Sunday, August 16, 2015

માખી, તેલ, દાઢી અને સાવરણી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |
આપણે ત્યાં એવા અનેક કિસ્સા સાંભળવા મળે છે કે માણસને બાળી મુકવા કાઢી જાય અને ત્યાં સ્મશાનમાં જીવ આવે કે બેઠો થાય. આપણા સ્વભાવની આ વિચિત્રતા છે કે આપણે જીવતાં માણસને બેદરકારીથી સ્મશાને લઈ જઈએ છીએ, પણ રિમોટના સેલ ઉતરી જાય તો આટલી જલ્દી કોઈ કાઢી નથી નાખતું. રીમોટ થપથપાવીને જોવામાં આવે છે. ઢાંકણું ખોલ-બંધ કરવાથી અને સેલને દબાવવાથી ક્યારેક રીમોટ ચમત્કારિક રીતે બેઠો થઈ જતો હોવાનું દાદીમાની ડાયરીમાં લખેલું જોવા મળે છે. દાદીમાનો આ નુસખો કામ ન કરે તો સેલ કાઢી અદલાબદલી કરવામાં આવે છે. મતલબ કે ડાબે-જમણે. આમ પણ ન થાય તો સ્થાનફેર કરી એક રિમોટના સેલ બીજામાં બદલી જોવામાં આવે છે. આટલું કર્યા પછી સેલ ન ચાલે તો એ સેલ ઘડિયાળમાં ચેક કરવામાં આવે છે. ત્યાં પણ ન ચાલે તો ખાનાંમાં મુકવામાં આવે છે, કે કદાચ પડ્યા પડ્યા ફરી ચાર્જ થઈ જાય તો?

શું આપણે આટલાં કંજૂસ છીએ? ના. આપણે આનાથી વધારે કંજૂસ અને મખ્ખીચૂસ છીએ. આપણે હાઈજીનની પરવા કર્યા વગર દાઢીને સાવરણી તરીકે વાપરવાની મનોવૃત્તિ ધરાવીએ છીએ. આ વાતની સાબિતી એ છે કે સાઈડકારવાળા સ્કુટર ભારતમાં શોધાયાં હતાં. છાપાથી કારનો કાચ લૂછવાની ક્રાંતિકારી શોધ ભારતમાં થઈ હતી. મિસ કોલની શોધ ભારતમાં થઈ હતી. વન બાય ટુ સૂપ દુનિયામાં ભારત સિવાય બીજે ક્યાંય નહિ મળે. ડૂબી મરવું જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની વાતનાં મૂળમાં પણ પાણી બચાવવાનો જ આઈડિયા છે. આપણે અઢીસો રૂપિયાનો પીઝા ખાઈએ શકીએ છીએ, કોફી પાછળ સવા સો રૂપિયા ખર્ચી શકીએ છીએ, પણ રિમોટના સેલની વાત આવે એટલે એનર્જી સેવિંગ મોડમાં આવી જઈએ છીએ. આપણે ગેસનું લાઈટર બદલવાને બદલે ટ્રાય કરી કરીને લાઈટરની કિંમત કરતાં દસ ગણો ગેસ હવામાં જવા દઈએ છીએ!


આપણે દિવસની શરૂઆત જ કંજુસાઈથી કરીએ છીએ. દુનિયા સવારે ટૂથબ્રશ કરતી હતી ત્યારે આપણે દાતણનાં ગુણગાન ગાઈ એ વાપરતાં રહ્યાં, ખાસ કરીને જ્યાં સુધી બાવળ-લીમડા પરથી તોડીને મફત મળતાં હતાં ત્યાં સુધી તો ખાસ. પછી દાતણ માટે રૂપિયા ખર્ચવાનાં થયા એટલે આપણે મોડર્ન થઈ ટુથપેસ્ટ વાપરતાં થયા. પણ ગીનીઝ રેકોર્ડઝમાં ટુથપેસ્ટમાંથી પેસ્ટ કાઢવાની હરીફાઈ હોય તો વેલણ સાથે કે માત્ર હાથથી રોલ કરીને પેસ્ટ ખાલી કરવામાં આપણને વિક્રમ બનાવતાં કોઈ રોકી ન શકે. એમાંય સામાન્ય રીતે આ કામ બાય ડીફોલ્ટ પુરુષોનાં ભાગે આવે. જૂની પેસ્ટ હજુ પંદર દિવસ ચાલી શકે તેમ હોય ત્યારે ઘરની કર્તા એવી સ્ત્રી નવી પેસ્ટનું ઉદઘાટન કરી નાખે છે. પછી ઘરનાં મુખ્ય પુરુષ સિવાયના બાકીના સભ્યો નફ્ફટાઈપૂર્વક નવી જ પેસ્ટ વાપરે છે, જયારે ઘરનો મુખિયા પંદર દિવસ સુધી એ જ જૂની ટ્યુબ સાથે કુસ્તી કરતો નજરે ચઢે છે. આમ તો આ કાર્ય માટે ખાસ શારીરિક સૌષ્ઠવની જરૂર ન હોવા છતાં પુરુષોના ભાગે જ કેમ આવે છે તે પણ એક સંશોધનનો વિષય છે.

