Sunday, November 25, 2012

તારામંડળનું ઓપેરેશન મેન્યુઅલ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૫-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |


બસો રૂપિયાની પેનડ્રાઈવ ખરીદીએ છીએ તો એની સાથે ઓપરેશન મેન્યુઅલ આવે છે. પણ ફટાકડા જેવી ખતરનાક વસ્તુ કે જે ફોડતી વખતે દાઝી જવાના અસંખ્ય બનાવો બને છે તેમ છતાં ફટાકડા સાથે ફટાકડા ફોડવાની આધારભૂત રીત અથવા તો સાવચેતી અંગેની સૂચનાઓ, રીપેરીંગ અને સર્વિસ અંગેની સૂચનાઓ આવતી નથી. ખેર એ બધું કરાવવું એ સરકારનું કામ છે અને સરકાર પાસે ઘણાં કામ હશે, એટલે એ આવી બધી બાબતોમાં ચંચુપાત કરે એવો આગ્રહ રાખવો ખોટો છે. આમ છતાં કોઈ શિક્ષક (એક ચોક્કસ કારણસર માસ્તર શબ્દ નથી વાપર્યો!) ફટાકડાંની ફેક્ટરીનો માલિક બને તો તારામંડળનું (ફૂલ્ઝરી) પણ ઓપરેશન મેન્યુઅલ બનાવે. જે કંઇક આવું હોય.

ખોલવાની રીત : એક તારામંડળનાં પેકમાં દસ બોક્સ અને દરેક બોક્સમાં દસ તારામંડળ પેક કરેલા હોય છે. ઉપરનું કાગળનું આવરણ પેપર-કટર વડે આકૃતિ માં દર્શાવ્યા મુજબ ઉપરની તરફ જ્યાં પેકિંગ ગુંદરથી ચોંટાડેલ છે ત્યાં ઉભો ચીરો મૂકી ચીરાયેલ કાગળ જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠાનો ઉપયોગ કરી પોતાની તરફ ખેંચો. વધારે જોર લગાવવાથી આખું બોક્સ તૂટી તારામંડળનો સળીયો આંખમાં વાગવાની શક્યતા છે તો યોગ્ય તકેદારી લેવી. બાળકોને બોક્સ ખોલતી વખતે શક્ય હોય તો દૂર રાખવા. આમ ઉપરનું આવરણ ખુલે એ પછી અંદરથી નીકળેલા બોક્સ સીલબંધ છે કે નહિ તે ચકાસો. બોક્સનું સીલ તૂટેલું જણાય તો તરત જ અમારા કસ્ટમર કેરનો નીચે જણાવેલા નંબર પર સંપર્ક કરવો. હવે જરૂરિયાત મુજબના બોક્સ એક થાળી અથવા ધાતુના પહોળા પાત્રમાં કાઢો. હવે પુંઠાના બોક્સના ઉપરના ઢાંકણ અને નીચેના ખાનાને જોડતાં પ્લાસ્ટિકના આવરણને પેપર કટર વડે કાપી અલગ કરવા. પેપર કટર વાપરવામાં સાવધાની રાખવી.

સેફ્ટી ટીપ્સ : ફટાકડા ફોડવા જતી વખતે સુતરાઉ કપડાં પહેરવા. ફટાકડા ફોડવાના સ્થળની નજીક બે ડોલ પાણી, એક ડોલ રેતી, પ્લેન ગ્લાસ ગોગલ્સ, ઈયર પ્લગ જેવો સામાન સાથે રાખવો. પાણીની પાઈપ ગાર્ડન હોઝ્માં લગાડી રાખવી હિતાવહ છે.

ફોડવાની પૂર્વતૈયારીઓ : ફટાકડા સહિત તમે ખુલ્લા મેદાનમાં આવી સૌથી પહેલા હાથમાં ધૂળ લઈ છોડી દો. આમ થવાથી પવનની દિશા નક્કી થશે. હવે પવન જે તરફથી આવતો હોય તે દિશામાં ફટાકડા ભરેલું પાત્ર મુકો અને એથી વિરુદ્ધ દિશમાં દીવો અથવા મીણબત્તી પ્રગટાવો. મીણબત્તીનું મીણ કે દીવાનાં તેલથી દઝાય નહિ તેની પૂરતી તકેદારી રાખો.

