Tuesday, August 21, 2012

બોક્સર મેરી કોમની સફળતાનું રહસ્ય ....


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૮-૨૦૧૨ |અધીર અમદાવાદી |

આ વખતે ઓલમ્પિકમાં ભારતનો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો. ગેરસમજ થવાની કોઈ શક્યતા ન જ હોવી જોઈએ. કહેવાનો મતલબ એ છે કે આપણાં ભૂતકાળના દેખાવની સરખામણીમાં આ વખતે આપણો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો. અત્યાર સુધીમાં આપણને કોઈ ઓલમ્પિકમાં વધુમાં વધુ ત્રણ મેડલ મળ્યા હતાં. આ વખતે આપણને કુલ-ટોટલ છ મેડલ મળ્યા. ચાલો, કલમાડીની મહેનત ફળી. હાસ્તો, ઇન્ડિયન ઓલમ્પિક એસોશિયેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ કલમાડીને ક્રેડિટ તો આપવી જ પડે ને? કલમાડી જેલમાં તો પછી ગયા, ઓલમ્પિકની તૈયારી તો ચાર વરસથી ચાલતી હતી ને? યાદ કરો, પેલાં યુપી સમાજવાદી પાર્ટીના પીડબ્લ્યુડી મિનિસ્ટર શ્રીમાન શિવપાલ સિંઘ યાદવ નથી કહી ગયા કે, કર્મચારી હાર્ડ-વર્કિંગ હોય તો થોડા કરપ્શન તો બનતા હૈ’. ખરેખર તો કોર્ટે પણ ગઈ-ગુજરી ભૂલીને કલમાડીને માફ કરી દેવા જોઈએ.  

જોકે એ અલગ વાત છે કે આઠ વખત હોકીમાં ગોલ્ડ મેડલ મેળવનાર એવા આપણે, આ વખતે હોકીમાં છેલ્લેથી પહેલા આવ્યા. મેડલમાં અમેરિકાના ફેલપ્સ જેવો એક જણ આપણો આખો દેશ ભેગાં થઈને મેળવે એટલાં (૬, અંકે છ પુરા) મેડલ લઈ ગયો એવી બધી વાત પણ યાદ નહિ કરવાની. અમેરિકા અને ચીન તો આપણે ઓલમ્પિકનાં ઇતિહાસમાં કમાયેલા મેડલ (૨૬) કરતાં ત્રણ ગણા મેડલ એક વખતમાં લઈ ગયું, એ પણ યાદ નહિ કરવાનું. આ વખતે મેડલની ગણનામાં આપણે પંચાવનમાં ક્રમે છીએ એ પણ ભૂલી જવાનું. યાદ તો એ  કરવાનું કે ગાંધીના ભારતમાં આપણે કુસ્તી, મુક્કાબાજી અને શુટીંગ જેવામાં નામ કાઢ્યું! 

 (મહિલા શક્તિનો પરિચય, બિહાર)

પણ આ તો હજુ કંઈ નથી. જો યુપી અને બિહારના વિધાનસભ્યોને આપણે ઓલમ્પિકમાં મોકલીએ તો હજુ વધુ મેડલ આપણે ગુંજે કરી શકીએ. ૧૯૯૭માં યુપી વિધાનસભામાં માઇક જે રીતે ફેંકાયા હતાં એ યાદ કરો, આપણા વિધાનસભ્યોને ભાલાફેંકમાં મોકલીએ તો ચોક્કસ દેશનું નામ રોશન કરે. મુલાયમ સિંઘ તો પૂર્વાશ્રમમાં એક પહેલવાન હતા. એમના પોલીટીકલ ગુરુ નથ્થુ સિંઘે એમને મેનપુરી ખાતે એક કુશ્તીના દંગલમાં જોયા ત્યારે એમને લાગ્યું કે કદાચ મુલાયમની શક્તિ વિધાનસભામાં વધુ કામ લાગશે. આમ મુલાયમને જશવંતનગરની સીટ મળી. આમાં મહિલાઓ પણ પાછળ રહે એમ નથી. પેલાં બિહાર કોંગ્રેસના જ્યોતિ (સિંઘ) બને જ્વાલાએ વિધાનસભામાં કુંડા ઊચકીને નહોતા ફેંક્યા? એમને ડિસ્કસ, જેવેલૈન થ્રો કે શોટ પુટમાં (ગોળાફેંક) મોકલીએ તો એ પણ ભારતને કેટલાય મેડલ અપાવે. જોકે આપણાં નેતાઓ ઓલમ્પિકમાં શું ‘લેવા’ જાય, એ મોટો પ્રશ્ન છે. 

