયાની તો આજકાલ કોઈને પડી જ નથી! આપણે ત્યાં મહેમાનને ભગવાન ગણવામાં આવે છે. એને જવાનું કેમ કહેવાય? એમાં મહેમાન આવે, જમી પરવારી ઘેર પાછા જવાને બદલે રાણા પ્રતાપ કે એવી, ખાસ કરીને તમે ન જોતાં હોવ એવી કોક સિરિયલ જોઇને જવાનું નક્કી કરે, ત્યારે જો આવું કહી શકાતું હોત તો? કે ભાઈસાબ, તમે ટળો ! એમાં આપણે તો એ સિરિયલ જોઇને જતાં રહેશે એવી આશા રાખીને જ બેસવાનું.

મહેમાનો ટળે એવું ઈચ્છવાનાં કારણોમાં માત્ર એમનો બોરિંગ સ્વભાવ જવાબદાર નથી હોતો. ઘણીવાર આખું ફેમીલી પેકેજ નકામું હોય છે. પતિ બોરિંગ હોય, પત્નીમાં જોવા જેવું તો ઠીક, વાત કરવા જેવું પણ કંઈ ન હોય, અને છોકરાં ઘરમાં હોય એ દરમિયાન ઈલેક્ટ્રીસીટીનાં મીટરની જેમ ઘરમાં નુકસાનીનું મીટર ચાલુ હોય. હવે નુકસાની ખાલી ફિઝીકલ નથી રહી, ઈન્ટરનેટનું ડેટા પેક ફ્રી લિમીટની ઉપર ડાઉનલોડ કરી નાખે અને સાડા સત્તર દિવસ પછી આપણને ખબર પડે કે રાસ્કલ રાહુલ ૩૪ જીબીના પિકચરો ડાઉનલોડ કરી ગયો. એટલી દાઝ ચઢે કે ગધેડાએ કહ્યું હોત તો ખરીદીને બધી ડીવીડીઓ અપાવી દેત! પણ સાળીના દીકરાને ગાળ દેવાનો રીવાજ ગુજરાતીઓમાં પ્રચલિત નથી.

ઓફિસમાં ટાઈમ મેનેજમેન્ટ ખુબ અગત્યનું હોય છે. એમાં કોઈ સાથી પોતાનું કામ પતાવીને આપણી કેબીનમાં આવી ચોટી જાય, તો આપણું કામ તો થાય જ નહી ને? આવાને ભગાવવો એ પણ એક કળા છે. મારા એક એક્સ બોસે શીખવાડ્યું હતું કે આવી નોટ કેબિનમાં આવે તો પહેલાં જ આપણે ઉભા થઇ જવું. એને બેસવાની તક જ ન આપવી. કારણ કે જે બેસે છે, એ ચોંટે છે. જોકે સામે જક્કી પાર્ટી હોય તો ક્યારેક એવું બને કે આપણે ઉભાઉભા બોલતાં હોઈએ ને એ આરામથી બેઠાંબેઠા સાંભળે. છેવટે આપણે પણ હથિયાર હેઠાં, એટલે કે તશરીફ ખુરશીમાં નાખવી પડે.

જામી પડનાર પોતાનું કામ આટોપીને ફુરસદે અને મોટે ભાગે ટાઈમપાસ કરવા આપણી પાસે આવે છે. મોબાઈલ-ઈન્ટરનેટનાં જમાનામાં ટાઈમપાસ કરવા માટે કોઈનાં ઘેર કે કોઈની કેબિનમાં જવું પડે તે માણસની ટેકનો-અજ્ઞાનતા કેટલી હશે? પહેલાના જમાનામાં રાજાઓ યુધ્ધમાંથી નવરા પડે તો શિકાર કરવા નીકળતા. શિકારમાંથી નવરા પડે તો અન્ય રાજાઓને જુગાર રમવા બોલાવતાં. આઠ-દસ રાણીઓ તો હોય જ. જામી પડનાર વર્ગ આમાંનો નથી. જેમની પાસે શિકાર કરવાની આવડત કે હોંશિયારી નથી, કે જેમને કોઈ શ્રાવણમાં પણ જુગાર રમવા બોલાવતું નથી તે આમંત્રણની રાહ જોયા વગર પધરામણી કરી નાખે છે. ગુજરાતમાં તો આમ ટપકી પડનાર કોઈનાં કરેલા ‘પોગરામ’ પર પાણી ફેરવે છે. જોકે આમ કોઈ આપણી પ્રાઈવસીની પથારી ફેરવે તેનો બદલો આપણે વહેલા મોડા લઈને જ રહીએ છીએ. માટે પોતાની જાતને ક્લીન-ચીટ આપવાની કોઈ જરૂર નથી. હા, આપણે મહેમાન બનીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે પણ માથે પડેલાં મહેમાન છીએ! એટલે સમજદારી એમાં છે કે કોઈ ‘તમે ટળો’ કહે એ પહેલા વટી જવું! જવાનું તો સૌએ છે, અંગ્રેજો પણ છેવટે ગયા જ હતાં ને!

No comments:

Post a Comment