Wednesday, September 21, 2011

બિલ ચીઝ ક્યા હૈ....


|મુંબઈ સમાચાર|વરાઇટી સપ્લીમેન્ટ|લાતની લાત ને વાતની વાત|૧૮-૦૯-૨૦૧૧|અધીર અમદાવાદી|
દિલનાં મામલા ખર્ચના ખાડામાં ઉતારે છે. પછી એ મલ્ટીપ્લેક્ષ અને હોટલનાં બિલ હોય કે હ્રદય રોગના દર્દીને હોસ્પિટલના બિલ. અને હોસ્પિટલનાં કેસમાં તો હજુય મેડીક્લેઈમ જેવી પોલીસી તમારી મદદે આવી શકે પણ દિલનાં મામલામાં તો વીમા કંપનીઓ વીમો આપતી નથી એટલે બિલ જાતે જ ચુકવવા પડે છે. વળી આપણે ત્યાં કોલેજીયનોમાં આપકમાઈનો મહિમા હજુ જોઈએ તેટલો છે નહિ એટલે દિલ દીકરા આપે છે ને બિલ બાપા ભરે છે. પણ આખી વાતમાંથી સંતોષ એ વાતનો લઇ શકાય એમ છે કે નાનપણમાં શીખવાડેલી મહાભારતની ભીમ-શકુનિ તણી વાતમાંથી છોકરાઓ કંઇક તો શીખ્યા છે. જોકે પાંડવોનાં વખતમાં હોટલમાં જવાનો રીવાજ નહોતો નહિતર અર્જુનની બર્થ ડે પાર્ટીમાં ભીમના જમવાનું બીલ ચુકવવામાં જ પાંડવો જંગલ ભેગાં થઇ ગયા હોત! અને પછી શકુનીનું શું થયું હોત એ કલ્પનાનો વિષય છે!

અમદાવાદમાં તો મિત્રો સાથે રેસ્ટોરાંમાં જમવા કે નાસ્તો કરવા જાવ એટલે બિલ આવે ત્યાં સુધી તો વાતોનાં વડા થાય, પણ જેવું બિલ ટેબલ પર મુકાય એટલે એકાદ જણો તો ટોયલેટ ભેગો જ થઇ જાય, અને એ નંગ બિલ ચૂકવાઈ ગયું હશે તેની ખાતરી થાય પછી જ બહાર નીકળે. બાકીનાં જે ટેબલ પર બચ્યા હોય એમાંનાં એકે તો પહેલા જ જાહેર કર્યું હોય કે આપણે કડકી ચાલે છે એટલે એને બિલમાંથી આગોતરા માફી મળી હોય. ત્રીજો તો બિલ ટેબલ પર મુકાય તેવો મોબાઈલ પર એસએમએસ જોવામાં મશગુલ થઇ જાય. અને હિન્દી ફિલ્મમાં બધું પતી જાય પછી પોલીસ આવે એમ અન્ય કોઈ ખિસામાં હાથ નાખે ત્યાર પછી અચાનક એ મોબાઈલની દુનિયામાંથી પાછો ફરી ખોટો ખોટો પાકીટ કાઢવાનો દેખાવ કરે. આ બધું નાટક ચાલતું હોય એ દરમિયાન વેઈટર ચાર આંટા મારી ગયો હોય, પણ કોઈએ ખીસામાં હાથ ન નાખ્યો હોય. છેવટે વેઈટર આંખો કાઢે એટલે એકાદો શરમનો માર્યો બિલ ચૂકવી દે.

ફાઈવ સ્ટાર હોટલોમાં જમવા જવાની વાત ન કરીએ તો ગુજરાતી અને કાફે ટાઈપ ઘણી રેસ્ટોરામાં બિલ ચૂકવવા સીધું કાઉન્ટર પર પહોંચી જવાનો રીવાજ છે. ટીપ આપવાનાં  વેસ્ટર્ન રિવાજને ધિક્કારતા ઘણાં લોકોને આ વધારે માફક આવે છે. વેઈટર બિલ આપે તો ટીપ બચાવવા ચિંગૂસ મહાશય જેમ ફૂટબોલનો ખેલાડી સામે ધસી આવતાં ખેલાડીને યેનકેન પ્રકારે ટાળી ગોલપોસ્ટ તરફ ધસી જાય છે તેમ એ કાઉન્ટર ભણી પહોંચી જાય છે. બીજાં અમુક ટીપ ટાળવા ભોજન પીરસવામાં કેટલી ક્ષતિઓ રહી ગઈ હતી એનો મનોમન હિસાબ કરી ટીપ ગુપચાવે છે. જો કે આથી વિરુદ્ધ ગર્લફ્રેન્ડ સાથે ભોજન લેવા આવતી યુવા જનતા વધારે ટીપ ચૂકવે છે. આવું કોઈ સંશોધન નથી થયું, પણ એવું માનવામાં કઈ હરકત પણ નથી!   

