Tuesday, February 07, 2012

તમને કૂતરા પાળવા ગમે ?


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |

અમે જ્યાં અભ્યાસ કર્યો તે અમેરિકાની ટેક્સાસ એ. એન્ડ એમ. યુનિવર્સિટી(ટામુ) માં રેવેલી નામની કૂતરી યુનિવર્સિટીની ઑફિશિયલ માસ્કોટ છે. ૧૯૩૧માં ઓરીજીનલ રેવેલી મળી પછી એના જેવી દેખાતી કૂતરીઓને આ માનદ સ્થાન આપવામાં આવે છે. ફૂટબોલ ક્રેઝી અમેરિકા અને અમારી એ યુનિવર્સિટીમાં રેવેલીનું અવસાન થાય તો એને ફૂટબોલ સ્ટૅડિયમમાં સ્કોર બોર્ડ તરફ મોં રહે તે રીતે દફનાવવામાં આવે છે જેથી એ મર્યા પછી પણ ટીમને ચીઅર અપ કરતી રહે ! યુનિવર્સિટીના કેડેટ્સની ઇ-૨ કંપની એની દેખરેખ રાખે છે. રેવેલીને કેડેટ્સ મિસ. રેવ મેમ કહી બોલાવે છે. જો રેવેલીને ઇચ્છા થાય અને એ કોઈ કેડેટનાં બેડ પર સૂઈ જાય તો એ રાત કેડેટ ખુશીભેર જમીન પર સૂઈ જાય છે, એટલું જ નહિ પોતાનું અહોભાગ્ય સમજે છે! રેવેલી જો કૉલેજમાં આંટો મારે અને ચાલુ ક્લાસ દરમિયાન એ ભસે તો એ ક્લાસને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે છે. આ આખી વાતમાં અમે સ્વભાવ પ્રમાણે ક્યાંય અતિશયોક્તિ નથી કરી!

આમ જુઓ તો અમેરિકામાં સાત કરોડ એંશી લાખ પાલતું કૂતરા છે. હાલ સાડત્રીસ ટકા પરિવારો પાસે કૂતરા છે. અમેરિકામાં તો કૂતરાનાં વિશેષ માનપાન છે. અમેરિકામાં કૂતરા માટેની ફાઈવ સ્ટાર હોટલ, હોસ્ટેલ, બ્યુટી પાર્લર, જીમ વિ. ઘણી સગવડ હોય છે. વરસે દાડે એક પરિવાર સાડી ત્રણસો ડોલર (પચાસ વડે ગુણી કાઢો) તો કૂતરા પાછળ મેડિકલ ખર્ચ કરે છે. અહિં ડિપ્રેશનમાં રહેતાં લોકોને કૂતરું પાળવાની સલાહ પણ આપાય છે. અમેરિકનો કૂતરાને વારસો આપી ને પણ જતાં હોય છે. અમેરિકાઝ ફનીએસ્ટ હોમ વિડીઓઝ શોમાં મોટા ભાગની ફની ક્લિપ્સ પાલતું શ્વાનના કારનામાંની જ હોય છે. ત્યાંના લોકોને કૂતરા સાથે વધારે ફાવે છે અને અમેરિકન પત્નીઓને તો કૂતરાનું કહ્યાગરા હોવું બહુ જ ગમે છે. એટલે જ કદાચ અમેરિકાનાં ધર્મેન્દ્રો ફિલ્મોમાં કુત્તે કમીને મેં તુમ્હારા ખૂન પી જાઉંગાજેવા ડાઈલોગ બોલતા નથી. આ અમેરિકાની વાત થઈ.

