Sunday, September 11, 2011

જેમ્સ બોન્ડ અમદાવાદમાં ?| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ Lol | રવિવાર તા. ૧૧-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |

માય ડિયર બોન્ડ, જેમ્સ બોન્ડ, ઉર્ફે ભૂરિયા  

તું અમદાવાદ આવવાનો છે એ સમાચાર સાંભળીને અમારું તો ઈટાલી ઈટાલી પુલકિત થઇ ઊઠ્યું હતું અમને એમ હતું કે તું અહીં આવીશ ત્યારે રૂબરૂમાં જ વાત કરી લઈશું. પણ સાંભળ્યું કે તને સાબરમતી રેલ્વે યાર્ડમાં શુટિંગની પરવાનગી નથી મળી. એટલે જ આ પત્ર લખું છું. રેલ્વેતંત્રને ગમ્યું તે ખરું. અમારે આ રેલ્વેતંત્રના કારણે બે બાજુ રેમ્પ બનાવી કેટલાય ઓવરબ્રીજ વરસો સુધી લટકતા રહી જાય છે. બાકી જેમ્સ બોન્ડ, અને તે પણ અમદાવાદમાં? એવાં અમારા ક્યાં નસીબ!

ફિલ્મોમાં તો તું જાત જાતનાં સિક્રેટ મિશન પર વિલનની ધૂળ કાઢતો હોય છે, તો ગુજરાત તું કયા મિશન પર આવવાનો હતો તે જાણવાનું અમને ઘણું કુતૂહલ છે. આજકાલ તો અહિં ગાયો ચોરી જવાનું, ગેરકાયદેસર કતલખાના, ચેઈન ચોરો, અને જમીન કૌભાંડો તેજીમાં છે. એટલે તારા મિશનમાં જો તું ગાય ચોરીનો પડદાફાશ કરે તો તારું લોકલ પોલીસ સહિત સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે જુદાં જુદાં વર્ગો દ્વારા બહુમાન થઇ શકે. અને ઉપરથી ગાયોના રક્ષણહાર તરીકે તારું નામ થાય. અને પછી તો તારી ફિલ્મ ગુજરાતીમાં ડબ કરીને પણ રીલીઝ કરી શકાય. જેમ કે ઓક્ટોપસીને આઠ બિલાડી તરીકે અને ‘લીવ એન્ડ લેટ ડાઈ’ ને ‘ખાવ અને ખાવા દો’ તરીકે રજૂ કરી શકાય. આ તો શું આપણને ગુજરાતી તરીકે ધંધાનો વિચાર પહેલો આવે!

તારી ફિલ્મોમાં તું જાતજાતની કાર અને હથિયારો વાપરે છે. તારી ફિલ્મનું શુટિંગ અમદાવાદમાં થાત તો તારે કોઈ પણ વાહન પરદેશથી લાવવું ના પડત. પોલીસ કે ગુંડાઓની આંખોમાં ધૂળ નાખવા તું રેતીની હેરફેર કરતાં ટ્રૅક્ટર ચલાવી શકે, જરૂર પડે તો પાછળનું પાટિયું ખોલી નાખવાનું બસ! અને તું હાઈફાઈ કારના બદલે ઓઈલ ભરેલું ટેન્કર પણ ચલાવી શકે. અમારે ત્યાં ટેન્કરોમાંથી તો વગર કોઈ બટન દબાવ્યે ઓઈલ લીક થતું હોય છે. અને તને અહિંના છકડા તો ખૂબ ગમી જાત. પરદેશી વિલન તો છકડાના અવાજથી બેભાન થઇ જાય. જરૂર પડે તું છકડામાં એક મચ્છર ભગાડવા ધૂમાડા કાઢતાં મશીનને ચાલક સહિત બેસાડી શકે. હા, અમેરિકા અને યુરોપની જેમ અહિં પણ બેકારી છે, એટલે તું કહીશ એટલા દાડા તારી પાછળ બેસીને ફરે એવા માણસ રોજ પર મળી જાય, અને તું બુમ પાડે કે કાળુભાઈ ધુમાડો' એટલે કાળુભાઈ એટલો ધુમાડો કરી મુકે કે તું વિલનોને થાપ આપીને હેમખેમ ભાગી જઈ શકે. યેસ, વોઇસ એક્ટીવેટેડ સ્મોક મશીન, યુ સી !

