Sunday, November 11, 2012

દિવાળી સ્પેશિયલ ટચુકડી જા X ખ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૧-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
મેનપાવર સપ્લાય
શું તમને ફટાકડા ફોડતા ડર લાગે છે? શું તમારું રહેણાંકનું સ્થળ એટલું ગીચ છે કે ક્યાં અને કેવી રીતે ફટાકડા ફોડવા એ અંગે તમે મૂંઝાવ છો? તો તમારી સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં છે. અમારા અનુભવી અને વિશ્વાસુ માણસો તમારે ઘેર આવી ટીકડીથી લઈને રોકેટ સુધી બધાં પ્રકારના ફટાકડા ફોડી આપશે.

દિવાળીનાં વધેલા નાસ્તા
શું તમારે ત્યાં વધેલા મઠીયા કામવાળા પણ લેવાની ના પાડે છે અને ફેંકી દેતા જીવ નથી ચાલતો? શું મહેમાનો તમારે ત્યાં મઠીયા સુંઘીને ખાય છે? તો અમારે ત્યાં વધેલા, જુનાં, હવાઈ ગયેલા તથા ખોરાં મઠીયા, કાજુકતરી, ચવાણા, સેવ વગેરે વાજબી ભાવે લેવામાં આવે છે.

ઓનલાઈન ફટાકડા
અમારી વેબસાઈટ પર આવી ઓરીજીનલ ફટાકડા જેવા જ ઓનલાઈન ફટાકડા નજીવા ભાવે ફોડવાનો સંતોષ માણો. કોઈ ઘોંઘાટ નહિ. કોઈ પ્રદુષણ નહિ. દાઝવાનો ભય નહિ. આજે જ રજીસ્ટ્રેશન કરાવો. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરોનમેન્ટ (નાઈજીરિયા) પ્રમાણિત વેબસાઈટ.

રીસાયકલ્ડ નાસ્તા
જ્ઞાતિના મેળાવડા તથા ચેરીટી માટે દરેક પ્રકારના બજેટમાં બેસે તેવા રીસાયકલ્ડ મીની મઠીયા, મીની કાજુકતરી, ચવાણા તથા અમારી પ્રખ્યાત સુકી ભેળ ખરીદવા માટે મળો. સરકારી સ્કૂલો કે આંગણવાડીમાં નાસ્તા કે ભોજનનો કોન્ટ્રકટ ધરાવનાર માટે એક્સ્લુઝીવ ઓફર. 

ફટાકડા ભાડે મળશે
ઈમ્પોર્ટેડ રીફોડેબલ ચાઈનીઝ ફટાકડા ભાડે મળશે. વાપરીને સાત દિવસમાં રીટર્ન કરો. ડિપોઝીટ કંપની નિયમ મુજબ.

ઇકો-ફ્રેન્ડલી ફટાકડા
શું તમને એમ લાગે છે કે ફટાકડા એ રૂપિયાનો ધુમાડો છે? ચાઈનીઝ બેટરી ઓપરેટેડ ઈલેક્ટ્રોનિક નિર્ધૂમ તારામંડળ, વાયર પેન્સિલ, જમીન ચક્કર, કોઠી, લવિંગીયા તેમજ ટેટા સહીત અન્ય ફટાકડા મળશે. ફટાકડા જેવો જ અવાજ અને દેખાવ, પણ ધૂમાડો નહિ. સાત દિવસની ગેરંટી. ફિનલેન્ડનો પ્રતિષ્ઠિત જ્હોન ટેરી ઇકોટેક એવોર્ડ વિજેતા આઈએસસો ૯૦૦૦ કંપની.

ભાડે મળશે 
શું તમને દિવાળીની ઘરસજાવટની વસ્તુઓ ખરીદવાનો કંટાળો આવે છે ? શું તમારે પડોશીઓને દેખાડી દેવા જ ઘરનાં નવા પડદા બદલવા ખર્ચો કરવો પડે છે? તો ભાડે મળશે સોફાના કવર, પડદા, ટેબલ મેટ, દિવાળીના નાસ્તાની ટ્રે, રંગોળીનાં સ્ટીકરો.