આવું જ કેરીમાં છે. વર્ષોથી કેરીને ઘોળીને એટલા માટે રસ કાઢવામાં આવતો હતો કે રસ નીકળી જાય એ પછી છોતરાં ધોઈ એમાંથી ફજેતો બનાવાય. ગોટલા સુકવીને એમાંથી મુખવાસ તો બનાવવાનો જ. સક્કર ટેટીનાં બી, કે જે સો ગ્રામ ખાવા હોય તો એ માટે કદાચ એક મણ ફોલવા પડે, એ પણ સૂકવવામાં આવે છે. સક્કર ટેટીનાં બી સુકવીને ખાનારને એની ધીરજ માટે કોકે પુરસ્કાર આપવો ઘટે. કદાચ એ જ બી કાઢ્યા બાદ, વધેલા ફોતરાંમાંથી, કૈંક વેસ્ટમાંથી બેસ્ટ ટાઈપનું બનાવીને આપી શકાય !
ચા ગાળ્યા બાદ કુચા કુંડામાં ખાતર તરીકે જાય છે. મોટે ભાગે એ કુંડુ તુલસીનું જ હોય છે! ગુજરાતણ ફ્લેટમાં રહેતી હોય એટલે એના બાલ્કની-ગાર્ડનમાં છેવટે બે કુંડા બચ્યાં હોય છે. તુલસીનું અને ઓફીસ- ટાઈમનું. બે કુંડાનાં વૈભવને ગુજીષા બગીચો માનતી હોય તો એને એમ માનવા દેવામાં કંઈ ખોટું નથી.

દુધમાંથી મલાઈ, માખણ, અને છેલ્લે ઘી બને છે. સવારની વધેલી રોટલી સાંજે વઘારેલી રોટલી કે ખાખરા, સવારના ભાત સાંજે મુઠીયા કે વઘારેલા ભાત, અને સવારની બચેલી બટાકાની સુકી ભાજી સાંજે અન્ય સબ્જીમાં સિફતપૂર્વક મિક્સ થઈ જાય છે. આમાં વસ્તુ ફેર એટલા માટે કરવામાં આવે છે કે ખાનારને એનું એ ખાઈ ને કંટાળે નહિ! પણ એટલે જ કદાચ ગુજરાતી ઘરોમાં હજુ વિદેશી રેસિપી એટલી પોપ્યુલર નથી થઈ. સવારનાં વધેલા પાસ્તા કે મેક્રોનીનું સાંજે શું કરવું એ હજુ કદાચ આપણને ખબર નથી! જે દિવસે પાસ્તામાંથી ભજીયા કે મુઠીયા બનાવવાની રેસિપી બજારમાં આવશે તે દિવસે ઘરઘરમાં પાસ્તા બનતાં થઈ જશે. આમેય પાસ્તામાં રોટલી-દાળ-ભાત-શાક કરતાં કેટલી ઓછી કડાકૂટ છે નહિ?

જોકે કંજૂસોની આટલી ટીકા કર્યા પછી અમે ચોખવટ કરવા માંગીએ છીએ કે અમે પોતે ટુથપેસ્ટનો કસ કાઢનારા પૈકીનાં છીએ. વાત એમ છે કે રૂપિયાથી ખુશી ખરીદી નથી શકાતી. પણ રૂપિયા બચાવવામાં ખુશી જરૂર થાય છે. ૫૦% ડિસ્કાઉન્ટ સેલ લોકોને ખુશ કરવા જ રાખવામાં આવે છે, બાકી ૫૦% ડિસ્કાઉન્ટ જેવો ખોટનો ધંધો કોઈ શું કામ કરે? 

 
દુનિયા કહે છે રિસાયકલ કરો. દુનિયા કરતાં આપણે કદાચ વધારે જ રિસાયકલ કરીએ છીએ. અમેરિકામાં વાંચ્યા બાદ છાપાં કચરાપેટીમાં ફેંકી દેવાય છે. આપણે એમાંથી કુપન કાપી ભેટ મેળવીએ છીએ. પછી પસ્તીમાં વેચીએ છીએ. પસ્તીમાંથી પડીકા વળે છે. એ પડીકાનાં કાગળ સાફસૂફીમાં વપરાય છે. ટેબલના પાયા નીચે પેકિંગમાં મુકાય છે. અમેરીકામાં તો ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ફર્નિચરના કોઈ લેવાલ ન હોય તો કચરાપેટી પાસે છોડી દેવી પડે. જરૂરીયાતવાળું એ લઈ જાય, નહીંતર ત્યાંની મુનસીટાપલીની ગાડી ઉઠાવી જાય. આપણે ત્યાં રેગ-પીકર્સ આખો દહાડો તૂટી જાય ત્યારે સો-દોઢસો રૂપિયા જેટલું પ્લાસ્ટિક-કાગળ માંડ ભેગું કરી શકે છે, આપણે એટલું બધું રીસાયકલ કરીએ છીએ. એમાં કંઈ ખોટું નથી, માટે કોઈ ટુથપેસ્ટની ટ્યુબ પર વેલણ ફેરવતું હોય તો હસવું નહીં, એની મદદ ન કરી શકો તો કંઈ નહિ, કમસેકમ કદર તો કરી જ શકો ને ??

No comments:

Post a Comment