Sunday, January 20, 2013

જાગને જાડિયા



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૦-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી | 

શિયાળામાં ઠંડી પડે એટલે અમુક લોકો ગોદડાં તાણીને સુઈ જાય અને વધારે ઊંઘ ખેંચે. તો અમુક ઉત્સાહી જીવડાઓ શિયાળામાં સવારના પહોરમાં કસરત ઈત્યાદી કરવા લાગી પડે છે. આપણું વજન જરૂર કરતાં વધારે હોય, ફરજિયાત કસરત કરવી કે ચાલવું તેવું ડોક્ટરે કહ્યું હોય તેવા સમયે સૌથી વધારે જો કોઈ નડતું હોય તો એ છે પત્ની. આપણે સવારે વહેલાં ઊઠવા ચાહીએ પણ એ આપણને ઉઠાડે નહિ. જો મક્કમ મનોબળ કરી આપણે ઉઠી જઈએ તો ચા ન બનાવી આપે. અથવા તો મોજા શોધી ન આપે. એક તો આપણને સવારે ઉઠવું અને કસરત કરવું ગમતું ન હોય એમાં અસહકારની ચળવળ ચાલુ કરે. ક્યારેક તો કહી પણ દે ‘રહેવા દો ને આજે, કાલે મોડે સુધી કામ કર્યું છે!’. આપણને ગબડવું હોય અને ઢાળ એ આપે. એમાં એની ઉચ્ચ ભાવના એટલી જ કે આપણને કષ્ટ ન પડે! પણ કષ્ટ પડે એવું ડોક્ટર ઈચ્છે છે તો તું કોણ રોક્વાવાળી? પણ સમજે તો એ સ્ત્રી નહિ! અને તમે બહુ આગ્રહ કરો તો એ જગાડશે ખરી પણ ‘નાગ દમન’વાળી નાગણની જેમ પ્રેમથી નહિ પણ ચરણ મરડી, મૂછ ચાંપીને જગાડશે!

આમ છતાં મન મક્કમ કરીને ચાલવા જવાનું શરુ કરીએ એટલે કુદરત પણ તમારી પરીક્ષા લેવાનું શરુ કરે. સવારે એલાર્મ વાગે જ નહિ. હા, રાતે મૂકવાનું રહી ગયું હોય એટલે! પછી યાદ કરીને એલાર્મ મુકો તો સવાર સુધીમાં મોબાઈલની બેટરી પૂરી થઈ જાય. અને આ બધું પાર કરી સવારે એ વાગે તો કોક અદ્રશ્ય શક્તિ આવીને એલાર્મ બંધ કરી જાય. પાછું એવામાં જ છોકરાવને ક્રિસમસ વેકેશન પડે એટલે ઘરમાં સવારે વહેલાં ઉઠનાર તમે એકલા જ રહો. આટઆટલું કરી ઉઠો ત્યારે બુટની દોરીમાં પાકી ગાંઠ પડી જાય. એ ઉકેલી બુટ પહેરીને ચાલવા જાવ એટલે ત્રણ દિવસમાં બુટનું તળિયું ઉખડીને રોડ પર રખડતું થઈ જાય. એમાં નવા બુટ લાવવાનું બજેટ હોય તો સમય ન હોય.

આ બધાં હર્ડલ્સ પાર કરીને ચાલવા જવાનું નક્કી કરીએ એટલે પછી ટીવી પર પણ આપણને રૂમાલી રોટલી જેવા મસલ્સવાળા જુનાં હીરોને બદલે સિક્સ પેક્વાળા હીરો જ દેખાવા લાગે. પછી તો ઘરમાં બેઠાં જોશ ચઢે. છેવટે આ જોશ આપણને સવારે ચાલવા માટે બગીચા તરફ દોરી જાય. પણ સવારે  બગીચા કે જાહેર જગ્યાએ જઈએ તો ત્યાં અનિંદ્રા પીડિત અથવા મહોલ્લાના કૂતરાથી ત્રસ્ત એવાં કેટલાક લોકો પહેલેથી જ હાજર હોય.  બીજા અમુક હરખ-પદુડા લોકો જે સ્લીમ-ટ્રીમ હોય છે પણ ફક્ત આપણને ડીપ્રેસ કરવા હાટુ જ હવાર હવારમાં હાલી નીકળતા હોય છે. એમાંય દાઝ્યા પર ડામ જેવું તો કપલમાં ચાલનારને જોઈએ એટલે થાય, કે જો આવો ખભેખભા મિલાવીને ચાલનાર આપણી સાથે હોય તો તો મહિનામાં દસ કિલો ઉતારી નાખીએ, પણ ફોઈને મૂછો હોત તો કાકા ન કહેવાત?

