Wednesday, April 02, 2014

તમે કોણ બોલો છો ?


| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ  ૩૦-૦૩-૨૦૧૪ | અધીર અમદાવાદી |

‘જય શ્રી કૃષ્ણ. છપ્પન છેતાલીસ ઓગણત્રીસ દસ?’
‘ના, આ છપ્પન છેતાલીસ ઓગણત્રીસ અગિયાર છે’ 
‘એમ? તો જરા બાજુવાળા ગીતાબેનને આપશો?’
***
‘હલ્લો, ગેસનું સિલિન્ડર જોઈએ છે નંબર નોંધો’
‘બોસ નંબર તો નોંધી લઉં. ને આપણને ગેસનો પોબ્લેમ પણ છે, પણ આખા ફેમિલીનો ભેગો કરીએ તોયે સિલિન્ડર ભરાય એટલો ગેસ પોડયુસ નઈ થતો હોય! ફરી નંબર ચેક કરીને ડાયલ કરજે બકા’
***
 
કહેવાની જરૂર નથી કે ઉપરના વાર્તાલાપ ફોનનાં છે. એક જમાનામાં ફોન લાઈન માટે એપ્લાય કર્યા પછી પાંચ વર્ષે ડાયલવાળું અને મોટેભાગે સેકન્ડ-હેન્ડ ડબલું આપણા ઘરમાં લાગે. બોણી-બક્ષીસ આપ્યા પછી પંદર દહાડા પછી નંબર મળે, અને બીજા દસ દહાડા રોજ ચોવીસવાર રીસીવર ઉઠાવીને સાંભળો એ પછી ફોનમાં જીવ આવે. પણ આજકાલ મજૂરથી માંડીને મજનુઓ ખીસામાં મોબાઈલ લઈને ફરતાં થઇ ગયા છે. હવે કોમ્પ્યુટર કાર ચલાવતા થઇ ગયા છે. ચન્દ્ર ઉપરની પેકેજ ટુર શરુ થવામાં છે. પણ હજુ આપણે ફોન એટીકેટ શીખ્યા નથી. એથી જ રોંગ નંબરની સમસ્યાનો ઉકેલ હજી નથી આવ્યો. અને ન નજીકના ભવિષ્યમાં આવે એવું લાગે છે. આપણે ત્યાં દર દસમાંથી આઠ જણા પોતાની ઓળખાણ આપ્યા વગર જ ચાલુ પડી જતા હોય છે.
 
પહેલાના વખતમાં એવું મનાતું હતું કે ફોનમાં કનેક્શનમાં ગડબડને કારણે એક નંબર જોડો અને બીજો નંબર લાગી જાય છે. પણ મોબાઈલ ટેકનોલોજીમાં એવું બનતું નથી. અને છતાં રોંગ નંબર લાગે છે. અને લગાડનાર ‘કોણ રાજુભાઈ બોલો છો?’ એવું પૂછે અને જવાબ નકારમાં આવે તો પણ લગાડનારને સમજ નથી પડતી કે રોંગ નંબર લાગી ગયો છે. એ તો ‘રાજુભાઈને આપો ને’ એમ લાગેલા જ રહે છે. હવે એવું બને કે રાજુભાઈને તમે ઓળખતા હોવ અને એમ કહો કે ‘રાજુભાઈ અમદાવાદ ગયા છે’ તો સામેવાળી પાર્ટી ‘હેં, અમદાવાદ ગયા છે? તે અમદાવાદનો મોબાઈલ આપો’. જો તમારામાં ધીરજ હોય તો અડધો કલાક સુધી, ચોખવટપૂર્વક કહેવા છતાં, એ સમજવા તૈયાર નહીં થાય કે ‘આ રાજુભાઈનો નંબર નથી’.
 
મૂળ વાત એ છે કે ફોન અપગ્રેડ થઇ થઈને સ્માર્ટ થતાં જાય છે, પણ માણસો ફોનના મોડલની જેમ અપગ્રેડ નથી થઇ શકતા. એ ડોબાના ડોબા જ રહ્યા. હા, છોકરાં સ્માર્ટ જન્મે છે આજકાલ. કોઈ નવજાત મોમ-ડેડને પૂછી જોજો. એમ કહેશે કે ‘અમારો આર્યન હજુ ઘોડિયામાં છે, પણ ફોન વાપરતા શીખી ગયો છે બોલો’. એમાં શું બોલે? ડાયપરમાં સુસુ કરી જતાં ઘોડિયાનિવાસી આર્યન આગળ ટચસ્ક્રીનવાળો મોબાઈલ ધરો એની ઉપર એ બ બ બ બ એવો મ્હોંમાંથી અવાજ કાઢતા ડાબે-જમણે હાથ ઝીંકે, ને ફોટા બદલાય એમાં આ નવજાત મોમ-ડેડ હરખાઈ જતા હોય એવું બને. પણ વાત એ છે કે યંગિસ્તાન સાથે રેસમાં કાકા-કાકીઓ સ્માર્ટ ફોન લેતા થઇ ગયા છે. પછી એક તો બેતાળાં હોય. સ્ક્રીન પર બરોબર વંચાતું ન હોય. એમાં તડકામાં મોબાઈલ પર નેજવું કરીને જુવે. આમાં રાજુભાઈને બદલે રાજેશભાઈને અને ૭૪૬ ને બદલે ૭૪૯ લાગી જાય ને?
 
