| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૫-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |    
એવું કહે છે કે ઉંદર
બિલાડીથી ડરે છે. બિલાડી કૂતરાથી ડરે છે. કૂતરા પોતાનાથી મજબુત કે ડાઘીયા કૂતરાથી
ડરે છે. સાદા કૂતરા (ફાઈનાન્સની ભાષામાં કહીએ તો પ્લેઈન વેનીલા કૂતરા) અને ડાઘીયા
કૂતરા બેઉ મ્યુનીસીપાલીટીની કૂતરા પકડવાની ગાડીમાં સાણસા લઈને આવતાં કર્મચારીઓથી
ડરે છે. આ કર્મચારીઓ એમનાં ઉપરી અધિકારીથી ડરે છે. ઉપરી અધિકારી વિજીલન્સ ઓફિસરથી
ડરે છે. વિજીલન્સ ઓફિસર એની પત્નીથી ડરે છે. પત્ની પાછી ઉંદરથી ડરે છે. આમ દુનિયા
ગોળ છે અને ગોળ દુનિયાના કોઈ પણ ખૂણામાં આવેલા ચોરસ ઘરમાં વસતી દરેક ગૃહિણી સહઅસ્તિત્વનાં
સિદ્ધાંતને ફગાવી ઘરેલું, ઝીણા, આપણા વજનના એક લાખમાં ભાગ જેટલું પણ જેમનું વજન
નથી એવા જીવજંતુ અને પ્રાણીઓથી ડરે છે. દેશમાં ત્રાસવાદીઓ છૂપી રીતે આતંક ફેલાવે
છે એથી વધુ આતંક ગરોળી, ઉંદર અને વંદા જેવા જીવ-જંતુઓ સરેઆમ ફેલાવે છે. 
વંદા ડાર્ક બ્રાઉન
રંગના હોય છે. એકંદરે એનો દેખાવ ખજૂર જેવો હોઈ, અમુક લોકો ખજૂર ખાતાં અચકાય છે. અમુક
આ વાંચ્યા પછી ખજૂર ખાવાનું બંધ કરી દેશે! એની સ્કીન ચમકતી હોય છે. જોકે એ એટલી પણ
ચમકતી નથી હોતી કે એમાં જોઈ માથું ઓળી શકાય. વંદાને બે લાંબી મૂછો હોય છે. વંદો
સ્થિર બેઠો હોય તો પણ એની મૂછો હલાવી શકે છે, જે ક્રિયા માણસ પોતાની મૂછો પાસે
કરાવી નથી શકતો. આમ વંદાની શારીરિક રચના માણસ કરતાં વધારે એડવાન્સડ હોય એવું
પ્રતીત થાય છે. વંદાની મૂછો માણસની મૂછો કરતાં ચોખ્ખી હોય છે. આમ તો વંદો આખ્ખો ગટરમાંથી
નીકળે તો પણ એ ચોખ્ખો જ હોય છે એવું અમે જોયેલું, જાણેલું, અનુભવેલું અને નોંધેલું
છે. 
વંદાને અંગ્રેજીમાં કોકરોચ
અને ગુજરાતીમાં તમરું પણ કહે છે. અંગ્રેજી કોકરોચ શબ્દ એ ફ્રેંચ કુકારાચા પરથી
આવ્યો છે જેનો મતલબ થાય નુકસાન કરનાર કે ખાદ્ય પદાર્થ બગાડનાર. જોકે શેક્સપિયરની
પેલી ઉક્તિ ‘વોટ્સ ધેર ઇન નેઈમ’ ને સાચી ઠેરવતા હોય એમ વંદાને કોઈ પણ નામે બોલાવો સ્ત્રીઓમાં
એ એક સમાન ભય ફેલાવે છે. અમુકને તો વંદાના નામ માત્રથી ચિતરી ચઢે છે. આ લેખ વાંચતી
વખતે પણ કેટલીય મહિલાઓ ડચ ડચ એવા અવાજો કાઢી પોતાના કપડાં ખંખેરવા લાગે એવું બની
શકે. એવું મનાય છે કે જ્યાં રવિ ન પહોંચે ત્યાં વંદા અને કવિ પહોંચતા હોય છે. આ
ઉપરાંત તમરુ નામના આ નિર્દોષ જીવનો પ્રાસ ડમરુ સાથે મળતો હોવા છતાં કવિઓએ તમરું, ડમરું,
જબરું, કપરું, ગભરું એવા શબ્દોનો કાફિયામાં ઉપયોગ કરી ગઝલ લખી હોય તેવું અમારા
ધ્યાનમાં નથી આવ્યું. આ વાત વંદા કેટલા ઉપેક્ષિત જીવ છે તે બતાવે છે. 
