Wednesday, October 02, 2013

કેરોસીનથી ચાલતી રીક્ષાઓ કાયદેસર થશે



હવે મચ્છરોની સમસ્યાનો ઉપાય હાથવેંતમાં. ચોમાસા દરમિયાન કેરોસીનથી ચાલતી રીક્ષાઓ કાયદેસર કરવા મુનસીટાપલી કમિશનરનો આરટીઓને પત્ર.

અધીર અમદાવાદી

મુનસીટાપલી આમ તો માણસોની બનેલી છે. કમિશનર પાસે ઘણી સત્તાઓ હોય, પણ એમનાં પોતાના ઘેર પણ મચ્છરો અંગે બુમો પડે છે એવી સાઈડ-લાઈનડ ઓફિસરોની પત્નીઓની ક્લબમાં ચર્ચા થાય છે. મુનસીટાપલીના કાળા માથાના કર્મચારીઓ અને અધિકારીઓ પાસે રખડતી ગાયો, કૂતરાઓ, ભુવાઓ, પાણી ભરાવવા, ગટર અને પાણીની પાઈપો અંદર અંદર એક થઈ જવી જેવી અનેક સમસ્યાઓના સમાધાન નથી. આવી જ એક સમસ્યા ચોમાસામાં મચ્છરોની છે.


મચ્છરજન્ય ડેન્ગ્યુ અને મેલેરિયાના લીધે લોકો મરી રહ્યા છે એવામાં સરકાર રૂપિયાના ધૂમાડા કરવા સિવાય મચ્છરોની સમસ્યાનો કોઈ નક્કર ઉપાય નથી શોધી શકી. આવામાં મુનસીટાપલીએ આરટીઓ ઓફિસને એવો પત્ર લખ્યાનું ધ્યાનમાં આવ્યું છે કે ચોમાસાના સમય દરમિયાન કેરોસીનથી ચાલતી રીક્ષાઓને કાયદેસરની માન્યતા આપવી. આ અંગે એન્વાયરોનમેન્ટ વિભાગના એક અભ્યાસ મુજબ જયારે અમદાવાદમાં આરટીઓ અને પોલીસ ખાતાંના સહયોગથી રીક્ષાઓ કેરોસીનથી ચાલતી હતી ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો સૌથી ઓછા નોંધાયા છે. આ માટે ભૂતકાળમાં આરટીઓ અને પોલીસ વિભાગને રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી સારી કામગીરી અંગે પ્રમાણપત્રો પણ અપાયા છે.

અત્રે જણાવવું જરૂરી છે કે અમુક હાઈપ્રોફાઈલ લોકોને મેલેરિયા અને ડેન્ગ્યુ થતાં તંત્રે હંમેશની જેમ ચોંકી ઉઠવાનો ડોળ કર્યો છે. અને એનાં પરિણામે આરટીઓને પત્ર લખી કેરોસીનથી ચાલતી રીક્ષાઓ ચોમાસાં માટે કાયદેસર કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે ઉચ્ચ અધિકારીઓએ પોલીસ વિભાગને પણ આવા રીક્ષાવાળાઓના મશીન સદા ચાલુ રહે તે માટે તેમને વિના રોકટોક-હપતા લીધાં સિવાય જવા દેવા એવી નીચેના સ્ટાફને તાકીદ કરવા જણાવ્યું છે.

મુનસીટાપલીની યાદી મુજબ મચ્છરોની સમસ્યાના ઉકેલ માટે બીજાં અનેક ઇનોવેટીવ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યાં છે. આ મુજબ મુનસીટાપલી આયોજિત શેરી ગરબા સ્પર્ધાઓ હવેથી નવરાત્રિને બદલે ચોમાસા દરમિયાન જ ગોઠવવામાં આવશે જેથી કરીને તાળીઓના તાલે મચ્છરોનો સર્વનાશ કરી શકાય. આ ઉપરાંત મધ્યરાત્રિ ભજન યોજના શરું કરવામાં આવશે જે અંતર્ગત પણ ‘તાળી પાડો મચ્છર ભગાવો’ સૂત્ર સિદ્ધ કરી શકાશે. આ ઉપરાંત એક સ્કીમમાં જે લોકો મરેલા મચ્છર વન પીસમાં જમા કરશે તેમને મચ્છર દીઠ દસ પૈસા લેખે ચૂકવણી કરવામાં આવશે. એવું પણ જાણવા મળે છે કે આ ‘મચ્છર મારો, દસ પૈસા કમાવ’ સ્કીમમાં કેન્દ્ર સરકારને પણ રસ પડ્યો છે. જોકે આ સ્કીમને પગલે માર્કેટમાં અન-સ્કીલ્ડ લેબરની તંગી સર્જાશે તેવો મત અમુક તજજ્ઞોએ વ્યક્ત કર્યો છે.

ધૂમાડા અને તાળીઓ સિવાય મચ્છર ભગાડવા માટે અમુક તીવ્રતાના અવાજો કામ કરે છે. આ અંગે સંશોધન બાદ એવું જાણમાં આવ્યું છે કે અમુક સ્ત્રીઓ આવા અવાજો ગુસ્સે થાય ત્યારે કાઢી શકે છે. તો મુનસીટાપલી કર્મીઓ આવી સ્ત્રીને ઘેર ઘેર ફરી શોધી કાઢશે અને તેમના અવાજ રેકોર્ડ કરી સમસ્યા હોય તેવા વિસ્તારોમાં લાઉડ સ્પીકર પર પ્લે કરશે. જોકે આ ઉપાય અંગે પતિ હિતરક્ષક મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોવાનું પણ જાણવામાં આવ્યું છે.
by adhir amdavadi

No comments:

Post a Comment