Saturday, October 05, 2013

વરસાદી નવરાત્રીના કેટલાંક સંવાદો



અમદાવાદમાં પહેલી નવરાત્રીએ જ વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે આજે કેવા સંવાદો સાંભળવા મળશે...
by Adhir Amdavadi 
------------------
બકો : આજે કયા કપડાં પહેરશું ?
અલી : આ જે પહેર્યા છે એ જ. ઉપર રેઇનકોટ પહેરી લે જે.
--
ખેલૈયા-૧ : બકા આજ રાતના પાસનું શું કરીશું ?
ખેલૈયા-૨ : ઓએલએક્સ પર મૂકી દે, કોક મુરખો ખરીદી લેશે
--
ખેલૈયા-૧ : બે બકા પેલું ‘પંખીડા રે ... ‘ ગાય તો મઝા પડે...
ખેલૈયા-૨ : તંબુરો ગાય ! પંખીડાની પાંખો ભીની થઈ ગઈ છે તે ક્યાંથી ઉડે?
--
ખેલૈયા-૨ : અલા, આ સ્ટેપ તો પહેલી વાર જોયા જો તો દોઢિયું તો નથી લાગતું ...
ખેલૈયા-૧ : બકા, એને લપસિયુ કહેવાય. બે સ્ટેપ આગળ ભરે પછી લપસીને દોઢ સ્ટેપ વધું આગળ જાય, પછી બ્રેક વાગે છે. પછી એક સ્ટેપ પાછળ ભરે એમાં લપસીને અડધું વધારે સ્ટેપ પાછળ જાય. ફરી પાછાં આગળ એમ ...
--
ખેલૈયા-૧ : બે યાર આ ભરતકામને ચાકડાવાળી છત્રી વરસાદમાં ઓઢી પણ એમાંથી તો કલર જાય છે જો મારી ચોયણી સફેદમાં થી લીલી થઈ ગઈ.
ખેલૈયા-૨ : હા બે. આ છત્રીની નીચે સાચી છત્રીનું કાપડ કે પ્લાસ્ટિક નાખવું જોઈએ આ લોકોએ.
Cartoon Courtesy - Mahendra Shah
--
ખેલૈયા-૨ : અલા, આ માઈક પર કોગળા કરતો હોય એવું કેમ ગાય છે?
ખેલૈયા-૧ : બકા, એ તો બરોબર જ ગાય છે, આ તો સ્પીકર વરસાદમાં પલળી ગયા છે એટલે એવું સંભળાય છે.
--
ખેલૈયા-૧ : બકા, કોઈ સારી છોકરીઓ કેમ દેખાતી નથી ?
ખેલૈયા-૨ : અલા બધીઓનો મેકઅપ વરસાદમાં ઉતરી ગયો એટલે બાઇજ્જત વહેલી ઘેર જતી રહી છે.
--
ખેલૈયા-૨ : હેં, આ આ સનેડામાં બધાં દુપટ્ટા ઉડાડતા હતાં એનું શું થયું?
ખેલૈયા-૧ : એ બધાં વરસાદમાં ભીનાં થઈ ગયા એટલે ઉડાડવામાં બહુ મહેનત પડે છે.
--
ખેલૈયા-૧ : બકા, આ ગાયિકા તો જબરજસ્ત ગાય છે એનાં વોઈસના આરોહ અવરોહ તો સાંભળ ...
ખેલૈયા-૨ : અલા એ બેન પલળ્યા છે એટલે ઠંડી ચડી છે. ધ્યાનથી જો ધ્રુજે છે...
--
ખેલૈયા-૨ : અલા, ખબર છે આ વખતે ફર્સ્ટ પ્રાઈઝ કોને મળ્યું?
ખેલૈયા-૧ : હા બકા, પેલા ધીમીધારે ગરબા ગાતાં હતાં એ કાકા અને કાકીને. પેલા ઠેકડા મારવાવાળા તો હોંશિયારી મારવામાં લપસીને હોસ્પિટલ ભેગાં થઈ ગયા.
--
ખેલૈયા-૧ : બકા, તો પછી આપણે શું કરીશું ?
ખેલૈયા-૨ : જો સામે પેલો સ્ટોલ છે એમાં ઢોકળા મસ્ત મળે છે, હેંડ ...

No comments:

Post a Comment