| અભિયાન | હાસ્યમેવ જયતે | ૦૩-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |
બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. બોસ કહે તે બ્રહ્મ સત્ય. બોસ ચાલે તે
રાહ પર ચાલવું. બોસ કહે એટલું પાણી પીવું. પણ આટલું બધું કરો તોયે આ બોસ નામનું
પ્રાણી ખુશ થતું નથી. સો ખડ્ડુસ ગીધ મારીને ભગવાને જેને બનાવ્યો છે તેવા બોસને
છેતરવાના વ્યર્થ પ્રયત્ન કરનાર કર્મચારી એ ભૂલી જાય છે કે બોસ પણ ક્યારેક તુચ્છ
જંતુ હતો, જેમાંથી એ કાળક્રમે ડાઈનોસોર
બન્યો છે. એટલે જ રજા પાડવાના બહાના તમને જેટલાં આવડે છે તેનાં કરતાં વધારે તો એણે
ખુદ વાપર્યા છે. એણે ટાંકણીનો દાંત ખોતરવાથી માંડીને એન્જિનીયરોનો એ.સી. રિપેર કરાવવા માટે
ઉપયોગ કર્યો છે. પગાર વધારાની ધમકીઓ તો એ ઘોળીને કોફી સાથે પી જાય છે. અને નોકરી
છોડવાની જો વાત કરો તો એ દરવાજા સુધી મૂકવા આવે છે.
અને પહેલાના સમયના ધોતિયાધારી શેઠની સરખામણીમાં આજનાં બોસ
એકદમ સ્ટાઈલીશ થઇ ગયા છે. એ લેપટોપ લઈને ફરે છે ને મોબાઈલમાં ઇ-મેઇલ ચેક કરે છે.
એની નજર તમારી ગેરહાજરીમાં પણ તમારી પીઠ પર સતત રહે છે. તમે મોડા પડો એ દિવસે એ
વહેલો આવીને તમારી રાહ જોતો હોય છે. તમે બીજાં દિવસે જો અડધો કલાક વહેલા ઓફિસ પહોંચી
જાવ, ત્યારે એ ક્લાયન્ટને મળવા ગયો
હોવાથી છેક લંચ ટાઈમે આવે છે. તમારા બધાં ગુણ તમારી મા જ જાણે છે, તમારી પત્ની અને બોસને ભગવાને તમારી ખામીઓ શોધવા માટે
સર્જ્યા હોય તેવું તમને સતત લાગ્યા કરે છે. અને જેમ આસમાનમાંથી ટપકેલો ખજૂરીમાં
અટવાય, તેમ ઘરનો દાઝેલો ઓફિસ પહોંચે તો દાઝ્યા પર ડામ દેવા માટે બોસ તૈયાર જ બેઠો હોય
છે. તો આવા ખડ્ડૂસ બોસ દ્વારા કર્મચારીઓને કરેલી કેટલીક ક્રૂર ઇ-મેઇલનો અહિ ઘૃણાસ્વાદ
કરાવું છું.
■ ■ ■
ટુ : ઓલ લેઈટ લતીફ્સ
ફ્રોમ : બીજું કોણ હોય ? તમારો બોસ!
તો દોસ્તો, ગયા અઠવાડિયામાં તમે બધાં લોકો જુદાં જુદાં કારણો સર ઓફિસ
મોડા પહોંચ્યા હતાં. એમાં ચોમાસાના લીધે ટ્રાફિક જામ હતો, ઝાડ પડી ગયું હતું, રસ્તામાં ખુબ ખાડા પડ્યા હતા, આ ખાડાને લીધે પંચર પડી ગયું, ફાટક બંધ હતું. રસ્તામાં ખોદકામ કર્યું હતું એટલે ફરીને
આવવું પડ્યું, વી. વી. બહાના હવે આઉટ ડેટેડ થઇ
ગયા છે. હમણાં જ મારી સેક્રેટરીએ આપણા સર્વર પર વાય ડ્રાઈવમાં ઇનોવેશન ફોલ્ડરમાં ‘મોડા પડો તો કયા બહાના નહિ ચાલે’ તેનું લીસ્ટ મૂક્યું છે તો એ જોઈ લેવા વિનંતી. તો હવે પછી
મોડા પડવાના કારણો નવા શોધવા અથવા તો રસ્તામાં કે ટ્રાફિક જામમાં અટવાયા હોવ ત્યાં
જ ઊભા ઊભા અડધી સીએલનું ફોર્મ ભરી દેવું. ‘હવે અડધી સીએલ મુકવાની જ છે તો પછી બે વાગ્યે જ જઉં તો કેવું
?’, આવા વિચાર પણ મનમાંથી કાઢી નાખજો,
કારણ કે ઘર કરતાં ઓફિસ સારી એવું બધાં જ પરણેલા લોકો
માને છે, અને કુંવારાઓને જણાવવાનું કે
એપ્રેઈઝલ આવતાં મહિનામાં ડ્યુ છે.