આમ તો માત્ર સવા ઈંચ
જેટલી લંબાઈ ધરાવતા આ જીવનો અવાજ તીણો હોઈ એ નીરવ રાતની શાંતિમાં ખલેલ ઉભી કરે છે.
કદાચ રાતના સમયે વંદા વૃંદગાનની પ્રેક્ટીસ અથવા કોન્સર્ટ કરતાં હશે. વંદા શરમાળ
જીવ હોય એવું અમને લાગે છે કારણ કે વંદાની કોન્સર્ટ મોટે ભાગે લાઈટ બંધ થાય એ પછી
જ શરુ થાય છે. જોકે સંભાળનાર આ નિર્દોષ પ્રાણીની આવી સામાન્ય ચેષ્ટાથી ડરી જાય છે.
હોરર ફિલ્મમાં આનો ઉપયોગ ભય ઉત્પન્ન કરવામાં થાય છે. જોકે વંદાના અવાજનો ઉપયોગ કરી
કરોડો કમાતાં પ્રોડયુસરો વંદાના ઉત્થાન માટે કશું કરતાં નથી. હકીકતમાં તો વંદો પહેલેથી જ ઘૃણાપાત્ર રહ્યો છે. એમની જ પેટા
જ્ઞાતિનાં માખી, કરોળિયા જેવા
જંતુઓ પર ફિલ્મો બની ચૂકી છે પણ હજુ સુધી વંદાને મહાનતા બક્ષે એવી ફિલ્મ કોઈએ
બનાવી નથી.
ઝાકઝમાળથી દૂર ભાગતા
સાલસ વંદા મહદઅંશે અંધારું થાય તે પછી જ બહાર નીકળે છે, પણ ખોવાયેલી વસ્તુઓ
ખાંખાખોળા કરતી ગૃહિણીઓ ક્યારેક તેમને દિવસે પણ બહાર આવવા મજબુર કરે છે. જોકે ગૃહિણીની
આંખ એમની હાજરીની નોંધ લઈ સંદેશો મગજ સુધી પહોંચાડે તે સાથે જ મગજ હાથ, પગ અને ગળાને
આદેશ આપે છે. હાથ ચોક્કસ નિશાન લીધાં વગર કપડાં ખંખેરવા લાગે છે, પગ જમીનથી ઉંચો
કૂદકો મારી વંદાને વાયા પગ, પાયજામા થઈ કટિપ્રદેશ તરફ જતાં અટકાવવા કોશિશ કરે છે,
અને આ દરમિયાન ગળું અવાજ કર્કશ અવાજો કરી વંદાને ડરાવવા કે મદદ માટે ચીસો પાડે છે.
આ તમાશો જોઈ બિચારા વંદા દડબડ દડબડ કરતાં પાછાં તિરાડો કે ગટરમાં ઘુસી જાય છે. 
સ્ત્રીઓ વંદા અને
ગરોળીથી જેટલી ડરે છે એટલી આજકાલ પોતાના પતિથી નથી ડરતી. અને એટલે જ અમુક પતિઓ
‘ભગવાન આવતા જનમમાં મને વંદો બનાવજો’ એવી પ્રાર્થના પણ કરતાં સાંભળવા મળે છે. 
ડ-બકા 
તારા ઉપર માખી તણા ઝૂમી
રહ્યા જે ઝૂમખાં 
તે યાદ આપે આંખને ગંદી પથારી આપની !
તે યાદ આપે આંખને ગંદી પથારી આપની !

No comments:
Post a Comment