અહિં ભારતમાં બે પ્રકારનાં માણસો વસે છે. એક કે જેમને કૂતરાં ગમે છે, અને બીજાં કે જેમને એ નથી ગમતા. આ બે પ્રકારનાં લોકો એકબીજાને ભારત પાકિસ્તાન એકબીજાને જુએ છે એ રીતે જોતાં હોય છે. પાકિસ્તાન આતંકવાદીઓને છૂટો દોર આપે છે અને આતંકવાદીઓ મનફાવે એમ ભડાકા કરે છે. કૂતરાપ્રેમી પરિવારમાં આવી જ કંઈક આઝાદી કૂતરા ભોગવતા હોય છે. કૂતરું આવા લોકોનાં બેડ પર ચઢીને સૂઈ શકે છે. રસોડામાં આંટા મારી શકે છે. બે પગ પર ઊભું થઈ મોઢું ચાટવાની ચેષ્ટા પણ કરી શકે છે. એટલું જ નહિ આ બધા લહાવા પડોશીઓ અને મહેમાનોને પણ મફતમાં મળતાં હોય છે. પણ આવી હરકત કૂતરું ન પાળનાર સહન કરી શકતાં નથી. આમ ભારતમાં વણજોઈતા મહેમાનો માટે કૂતરું એ શ્રેષ્ઠ હથિયાર છે. તારક મહેતા કા ઊલટા ચશ્માસિરીયલમાં જો બબિતાજી કૂતરો પાળતી હોત તો ઐયરની જેઠાલાલ વિષેની ચિંતા કદાચ અડધી થઈ જાત !

પાળેલા કૂતરાનું સ્થાન એક પરિવારના બાળક જેટલું જ મહત્વનું હોય છે. એને રમાડવામાં આવે છે, એને ફરવા લઈ જવામાં આવે છે, એને ખવડાવવામાં આવે છે, બધું જ બાળકની જેમ. બાળકની જેમ જ મહેમાનો આગળ કૂતરાના શો પણ થતાં હોય છે, જેમાં કૂતરું કવિતા કે ફિલ્મનું ગીત ગાવા સિવાયના મોટાં ભાગના બાળક કરે એવા ખેલ કરી બતાવે છે. નાની સાઇઝનું કૂતરું હોય તો એને બાળકની જેમ ઊચકીને ફેરવવામાં આવે છે. બાળકની જેમ એને રસી મુકાય છે. એ હીંચકા ખાય છે. ફ્રીઝ્બી રમે છે. એ એસીમાં સુવે છે. તો કૂતરું કારમાં પાછલી સીટમાં બેસી બારીમાંથી માથું બહાર કાઢી લોકોને ચોંકાવી પણ દે છે. જો કે કૂતરાને ટયુશને કે સ્કુલે જવું નથી પડતું, એ કૂતરાનું સદભાગ્ય છે. રૂપાળી સ્ત્રીઓને કૂતરાને ફરવા લઈ જતી કે રમાડતી જોઈ ઘણાં પુરુષો આવા સદનસીબ કૂતરાનાં સદભાગ્યની ઈર્ષ્યા કરતાં પણ જોવા મળે છે.

જોકે અમારા જેવા કૂતરા વિરોધીઓને કાયમ એક સવાલ થતો હોય છે કે માણસ કૂતરાને પાળે છે કે કૂતરો માણસને? કૂતરો પાળો એટલે એની કેટલી તો પળોજણ હોય. તમે બહારગામ જાવ તો એને કોકને ભળાવીને જવું પડે. ઘરમાં રાખો ઘર આખું ઉપર નીચે કરે. એને ટ્રેનિંગ આપવામાં કલાકો ખર્ચી કાઢો ત્યારે માંડ એ શેક હેન્ડ કરતાં કે ફેંકેલો બોલ પાછો લઈ આવતાં શીખે. ચોત્રીસ કિલો વજન ધરાવતાં કૂતરાને જ્યારે ચોપન કિલોનો માણસ ફરવા લઈ જતો હોય એ જોઈ આપણને એમ થાય કે માણસ કૂતરાને ફરવા લઈ જાય છે કે કૂતરો માણસને ? અને આ ફરવાવાળી વાતમાં મઝા એ છે કે લોકો ખરેખર તો કૂતરાને ખાલી કરવાલઈ જતાં હોય છે, પણ કહે એમ કે અમે કૂતરાને ફરવા લઈ જઈએ છીએ!

