Sunday, April 20, 2014

ઇલેક્શન સ્પેશિયલ જાહેરાતો


કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૦-૦૪-૨૦૧૪ રવિવાર


ઈલેક્શનના ગરમ વાતાવરણ તાજેતરમાં કેટલીક ટચુકડી જાહેરાતો અમારી નજરે ચઢી હતી. આ જાહેરાતો કદાચ તમારી નજરે ના ચઢી હોય એટલાં સારું એ અહીં રજુ કરીએ છીએ. આ જાહેરાતોમાં અમારું કોઈ કમિશન નથી તેની નોંધ લેવી.

જોઈએ છે
તાત્કાલિક જરૂર છે સારા ચોકીદારની કે જે પક્ષના કાર્યાલયમાં કૂતરાં ઘુસી ના જાય તેનું ધ્યાન રાખી શકે. કૂતરાં ઓળખવાનો પૂર્વ અનુભવ હોવો જરૂરી છે.

જોઈએ છે
તાત્કાલિક પાંચ હજાર વુવુઝેલા(પીપૂડાં) જોઈએ છે. હાજર સ્ટોક હોય અને સભામાં સીધી ડીલીવરી કરી શકે તેવી પાર્ટીએ પક્ષના કાર્યાલય પર રાતના દસ પછી સુરેશ ‘સીટી’નો સંપર્ક કરવો. પેમેન્ટ કેશમાં કરવામાં આવશે.

જોઈએ છે
અઢાર વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૧૦,૦૦૦ લોકો ચૂંટણીના દિવસ માટે આકર્ષક વળતરથી રોકવાના છે. નખ પર ડાઘ-નિશાન વગરના કાકા, કાકી, યુવાન, યુવતી કોઈ પણ ચાલશે. જ્ઞાતિબાધ નથી. દલાલ માફ.

ક્રાઉડ મેનેજમેન્ટ
સભા, સરઘસ, રેલી માટે ટ્રેઈન્ડ મેનપાવર પ્રોવાઈડ કરવામાં આવશે. સાયકલ કે ટુ-વ્હીલર રેલીમાં વાહન સાથે મેનપાવર મળશે. ચોક્કસ ધર્મના દેખાતા હોય તેવા માણસો પણ મળશે. સાંભળનારની જીભે ચઢી જાય એવા સૂત્રો પણ બનાવી આપવામાં આવે છે. આક્રમક, અસરકારક અને વાસ્તવિક દેખાય તેવી રીતે સુત્રોચ્ચાર કરવાની ટ્રેનિંગ અમે આપીશું.

જડયા છે
એક ભાઈ જડયા છે.એમણે સફેદ લેંઘો અને ઈસ્ત્રી-ટાઇટ ઝભ્ભો પહેર્યો છે. ભાઈ ખાધે-પીધે સુખી ઘરનાં દેખાય છે. આ ભાઈ પાંચ વરસ પહેલા ખોવાઈ ગયા હતા, અને આજકાલ બનાવટી હાસ્ય અને ખોટા કોન્ફીડન્સ સાથે રોજ લોકસંપર્ક કરતાં નજરે ચઢે  છે. આ ભાઈ સતત ‘મત આપો’ એવું બોલ્યા કરે છે. આ ભાઈના વાલી-વારસોને વિનંતી કે આ ભાઈને ‘જેમ છે જે સ્થિતિમાં છે’ તેમ  લઈ જાય. લઇ જનારે આ ભાઈ ફરી જાહેરમાં દેખાય નહિ તેની ખાતરી આપવાની રહેશે.

ખોવાયા છે
જુના કાર્યકરો ખોવાયા છે. છેલ્લે ટિકિટ વહેંચણીની જાહેરાત પછી વિરોધ કરવા દેખાયાં હતા, એ પછી કોઈ પતો નથી. મોબાઈલ પણ સ્વીચ ઓફ આવે છે. ખોવાયેલ ભાઈ-બહેનોને વિનંતી કે તમારા વગર પ્રચાર અટકી પડ્યો છે એટલે પપ્પા બહુ ગુસ્સામાં છે. મમ્મીને ખાવાનું ભાવતું નથી અને કાકાને કાઈ સુઝતું નથી. તો આ જાહેરાતને રૂબરૂ મળ્યા તુલ્ય ગણી મૂળ પાર્ટીમાં પાછા આવી જશો. ગઈ ગુજરી ચુંટણી સુધી ભૂલી જવાની ખાતરી પપ્પાએ આપી છે. લી. મામા.