હિન્દીમાં 'બિલ'નો અર્થ 'દર' થાય છે. આ દર એટલે કે બિલમાં લખવામાં આવતા ચીજ-વસ્તુઓના ભાવ નહિ પરંતુ ઉંદર અને સાપ જેવા પ્રાણીઓનું રહેઠાણ. હિન્દીમાં 'બિછુ કે મંત્ર આતે નહિ ઔર ચલે સાંપ કે બીલ મે હાથ ડાલને' અને 'સાંપ કે બીલ મે હાથ ડાલના' જેવા રૂઢીપ્રયોગો વપરાય છે પણ અમુક બિલ એવા હોય છે કે હાથમાં લેતાં જ જાણે હાથમાં સાપ પકડી લીધો હોય એમ ચોંકી ઉઠાય છે. હમણાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં ૭૧૦ રન માર્યા ત્યારે આપણી હાલત ઝૂપડપટ્ટીવાળાને ઈલેક્ટ્રીસીટી કંપની એ દસ હજાર રૂપિયાનું બિલ પધરાવી દીધું હોય એવી થઇ ગઈ હતી એ યાદ જ હશે.

પણ આ ફુગાવાનો દર બે આંકડામાં રમે છે ત્યારે ચીજવસ્તુઓના બિલ લોકોને તકલીફ કરી દે છે. લોકો બિલથી બચવા માટે નવતર પ્રયોગો કરે છે. સૌથી વધારે તકલીફ ઈલેક્ટ્રીસિટી બિલ આપતું હોવાથી લોકો જાતજાતનાં વૈજ્ઞાનિક પ્રયોગો કરી મીટર ધીમું ફરે એવાં પ્રયાસ કરે છે. શોપિંગ મોલમાં જનાર અમુક કલાકારો બિલ ન લેવું પડે તેમ ચીવટથી ચીજવસ્તુઓ મોલમાંથી બહાર કાઢી લાવે છે. પોતાનાં મોબાઈલનું બિલ બાપાએ આપેલી લિમિટમાં રહે તે માટે યુવા ‘ખેલાડીઓ’ ઘેર પહોંચ્યા પછી લેન્ડલાઇન કે પછી મા-બાપના મોબાઈલ પરથી ફોન ઝીંકે છે, એટલું જ નહિ વાત કર્યા પછી પુરાવાનો નાશ કરવા કોલ રેકોર્ડ ડીલીટ પણ કરી નાખે છે!

પણ બધાં બિલ ભરવાના નથી હોતા. અમુક બિલ ભરાવી દે છે. લોકપાલ બિલે સરકારને ભેખડે ભરાવી દીધી હતી. પહેલા જાહેરાત થઇ કે અન્ના કરશે ઉપવાસ, એ મામલે સરકારનો અતિશય આત્મવિશ્વાસ. પછી આત્મવિશ્વાસ પ્રેરિત બકવાસ, ઉપવાસ તોડવાનો શરમજનક પ્રયાસ, અન્નાનો જેલવાસ, છૂટકારો અને રામલીલા મેદાન તરફનો જનમેદનીનો પ્રવાસ, બોલકા નેતાઓનો અજ્ઞાતવાસ, સંસદમાં ચર્ચા પછી અન્નાનાં ઉપવાસની પુરતી પરીક્ષા લીધા બાદ લોકપાલ બિલ સંબંધિત માંગણીઓ પાસ થઇ. અને આ બિલનાં મામલામાં સરકારને ડોશી મરે એનાં કરતાં જમ ઘર ભાળી ગઈ એ વાતનું વધારે દુખ થયું.  
ભારતીય રાજકારણીઓ અને બિલની વાત પરથી અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન વિશેની એક રસપ્રદ વાત યાદ આવી ગઈ. હવે બિલ વિશેની રસપ્રદ વાત બીજી કઈ હોય? સો જણાને પૂછો કે ક્લિન્ટનની કઈ એક વાત તમને યાદ છે તો એ વખતે મોનિકા નામની એની સેક્રેટરી સાથેના સુવાળા સંબંધની જ વાત કરશે. એક દિવસ આવા બિલનો સેક્રેટરી ડરતા ડરતા આવીને બિલને પૂછે છે, કે સર, આ એબોર્શન બિલ છે એનું શું કરવાનું છે ? છેલછબીલા બિલે ઉપર જોયા વગર જ જવાબ આપ્યો કે જે હોય એ ચૂકવી દો ને, અને હા ડોલર મારી જોડેથી કેશમાં લઇ લેજો!

2 comments:

  1. wah, adhirbhai, wah. ketlu barik, sunder avalokan !!!

    ReplyDelete
  2. Bil cheez kya hai koi humse(u.k.vasiose)se puche...salu bharibhri ne vanku vadi javay...tethij to shayad sharm chodiche yuvanoe..
    *Girl friend sathe date par jai to bil sher karvanu..
    *Birthday party dosto sathe restaurant ma ujve to bil dosto mathadith chukve bhage padtu..birthday boyke girl ne free....
    aam sharme ne sav nevade muki....lol...
    Adhirji..appreciate your creation from heart loving it totally!

    ReplyDelete