કહેવાય છે કે મુંબઈમાં કૂતરા ઉપર-નીચે પૂંછડી હલાવે છે કારણ કે પૂંછડી આડી હલાવવા જેટલી તો અહિં જગ્યા જ નથી. એટલે જ મુંબઈ જેવા શહેરમાં કૂતરું પાળવું એ લકઝરી છે. અહિં ધનકુબેર અને ખાસ કરીને ફિલ્મસ્ટાર્સ કૂતરા રાખે છે. પણ આ ફિલ્મ સ્ટાર્સ જ્યારે દારૂ પી ને અંદર લડે ત્યારે આપણને એમ થાય કે આનાં કરતાં તો કૂતરા સારા !

Sunday, February 05, 2012

રાજીનામું


માય ડિયર બોસ,

હવે બોસ શેનાં ? એક્સ બોસ જ કહો ને.  હા, આ મારું રાજીનામું છે. તમને એ જણાવતા મને અત્યંત ખુશી થાય છે કે ઇષ્ટદેવની અસીમ કૃપાથી નીચે સહી કરનારની નોકરી બીજે સારે ઠેકાણે લાગી ગઈ છે. આ પત્ર તમારી હિટલરગીરીને બાય કહેવા લખ્યો છે. તમને નવા બકરા મુબારક અને મને મારી મનગમતી નવી નોકરી. હૅપી ન્યુ નોકરી ટુ મી. ગઈ કાલે જ ખાતામાં પગાર જમા થઈ ગયો છે, અને આજે નોકરીને રામ રામ કરી હું ચાલ્યો. નોટિસ બોટીસનો રિવાજ તો તમારી પેઢીમાં છે જ નહિ ને!

તમારી સાથે કામ કરવામાં મૂળભૂત રીતે વાંધો એ છે કે તમને કોઈ વાતની કદર જ નથી. હું જે દિવસે ઓફિસ સમયસર આવું એ દિવસે તમે બૅન્કના કે બીજાં કોઈ કામે અમથાં અમથાં નીકળ્યા હોવ એટલે મારું વહેલું આવેલું નકામું જાય અને જે દિવસે હું અડધો કલાક મોડો પહોંચું તે દિવસે તમે હવારના આઠ વાગ્યાના આઈ ને ઑફિસમાં ગુડાયા હોવ, તે મારે કરવું શું ? તમને જો બધું સમયસર આપો તો તમે એ ફાઈલો અભેરાઈ પર ચઢાવી દો છો, અને જે કામ સમયસર પૂરું ન થયું હોય એની ફાઈલ તમારે તાત્કાલિક જોઈએ. આમાં અમારે કામની પ્રાયોરીટી કઈ રીતે નક્કી કરવી? અને તમે કહો એ બધ્ધું કરીએ તોયે ઇન્ક્રિમેન્ટનો વખત આવે ત્યારે કોને આપ્યું ને તમે રહી ગયા?’ એવું સાંભળવા મળે છે.

તમે મારા ટીએડીએ બિલમાં કાયમ ભૂલો શોધી કાઢી છે. મારું એક પણ બિલ એવું નથી કે જેમાં તમે કાપકૂપ ના કરી હોય, તમે તો સેન્સર બોર્ડમાં હોત તો દેશની સંસ્કૃતિની સારી સેવા થઈ શકત. જો તમે ઇન્કમટૅક્સમાં હોત તો દેશ અત્યારે દેવા મુક્ત હોત. અને હું આ માત્ર ટીએડીએની જ વાત નથી, રિપોર્ટ લખું તો એમાં પણ તમે સ્પેલિંગની ભૂલો કાઢો, અરે સાલું માઈક્રોસોફ્ટ જે ભૂલ પકડી નથી શકતું તે તમને ક્યાંથી દેખાય છે? એટલે જ ઑફિસમાં તમને બધાં ફોફાકહે છે. ફોફા એટલે ફોલ્ટ ફાઈન્ડર. તમારા માઈક્રોસ્કોપિક ચશ્માની હદમાં આવેલ કાગળમાં તમને નાની ભૂલો મોટી બનીને દેખાય છે. પણ તમે સમજતા નથી કે મોટી મોટી ઓફિસોમાં આવી નાની નાની ભૂલો તો થતી રહે.

