Sunday, April 13, 2014

ગાંઠિયા એ ચણાના લોટમાં વણેલી કવિતા છે

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી

---------------------------------------------------------------------------------------

Published on ૧૩-૦૪-૨૦૧૪ રવિવાર


આ ધરા ઉપર કેટલુંક ઈશ્વરદત્ત છે, જેમ કે નદી, પર્વતો, વૃક્ષ, પક્ષીઓ, પતંગિયા, પવન વગેરે. જ્યારે કેટલુંક મનુષ્યે જાણે ઈશ્વરની સીધી સુચના નીચે વિકસાવ્યું હોય એવું જણાય છે, જેમ કે સ્પેસ શટલ, કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન, ગાંઠીયા વગેરે. લીસ્ટમાં ગાંઠિયા જોઈ ચમકી ગયાને? પણ સાચે જ સ્પેસ શટલ કે સ્માર્ટ ફોન વગર ચાલી શકે છે પણ ગાંઠિયા વગર ઘણાનો દિવસ ઉગતો નથી.

ગાંઠીયાનો ઇતિહાસ તપાસો તો કદાચ એકાદ સદીથી વધુ જુનો નહીં હોય. મોગલકાળમાં પણ ગાંઠિયાની ઉપસ્થિતિના કોઈ પુરાવા મળતા નથી, અન્યથા કોઈ પેઈન્ટીન્ગમાં બાદશાહને સંભારા સાથે ગાંઠીયા ઉડાવતો જરૂર બતાવ્યો હોત. અકબરના દરબારમાં લેખક, ગાયક, ઇતિહાસકાર, વૈદ તેમજ તીક્ષ્ણ હાસ્યવૃત્તિવાળા બીરબલાદી નવરત્નોનો ઉલ્લેખ મળે છે પણ ગાંઠીયાના ઘાણ ઉતારનાર 'વીર ઝારા' પ્રકારના રત્નનો કોઈ ઉલ્લેખ નથી. સ્વતંત્રતા સંગ્રામની તવારીખમાં પણ ક્યાંય ગાંઠિયા સત્યાગ્રહ કે ગાંઠિયા ઉદ્યોગ પર કબજો કરવા માટે અંગ્રેજોએ ભાવનગરમાં થાણું સ્થાપ્યું હોય એવો ઉલ્લેખ નથી. એ જમાનામાં કદાચ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં ગાંઠીયાનો આવિષ્કાર નહીં જ થયો હોય એ શક્ય છે, કારણ કે ગુજરાતના ઇતિહાસમાં ગાંઠિયાને લઈને એક પણ યુદ્ધ તો ઠીક પણ નાનું સરખું ધીંગાણું થયું હોય એવું પણ સૌરાષ્ટ્રની રસધારમાં વાંચવામાં આવ્યું નથી. આ બતાવે છે કે ગાંઠિયા મોડર્ન છે. ગાંઠિયા ચોક્કસ કલિયુગની જ દેન હશે કારણ કે જો પુરાણકાળમાં ગાંઠીયાનું ચલણ હોત તો દેવાધિદેવ ઇન્દ્ર ઋષિમુનીઓનું તપોભંગ કરવા માટે અપ્સરાઓને બદલે સેવકો સાથે સંભારા-મરચા સાથે ભાવનગરી ગાંઠિયાની ડીશો મોકલતા હોત! 
 

ઉપર જે કહ્યું એમાં રતીભર અતિશયોક્તિ નથી. કારણ કે ગાંઠિયા એ ગાંઠિયા જ નથી, એ ચણાના લોટમાં વણેલી કવિતા છે. કડકડતા તેલમાં ઉછળતા, ફૂલતા, તળાતા ગાંઠિયાનું દ્રશ્ય કેવું આહ્લાદક હોય છે! ઝારામાં તારવેલા ગાંઠિયામાં પડેલો એકએક વળ દીપિકા કે વિદ્યાની કમરના વળાંકોને ભુલાવી દે છે! એમાંથી નીકળતી હિંગ, મીઠું, મરી અને ચણાના લોટની ઉનીઉની ખુશ્બુસભર વરાળ દિલને ગાર્ડન ગાર્ડન કરી મુકે છે.

