Monday, October 14, 2013

ગરબાના ગૂઢાર્થ

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૩-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |નવરાત્રિ આવે એટલે તમે ઈચ્છો કે ન ઇચ્છો તમને ગરબા સાંભળવા મળે અને એ પણ ફૂલ વોલ્યુમ પર. જે નવરાત્રીમાં ગરબા ગાય છે એમને તો ઢોલના તાલનું જ મહત્વ હોય છે. પછી શબ્દોમાં ચીકની ચમેલી ઠર્રા ચડાવીને આવે કે ટ્રેડીશનલ ડ્રેસ પહેરી ગરબા માટે લુંગી ડાન્સ વાગે, કે પછી શુદ્ધ ભક્તિ રસથી ભરેલો ગરબો હોય, બધું નાચનાર માટે સરખું જ હોય છે. પણ આવા સમયે બાઉન્સર, ડ્રાઈવર અને સામાન સાચવવા સાથે જતાં સાંવરિયાને નવરા બેઠાં આ ગરબા સાંભળવાની તક મળતી હોય છે. સાંવરિયો ગરબાનું રસપ્રદ અર્થઘટન કરતો હોય છે.


‘કેસરિયો રંગ તને લાગ્યો અલા ગરબા ...’ ગરબો જે જગ્યાએ ન ગવાયો હોય ત્યાંની નવરાત્રી અધૂરી જાહેર કરવામાં આવે છે. ગરબામાં ‘ઝીણી ઝીણી જાળીઓ મેલાવો ..’ કીધું છે એ રાજ્યમાં મચ્છરોના કારણે વધતાં ડેન્ગ્યુ મેલેરિયાનાં કેસને લઈને પણ હોઈ શકે. જોકે એકંદરે આ ગરબો તાજેતરમાં ‘કેસરિયા’ કરી પક્ષપલટો કરનાર સભ્યો માટેનો લાગે છે. ગરબામાં ‘કોનાં કોનાં માથે ઘૂમ્યો’ એવું પણ પૂછાયું છે, એનાં જવાબમાં સભ્યશ્રી એ અગાઉ કેટલી પાર્ટીના પાણી પીધા છે એનાં વિષે વાત કરી છે. એવું મનાય છે કે ગુજરાત બહાર બીજા અમુક રાજ્યોમાં આ ગરબા ઉપર અન-ઓફિશિયલ બાન છે. જો આ ગરબો વગાડો તો લોકલ પોલીસની ખરીદેલી કે આવેલી ક્રિપા પાછી જતી રહે છે.

બીજો એક સુંદર ગરબો છે જેમાં બેન કહે છે કે ‘સુના સરવરીયાને કાંઠલે, બેડલું મેલીને નાવા ગઈ, પાછી વળી ત્યાં તો બેડલું નઈ’. હવે તો એવા સુના સરવર (કોમ્પ્યુટરનું સર્વર નહી!) પણ રહ્યાં નથી, જ્યાં જુઓ ત્યાં ભીડ હોય છે એટલે ગરબો ઘણો પ્રાચીન લાગે છે. જોકે આ ગરબામાં માસીનું બેડલું ચોરાઈ જવાની વાત છે. એટલે એ જમાનામાં પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાસ સારી હોય એવું જણાતું નથી, માટે હવે પરિસ્થિતિ વણસી ગઈ છે એવું કહી ન શકીએ. આ ઉપરાંત એવી ચોખવટ ભલે ગરબામાં નથી, પરંતુ એવું ફલિત જરૂર થાય છે કે બેન નાવા ગયા હશે ત્યારે અમુક કપડાં બહાર છોડીને ગયા હશે. આ માત્ર કલ્પનાનો વિષય નથી, આવું કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના કિસ્સામાં પણ આવે જ છે કે જેમાં કનૈયો યમુનામાં નહાવા પડેલી ગોપીઓના વસ્ત્રો ઉઠાવી જાય છે. જોકે અહીં અર્વાચીન કિસનને કપડાં કે કપડા પહેરનારીમાં રસ નથી કારણ કે એ કપડાં ઉઠાવતો નથી, એ બતાવે છે કે આ કિસન અરસિક છે અથવા તો ગોપીમાં એને રસ પડે એવું કંઈ નથી. 