હું ક્યારેક વિચારું છું કે તમે માણસ છો કે મશીન? સવાર પડી નથી કે ટાઈમ ટુ ટાઈમ આવીને લેપટોપ ખોલીને તમે બેસી જાવ છો. સવારથી સાંજ સુધી બે હાથે મંડે તોયે દિવસના અંતે પૂરું ન થાય એટલું કામ ઓફિસ સ્ટાફને આપો છો. એ પછી ફોનનો વારો કાઢો છો. કંપનીના માર્કેટિંગવાળા ઘેર કે હોટેલમાં તો નથી બેસી રહ્યાને એ જાણવા તમારા ફોન ચાલુ થાય. એમાં પેલો બચારો ફિલ્ડમાં છે એ સાબિત કરવા એણે વાહનોનાં અવાજ તમને સંભળાવવા પડે! એમાં પાછું કોક સૌરાષ્ટ્ર ગયું હોય તો એ છકડાનો અવાજ સંભળાવે ત્યારે તમે માનો! પેલો સતિષ મોબાઈલમાં છકડાનો અવાજ રેકૉર્ડ કરી સંભળાવતો હતો, તે તમે એનેય પકડી પાડ્યો, કે મી. સતિષ, દર વખતે આ છકડાનું ફાયરિંગ એકસરખું કેમ લાગે છે?

અને તમારી પાસે રજા લેવી એ બળદને દોહીને દૂધ કાઢવા જેટલું અઘરું કામ છે. એટલે જ તો સ્ટાફ રજા માંગવા કરતાં બીજા દિવસે ગાળો સાંભળી લેવાનું વધારે પસંદ કરે છે. જો મિત્રના લગ્નમાં જવા રજા માંગીએ તો પહેલાં કંકોત્રી બતાવો’, ‘એ તમારા લગનમાં આવ્યો તો?’, ‘તમે નહિ જાવ તો એ લગ્ન નહિ કરે?’, ‘તમારા ફ્રેન્ડને રવિવારે લગ્ન રાખતા શું જોર આવતું હતું?’, ‘રિસેપ્શન રાતે હોય છે, એમાં જજો’, આવું સંભળાવો છો. જો તમારી પાસે ઘેર મહેમાન આવવાનાં છે, રજા જોઈએ છેએમ કહી રજા માંગીએ તો એ રિક્ષા કરી ઘેર નહિ પહોંચી શકે?’, ‘કેમ, તમારે એમને રાંધીને ખવડાવવાનું છે?’, ‘શોપિંગ માટે તમારી શી જરૂર છે, વાઈફને મોકલો’, ‘સાસરિયાને બહુ નહિ ચઢાવવા, રૂપિયાય ઢીલાં થશે, ને નોકરી જશે એ વધારામાંએવું સાંભળવા મળે. પણ હવે તમારી ધમકીઓથી મને લાગુ નથી પડતી મી. ખડ્ડુસ. ગુડ બાય. અલવિદા. અડીઓસ.

લી. આપનો એક સમયનો કહેવાતો આજ્ઞાંકિત, અ.અ.

ડ-બકા

ક્યાં સાગર સમા તારા વિશાળ હૈયામાં સમાવ બકા,
અથવા તો મંદીના ભાવે એકાદ ફ્લૅટ અપાવ બકા!