ફોડવાની રીત : સૌથી પહેલા બુટની દોરી બરોબર બાંધેલી છે કે નહિ તે ચેક કરો. એ પછી પ્લેઈન ગ્લાસ ગોગલ્સ પહેરી લો. આજુબાજુ દોડમદોડ કરતાં અન્ય લોકોને ઘાંટો પાડી સ્થિર બેસી જવા કહો. આ પછી ઉપર જણાવેલ રીત મુજબ સાવચેતીપૂર્વક તારામંડળ પેકેટમાંથી કાઢી જમણાં હાથમાં લો. આજુબાજુ મોટા અવાજે વાતચીત કરતાં વડીલો અને મોબાઈલમાં મેસેજ જોતી દીદી કે ભૈયાને સાવધાન કરી દીવાની વાટથી ચાર મિલીમીટર ઉપર તારામંડળનો અગ્રભાગ ધરી રાખો. તારામંડળ સળગે એટલે હાથ લાંબો કરી એને શરીરથી દૂર રાખી સળગવા દો અથવા અન્ય ફટાકડો સળગાવવા એનો ઉપયોગ કરો. જો અન્ય ફટાકડા સળગાવવામાં ઉપયોગ કરો તો જે-તે ફટાકડાનું ઓપેરેશન મેન્યુઅલ વાંચી લેવું ફરજીયાત છે. વાપર્યા પછી તારામંડળ જમીનમાં ખાડો ખોદી દાટી દો. અડધું ફૂટેલ તારામંડળ ઝાડ પર કે કચરામાં ફેંકવું નહિ.

સર્વિસ અને ટ્રબલ શુટીંગ : જો સવા બે મીનીટ સુધી તારામંડળ મીણબત્તી પર વચ્ચોવચ્ચ ધર્યા પછી પણ એ સળગે નહિ તો એ તારામંડળમાં ભેજ લાગી ગયો હોવાની સંભાવના છે. આ ભેજ દૂર કરવા તાવડીમાં રેતી લઇ ગરમ કરવી અને એમાં તારામંડળ વીસ મીનીટ સુધી દબાવી રાખવું. જોકે ગેસ કે ઓવન પર ગરમ કરવા મુકવું નહિ. રેતીની તાવડી હાથવગી ન હોય તો શેકેલી મગફળી વેચતા ફેરિયાનો સંપર્ક કરવો. હવે ફટાકડા ખરીદો તો પેકેટ ઉપર લખેલી અને મોટેભાગે ન વંચાય તેવી એક્સપાયરી ડેટ વાંચીને ફટાકડા ખરીદવા.

ગેરંટી : જેમ બાળકોને ડીજે પાર્ટીમાં સ્ટેજ પર ચઢાવ્યા પછી એ નાચશે અને કેવું નાચશે એની કોઈ ગેરંટી નથી હોતી તેમ, તારામંડળ અડધું ન ફૂટે કે બિલકુલ ન ફૂટે એ અંગે કંપની કોઈ ગેરંટી આપતી નથી. ન ફૂટેલા તારામંડળ કે એનાં સળિયા લઇ કંપનીની ઓફિસે પહોંચી જવું નહિ. ફૂટ્યું નથી એમ માની તારામંડળ પાડોશીની કાર નીચે નાખવાથી આવતાં પરિણામોની સંપૂર્ણ જવાબદારી ફોડનારની રહેશે. તારામંડળ ફોડવાથી ફોડનાર અથવા આજુબાજુ ઉભેલી લેડીઝો પેકેટ પર મુકેલા ચિત્ર જેટલી રૂપાળી કે સુંદર દેખાય એની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. વેચેલો માલ પાછો લેવામાં કે બદલી આપવામાં આવતો નથી. <

-બકા
ખુબસુરત છે ચહેરો ને લટો મજાની છે;
કાશ ! તારા વિષે પણ આવું કહી શકું !

No comments:

Post a Comment