Tuesday, January 08, 2013

કાચી બેલેન્સ શીટ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૬-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી | 
 
અમેરિકામાં જાન્યુઆરીથી ડિસેમ્બર એમ ફાઈનાન્શિયલ વરસ ગણાય છે. ભારતમાં માર્ચ એન્ડનો મહિમા છે કારણ કે ૩૧મી માર્ચે ફાઈનાન્શિયલ વરસ પૂરું થાય. ગુજરાતી નવું વર્ષ કારતક મહિનામાં આવે. ઉત્સવપ્રિય આપણી પ્રજા જોકે ક્રિસમસ અને અંગ્રેજી નવું વરસ એટલાં જ ઉત્સાહથી ઉજવે છે. ગુજરાતમાં ૨૦૧૩ નવી સરકાર અને અમુક નવા અને અમુક જુનાં ચહેરા લઈને આવી છે ત્યારે ૨૦૧૩નાં આગમન પહેલાના આખરી રવિવારે તમે એજ જુનાં ઘરના જુનાં સોફામાં બેઠાબેઠા, જૂની પત્નીના હાથે બનાવેલી ચા પીને આ લેખ વાંચી રહ્યાં હશો. પણ બોસ, તમારા જીવનની કાચી બેલેન્સ શીટ જોઈ છે કદી તમે? એકવાર નજર નાખજો, કેટલાય એવાં નાના નાના ખર્ચાઓ નજર આવશે જેણે બેલેન્સ નેગેટીવ કરી નાખ્યું છે.

તમને એમ થશે કે નવું વરસ તો આવે અને જાય દર વરસે માણસ નવું શું કરે? કરવું હોય તો ઘણું નવું થઈ શકે. અને એ જરૂરી નથી કે કોઈ મોટી ધાડ મારીએ. નવા વર્ષમાં નાની નાની ધાડ મારો તોયે ઘણું છે. માત્ર છત્રીસ વરસની ઉંમરમાં કોલેસ્ટોરોલ અને ડાયાબિટીશ બોર્ડરથી ઉપર આવ્યો છે એ ભૂલી ગયા? તો ચાલવાનું અને કસરત કરવાનું શરુ કરી શકાય. આમાં નવું શું એમ તમને થશે. કારણ કે ચૂંટણીમાં જેમ પાર્ટીઓ દર વર્ષે આવા તો કેટલાય સંકલ્પો થાય છે અને તૂટી જાય છે. એટલે નવું એ કરવાનું કે આ વખતે સંકલ્પ સિદ્ધ કરવાના. પછી ભલે શિયાળાની મીઠી ઊંઘ તમને વિચલિત કરે. તમારા હાથ જો ટેવ પ્રમાણે સવારે એલાર્મ બંધ કરી દેતાં હોય તો મોબાઈલ હાથ ન પહોંચે એટલો દૂર મૂકી શકાય. અને તમને ઉઠાડવાનું કામ ઘરના સૌથી નિર્દયી વ્યક્તિને (પપ્પા?) સોંપી દો, પછી જુઓ ઉઠાય છે કે નહિ.

ઓફિસમાં આ વર્ષે સમયસર પહોંચવાનું કરી શકાય. ફાટક બંધ હોય છે, ટ્રાફિક વધુ હોય છે એ બહાના તરીકે ઉપયોગ કરવાને બદલે તમારી જાતને માહિતગાર કરો કે ટ્રાફિક અને ફાટક નડે છે માટે ઘેરથી દસ મીનીટ વહેલાં નીકળવાનું છે’. હવે તમે કહેશો કે દસ મીનીટ તો મોજા શોધવામાં જતી રહે છે. એનોય ઉપાય શોધી શકાય. આગલા દિવસે રાત્રે મોજા બુટમાં મૂકી દેવાનાં, સિમ્પલ. એ પણ જાતે જ! સાંભળ્યું નથી પારકી આશ સદા નિરાશ’? તમારી પત્ની તમારી અર્ધાંગિની ૧૦૦%, પણ એ મોજા શોધી આપવામાં વાર કરે એનાં કારણે તમારું પ્રમોશન જતું રહે એવું થોડું કરાય બોસ! લગ્ન કર્યાં ત્યારે ગોર મહારાજે જીવનભરના સાથ નિભાવવાની વાત કરી હશે એમાં મોજા વિષે કોઈ ચોખવટ નથી થઈ માટે એ જાતે કરી લેવાનું, શું સમજ્યા?

અને ઓફિસે પહોંચો અને સાંજે પાછા આવો એ વચ્ચે કેટલું કામ બાકી રહી જાય છે? ઘણું બધું નહિ? એટલે જ ઘણીવાર વગર પગારે ઓવર ટાઈમ કરવો પડે છે નહીં? તો એમાં પણ બોસ વધારે કામ આપે છે એવી સીડી વગાડશો નહિ. કામ તો આઠ કલાકનું જ હોય છે, પણ તમે ક્યાં આઠ કલાક કામ કરો છો? ફેસબુક, -મેઈલ, એસ.એમ.એસ., ચેટ, વોસ્સ્પ આઠમાંથી ત્રણ કલાક ખાઈ જાય છે તમારા. દિવસમાં ત્રણવાર ચા-પાણી માટે બહાર જવાનું અને બોસ આઘા-પાછાં હોય તો પાછું દેશ વિદેશની સમસ્યાના ઉકેલ શોધવા મંડી પડો છો દોસ્તો સાથે. પણ તમારા સૂચનો તમારો બોસ અમલમાં નથી મૂકતો તો પછી ઓબામા ક્યાંથી મુકે? માટે ઓફિસ અવર્સમાં ફોગટનું પિષ્ટપેષણ બંધ કરી કામમાં ધ્યાન આપો તો પ્રમોશન પણ થશે અને ઓવરટાઈમ પણ નહીં કરવો પડે.

હવે તમે કહેશો કે બોસ, આ તો તમે લેક્ચર આપ્યું. યેસ. તમને લેક્ચર ક્યારેય નથી ગમ્યા નહિ? એટલે જ કોલેજમાં બંક કરતાં હતાં. શું કીધું ? પ્રોફેસરો ભંકસ હતાં? અચ્છા, અને તમે? તમને ડીગ્રી મળી પણ થર્ડ ક્લાસ અને એ પણ એટલી જ થર્ડ ક્લાસ કોલેજમાંથી. રાઈટ? પાછું અંગ્રેજી સાથે તો બાપે માર્યા વેર. થોડું ઘણું કોમ્પ્યુટર શીખ્યા એમાં આ કલેરીકલ જોબ મળી અને માસીએ આવા હોનહારભાણા માટે ખપતી છોકરી પણ શોધી આપી. નોકરી પણ દસ વર્ષમાં ચૌદ બદલી. તોયે બોસ આપણો કોઈ વાંક નથી. સાંજે ઘેર આવી નમકીન ઝાપટતા ઝાપટતા ચેનલ બદલી બદલીને ટીવી જોઈ ખાધું છે. હવે દરેક ગુજરાતી અંગ્રેજી નવા વર્ષે નસીબ બદલાય એવી ઈચ્છા કરતાં ફરો છો. બોસ, નવા વરસમાં બોસ તમને બદલી કાઢે એ પહેલાં જાતને બદલો! n

-બકા
આવ રે ઠંડી, ફગાવો ગંજી બંડી ..
ઊનું ઊનું ઊંધિયું ને ગાજરનો હલવો ખા !

No comments:

Post a Comment