Thursday, October 17, 2013

મુનસીટાપલી કૂતરા ત્રાસ હેલ્પલાઈન

મુનસીટાપલી કૂતરા ત્રાસ હેલ્પલાઈન માં આપનું સ્વાગત છે ....
--
કૂતરાથી ત્રાસેલા જુનાં ગ્રાહક મિત્રો એક દબાવે. 

બધાં ગ્રાહકો, જુના જ છે ... માટે એક દબાવો.
દબાવ્યું ?
(બટન પ્રેસ થવાનો અવાજ)
ઓકે.

કૂતરું પાછળ પડવાથી થયેલા અકસ્માતની નોંધણી કરવા માટે બે દબાવો.
(સામે પ્રી-રેકોર્ડેડ અવાજ આવે છે, આ લાઈન વ્યસ્ત છે, કૃપા કરી લાઈન ચાલુ રાખો. મેઈન મેન્યુમાં જવા માટે ૦ દબાવો. પાર્ટી ઝીરો દબાવે છે)

શું તમને કૂતરું કરડ્યું છે? તો ત્રણ દબાવો.

‘તમને કરડેલું કૂતરું અગાઉ કોને કોને કરડ્યું છે?’ એ જાણકારી મેળવવા માટે ચાર દબાવો.

તમને કરડેલા કૂતરાનો સિરીયલ નંબર અને તે હજી જીવે છે કે મરી ગયું છે તે જાણવા, પાંચ દબાવો.

હડકવાની રસી આપતી સરકારી કે મુનસીટાપલી હોસ્પિટલ વિષે જાણકારી મેળવવા માટે છ દબાવો.

તમારી ‘મનગમતી’ મુનસીટાપલી હોસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટોક છે કે નહી તે જાણવા, સાત દબાવો.

હોસ્પિટલમાં લીધેલી રસી લીધાં પછી હડકવા થયો હોય તો આઠ દબાવો.
આ હેલ્પલાઈનની સૂચનાઓ સાંભળ્યા પછી તમને આપઘાત કરવાનું મન થતું હોય તો નવ દબાવો. તમારો કોલ, આપઘાત નિવારણ હેલ્પલાઈનમાં ટ્રાન્સફર થશે.
by adhir amdavadi

No comments:

Post a Comment