Tuesday, May 01, 2012

પિયરથી પતિને પત્ર


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૯-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
હું બે અઠવાડિયાં માટે મોમને ત્યાં ગઈ (પ્લીઝ, એને પિયર ન કહીશ, ઈટ્સ સો ડાઉન માર્કેટ!) એમાં તેં રાજી થઈને ઓફિસમાં પાર્ટી આપી દીધી? હમણાં જ એના ફોટા મેં ફેસબુક પર જોયા. જો આ પત્ર તને ખખડાવવા નથી લખ્યો. હાસ્તો, કાગળ કે ઈ-મેલથી ખખડાવવાની મઝા થોડી આવે? છ દિવસ થયા હું અહીં આવી છું અને મારી એલએલબીની પરીક્ષા પૂરી થવામાં હજુ બીજા વીસ દિવસ બાકી છે. પણ તારી પ્રવૃત્તિઓથી મને ઘણી ચિંતા થાય છે. એટલે આ પત્ર લખી રહી છું.

જો બકા, તું બહુ ભોળો છે. તને સાચું-ખોટું કંઈ ખબર નથી પડતી. તારી મમ્મી કાયમ કહે છે કે 'મારો બકો તો બહુ ભોળો' એ વાત છેક હવે મને સમજાય છે. માટે જ ઓફિસમાં બોસની સેક્રેટરીથી દૂર રહેજે. પાર્ટીના ફોટા પર એની કોમેન્ટ વાંચી મને તો શું કોઈની પણ પત્નીને ચિંતા થાય. અરે, કોઈ કાચી-પોચી હોય તો એ મોમના ઘરેથી પાછી આવી જાય. બકા, બોસની સેક્રેટરી એ બોસની હોય, એમાં આપણે વચ્ચે લંગસ ન નખાય એટલી તો તારામાં અક્કલ છે. મારો વિચાર ન કરે એ તો ઠીક છે, પણ હજુ બોસ પાસેથી તારે પ્રમોશન લેવાનું છે એ ભૂલી ન જતો.

મારા ગયા પછી ઘરની શું હાલત હશે, એ વિચારીને મને રાત્રે ઊંઘ નથી આવતી, એટલે જ હવે મેં દિવસે ઊંઘવાની ટેવ પાડી દીધી છે. મારા ગયા પછી પેલી ગરોળી કિચન, પ્લેટફોર્મ પર મસ્તીથી આંટાફેરા કરતી હશે, પણ તું રોકે તો ને એને! તેં દૂધ લીધું હશે તો એનાં ઊભરા આવી ને રેલો ખાળ સુધી ગયો હશે. પાણીનું માટલું ખાલી ગ્લાસ તળિયે અથડાવવાથી ભલું હશે તો તૂટી પણ ગયું હશે અને તેં ઠીકરાં પણ મારા માટે વીણવાનાં બાકી રાખ્યાં હશે. શેમ્પૂની બોટલ આડી પડીને ખાલી થઈ ગઈ હશે અને તું શેમ્પૂનાં પાઉચથી કામ ચલાવતો હોઈશ. એમાં પણ ખાલી પાઉચ બાથરૂમના વેન્ટિલેટરમાં ખોસ્યાં હશે એટલે એ મારે આવીને સાફ કરવાનાં.

અને કેટલી મહેનત કરીને મેં બાલ્કનીમાં ગાર્ડન બનાવ્યો છે, એમાં છોડને પાણી આપવાનું તો તને ક્યાંથી યાદ આવે? તું તો કાયમ મારા બગીચાની ટીકા કરે છે કે મારા બગીચામાં માત્ર બારમાસી અને તુલસી જ છે. પણ મોટા ભાગની ગુજરાતણના બગીચા એવા જ હોય. શોખથી મોંઘાં ભાવનાં મસ્ત ખીલેલાં ગુલાબ સાથેના છોડ ખરીદી લાવીએ અને બે મહિનામાં તો એ છોડ બળી જાય. તે રોજ રોજ એટલા રૂપિયા ખર્ચવાનું કોને પોસાય? અને પાછો તું તો કહે કે “અલી, તું પ્રેમથી ધતૂરાનું ફૂલ પણ આપીશ તો એ મારે મન ગુલાબ જ છે.આ ..હા..હા.. ધતૂરાનાં ફૂલ લેવા ક્યાં જવું મારે?

અને સાંભળ. મારા ગયાની ખુશીમાં બેચલર્સ પાર્ટીઓ તો ચાલુ નથી કરીને? ગઈ વખતે હું પાછી આવી એ પછી ઘરમાંથી કાચ સાફ કરતા ત્રણ દિવસ થયા હતા. સોફો શી ખબર કઈ રીતે આડો પડી ગયો હતો. ઘરના દરેક ખૂણામાંથી ચણાની દાળ અને સિંગનાં ભજિયાં તો મહિના સુધી નીકળ્યાં હતાં. પાડોશીઓ પણ હું પાછી આવી એટલે આવીને કહી ગયા કે સારું થયું તમે પાછાં જલદી આવ્યાં, અમે તમને ફોન જ કરવાના હતા.” હું આવી એ દિવસે માસા મળવા આવ્યા હતા. તે બિચારા પૂછતા હતા કે ઘરમાં કોઈ માંદું-સાજું છે કે આટલી દવાની વાસ આવે છે? એમને કઈ રીતે સમજાવું કે આ દવાની નહીં દારૂની વાસ છે? બિચારા માસા!

જો બકા, મારી ગેરહાજરીમાં તારે કરવાનાં અને ન કરવા જેવાં કામો અંગે વિસ્તૃત સૂચના ડાયરીમાં લખી છે. પણ મને ખાતરી છે કે તેં એ ડાયરી ખોલી જ નહીં હોય. સાચું કહે તેં ડાયરી ખોલી છે? હા? જુઠ્ઠા. મને ખાતરી હતી કે તું હા કહેવાનો છે, પણ ડાયરી તો મારી પાસે જ છે અને સૂચના બધી મેં લખીને બાજુવાળા સાકરબાને આપી રાખી છે, એ તને યાદ કરાવવા ગમે ત્યારે આવતાં જ હશે!
 
લિ. તારી વહાલી અલી.

1 comment:

  1. Adhir Dada.. (FYI a DADA etle 60+ na DADA nai) ek dam bandh besto lekh chhe pan farak etlo chhe ke haji ava letter and avo chance apne malyo nathi... male chhe kyarek koi full movie na traler jevo to thai etlu kari laye baki sansar hayle rakhe baka...

    ReplyDelete