Sunday, October 19, 2014

તમે કોણ છો ?



 

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૯-૧૦-૨૦૧૪

અમુક વ્યક્તિઓ પોતાની આસપાસના લોકોને આંજી નાખવા માટે સદાય પ્રયત્નશીલ હોય છે. આમાં આમ જનતાથી લઈને વેપારીઓ અને રાજકારણીઓ પણ આવી જાય. એમાં ઘણાં એવા હોય છે જે પોતે છે એ બતાવે છે, જયારે ઘણાં એવા છે જે પોતે નથી એ બતાવવાની કોશિશ કરે છે. દાતણ વેચતાં હોય ને કહે કે  ‘હું ટીમ્બર મર્ચન્ટ છું’, એવું કંઇક. પ્રજા બિચારી હંસ જેવો નીર-ક્ષીરનો વિવેક ધરાવતી નથી એટલે ચાલતું હોય છે. જ્ઞાનીઓ પણ આમાં પ્રજાનો વાંક નથી જોતા, કારણ કે ઘણાં લોકોને પોતે શું છે એ જ ખબર નથી હોતી તો બીજાને ઓળખવાની તો વાત જ ક્યાંથી કરાય?
લ્યો તો ચાલો પોતાની જાતને કઈ રીતે ઓળખવી એનાં થોડાં ઈન્ડીકેટર આપીએ.

જો તમને ૧૦૦ જણા ઓળખતા હોવ તો તમે સોશિયલ છો. જો તમને ૧૦૦૦ જણા ઓળખતા હોય તો તમે જ્ઞાતિના લીડર છો. તમને ૧૦,૦૦૦ જણા ઓળખતા હોય તો તમે સાધુ-સંત કે લોકલ પોલીટીશીયન છો. તમને એક લાખ લોકો ઓળખતા હોય તો તમે સ્થાનિક સ્કેમસ્ટર છો અથવા પોલીટીશીયન છો. તમને જો દસ લાખ લોકો ઓળખતાં હોય તો તમે નેશનલ સ્કેમસ્ટર અથવા પોલીટીશીયન અથવા બંને છો. જો તમને કરોડ લોકો ઓળખતાં હોય તો ભગવાન અમારું તમારાથી અને તમારા કાર્યોથી રક્ષણ કરે!

જો તમે શાહપુર સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી ખરીદેલું પેન્ટ પહેરતાં હોવ તો તમે ઓફિસ બોય છો. જો તમે નરોડાની કોઈ ફેક્ટરીમાં બનેલા અને કોઈ હોટલના બેન્કવેટ હોલમાં આયોજિત સેલમાંથી સાડી ત્રણસો રૂપિયામાં ખરીદાયેલું જીન્સ પહેરતાં હોવ તો તમે પિત્ઝા ડીલીવરી બોય છો. જો તમે કંપનીએ આપેલું યુનિફોર્મનું નેવી બ્લ્યુ પેન્ટ પહેરતાં હોવ તો તમે ઓફિસ આસીસ્ટન્ટ છો. જો તમે કોટન કેઝ્યુઅલ પહેરતાં હોવ તો તમે કોર્પોરેટ એક્ઝીક્યુટીવ છો. જો તમે બ્રાન્ડેડ કોટન કપડાં પહેરતાં હોવ તો તમે કોર્પોરેટ મેનેજર છો. જો તમે લીનનનું ઓપન શર્ટ પહેરતાં હોવ તો તમે આર્કિટેક્ટ કે એનજીઓ ચલાવો છો. પણ જો તમે ખાદીના ચમચમાટ કપડાં પહેરતાં હોવ તો તમે સર્વસ્વ છો. તમે સર્વગુણ સંપન્ન છો. તમે ઉદ્ઘાટક છો. તમે મુખ્ય મહેમાન છો. તમે અન્યોના ભાષણોમાં આદર્શ છો.