પણ ફિલ્મમાં ભલે તું આલ્ફા રોમિયો-૧૫૬ કાર ચલાવતો હોય, અમદાવાદમાં ભૂલમાં જો તું બહારગામના રજિસ્ટ્રેશન વાળી કાર સાથે ઘૂસ્યો તો મર્યો સમજજે ! અહિં તો ટ્રાફિક પોલીસ તને ઊભો રાખે. પછી પીયુસી, સીટ બેલ્ટ, હેડ લાઈટ પર ટપકું કે લાઈસન્સ એવાં કોઈ મામલે લપેટમાં લઇ તારું ચલણ ફાડે. અને ડ્રાઇવિંગ લાઈસન્સના બદલે તું તારું લાઈસન્સ ટુ કિલ બતાવે તે નહિ ચાલે, શું સમજ્યો? એવાં કંઈક લાઈસન્સવાળા જેલની હવા ખાય છે, અને બાકીના બચવા માટે હવાતિયા મારે છે. ભાઈ આ ગાંધીનું ગુજરાત છે. અરે મહાત્મા ગાંધીનું ભાઈ.

પણ બકા, સારું થયું તું અમદાવાદમાં શુટિંગ નથી કરવાનો. તારી ફિલ્મમાં તો તારે રૂપાળી આસિસ્ટન્ટ હોય છે. પણ અમદાવાદમાં તારી ગોરી હીરોઈન ધૂળ અને ધુમાડાથી કંટાળી જાત. અને બે દિવસ અમદાવાદમાં રહે તો એ બિકીની બેબ્ઝ ગુલાબી કલરના મેલખાઉ કોણી સુધીનાં હાથમોજા પહેરી અને દુપટ્ટાનો બુકાની બાંધી શુટિંગ કરવા આવત. અને પાછું વારે વારે ટીશર્ટ જમીન તરફ ખેંચે એ તો જુદું! હાસ્તો, તો નેચરલ લાગે ને ? અને તું અહિ વિલનની બીએમડબલ્યુનો પીછો કરતો હોય તો ફ્રેમમાં ભુવો આવે, પછી ગાયો આવે, કૂતરા પણ સાથે જોગિંગ કરતાં અવશ્ય આવે !

અમે સાંભળ્યું કે તું ચાલુ માલગાડીએ સ્ટંટ કરવાનો હતો ? ભાઈ જેમ્સ બોન્ડ. માલગાડીમાં  સ્ટંટ કરતાં પહેલા અમારી ટ્રેઈનમાં સફર કરી જોજે. ગુજરાતીમાં સફર, અંગ્રેજીમાં નહિ બકા. અમારા સિંગ વાળા એક ડબ્બામાંથી બીજાં ડબ્બામાં ચાલુ ટ્રેઈને બારીના સળિયા પકડીને એક ડબ્બામાંથી બીજાં ડબ્બામાં અવરજવર કરે છે એમ કરી બતાવ તો તને હું જેમ્સ બોન્ડ માનુ ! અરે તું ચાલુ ટ્રેઈનમાં ચઢે એટલે પહેલા તો તને અપડાઉન કરવા વાળા ધક્કે ચઢાવે, અને તું હોશિયારી કરવા જાય તો તારો ટપલીદાવ પણ કરી નાખે. બાકી બચે તો બુટપોલીશ વાળા, ચણાની દાળવાળા, ચા વાળા, ભિખારીઓ, કોલ્ડ્રીંક વાળા આવીને તારી મેથી મારે.  મારું કહ્યું માન, સ્ટુડીઓમાં જ શુટિંગ કરી નાખ.

પણ શું જેમ્સ બોન્ડ અમદાવાદીઓ જેવા સ્ટંટ કરી શકે ? પ્રશ્ન અમદાવાદમાં ઘણો ચર્ચાય છે. તું જેમ્સ બોન્ડ હોય તો નરોડામાં નીચાણવાળી સોસાયટીઓમાં ગટરના ઉભરાયેલા ઢીંચણ સમાણા પાણીમાં દોડીને વિલનનો પીછો કરી બતાવ. તું રોયલ નેવીમાં કમાન્ડર ભલે હોય, પણ અમારા નિર્ણયનગરના ગરનાળામાંથી ચોમાસામાં તારી ગાડી કમ સબમરીન કમ વિમાન કાઢી બતાવ! અરે, જો હિંમત હોય તો રિલીફ રોડ પર સવારે અગિયાર વાગે રોંગ સાઈડમાં યુ ટર્ન લઇ બતાવ. અને ઝૂપડપટ્ટીમાં ખાસ પગથી લોટ બાંધ્યો હોય અને અણિશુદ્ધ કોર્પોરેશનનાં પાણીમાં ભૈયાના પરસેવા વાળા હાથ ડુબાડી તૈયાર થયેલી દસ પાણીપૂરી ખાઈ બતાવ, તો અમે જાણીએ કે તું ખરો જેમ્સ બોન્ડ!

(આ ઓરીજીનલ લખાણ  છે, સંદેશમાં છપાયેલ લેખ માટેઅખબાર જુઓ)

No comments:

Post a Comment