લી. ‘વ્હોટ્સ યોર બહાના’
ફિલ્મનો ડાયરેક્ટર
અને તમારો પ્રેમાળ બોસ.
■ ■ ■
ફ્રોમ : બોસ
ટુ : ઓલ કોપી કેટ્સ
ગયા મહિને આપણાં ફ્લોરના ઝેરોક્સ મશીન પરથી લગભગ આઠ હજાર
કોપી ઝેરોક્સ નીકળી છે. આમ વીકલી એવરેજ બે હજાર ઝેરોક્સ થઇ. પણ મઝાની વાત એ છે કે
ગયા જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન જ્યારે હું ફોરેન ટુર પર હતો એ
અઠવાડિયામાં બે વાર મશીન ગરમ થઈને બગડી ગયું હતું. અને એ અઠવાડિયામાં જ લગભગ ચાર
હજાર ઝેરોક્સ નીકળી છે. આ અંગે કંપનીના હિતેચ્છુ કર્મચારીએ (એને ચમચો કહી ન
બોલાવવો) મારું ધ્યાન દોર્યું છે. તો કંપનીના ઝેરોક્સ મશીનને તમારા પૂજ્ય પિતાજીની
મિલકત સમજી વાપરવાનું બંધ કરવા નમ્ર વિનંતી. આ મંથ એન્ડમાં હું નવા પ્રોજેક્ટ માટે
બહાર જઉં તે દરમિયાન જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઈન્ટરનેટ એનેબલ્ડ સીસી ટીવી કેમેરા મૂકતા કંપની અચકાશે નહિ,
અને આમ થવાથી તમે મફત ઝેરોક્સ કાઢવા સિવાય બીજું શું
શું નહિ કરી શકો તે મારે તમને કહેવાની જરૂર છે ?
લી. શેરલોક બોસ
■ ■ ■
ડિયર ચતુર્વેદીજી,
ઝેરોક્સના દુરુપયોગ બાબતે ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર.
તમારો દીકરો પણ આ વર્ષે દસમાં ધોરણમાં આવી ગયો છે નહિ ? હમણાં જ કોઈએ મને કહ્યું. અને આપણાં પટાવાળા મોહને મને
મશીનમાં રહી ગયેલો દસમાં ધોરણના પેપર સેટ આપ્યો છે. આ સેટ પર તમારા છોકરાનું નામ
છે, તો એ સત્વરે લઇ જવા વિનંતી. પેપર
સેટ ઇડીયટ. છોકરો તો તમારી પાસે જ હશે ને
!
લી. તમારો આભારી બોસ
■ ■ ■
ડિયર રીચા,
લીફ્ટમાં પેલા નાલાયક શર્મા સાથે હતો એટલે તને કહી ન શક્યો,
પણ પિંક ટોપ
તને બહુ જચે છે. વાળની પણ ટ્રીટમેન્ટ કરાવી હોય તેવું લાગે છે. કેટરિના કેફ યાદ કરાવી
દીધી. એટલે, રૂપાળી તો તું છે જ, પણ આ તો તારો ગઈકાલે ડ્રાફ્ટ કરેલો રીપોર્ટ આજે વાંચ્યો અને
તારો ઈંગ્લીશ ભાષા પરનો કાબુ જોઈને કેટ યાદ આવી ગઈ.
તો આપણે લંચ પર મળીએ છીએ. આજે લંચમાં તું શું લાવી છે ?
તારા હસબન્ડને ભલે રીંગણ બહુ ભાવતા હોય, પણ મને નથી ભાવતા એટલે જો આજે રીંગણ લાવી હોય તો તું ઘોષ
બાબુ અને માલતીબેન જોડે જ લંચ લઇ લેજે. મારા ટીફીનમાં તો આજે પણ કોબીનું જ શાક હશે
તે નક્કી જ છે. એન્ડ યુ નો, આઈ હેટ ધીસ કોબો !
અને હા, હવેથી ઝેરોક્સના કોરા
કાગળ રોજ દસ-વીસ કરીને ઓફિસેથી ઘરે લઇ જવાને બદલે ડાઈરેક્ટ બીલમાં બે બંડલ વધારે
લખાવી દે તો કેવું ? યુ નો, બીજો સ્ટાફ કમ્પ્લેઇન કરે છે કે સર રીચાને તો કંઈ કહેતા જ
નથી.