 
( યુપી વિધાનસભાના અભૂતપૂર્વ દ્રશ્યો )

આટલું વાંચીને ક્યાંક તમને એમ તો નથી થયું ને કે અમે પાણીમાંથી પોરા કાઢીએ છીએ? અમને કંઈ કદર જ નથી? તો ચાલો કદર કરીએ. મેરી કોમ નામની મહિલા મુક્કાબાજની વાત કરીએ. ઓલમ્પિકમાં ભારતને એણે કાંસ્ય ચંદ્રક અપાવ્યો છે. એક ખેડૂતની છોકરીને બૉક્સિંગમાં રસ પડ્યો. સારા ટ્રેનર મળ્યા. પછી શરુ થઈ મેડલોની વણઝાર. ઓલમ્પિક પહેલાં એ ૧૧ ગોલ્ડમેડલ નેશનલ લેવલે, ૧૭ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ ઇન્ટરનેશનલ લેવલ પર એમાં પાંચ વર્લ્ડ ટાઈટલ જીતી છે. ઘર આંગણે એને અર્જુન એવૉર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવૉર્ડ અને પદ્મશ્રી પણ મળ્યા છે. હજુ ત્રીસ વરસ પુરા કર્યા નથી અને બે જોડિયા છોકરાની મા એવી મેરીબેનની સિદ્ધિઓ છે ને ભારેભરખમ?

આમ છતાં ઓલમ્પિકમાં ભાગ લેવા માટે આ મેરીનું વજન ઓછું પડે. એણે ૫૧ કિલોની કેટગરીમાં ભાગ લેવા માટે વજન વધારવું પડ્યું હતું. આમ તો મેરી પરણેલી છે. મેરીના લગ્ન એ બોક્સર બની એ પછી ૨૦૦૬માં થયાં હતાં. પણ અન્ય ગુજરાતી અને પંજાબી છોકરીઓની જેમ એનું વજન લગ્ન પછી આપોઆપ વધ્યું નહિ એટલે એણે વજન વધારવા પ્રયાસ કરવા પડ્યા. અત્યાર સુધી ૪૬ કિલો કેટેગરીમાં લડતી મેરી માટે ૫૧ કિલોમાં રમવું અઘરું હતું, પણ આ ૫૧નો આંકડો પણ મેરી માટે શુકનિયાળ સાબિત થયો.

આજે મેરી ભારતના બોક્સર્સ અને ખાસ કરીને મહિલા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક છે. પણ અમને ડર છે કે આ મેરીની સફળતા ભારતમાં દાટ વાળશે. કઈ રીતે? ચાલો સમજાવું. મેરીની સફળતાથી પ્રેરાઈને કેટલીય છોકરીઓ અને સ્ત્રીઓ બૉક્સિંગ શીખશે. શારીરિક રીતે મજબૂત બનશે, ઘડાશે. એમાંથી બધી કદાચ મેડલ ન પણ જીતી શકે એવું બને. પછી એ બધીઓ પોતાની દાઝ ક્યાંક તો ઉતારશે ને? એમનાં બોયફ્રેન્ડ, પતિ, નણંદ, સાસુ, કો-વર્કર અને હાથ નીચે કામ કરતાં કર્મચારીઓ વગેરેનો કોઈએ વિચાર કર્યો છે ખરો? કેવાં ભયભીત ફરશે એ લોકો? હ્યુમન રાઈટ્સ ગ્રુપે મહિલાઓને બૉક્સિંગ શીખવા પર પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ, એવું અમારું અંગત મંતવ્ય છે.

જોકે અમારા મિત્ર જૈમિન જાણભેદુને મેરીની આ સફળતાથી કે બૉક્સિંગ રીંગમાં મેરીનો કોન્ફીડન્સ જોઈ કોઈ આશ્ચર્ય નથી થતું. કારણ કે મેરી ડેપ્યુટી સુપ્રીન્ટેડન્ટ ઑફ પોલીસ છે, અને સરકાર કદાચ ઇનામરૂપે એને એડીશનલ એસ.પી. બનાવી દે એવી શક્યતા છે. ૨૦૦૫માં મણિપૂર સરકારે એને સબ-ઇન્સ્પેક્ટર બનાવી હતી. એ પછી ૨૦૦૮માં એ પોલીસ ઇન્સ્પેક્ટર બની. અને ૨૦૧૦માં ડી.એસ.પી. હવે તમે જ વિચારો કે મેરી નિષ્ઠુરતાથી મુક્કાબાજી કરે એમાં કોઈ નવાઈ ખરી? આ તો ઠીક છે કે ઓલમ્પિક ખેલ લંડનમાં ખેલાયા હતાં, બાકી જો આવી મેચ ભારતમાં ખેલાય અને આપણા પોલીસવાળા ભાગ લે તો ભલભલાં ખેલાડીઓ રમ્યા પહેલાં જ હાર કબૂલી લે, ખરું કે નહિ?

No comments:

Post a Comment