એક સૌથી પોપ્યુલર ગરબો છે, કે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં...  અમે તો કોઈ ઢોલીડાને આજ સુધી ધીમે ઢોલ ટીચતો જોયો કે સાંભળ્યો નથી. ઢોલીડાનું કાસ્ટિંગ થતું હશે ત્યારે એક્ચ્યુઅલી કચપોચાને લેવાનો રીવાજ જ નથી. આજકાલના ઢોલીડા જીમ જઈ કાંડા મજબૂત બનાવતાં હોય છે. તો પછી સવાલ એ થાય કે ગરબો લખનારે આવું ‘ધીમો વગાડ માં’ લખ્યું કેમ? અમને લાગે છે કે ગરબાના અવાજ સહન ન કરી શકનાર આઈટમો જે દર વર્ષે કોર્ટ કેસ કરતી હોય છે, એવા કોઈ નંગની પાડોશમાં આ ગરબો લખનાર રહેતો હશે, એટલે એને વધુ તપાવવા ભાઈએ આ ઢોલીડા ગરબો લખ્યો હશે. ખરેખર તો આ ગરબામાં ઢોલીડા ઢોલ ધીમો ‘વગાડ માં’ ને બદલે ‘ધીબેડ માં’ એવું હોવું જોઈએ.

‘નદી કિનારે નાળીયેરી રે...’ ગરબામાં થોડી ટેકનીકલ ભૂલ હોય એવું લાગે છે. ગરબો ચોક્કસ કોઈ આર્ટસ કે કોમર્સ ગ્રેજ્યુએટ ભાઈ કે બહેને લખ્યો હશે. નાળિયેરી જનરલી દરિયા કિનારે થતી હોય છે, પણ આ ગરબામાં બેને નદી કિનારે ઉગાડી છે. આમ તો ગમે ત્યાં ઉગાડી શકાય પણ બીજે ગ્રોથ સારો ન થાય. ક્યારેક નાળીયેર ન આવે એવું પણ બને. એટલે ક્યાં તો લખનાર આ વાતથી સંપૂર્ણ અજાણ હશે અથવા તો એમને મન નાળિયેરીનું મહત્વ જ હશે જસ્ટ શોભાના ગાંઠિયાની જેમ, નાળિયેરનું નહી. સામાન્ય રીતે નાળિયેરનો ઉપયોગ ઈડલી-ઢોસા સાથેની ચટણી બનાવવામાં થતો હોય છે. એટલે નાળિયેર વગરની નાળિયેરી ઉગાડે એવું લખનાર સાઉથ ઈન્ડીયન વાનગીઓનો શોખીન ન હોય અથવા તો ગરબો લખાયો એ જમાનામાં ગુજરાતમાં સાઉથના ઈડલી-ઢોંસા પ્રચલિત નહી થયા હોય તેવું વિદિત થાય છે.‘ઈંધણા વીણવા ગઈ’તી મારી સૈયર ...’ ગરબો સાંભળીને સૌથી પહેલાં વિચાર એ આવે કે શહેરમાં તો કોઈ ઈંધણા વીણવા જાય નહી, માટે આ ગરબામાં વાત ગામડાની હશે. જોકે ફાલ્ગુનીબેનનો આ ગરબાનો મ્યુઝિક વિડીયો જુઓ તો પાછું કંઇક ત્રીજું જ દેખાય. પણ માની લો કે વાત ગામડાની હોય તો ‘વેળા બપોરની થઈ’તી ...’ વગેરે શુદ્ધ ઉચ્ચારો ક્યાંથી આવે? અને પાછું આમાં વીણવા કોણ ગયું છે એ પ્રશ્ન તો ઊભો જ છે. આ બેન કે જે ગાય છે એ, કે પછી એની સૈયર? જો સૈયર ગઈ હોય તો પછી એ સૈયરનો અવાજ સારો નહી હોય એટલે સૈયરે આને ગાવાનું આઉટ સોર્સ કર્યું હશે. પણ અમને સૌથી નવાઈની વાત એ લાગે છે કે આ ગરબો પણ સરકારની નજરમાંથી બચી કઈ રીતે ગયો? હા, વિરોધપક્ષ આનો ફાયદો ઉઠાવી શકે એમ છે. એલપીજીમાં સિલીન્ડર પર નિયંત્રણ મૂક્યા પછી પ્રજાને ગેસ વાપરવાના વાંધા છે એટલે પ્રજા અને ખાસ કરીને યુવાન છોકરીઓ બિચારી ઈંધણા વીણવા જાય છે એવું આ ગરબાથી ફલિત થાય. નસીબ છે આ ગરબો હજુ સરકાર વગડવા દે છે તે!

No comments:

Post a Comment