Sunday, October 26, 2014

ફટાકડા ફોડવા લાઈસન્સ પ્રથા અંગે

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૬-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |


મા. પોલિસ કમિશનર શ્રી,
સવિનય જણાવવાનું કે અમો નીચે સહી કરનાર બકાભાઈ બકોરભાઈ બમ્બાવાળા ભારતીય તહેવારોથી ગળે સુધી આવી ગયા છીએ. આ અંગે પોલિસ યોગ્ય કાર્યવાહી કરે એ હેતુથી આ પત્ર લખી અમે જનતાને પડતી વિટંબણાઓથી તમોનેતમોને વાકેફ કરી રહ્યાં છીએ.

ગુજરાતી નવું વરસ બેસે અને અંગ્રેજી નવું વરસ શરુ થાય તે પહેલાં કેટલાય નંગ પતંગ ચગાવવાનું શરુ કરી દે છે. રામાયણ સિરીયલમાં રાક્ષસોને જેવી કિકિયારીઓ કરતાં અમે જોયા હતાં એવી કિકિયારીઓ એક પેચ કાપે એમાં આ છોકરાઓ કરે છે. કિકિયારીઓ અને સાંજે બોમ ફોડે એનાં અવાજથી કાનના પડદા હલી જાય છે. આ ઉપરાંત હાંજે ચાઈનીઝ ટુક્કલો ચઢાવે એમાં આગ લાગવાના બનાવો બને છે. આ ટુક્કલ ચગાવવા માટે લાઈસન્સ લેવું પડે એવો કાયદો લાવો તો મારા બેટા પોલિસ ટેશનના બે-ચાર ધક્કા ખાય તો ટુક્કલ ચડાવાની ખો ભૂલી જાય!

ઉત્તરાયણ જાય એટલે હોળી આવે છે. એમાં ધુળેટીના દિવસે પાન-માવો ખાવા અમાર જેવાને ઘરની બાર પણ નીકળાતું નથી. અમુક હરખપદુડા તો અમુક દાઝે બળેલાં ઘરમાં આવીને કલર કરી જાય છે. એમાં ગુલાલ જેવું કંઈ વાપરતા હોય તો ઠીક છે, પણ અમુક એવા પાકા કલર કરે છે કે અઠવાડિયા સુધી દાઢી કરતાં જાંબલી ફીણ વળે છે. એમાં જે પાણીનો બગાડ થાય છે એ રાષ્ટ્રીય બગાડ છે. એટલા પાણીમાંથી જે લોકો રોજ નથી નાતા એમને નવડાઈને સરકારના સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપી શકાય.

વચ્ચે જન્માષ્ટમી આવે. આ તહેવારમાં ઉપવાસ રાખવાની પ્રથા છે. પણ જેનાં ઘરમાં ફરાળી આઇટમ સારી ન બનતી હોય એ ઉપવાસ કઈ રીતે રાખે એ કોઈ વિચારતું નથી. આ ઉપરાંત આઠમે પત્ત્તા રમવાનો એક કુરિવાજ પડી ગયો છે. આ દિવસોમાં કોઈના ઘેર જઈએ તો હાથ પકડીને રમવા બેહાડી  દે છે. આ આઠમ અને એનો જુગાર ન હોત તો અમે પણ બંગડીવાળી ગાડીમાં ફરતાં હોત. ચોમાસું જાય એટલે નવરાત્રી આવે. માથાનો દુખાવો થાય એટલાં મોટે મોટેથી ગરબા ગાય. અરે ભાઈ માતાજીની ભક્તિ કરવામાં માઈકની શી જરૂર છે? એમાં પાછું હિન્દી ફિલ્મી ગીતો વાગે. ચાર બોટલ વોડકા. અમદાવાદમાં તમે હની સિંઘના પોગરામો બંધ કરાવો છો પણ આ ગરબામાં આ હની સિંઘના ગીતો વાગે છે એનું શું? 
  
સૌથી છેલ્લે દિવાળી આવે. એમાં મહિના દહાડા સુધી લોકો ફટાકડા ફોડે છે અને આપણી ખુરશી નીચે આઈને સાલાઓ બોમ ફોડે છે. લોકોને નોકરીની લાયમાં ફટાકડા ફોડવાનો ટાઈમ ન મળે અને છેલ્લે છેલ્લે ટાઈમ મળે ત્યારે બચારા અમારા જેવા ઊંઘતા હોય એ પથારીમાંથી ગબડી પડે એમ સુતળી બોમ ફોડાય? બચારા પશુ-પક્ષી પણ ફફડી ઉઠે છે. અનુભવથી કૂતરાઓ એટલું શીખ્યા છે કે કારની નીચે કોઈ ફટાકડા નથી ફોડતું, એમાં બારે મહિના કૂતરા ફફડીને કારની નીચે ઘુસતા થઇ ગયા છે.