તમે બગીચામાં ચાલો એટલે જુનાં ચાલવાવાળા તમારું મનોબળ મક્કમ કરે. લાકડીના ટેકે ચાલવાવાળા, એકાદ અંગ લકવા ગ્રસ્ત હોય એવાં લોકોને જુઓ એટલે તમને બળ મળે. છેવટે મનેકમને ચાલવાનું શરુ કરો અને બગીચાનો એક રાઉન્ડ પુરો કરો એટલે જાણે ઈડરિયો ગઢ જીત્યા હોવ એવી લાગણી થઈ આવે. આવા પ્રસંગે પહેલીવાર ચાલવા જનારની આંખોમાં તો હર્ષના આંસુ પણ આવી ગયાના દાખલા જોવાં મળે છે. આ ખુશી અને હરખ બે કામ કરે છે. એક તો આપણને ‘બહુ ચાલ્યા આજે’ એવી ભાવના ઉત્પન્ન કરે છે જે બીજું રાઉન્ડ માર્યા સિવાય વાહન મુક્યું હોય તે તરફ જવા પ્રેરે છે. અથવા તો ખુશી કોઈની સાથે વહેંચવા કોઈ ઓળખીતા પાળખીતાને તમારી નવી-સવી ચાલવાની કથા કરવા પ્રેરે છે.

કહે છે ને કે જેણે ગબડવું હોય એને ઢાળ મળી રહે છે, જેને લટકવું હોય એને ડાળ મળી રહે છે એમ પરાણે ચાલવા જનારની વહારે બગીચાની બહાર સૂપ, જ્યુસ, ચા, મસ્કા બનથી લઈને પાન-મસાલા સુધીની જાતજાત અને ભાતભાતની ખીંટીઓ મળી રહે છે. ચાલવાની શરૂઆત કરે ત્યારે જુઆર અને ભીંડાના જ્યુસ જેવી સાત્વિક વસ્તુઓથી શરુ કરે છે. પરંતુ ત્રણ દિવસમાં ખબર પડી જાય કે આ બધાં રસ નિરસ છે અસલી રસ ચા, મોસંબી કે માવામાં જ છે. એટલે ઘેરથી કલાક ચાલીને આવવાના કુલ સમયમાં જવા આવવાના સમય ઉપરાંત નિત્યક્રમમાં આવી ખીંટીઓ પર ટીંગાવાનો સમય પણ આવી જાય છે. ધીમે ધીમે આ જુનીયર આર્ટીસ્ટ જેવી પ્રવૃત્તિ હીરોઈન બની જાય છે અને કસરત એની પાછળ ખંજરી લઇને નાચતી એક્સ્ટ્રાના રોલમાં આવી જાય છે. ઘરવાળાને પાછી આ ઈતર પ્રવૃત્તિની ખબર તો હોય જ છે, પણ એ વિષય પર ચર્ચા કરી ચાલવાવાળાને ચલાયમાન કરે તો એ ચાલવાનું બંધ જ કરી દેશે એ ભયથી વાત છેડવામાં નથી આવતી એટલું સારું છે.

ડ-બકા
તું પ્રિયંકા, તું કરિના, ને તું જ સેન્સેશનલ સ્ટાર દિપીકા બકા
તું ગલકા, તું કારેલા ને તું જ યુનિવર્સલ શાક બટાકા બકા !






No comments:

Post a Comment