Tuesday, May 22, 2012

રડવાની કળા

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૦૫-૨૦૧૨ |અધીર અમદાવાદી |

છોકરું જન્મે અને ડોક્ટરો એને પાછળ થાપટ મારી પરાણે રડાવે ત્યારથી માનવ જિંદગીમાં રડવાનું શરુ થાય છે એ જિંદગીભર ચાલુ રહે છે. મનગમતી વસ્તુની દુકાન પાછળ રહી જાય તો માબાપનું ધ્યાન દોરવા નાનું બાળક ભેંકડો તાણીને રડે છે. મોબાઈલ ચોરાઈ જાય ત્યારે ટીનેજર બોર-બોર જેવડાં આંસુ સારે છે. યુવાન છોકરી વજન કાંટા પર વજનનો આંકડો વાંચીને પોક મૂકીને રડે છે. પૈસાદાર બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ કોલેજીયન છોકરી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે. કાયમ નાપાસ થતો છોકરો સાડત્રીસ ટકા સાથે ફુલ્લી પાસ થાય ત્યારે માબાપની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. નવપરણિત વહુ જે દિવસે બધી રોટલી ગોળ બનાવે એ દિવસે પતિની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. પુરુષો તો ઇકોફ્રેન્ડલી રડે છે, એમનું રુદન મુક હોય છે. જ્યોતીન્દ્રભાઈ દવેના પૂર્વજો (અમે બધાં, પૃ. ૧૯) પૈકી બબી-કબીની જોડી ઊછળી ઊછળીને રડતી અને એમનાં રડવાથી રડતાં કૂતરાંઓ આશ્ચર્યથી અવાક બની પગ વચ્ચે પૂંછડી સંતાડી પલાયન કરી જતાં.....  આવી રડવાની કળા દિવસે દિવસે લુપ્ત થતી જાય છે.

જેને રડવું હોય એનાં માટે ગુજરાતી સાહિત્યમાં રડવાનાં આવા ઘણાં પ્રકારો વર્ણવ્યા છે. ઉપર જણાવેલ પ્રકારો ઉપરાંત વિલાપ કરી શકાય, આક્રંદ કરાય, હૈયાફાટ રડાય, હીબકા અને ડુસકા પણ ભરાય. અમુકને તો બોલતાં બોલતાં ગળે ડૂમો બાઝી જાય છે. આ ડુસકા અને ડૂમો ગઝલકારોના પ્રિય શબ્દો છે. ગઝલમાં ડુસકા કે ડૂમો આવે તો સાંભળનાર બમણી દાદ આપે છે. એટલે ડુસકા અને દાદ વચ્ચે પારસ્પરિક સંબંધ છે એવું કોઈ સંશોધન નથી થયું, આ તો અમે એવું નોંધ્યું છે. આ કવિઓ અને લેખકો પણ ગજબ હોય છે. પ્રેમિકાના આંસુને એ મોતી સાથે સરકાવે છે. શરાબી ફિલ્મમાં શ્રી શ્રી અમિતાભને જયા (પ્રદા)ને આપેલો નવ લાખનો હાર ચોરાઈ ગયો એનાં કરતાં પેલીની આંખમાંથી એક એક લાખનું એક એવા મોતી જેટલા કીમતી આંસુ સરી પડે એનું દુ:ખ અમિતાભને વિશેષ હોય છે. સ્ત્રીઓને એમનાં આંસુની કિંમત ખબર હોય કે ન હોય પણ એની શક્તિ જાણતી હોય છે. સામાન્ય રીતે એનાં આંસુની કિંમત એનો પતિ કે બોયફ્રેન્ડ ચૂકવતો હોય છે.

યુકેમાં થયેલા એક સર્વે મુજબ તો સ્ત્રીઓ જિંદગીના સોળ મહિના રડવામાં કાઢી નાખે છે. સ્ત્રી રડીને હળવી થઈ શકે છે એટલે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ઓછાં હાર્ટ ઍટેક આવે છે. આવી વૈજ્ઞાનિક માન્યતા છે. એટલે જ સુરતમાં હમણાં રડવાની હરીફાઈ યોજાઈ હતી. આ હરીફાઈ ગોઠવનાર લાફ્ટર થેરાપિસ્ટ કમલેશભાઈ મસાલાવાલાનાં કહેવા મુજબ રડવાથી શરીરના ટોકસીન બહાર નીકળી જાય છે. સ્ત્રીઓને જોકે કુદરતી રીતે રડવાની શક્તિ મળેલી છે. અમુક આને હાઇડ્રો પાવર પણ કહે છે. જોકે ધાર્યા સમયે, ધાર્યું કામ કઢાવવા માટે રડવું એ શક્તિ કરતાં પણ વધુ તો કળા છે.  વાતે વાતે રડવું અને રડતા રડતા વાતો કરવી, આ બે કળા સ્ત્રીઓને સાધ્ય હોય છે. આવી સ્ત્રી જ્યારે આંસુ પાડે ત્યારે એને રૂમાલ આપવાની ભૂલ ઘણાં પુરુષો કરે છે. ખરેખર તો સ્ત્રી આંસુ પાડે તો એને રૂમાલ નહિ, એને જે જોઈતું હોય એ લાવી આપવું જોઈએ.