તારો પર્સનલ બોસ
■ ■ ■
ડિયર પિલ્લઈ,
તમે આજે તમારી મમ્મીને દવાખાને બતાવવા લઇ જવાના હોવાથી રજા
લીધી હતી. મેં બપોરે તમારા ઘેર ફોન કર્યો ત્યારે તમારા પૂજ્ય માતુશ્રીએ ફોન
ઉપાડ્યો હતો અને અમે લોકોએ પંદર મિનીટ સુધી આડીઅવળી વાતો કરી હતી. ઘણો મળતાવડો
સ્વભાવ છે એમનો. એમની પાસેથી તમે ટાઈ બાઈ પહેરીને તૈયાર થઈને કોઈ કંપનીમાં
ઇન્ટરવ્યુ આપવા ગયા હશો એવી માહિતી મળી હતી. તો તમને આ જોબ સર્ચ મુબારક. અને હા,
યુનિયન રેમેડીના એચઆરમાંથી મિસ. રીતુનો ફોન આવ્યો હતો. તમારી સ્માર્ટનેસથી
તો એ ઈમ્પ્રેસ હતાં, પણ તમે કરંટ સેલરી બાર
હજારને બદલે સોળ હજાર કહી હતી એટલે એણે મને ક્રોસ ચેક કરવા ફોન કર્યો હતો. બાય ધ
વે એ રીતુ મારી ક્લાસમેટ હતી, એમ.બી.એ.માં !
તો પિલ્લાઈ, ઓલ ધ બેસ્ટ ફોર જોબ સર્ચ.
લી. તારો બાજ નજર (હવે એક્સ) બોસ
■ ■ ■
ફ્રોમ : બર્ડ વોચર બોસ
ટુ : ઓલ અર્લી બર્ડઝ
ધંધાના વિકાસ અર્થે મારે અવાર નવાર બહાર જવાનું થાય છે,
એમાં બપોરે ચાર પછી જ્યારે હું જાઉં એ દિવસે એક
વિચિત્ર ઘટના બને છે. હું જઉં પછી ઈન્ટરનેટનો ઉપયોગ એકદમ વધી જાય છે. એકાઉન્ટ
સેક્શન કે જેને ઈન્ટરનેટ ખાલી મેઇલ અને ફોરેન એક્સચેન્જના દર જાણવા માટે આપ્યું છે
તેમાં પણ બે ત્રણ જીબીનો ડેટા ઉપયોગ થઇ જાય છે. પણ પછી પાછો જાદુ થતાં પાંચ વાગ્યા
પછી ઈન્ટરનેટનો ઉપયોગ લગભગ નહીવત થઇ જાય છે. તો માર વ્હાલા અર્લી બર્ડઝ, હું હોઉં કે ન હોઉં, તમારે ઓફિસમાં સાડા છ સુધી અપવાદ સિવાય રહેવાનું હોય છે,
અને એ દરમિયાન તમને બતાવવામાં આવેલું કામ કરવાનું
હોય છે. તો આ ઇ-મેઇલ નોટિસને રૂબરૂ ગાળો દીધાં સમાન ગણીને સુધરી જજો, નહિતર.....
તમારો હિતચિંતક બોસ.
■ ■ ■
ફ્રોમ : પુષ્પા આનંદ
ટુ : રોહન ધ ઇરેસિસ્ટેબલ
ડિયર રોહન,
તારી સાથે કાલે ફેસબુક પર ચેટ કરવામાં મઝા આવી. લાગતું હતું
કે કાલે તારા બોસ રજા ઉપર હતાં. યુ આર રીઅલી ઇન્ટરેસ્ટિંગ. ખાસ કરીને જે રીતે તું
બોસ ને કસીને ગાળો દેતો હતો એણે મને ડેલી બેલીની યાદ અપાવી દીધી. અને તારી સેન્સ
ઓફ હ્યુમર પણ અમેઝિંગ છે. તું એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનજર છે તો આટલો બધો સમય
તને ફેસબુક કરવા માટે કઈ રીતે મળતો હશે છે તે વાતનું મને ઘણું આશ્ચર્ય થાય છે. કે
તું ગપ્પા તો નથી મારતો ને ? આઈ હેઇટ લાયર્સ રોહન !
તું વારંવાર મારો મોબાઈલ નંબર માંગતો હતો ને ? મારો નંબર તને કદાચ યાદ જ હશે. ચલ હિન્ટ આપું, છેલ્લા ચાર ડીજીટ ૭૫૭૫ છે. યાદ આવ્યું ? ચોંકી ગયો ? હા હા હા હા, ગઈ કાલે ટ્રાવેલિંગ કરતી વખતે નવરો હતો એટલે તારી સાથે
પુષ્પા તરીકે ચેટ કરવાની ઘણી મઝા આવી. હવે કામ પર ધ્યાન આપજે, આવી ને તારી ખબર લઉં છું રોહનીયા પછી જોઉં છું તું કેટલું
રેસિસ્ટ કરી શકે છે !
લી પુષ્પા આનંદ ઉર્ફે તારો બોસ ! ■
Awesome !!!!
ReplyDeleteso humorous !!!
ReplyDeletehaha anand avi gayo.... ane chello mail to jhalim hto...nJOY.>>!!!
ReplyDeletewah..wah...chhella char digit to amezzing chhe...!
ReplyDeletewah..wah...Adhirbhia...superb lekh chhe...
ReplyDeleteવાહ અધીર ભાઈ સુ તમારું ઝક્કાસ લખાણ છે ..............
ReplyDelete