એટલે જ અમુક ગાંઠિયાનો નિત્યપાઠ કરે છે. આવા ગાંઠીયાના ચાહકો એના વિષે જરા પણ ઘસાતું સાંભળી પણ શકતા નથી. એક વાયકા મુજબ મજનુને લોકોએ ભરમાવ્યું કે ‘લયલા તો શામળી છે’ ત્યારે એ કહેતો કે ‘લયલાને તમે મારી આંખોથી જુઓ’. લયલાને કદાચ ખીલ હશે, માથામાં જુઓ પણ પડતી હશે, છતાં મજનુની દીવાનગી અટલ હતી. એમ જ ગાંઠીયાનો કારીગર તાવડો-ઝારો-પાટલો નિયમિત સાફ કરતો હશે, રોજ નહાતો-ધોતો હશે? એવી તમામ શંકાઓને ફગાવી દઈને રસિયાઓ એકનિષ્ઠાથી ગાંઠિયાસ્વાદ કરતાં જણાય છે. પણ ગાંઠિયાના દુશ્મન ગાંઠિયા બનાવવામાં સોડાની અવેજીમાં ડીટરજન્ટ પાઉડર નખાય છે એવી અફવાઓ ઉડાવે છે. જોકે પાઉડરથી ગાંઠીયામાં આવતાં સોનેરી નિખાર આગળ સઘળું ગૌણ બની જાય છે. જોકે જે પ્રદેશોમાં મરચાને ગાંઠિયા સાથે જોખમા નાખવાનો રીવાજ છે ત્યાં મૂળ ગાંઠિયાના શોખિનોની લાગણી દુભાય છે. અમદાવાદમાં ચોળાફળીવાળા ચોળાફળી સાથે છાપાની પસ્તી પણ ફરસાણના ભાવે પધરાવતા હોય છે. આ બાબતે અવારનવાર ઝઘડા પણ થતા હોય છે.

ગાંઠિયાની સંગતમાં ક્યાંક કઢી ક્યાંક કચુમ્બર તો ક્યાંક કાંદા મળશે, પણ મરચાં તો બધે જ મળે છે. જેમ સ્ત્રી વગર પુરુષ અધુરો હોવાનું મનાય છે, એમ મરચાં વગર ગાંઠિયા અધુરા છે. તબલામાં જેમ દાયું અને બાયું સાથે હોય તો જ સંગત જામે એમ જ ગાંઠીયા સાથે મરચા હોય તો જ રંગત જામે છે. જાણે નવવધૂએ પહેલીવાર પિયર લખેલા આછાં પીળાશ પડતાં પોસ્ટકાર્ડ કલરના ગાંઠિયા જ્યાં તળાઈને થાળમાં ઠલવાય અને એની પાછળ જ કોઈની યાદ જેવા તીખા તમતમતાં લીલેરા તેલવર્ણ મરચાં કડકડતા તેલમાં તળાઈને અવતરે એ ઘટના ઉપવાસીને પણ ઉપવાસ તોડવા મજબુર કરી મુકે તેવી હોય છે. ખરે, મરચાં વગરના ગાંઠિયા કે ગાંઠિયા વગરના મરચાં એ નેતા વગરની ખુરશી કે ખુરશી વગરના નેતા જેવા જ નિસ્તેજ જણાતાં હોય છે.

સૌરાષ્ટ્ર બાજુ સવારના પહોરમાં ગાંઠિયા ખાવાનો રીવાજ છે. ત્યાં ગાંઠિયાના બંધાણીઓ પણ મળી આવતા હોય છે. એમાંના ઘણાંને તો સવારે ગાંઠિયા ન મળે તો પેટ પણ સાફ ન આવે. આવા લોકો પરદેશ જાય તો કબજીયાતના ચૂરણ તરફ વળતા હોય છે. આ બાબતે અમારું સંશોધન કહે છે કે વતનથી દૂર રહેતા લોકોની મજબુરીનો ગેરલાભ લઇને કબજીયાતના ચૂરણ તરીકે ગાંઠીયાનો ભૂકો જ પધરાવવામાં આવતો હોય તો પણ નવાઈ નહિ!


1 comment:

  1. Good one....I have also written a similar kind of article but on "ભજીયાં" .... :) you can read that on my blog..... http://jigsgujarati.blogspot.in/2012/08/blog-post.html

    ReplyDelete