લગ્ન પછી કન્યા માટે પિયરિયા એકદમ નવજાત હોય છે. મતલબ કે લગ્ન સુધી ઘર હોય, ફેરા ફરે એટલે ઘર પિયર બની જાય છે. આ પિયરિયા લગ્ન પછી એને પહેલી વાર મળે છે. એટલે રડતીતી ને પિયરિયા મળ્યાએ સિદ્ધ કરવા એ રડે છે. આ પ્રસંગે બધાં ભેગાં થઈ વારાફરતી અને સામૂહિક રીતે રડે એવો પણ આપણે ત્યાં રિવાજ છે. એમાં શરૂઆત કન્યા કરે છે અને પછી એમાં કન્યાની મા, માની બહેન તે માસી, માસીની દીકરીઓ, અને ક્યારેક તો પડોશીઓ અને અન્યો પણ યથાશક્તિ રડે છે. છેલ્લે બાકી રહી ગયેલા પપ્પા પણ આંખના ખૂણા લૂછે છે. કવિઓએ પણ પ્રસંગને અનુરૂપ ગીતો લખી રડાવવાનાં બનતાં પ્રયત્નો કર્યા છે. જોકે આજકાલ જ્યારે પ્રેમલગ્ન મોબાઈલ જેટલા સામાન્ય થઈ ગયાં છે અને એરેન્જ્ડ મૅરેજ લેન્ડલાઇનની જેમ ઓછાં થતાં જાય છે ત્યારે રડવાની ઘટના કન્યાવિદાયની ડિફોલ્ટ વિધિ તરીકે ઘટે છે. પણ હવે ક્યાં કોઈ પહેલા જેટલી ઉત્કટતાથી અને હ્રદયદ્રાવક રીતે રડે છે ? મારાં પપ્પાએ તો મારાં મોટાભાઈ-ભાભીનાં પ્રેમ કમ એરેન્જડ લગ્ન બાદ રડતાં ભાભીને પૂછી પણ લીધું હતું, કે હજુ પણ દુખ થતું હોય તો વિચારી લે’. ભાભીએ તાત્કાલિક આંસુ લૂછી નાખ્યાં હતાં અને પછી અમારા પરિવારમાં એ આવ્યાં એ આવ્યાં. છેલ્લી ઘટનામાં અમે અમારા સ્વભાવોચિત અતિશયોક્તિ જરા પણ નથી કરી.

જો કે ખોટેખોટું રડવું એ કંઈ સ્ત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર નથી. આપણે ત્યાં ઘણાં લોકોને રડવાની ટેવ હોય છે. પરીક્ષા ખંડમાંથી બોચિયો બહાર નીકળે તો એ એકદમ રડમસ હોય. બહાર નીકળી માથું હલાવતો હલાવતો ધીમાં અવાજે બોલે કે દોઢ માર્કનું રહી ગયું’. આપણ ને થાય કે અલા, તારે પાસ ક્લાસના ફાંફાં છે ને દોઢ માર્કનું રડે છે?’. તો બીજો ૯૦% રિઝલ્ટ આવે તોયે એ આંસુડા પાડતો હોય. એને પૂછો તો કહે કે મેં તો ૯૭% ધાર્યા તા’. પછી એને કેટલો તો સમજાવવો પડે ત્યારે માંડ હીબકા બંધ થાય. આવું જ વેપારીઓનું હોય છે. કરોડોનું ટર્નઓવર કરતાં હોય પણ પૂછો તો કંઈ ધંધો જ નથી આજકાલ’. આ પણ રડવાનો જ એક પ્રકાર છે. અને રાજકારણમાં તો મગરના આંસુ વહાવવા માટેની હરીફાઈ થાય તો જે સ્થળે હરીફાઈ યોજી હોય ત્યાં પુર આવી જાય !

1 comment: