| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૪-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |
પાંસઠ કિલો વજન ધરાવતો પરણિત પુરુષ પોતાની પ્રેમિકાને મળવા જાય ત્યારે પોતાની સિત્તેર કિલો વજન ધરાવતી
પત્નીથી ડરતો ડરતો જાય છે. એની એ જ પત્ની દોઢસો ગ્રામના ઉંદરથી ડરે છે. ઉંદર એની જાની-દુશ્મન બિલાડીથી ડરે છે. બિલાડી કૂતરાથી ડરે છે. કૂતરો સાણસો લઇ પકડવા આવતાં કોર્પોરેશનના સ્ટાફથી ડરે છે. આ સ્ટાફ એમનાં ઉપરી અધિકારીથી ડરે છે. ઉપરી અધિકારી એમનાંથી વધારે ઉપરના અધિકારીથી ડરે છે. સૌથી ઉપરી અધિકારી શાસક પક્ષના નેતાથી ડરે છે. પણ આ નેતા કોઈનાથી ડરતા નથી, પ્રજાથી પણ નહિ ને પોતાનાં અંતરાત્માના અવાજથી પણ નહિ !
ડરવું એ કઈ જરૂરી નથી. કમ્પલસરી નથી. એટલે જ બહુ ચર્ચિત ફિલ્મ નિર્માતા નિર્દેશક રામ ગોપાલ વર્માએ ‘ડરના મના હૈ’ ફિલ્મ બનાવી હતી. પછી થોડા વર્ષો પછી રામુનાં લગ્ન થયાં હોય કે બીજું ગમે તે કારણ હોય, એણે ‘ડરના જરૂરી હૈ’ નામની હોરર ફિલ્મ બનાવી હતી. રામુએ પછી ‘ફૂંક’ નામની એક ફિલ્મ બનાવી હતી આ ફિલ્મ થિયેટરમાં જે એકલા જોવે તેને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. એલિસ્ટર મેકલિન નામના જાસૂસી નવલ કથાના લેખકે ‘ફીયર ઇઝ ધ કી’ લખી હતી (શર્મિલા ટાગોર મેરે સપનો કી રાની ગીત વખતે વાંચતી હોવાનો ડોળ કરે છે તે પુસ્તક) જેમાં ડરનો ઉપયોગ કરી નાયક ગુનેગારને પકડે છે.
ફિલ્મોની જ વાત કરીએ તો શોલેમાં ગબ્બર સિંગ ઇન્સ્પેક્ટર બલદેવ સિંઘ પકડી લેશે એ ડરથી મારતે ઘોડે ભાગતો જોવા મળે છે, પણ છેવટે ઠાકુર સરકારી ઘોડા પર હોવાં છતાં એને આંબી જાય છે. ‘હોલી કબ હૈ’ વાળા સીનમાં પણ છેલ્લે ગબ્બર જય અને વીરુથી ડરીને ગામ છોડીને ભાગી જાય છે. આટલું જ નહિ, ‘મહેબુબા’ ગીત પછી જય અને વીરુ ધડાકા કરે છે ત્યારે પણ ગબ્બર ડરીને ઉભી પૂંછડીએ ભાગે છે. છેલ્લા સીનમાં ઠાકુર એની હવા ટાઈટ કરી નાખે છે ત્યારે પણ ગબ્બર ડરે જ છે. આમ સતત ડરતો આ ગબ્બર આ જ ફિલ્મમાં એક વખત ‘જો ડર ગયા સમજો મર ગયા’ વાળો ફેમસ ડાઈલોગ (કે જે હવે
રૂઢિપ્રયોગ બની ગયો છે) મારી ગયો હતો. એટલું જ નહિ આ ડાઈલોગ મારતા પહેલા ત્રણ જણને તો એણે ડરી જવા બદલ ઢાળી દીધાં
હતાં. આ ગબ્બરની હિપોક્રસી નહિ તો બીજું શું કહેવાય ? પણ શું થાય, એ આખરે ડાકુટોળીનો એ બોસ હતો, અને બોસ ઇઝ ઓલવેઈઝ રાઈટ!
પણ ગબ્બર હોય કે સિબ્બલ, દરેકને કોઈનો કોઈ ડર હોય છે. અમુક લોકોને પરીક્ષાનો ડર લાગતો હોય છે. આવા લોકોને કદાચ કાળા અક્ષર ભેંસ
બરોબર લાગતાં હોઇ શકે. અને ભેંસ એ ખરેખર ડરવા જેવું પ્રાણી છે, ખાસ કરીને એ રસ્તા પર નીકળે ત્યારે બીજા લોકોના અસ્તિત્વને ગણકારતું જ નથી. પણ પરીક્ષાનો આ ડર જેને સંપૂર્ણ તૈયારી કરી હોય તેને પણ લાગતો હોય છે. આથી ઉલટું જેણે કશી જ તૈયારી ન કરી હોય એને બિલકુલ ડર ન લાગતો હોય એવું પણ બને છે. આ પરીક્ષાનો ડર દૂર કરવાના ઘણાં ઉપાયો પ્રચલિત છે. એમાંનો સૌથી પ્રચલિત ઉપાય ટ્યુશન રાખવાનો છે. અને એટલે જ પરીક્ષાનો ડર કદાચ ટ્યુશનીયા શિક્ષકોએ જ ઉભો કર્યો હોય તેવું બની શકે. પરીક્ષાનો ડર દૂર કરવા હિંમતવાળા છોકરાઓ કાપલી નામના કાગળના શસ્ત્રનો ઉપયોગ પણ કરતાં હોય છે. પરીક્ષા સારી ન ગઈ હોય તો પછી પરિણામનો ડર લાગતો હોય છે. એટલે ઘણાં વિદ્યાર્થીઓ આ ડર
ઓછો કરવા ઉત્તરવહીમાં જ સોની નોટ મુકે છે.
ડરથી બચવા લોકો અનેક ઉપાયો કરે છે. ડર લાગે
ત્યારે અમુક લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગે છે. ખાસ કરીને
ભૂતપ્રેતનાં સંભવિત આક્રમણ સામે હનુમાન ચાલીસા અકસીર ગણવામાં આવે
છે. અરે, હનુમાન ચાલીસામાં જ ‘ભૂત પિશાચ નિકટ નહિ આવે’ એવી ગેરંટી ચાલીસા લખનારે આપી છે. પણ ભૂત પિશાચ જો સાચે જ સામે આવે તો એ વખતે હનુમાન ચાલીસા યાદ આવે કે કેમ ? તે એક મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન જે ભૂતપ્રેતને મળ્યું હોય તેને પૂછી શકાય.
નાના છોકરાઓને પોલીસ પકડી જશે એવો ડર બતાવવામાં આવે છે. અણ્ણા સૂચિત લોકપાલ બિલ અને ઉપવાસથી ઉભા થનાર લોકજુવાળથી ડરતી સરકારનાં ઇશારે પોલીસ અણ્ણાને પકડી ને તિહાર જેલ લઇ ગઈ હતી. પણ અણ્ણાની મમ્મીએ નાનપણમાં અણ્ણાને કદાચ પોલીસનો ડર નહિ બતાવ્યો હોય એટલે
અણ્ણા ડર્યા વગર જેલ ભેગાં થઇ ગયા હતાં. હવે મઝા એ વાતની છે કે જે લોકો અણ્ણાથી ડરતા ન હોવાનો દેખાવ કરતાં હતાં
અને પ્રેસ કોન્ફરન્સમાં ઉછળી ઉછળીને બોલતાં હતાં એ લોકો આ લખાય છે ત્યારે માઈક મનમોહન નામના દાંત વગરના સિંહના હાથમાં પકડાવી છૂમંતર થઇ ગયા છે. ■
Awesome! Liked the Sholey part!
ReplyDelete