આ વખતે સરકારે વિદેશી ફટાકડા ઉપર બેન મેલીને સારું કામ કર્યું છે. હું તો કહુ છું કે ફટાકડાની દુકાન કરવામાં જેમ ફાયરબ્રિગેડ અને પોલિસ પરમીશન જોઈએ છે એમ ફટાકડા ફોડવા માટે પણ લાઈસન્સ જોઈએ એવું કંઇક ગોઠવો. તેરસથી દિવાળી અને બેસતું વરસ બહુ બહુ તો ભાઈબીજ. એ પણ કેટલાં દેખાવો  કરે પછી પરમીશન આલવાની. અમેરિકામાં તો કહે છે કે અગાઉથી પરમીશન લેવી પડે. એ ટાઈમ આલે એ ટાઈમે મેદાનમાં જઈને ફોડવાના. એ પણ પોલીસવાળો આવે પછી ફોડવાનું શરુ કરાય. આપણે ત્યાં પોલીસનાં આવવાની રાહ જોઈએ તો દિવાળીની દેવદિવાળી આવી જાય. વચ્ચે એકાદ ઝાપટું પડે અને ટેટા હવાઈ જાય તો જાન છૂટે ભૈશાબ! આ દેવદિવાળી હું તો કહુ છું રદ જ કરાવી દો. અમેરિકામાં તો અમુક ફટાકડા ફોડાય. આપણી જેમ ઘરમાં રોકેટ ઘુસી જાય એવી નોબત જ ન આવવા દે એ લોકો. તમે લોકો અમેરિકા પાસેથી કંઇક શીખો, જરૂર હોય તો તમારી ટીકીટ માટે ફાળો હું ઉઘરાઈ આલું.

આપણે ત્યાં ફટાકડા ફોડવા લાઈસન્સ પ્રથા દાખલ કરો. રોકેટ તો સાયન્સના વિદ્યાર્થી અને એ પણ બારમું ફીઝીક્સમાં પચાસ માર્ક સાથે પાસ કર્યું હોય એ જ ફોડી શકે એવું હોવું જોઈએ. ચશ્માંવાળા હોય એ જ તારામંડળ અને કોઠી જેવા ઉડીને આંખમાં જાય એવા ફટાકડા ફોડી શકે. નાના છોકરાં તો એકલા ટીકડી પણ ફોડી ન શકે એવું કઇંક લાવો. હાળા ટેન્ટવાઓ આખો દાડો બંદુક લઈને દોડાદોડી કરીને માથું દુખાડી દે છે.

લાઈસન્સ આલવા માટે આરટીઓની જેમ ઓનલાઈન લેખિત પરીક્ષા લેવાવી જોઈએ. કોમ્પ્યુટર પરસ્તો. સુતળી બોમ વાટ ચાંપ્યા પછી કેટલા સમયમાં ફૂટશે? ક્યા ફટાકડાનાં ધડાકાનો કેટલા ડેસીબલ અવાજ છે? કોઠી ફૂટે તો કેટલાં ફૂટ ઉંચે સુધી એનાં ફૂલ ઉડે? બે ઈંચ વ્યાસની જમીન ચકરડી કેટલાં વિસ્તારમાં ફેલાતી ફેલાતી જઈ શકે? કેટલી મિનીટ ચાલે? સળગતું તારામંડળ ઝાડ પર ફેંકવાના જોખમો કયા? એક લવિંગીયાની સેરમાં કેટલાં લવિંગીયા આવે? પાર્ક કરેલા વાહનથી કેટલા મીટર દુર ફટાકડો ફોડી શકાય? બિલ્ડીંગથી ચાર મીટર દુર અને સમક્ષિતિજથી ૭૫ ડીગ્રી એન્ગલે ગોઠવેલ અગિયાર ઇંચની દાંડી ધરાવતું રોકેટ એપાર્ટમેન્ટનાં ચોથા માળની બાલ્કની કે બારીમાં ઘૂસે તેની સંભાવના કેટલી? આવા બધાં સવાલો પૂછી શકાય.  

લેખિત પરીક્ષા પાસ કરો એટલે પાકા લાઈસન્સ માટે પ્રેક્ટીકલ ટેસ્ટ આપવાની. એમાં જુદાજુદા ફટાકડા ફોડી બતાવવાના. બોમ ફોડવો હોય તો પેલી બોમ ડીસ્પોઝલ સ્કોડ પહેરે છે એવો ડ્રેસ પહેરીને બોમ ફોડવાના. તારામંડળ ફોડવા માટેની ટેસ્ટ પણ ગોગલ્સ પેરીને આલવી પડે એવું કંઇક કરો. ટેસ્ટ આપવા માટે પણ ફેકટરીમાં પહેરે એવા સેફટી શુઝ પહેરવાનું કમ્પલસરી કરો. પ્રેક્ટીકલમાં જે આજુબાજુ જોયા વગર ફટાકડો ફોડે એને ફેઈલ કરી દેવાનો એટલે અને બીજી દિવાળીએ કોમ્પ્યુટર પર ફટાકડા ફોડવાની બરોબર પ્રેક્ટીસ કરીને આવે!

ભલે સરકાર પરમીશન અને લાઈસન્સ રાજ ખતમ કરવાની વાતો કરતી, પણ આ પ્રજાને બાઈબાઈ ચાયણી ના કરાઇએ તો આપડી ખુરશી નીચે આઈને બોમ ફોડે એવી છે. અને આ પરમીશન આલવાનું પણ તમારા લાભમાં જ છે ને? શું સમજ્યા? તો અમારી આ અરજી પર ગંભીરતાપૂર્વક વિચાર કરીને કંઇક નવા જાહેરનામાં બહાર પાડો કે નવા કાયદા લાવો પછી.

લી. બકાભાઈના જયહિન્દ

No comments:

Post a Comment