ફોલોઅર્સ મેળવો
સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક પર ફોલોઅર કમ ભક્ત મેળવો. તમારા દરેક સ્ટેટ્સ મેસેજ શેર અને ટ્વીટ-રીટ્વિટ કરી આપવામાં આવશે. શેર- રીટ્વિટ દીઠ માત્ર દસ પૈસાના નજીવા દરે. મળો યા લખો.

લાફાખાઉં
હળવા હાથે પણ કેમેરામાં અસ્સલ લાગે એવો નકલી મુલાયમ લાફો મારનાર તથા લાફો માર્યા બાદ આજુબાજુ ઉભેલા સમર્થકો દ્વારા પડતો માર સહન કરી શકે તેવો, બોલીવુડના જાણીતા ફાઈટ માસ્ટર પાસે ટ્રેઈન થયેલો સ્ટાફ ભાડે મળશે. દેશના કોઈ પણ ભાગમાં સર્વિસ આપવામાં આવશે. લાફો મારનાર શખ્સ અગાઉ અન્ય પાર્ટીમાં કાર્યકર તરીકે રહ્યા હોય એવા પુરાવા પણ પુરા પાડવામાં આવશે. સમગ્ર ઘટનાની વિડીયો ક્લીપ પ્રસંગ પુરો થાય એના એક કલાકમાં મળી જશે. ક્લીપને વ્યાજબી ભાવે સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કરી આપવામાં આવશે.

સ્વાગત કરનારા મળશે
આપના લોકલાડીલા નેતાજીના રોડ શો દરમ્યાન અમારા અનુભવી કાર્યકરો દ્વારા એમનું ગલીએ ગલીએ, ચકલે-ચૌટે હાર, શાલ, સુતરની આંટીઓ, લુંગી કે ટોપી પહેરાવીને ઉમળકાભેર સ્વાગત કરાવો. લોકલ વ્યક્તિઓનો જ ઉપયોગ કરવામાં આવશે. સ્વાગત-સત્કાર બિલકુલ સ્વયંભૂ લાગે તેની ગેરંટી. નોંધ: નોટોનો હાર પહેરાવવાનો હોય તો રોકડ અલગથી લેવામાં આવશે.

વૃદ્ધ અને ગરીબો પુરા પાડવામાં આવશે
આપના નેતાજી તેમની લોક-સંપર્ક યાત્રા દરમ્યાન એકદમ ગરીબ, અશક્ત અને વૃદ્ધ વ્યક્તિ સાથે  એકદમ જીવંત અને લાગણી સભર લાગે તેવા ફોટા પડાવી શકે એ માટે ગંદા-ગોબરા બાળકો તથા તદ્દન ખખડી ગયેલા બેહાલ ડોસા-ડોશીઓનો સચોટ અભિનય કરી શકે તેવા અનુભવી કલાકારો પુરા પાડવામાં આવશે. ચૂંટણી પુરી થાય ત્યાં સુધી આ કલાકારો જાહેરમાં દેખા નહિ દે તેની ખાતરી*.
 
એરકન્ડીશન ઝુંપડા
પાર્ટીના નેતાઓ માટે ગરીબો સાથે ભોજન અને રાત્રિનિવાસ માટે બહારથી ચીંથરેહાલ અને અંદરથી તમામ સુવિધા સહિતના એરકન્ડીશન ઝુંપડા મેનપાવર સહિત દેશના કોઈપણ ભાગમાં પુરા પાડવામાં આવશે.


નકલી સ્ટીંગ ઓપરેશન કરી આપવામાં આવશે
ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં કોઈ પણ ન્યુઝ કે ઘટનાને બ્લેક-આઉટ કરવા માટે ચકચાર મચાવી મુકે તેવું નકલી સ્ટીંગ ઓપરેશન કરી આપવામાં આવશે. કોર્ટ કેસ થાય તે પહેલાં તમામ સાક્ષીઓ ફરી જાય તેની ગેરંટી*.
* શરતો લાગુ.











No comments:

Post a Comment