Wednesday, October 02, 2013

સત્યના પ્રયોગો ભારે પડ્યા

ગાંધી જયંતી આવે એટલે ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર દેશભક્તિનો જુવાળ ઉપડે છે. આ દિવસે ગાંધીજીના ગુણ ગાવામાં આવે છે. એમનાં ફોટા શેર કરવામાં આવે છે. પણ અમુક નાજુક હ્રદયના લોકો આ ફોટાઓ અને સંદેશાઓ જોઈ જોશમાં આવી સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય જેવી કપરી પ્રતિજ્ઞાઓ લઈ બેસે છે. પણ જયારે એનો અમલ કરે ત્યારે એનાં પરિણામોથી એમની આંખ પહોળી, ગાલ લાલ અને જિંદગી હરામ થઈ જાય છે. તો જોઈએ કેટલીક ખબરો જેમાં લોકોએ ગાંધીજીના સિદ્ધાંતો અમલમાં મૂક્યા એનાંથી શું પરિસ્થિતિ સર્જાઈ.
  • ધોરાજીમાં કોન્સ્ટેબલ સાંજે શાક-માર્કેટમાંથી મફત શાક લીધાં વગર ઘેર ગયો એમાં રાત્રે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. પત્નીએ ફરી આવું થયું તો ઘર છોડીને જતાં રહેવાની આપી ચીમકી. 
  • વઢવાણના નાની નરાઈ ગામે ઘેર બેસી પગાર ખાતાં શિક્ષક પહેલીવાર સ્કુલે જતાં અન્ય શિક્ષકો અને બાળકો હતપ્રભ થઈ ગયા. ત્રણ વર્ષથી આ સ્કુલમાં નોકરી કરતી શિક્ષિકા બહેને આ શિક્ષક હર્ષવર્ધન સિંહને પહેલીવાર સ્કૂલમાં જોયાનો ખુલાસો.
  • અમદાવાદમાં કોન્ટ્રકટરે રોડમાં નિયત પ્રમાણમાં ડામર વાપરતા રોડ વધુ પડતો ચીકણો બનાવ્યાની લોકોની ફરિયાદ. મુનસીટાપલી એન્જીનીયરોમાં પણ કોઈ ભૂલ થઈ હોવાની અંદરખાને ચર્ચા.
  • અમદાવાદની સ્માર્ટ કીડ સ્કૂલમાં અઢળક ભૂલોવાળું લેસન મમ્મીએ કર્યાનું કબૂલતા ટીચર બમણા ગુસ્સે થયા. વગર માંગ્યે મમ્મીને અભણ હોવાનું સર્ટીફીકેટ આપ્યું.
  • અગાઉ ઢાંકણીનું ઓપેરેશન અત્યંત જરૂરી હોવાના ત્રણ ડોક્ટરોના અભિપ્રાય પછી દાખલ થયેલા દર્દીને ડોક્ટરે માત્ર એક ઇન્જેક્શન આપી સાજો કરી રવાના કર્યો. દોઢ લાખનો ખર્ચો બચવાથી દર્દી માનસિક આઘાતમાં.
  • ઇન-બોક્સમાં સાડી ચારસો મહિલાઓને કવિતા મોકલ્યાના એક કવિના એકરારથી ફેસબુક પર આતંક. અસરગ્રસ્ત મહિલાઓ આગળ આવે તેવી મહિલા અત્યાચાર નિવારક સંઘની માંગણી. 
  • બાર કાઉન્સિલ દ્વારા સાચું જ બોલવાના ઠરાવના પગલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસોનો આવેલો નિકાલ.
  • ‘ઓફિસથી આવતાં કેમ મોડું થયું?’ એનો પતિદેવોએ સાચો જવાબ આપતાં માત્ર સુરતમાં એક જ દિવસમાં ૩૪૭ છૂટાછેડાના કેસ દાખલ. ટૂંક સમયમાં બીજાં ૩૪૭ કેસ દાખલ થવાની વકી.
  • સાચું બોલવાનું નક્કી કર્યાં પછી અનેક પત્નીઓએ માથાના દુખાવાની ફરિયાદ ન કરવાથી પતિ-સમાજ આનંદભેર આઘાતમાં. માથાના દુખાવાને કારણે રદ કરેલા અનેક પૈકી કયો કાર્યક્રમ પહેલાં કરવો એ માટે મીઠી મૂંઝવણ.
  • બ્રહ્મચર્યની ફાઈનલ પરીક્ષા આપવા માટે રાજકોટના સાત યુવાનો બેંગકોક રવાના. પરીક્ષામાં પાસ થાય તો આજીવન કુંવારા રહે તેવી શકયતા.

(આ હાસ્યલેખ છે, બધી ઘટનાઓ કલ્પિત છે.) 

by adhir amdavadi

No comments:

Post a Comment