મેનપાવર જોઈએ છે
દેશી બોમ્બ બનાવવા માટે અનુભવી અને ક્રિમીનલ રેકોર્ડ વગરનો મેનપાવર જોઈએ છે. વિદેશમાં તાલીમ લીધલા પણ સમ્પર્ક કરે. સર્કિટની જાણકારી ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. સારી કામગીરી કરનારને એક્સપીરીયન્સ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

રંગોળી સર્વિસ
સોસાયટી ફ્લેટમાં યોજાતી સ્પર્ધામાં ઇનામ જીતવા માટે અમારા પ્રોફેશનલ આર્ટીસ્ટ તમારા ઘેર આવી રાતોરાત રંગોળી કરી આપશે. કોઈ પણ સાઈઝમાં. પ્રાઈઝ જીતવાની ગેરંટી. એકસો અડતાલીસ ડીઝાઈનમાંથી તમારી પસંદગીની રંગોળી કરી આપવામાં આવશે.

ઘેર બેઠાં ઘૂઘરા
શું તમારા પતિ દિવાળીના નાસ્તા ઘરમાં જ બનાવાયએ પ્રકારના જુનવાણી વિચારો ધરાવે છે? તો તમે નિરાંતે ટીવી જુઓ અમે તમારા પતિ ઓફિસ ગયા હશે એ દરમિયાન રોજ જુદાજુદા નાસ્તા બનાવી આપીશું. તમારા સદગત સાસુનાં હાથે બનતાં હતાં એવા જ ટેસ્ટના ઘૂઘરા બનાવી આપવાની ગેરંટી.

તાત્કાલિક જોઈએ છે
ત્રણસો સાડત્રીસ શર્ટ અને બસો તેતાલીસ પેન્ટના ગાજબટન તેરસ પહેલાં કરી આપે તેવા કારીગર જોઈએ છે. જવા આવવાનું બસ ભાડું અલગથી આપવામાં આવશે.

ઇલેક્ટ્રિક ડ્રાયફ્રુટ
ફ્રાન્સના પ્રતિષ્ઠિત ટેકનો-ઇનોવેશન ફેરમાં પ્રદર્શિત આઇટમ. જર્મન ટેક્નોલોજીથી ખાસ ઇલેક્ટ્રીકલી ચાર્જ્ડ ડ્રાયફ્રૂટ્સ ખરીદો. આ કાજુ-બદામ હાથમાં પકડતા જ મહેમાનને હળવો કરંટ લાગે છે. ટેસ્ટ દરમિયાન ૯૭% લોકોએ આ ડ્રાયફ્રૂટસ્ ટ્રેમાં પાછા મૂકી દીધા છે. ડ્રાયફ્રુટ મૂક્યાનો સંતોષ માણો અને મહેમાન તથા એમના પોયરાઓને બૂકડા ભરીને ખાતાં અટકાવો. ગવર્મેન્ટ લેબોરેટરી ટેસ્ટેડ.

એક પર સાત ફ્રી
અકલ્પનીય ઓફર. આજના દિવસ માટે જ. એક પેન્ટ ખરીદો સાત હાથરૂમાલ ભેટ મેળવો.
ભાડે મળશે
બેસતા વર્ષે પહેરવા માટે પહેલેથી અત્તર છાંટેલા શેરવાની, ઝભ્ભા, સફારી, સુટ તથા પોલીશ કરેલા બુટ ભાડે મળશે.

મેજીક ફટાકડા
સવાર સુધી પૂરી ન થાય તેવી સીરીયલ બ્રાન્ડ કોઠી. બીગબોસ બ્રાંડ વગર સળગાવે તડતડ કરતાં તારામંડળ. થાકી જાવ ત્યાં સુધી નીકળ્યા કરે તેવા કરપ્શન બ્રાન્ડ સાપ અને અવાજ વગરના રીમોટ કંટ્રોલથી ફૂટતા ફટાકડા પણ મળશે.

-બકા
થોડું થોડું કણ કણ એ રોજ ધોવાય છે.
આ મારું દિલ છે કે શહેરનો રસ્તો બકા?


  
  

No comments:

Post a Comment