તમારા ઘરની ગટર ઉભરાય અને તમે રીપેર કરાવો તો તમે પતિ છો. સોસાયટીની ગટર ઉભરાય અને તમે રીપેર કરાવો તો તમે સોસાયટીના સભ્યોની ગાળો ખાતાં સેક્રેટરી છો. તમારા એરિયાની જ ગટર ઉભરાય અને તમે અઠવાડિયા પછી રીપેર કરાવો તો તમે મુનસીટાપલીનાં ઈજનેર છો. પણ ગામ આખાની ગટર ઉભરાતી હોય, એ પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોય અને ગામના લોકો તમારી ઓફિસમાં આવી માટલા ફોડતાં હોવાં છતાં તમે ઉદ્ઘાટનો અને કલ્ચરલ કાર્યક્રમોમાં હાજરી આપવામાંથી ઊંચા ન આવતા હોવ તો તમે શહેરનાં મેયર છો!

જો તમારો મિત્ર તમારી પાસેથી હજાર રૂપિયા ઉધાર માંગે તો તમે પ્રાઈવેટમાં નોકરી કરો છો. તમારા સગાવહાલા તમારી પાસેથી પાંચ-દસ હજાર ઉધાર માંગે તો તમે કુટુંબના ભણેલ-ગણેલ અને સદ્ધર વ્યક્તિ છો. જો જ્ઞાતિવાળા આવીને તમારી પાસે પચીસ-પચાસ હજારનું ડોનેશન લઈ જાય તો તમે વેપારી છો અને તમારી જ્ઞાતિમાં શાખ છે. પણ રૂપિયા માટે આખા ગામના લોકો અને પોલિસ તમારી શોધખોળ કરતી હોય તો તમે કોઓપરેટીવ બેંક કે મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમનાં ફરાર ડાયરેક્ટર છો.

તમે બોલતા હોવ અને સામે બેઠેલા બધા જ લોકો અંદરો-અંદર વાતોમાં મશગુલ હોય તો તમે પ્રાયમરી ટીચર છો. તમે બોલતા હોવ અને સામે બેઠેલા એટેન્ડન્સ પૂરતું તમને યસ સરકહે તો તમે કોઈ ઓવરરેટેડ સેલ્ફ ફાઈનાન્સડ યુનીવર્સીટીના પ્રોફેસર છો. તમે બોલો છો અને તમારી બાજુમાં બેઠેલા બે લોકોને તમે ક્યારે પૂરું કરો છો એમાં જ રસ હોય તો તમે ગોર મહારાજ છો. અને તમે બોલવા ઈચ્છતા હોવ છતાં બોલવાની તક જ ન મળતી હોય તો તમે હસબંડ છો.

આ તો થોડી ટીપ થઇ, બાકી ‘હું કોણ છું’ જાણવા એટલે કે ‘સ્વ’ની ઓળખ મેળવવા માટે હિમાલયના શરણે જનારા મોટા ભાગના લોકો સત્ય જાણ્યા પછી પાછા આવ્યા હોય એવું સાંભળ્યું નથી. અહીં બેઠાબેઠા જે પોતાને ઓળખી ગયા છે એમને ખુદના સંતાનો પોતાના જેવા ન થઇ જાય એની ચિંતા હોય છે. ઝઘડા વખતે નશામાં ભાન ભૂલેલા નબીરાઓ પોતે કોણ છે એ જણાવવા તત્પર હોય છે, પણ એ જાણવામાં પોલીસ સિવાય કોઈને રસ હોતો નથી. જે લોકોને આ ફિલોસોફીમાં જરા પણ રસ નથી એમણે પણ સીમ-કાર્ડ, આધાર કાર્ડ, એટીએમ કાર્ડ, રેશન કાર્ડ કે વોટર્સ કાર્ડ લેવા માટે પોતે કોણ છે એ તો જણાવવું જ પડે છે. બાકી તો લૂગડાંની અંદર જેવા હોઈએ એવા બહાર ન દેખાઈ જઈએ એટલી તકેદારી રાખવી, બીજું શું !

મસ્કા ફન
ગરોળી એટલે ...
ભીંતને ઓટલે મૃદુતાનાં ભાવભીના પગલા !

No comments:

Post a Comment