Friday, November 29, 2013

મોર્નિંગ વોકર્સનો ટ્રાફિક વધતાં લો ગાર્ડનમાં ટ્રાફિક માર્શલ ઊભા રખાશે

by adhir amdavadi
--
શિયાળો આવે એટલે લોકોમાં ઉત્સાહનું સિંચન થાય છે. શિયાળાના લીધે સામાન્ય રીતે આળસ ચઢે છે. આમ તો માણસમાં મૂળભૂત રીતે અમુક આળસ તો હોય જ છે એમાં આ શિયાળાની આળસ ઉમેરાય તેથી આળસનો સરવાળો થાય. આમ છતાં કેટલાંક ઉત્સાહી જીવડાઓ આળસનો ત્યાગ કરીને સવાર સવારમાં બગીચામાં ચાલવા પહોંચી જાય છે. શહેરમાં બગીચાઓ ગણ્યા ગાંઠ્યા બચ્યા હોવાથી બધાં એક જ જગ્યાએ જમા થાય છે. આથી સવાર સવારમાં આજકાલ બગીચાઓમાં ચાલનારાઓનો ટ્રાફિક જામ થઈ જાય છે. આ સમસ્યાનું સમાધાન કરવા મુનસિટાપલીએ કમર કસી છે એવું જાણવા મળે છે.

મોર્નિંગ વોકર્સ આપણે ત્યાં મોર્નિંગ વોક કરવા આવે છે એવી માન્યતા છે. ઘણા સવારમાં મિત્રો સાથે ગપ્પા મારવા આવતાં હોય એવું લાગે છે. અમુક મહિલાઓ પણ ચાલવા કરતાં બાંકડા પર બેસવા આવતી હોય એવું જણાય છે. આમ છતાં બધાં ભેગાં થઈ શિયાળામાં બગીચામાં ભીડ કરે છે. આમેય ચાલવા માટેનો ટ્રેક સાંકડો હોય અને રસ્તામાં સ્નેહ મિલન કાર્યક્રમો યોજાતા હોઈ ખરેખર ચાલનારાંને બ્રેક મારતાં મારતાં ચાલવું પડે છે.  એટલે કે જાણે તમે મેઈન રોડ પર જતાં હોવ અને આગળ વાહન ચલાવનાર બેઉ બાજુ ડાફોળિયાં મારતો હોય તેવું દ્રશ્ય સર્જાય છે. આવા સમયે ખરા ચાલનારાંને ઊભા રહેલા તેમજ ધીમે ચાલનારાંને કોણીઓ મારવાની અદમ્ય ઈચ્છા થાય છે જે રોકી રાખવી પડે છે.

એવું મનાય છે કે લો ગાર્ડનની નજીક જ મ્યુ. કમિશ્નર અને મેયરનાં બંગલા હોઈ આ સમસ્યાથી તેઓ બન્ને વાકેફ હતાં અને એમાંથી આ ગાર્ડનમાં ચાલનારાં માટે ટ્રાફિક માર્શલ મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ માર્શલો ચાલતાં ચાલતાં વચ્ચે અટકી જનાર લોકોને માનભેર બાજુમાં ખસેડવાનું કામ કરશે. ધીમે ચાલનારાની પાછળ ચાલી ડચકારા પણ બોલાવશે. માર્શલોને સીસોટી પણ આપવામાં આવશે જેથી એ સીટી વગાડી ભીડ ઓછી કરશે. આ માટે નિવૃત આર્મીમેન ભરતી કરવામાં આવશે એવું એક યાદીમાં જણાવામાં આવ્યું છે. જોકે બીઆરટીએસમાં ભરતી કરેલા માર્શલ જેટલાં જ ઇફેક્ટીવ આ માર્શલો હશે તો વોકર્સની સમસ્યા ઠેરની ઠેર રહેશે એવું અમુક  નિરાશાવાદીઓ માને છે. જોકે લો ગાર્ડનમાં છેલ્લા વીસ વરસથી નિયમિત ચાલનારા ઘનશ્યામ ભાઈ કહે છે કે ‘પહેલાં આટલી ભીડ નહોતી થતી. હવે તો અમને બાંકડા પર બેસવા માટે પણ જગ્યા નથી મળતી કારણ કે આજુબાજુમાં બે ચાર કોલેજો છે જેમાં ભરતી થયેલ છોકરાં છોકરીઓ સાત વાગ્યામાં બગીચામાં અડ્ડો જમાવી દે છે. તો માર્શલો આમને પણ આડે હાથે લે તેવી અમારી અરજ છે’. જોકે કોલેજમાં અભ્યાસ કરતાં પીન્કી અને પપ્પુ (નામ બદલ્યા છે) જણાવે છે કે અમારી કોલેજમાં લેક્ચર લેવાતા જ નથી અને કોલેજ કેમ્પસમાં જગ્યા જ નથી એટલે અમે નાં છૂટકે  અહિં બગીચામાં આવીએ છીએ’. શું વોકર્સની સમસ્યાનો અંત આવશે કે કેમ? એ આવનાર સમય જ બતાવશે.

No comments:

Post a Comment