પણ ફોન લાગી જાય, સામે ફોન ઊંચકનાર તમને ઓળખતો નથી. ને તમે પણ એનો અવાજ ઓળખી નથી શકતા. તોયે પાછો રૂઆબથી પૂછશે, ‘તમે કોણ બોલો છો?’ અને સ્વાભાવિક છે કે જવાબમાં ‘બાબુરાવ ગણપતરાવ આપ્ટે’ કે ‘આલ્બર્ટ ન્યુટન’ કહેવાની લાલચ કોઈ પણ ન રોકી શકે. પણ તોયે ફોન કરનાર મોળા પડ્યા વગર ‘તમે રાજુભાઈ નથી બોલતા?’ આપણે ફરી વાર ના પાડીએ તો એ ‘તો તમે કોણ બોલો છો?’ એવું પૂછે ત્યારે આપણો પિત્તો જાય જ ને? ‘અરે માસી રાજુ કાનપુર ગયો છે, હું કપિલ શર્મા બોલું છું. જાન છોડો મારી’ એવું કહેવાનું મન થાય. સારું છે કે માસીમા સેન્સ ઓફ હ્યુમર નથી હોતી કે સામે કહે કે ‘હારું, સિધ્ધુ પાજીને આલ તારે.’
 
રોંગ નંબર લગાડી તમને, અયોગ્ય સમયે ડીસ્ટર્બ કરનાર માત્ર ‘તમે કોણ બોલો છો?’ એવું પૂછી અટકી નથી જતો. ‘તમે કોણ બોલો છે?’ એ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવામાં જો તમે નિષ્ફળ જાવ તો પૂછપરછ આગળ વધતા કોન બનેગા કરોડપતિનો નેક્સ્ટ સવાલ ‘તમે ક્યાંથી બોલો છો?’ એવો આવે છે. હવે તમે જેની સાથે વાત કરવા માંગો છો એ વ્યક્તિને ફોન નથી લાગ્યો તો પછી ક્યાં લાગ્યો છે એ જાણીને લોકો શું કરતાં હશે? ધારો કે હું ધારાવીથી બોલતો હોઉં તો શું તમે જોવા આવવાના હતા?   
 
ઘણાં લોકો સામે કોણ બોલે છે એ ચેક કર્યા વગર ચાલુ પડી જાય છે. ‘હું શું કહું છું, મમતાના લગનમાં તું શું પહેરવાની છે?’ ના જવાબમાં ‘લેંઘો-ઝભ્ભો’ કે ‘શેરવાની’ સાંભળવા મળે તો આઘાત લાગે જ! અને લાગવો જ જોઈએ. હું તો કહું છું આમ રોંગ સમયે રોંગ નંબર લગાડનારાને તો ઇલેક્ટ્રિકનો કરંટ લાગે એવી ફોન એપ્લીકેશન માર્કેટમાં આવવી જોઈએ. એમાંય પાછું આ ‘હું શું કહું છું’ નો ભારે ત્રાસ. રોંગ નંબર તો શું, ઓળખીતાંય ઘણીવાર આપણને આ ‘હું શું કહું છું’ કહી ને ટીંગાડી રાખે છે. અલા ભઈ, કોઈ શું કહેવાનું છે એ જો એડવાન્સમાં એમ આપણને ખબર પડતી હોત તો જોઈતું’તુ જ શું? અહીં તો કીધા પછીય ઘણીવાર સમજ નથી પડતી હોતી. આમ ઘણાં મુખડું ગાયા સિવાય સીધો અંતરો ગાવા લાગે છે. પછી આપણે મુખડું ગેસ કરતા રહેવાનું!
 
જોકે કેટલાય કિસ્સાઓ એવા સાંભળ્યા કે રોંગ નંબરથી લવસ્ટોરીની શરૂઆત થઇ હોય. રોંગ નંબર સેલ્સવાળાને પણ નડતા નથી. સાંભળેલી વાત છે. એક જમાનામાં ત્રણ મિનીટનો એક કોલ થતો હતો ત્યારે એક કવિથી કોઈને રોંગ નંબર લાગી જતા કવિએ ‘ભાઈ હવે ફોનના રૂપિયા તો પડી જ ગયા છે, એક તાજું હાઈકુ લખ્યું છે એ સાંભળી લો’ એવી ગુજારીશ કરી હતી. આને કહેવાય પડ્યા પર પાટું! ▪

No comments:

Post a Comment