Sunday, July 29, 2012

કનુ અને મનુ : એક જોક્સ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૯-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |   


ઘણાં લોકોને જોક સંભળાવવાનો ખૂબ શોખ હોય છે. આવા લોકો એક જોક્સ કહુકરી શરુ કરે અને જોક પૂરો થાય એ પહેલા તો પોતે હસવા લાગે. આ દુનિયામાં એવી પણ નોટો છે કે જેમને ચોક અને ડસ્ટર લઈને  જોક સમજાવવો પડે. તો એક અમારા અમેરિકાવાસી ફેસબુક દોસ્ત કેતનભાઈ છે જે ફેસબુક પર જોક વાંચીને હાહાહાહાકરીને એટલું જોરથી હસે છે કે એમની ઑફિસમાં ભુરિયાઓ ઉભા થઈને જોવા લાગે કે વોસ્સ પ્રૉબ્લેમ વિથ કેટન?’ હમણાં જ અમે આવો એક જોક સાંભળ્યો.



કનુઃ કેમ રે...છેલ્લા ૬ મહિનાથી તેં જગ્યાનું ભાડું આપ્યું નથી. ગમે તેમ કરીને ભાડાનાં પૈસા આપ. હું તને ફક્ત ત્રણ દિવસની મુદત આપું છું.

મનુઃ ઠીક છે, હું દશેરા, દિવાળી અને ક્રિસમસ આ ત્રણ દિવસ પસંદ કરું છું.



 ઉપરોક્ત જોક મરકી જવાય એવો અને બહુ સરળતાથી પચી જાય એવો સુપાચ્ય છે. પરંતુ નવરાં નખ્ખોદ વાળે એ ન્યાયે અમે આ જોકમાં થોડા ઊંડા ઉતરી જોકની થોડી એનાલિસીસ કરી નાખી. વાંચનારને ચેતવણી આપવામાં આવે છે કે આ એનાલિસીસની વધારે એનાલિસીસ કરવી નહિ.

૧) પહેલું તો મકાન માલિક અને ભાડુઆત કનુ અને મનુનાં નામમાં કાફિયા મળે છે એ ઘણો મોટો જોગાનુજોગ છે. જાણવા જેવું એ પણ છે કે જો બંનેની પોતપોતાની ફોઈઓએ એમના નામ રાશિ પ્રમાણે પાડ્યા હોય તો કનુ મિથુન રાશિનો અને મનુ સિંહ રાશિનો થયો. એટલે જ્યોતિષશાસ્ત્રની રીતે જોઈએ તો કનુએ મનુને ઘર ભાડે આપીને મોટી ભૂલ કરી છે.

૨) મનુએ છ મહિનાથી ભાડું નથી આપ્યું એના કારણો શું હોઈ શકે તે વિચાર માગી લે છે. શું મનુની આર્થિક પરિસ્થિત એટલી ખરાબ છે? શું મનુની નોકરી છૂટી ગઈ છે? શું મનુની બૈરી (પત્ની વાંચવું) (બહુ) ખર્ચો (કરે) છે? શું આ માટે રાજ્ય સરકાર કે ભારત સરકારને જવાબદાર ઠેરવી શકાય? કે પછી આ વૈશ્વિક મંદીની અસર છે?

૩) કનુ મનુ ને ગમે તેમ કરીનેભાડાના પૈસા આપી દેવા જણાવે છે તે ખૂબ જ વાંધાજનક છે. ગમે તેમ કરી ને એટલે? શું મનુ બેંક લૂંટીને પણ ભાડું ભરે તેવું કનુ ઇચ્છે છે? શું મનુ પોતાના છોકરાંનું (જો હોય તો) ભણતર રખડાવી ભાડું ભરે? અને આવું જ જો થાય તો આખી સમાજ વ્યવસ્થા તૂટી પડે એનો કોઈએ વિચાર કર્યો છે ખરો?

૪) કનુ મનુને ત્રણ દિવસની મુદત આપે છે તે વાજબી નથી. છ મહિનાનું ભાડું ચઢી ગયું ત્યાં સુધી શું કનુ ઊંઘતો હતો? એકદમ ત્રણ દિવસની મુદત આપે તો બચારો મનુ ક્યાંથી રૂપિયા લાવે? અને મુદત શબ્દનાં ઉપયોગથી કનુ વકીલ હોય તેવી અમને ગંધ આવે છે. આમ, આ જોક વકીલોની સમાજમાં વધી ગયેલી ધાકનો પણ આડકતરો ઉલ્લેખ કરે છે.

૫) મનુ ત્રણ દિવસની મુદતના જવાબમાં સૌથી પહેલાં ઠીક છેએવું કહે છે. આ મનુનો કુલસ્વભાવ દર્શાવે છે. આથી જ આપણે મનુનું શું થશે એવી ચિંતા આગળ કરી હતી તે અસ્થાને છે તેવું પ્રતીત થાય છે. કદાચ મનુના આવા કૈંક ચક્કર હોઈ શકે અને એને રોજ નોટિસો મળતી હશે એટલે એને આમાં કશી નવાઈ નથી લાગતી.

૬) મનુ દશેરા, દિવાળી અને ક્રિસમસ એ ત્રણ દિવસની પસંદગી કરે છે. આમાં મનુ પોતે ડફોળ છે અથવા તો એ કનુને ડફોળ બનાવવા માંગે છે એવું જોકમાં કહેવાયું છે. એ જે હોય તે, મનુ શોખીન ચોક્કસ લાગે છે. દશેરા અને દિવાળીની પસંદગી મનુ ફાફડા જલેબી અને દિવાળી નાસ્તાનો શોખીન હોય તેવું દર્શાવે છે. જોકે મનુની પત્ની ડાયેટીશિયન નહિ હોય નહીંતર એ મનુને ફાફડા જલેબી ન ખાવા દે. આ ઉપરાંત ક્રિસમસની પસંદગી મનુ વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત હોય તેવું દર્શાવે છે.

૭) પણ દશેરા અને ક્રિસમસ ભેગાં કરનાર મનુ સેક્યુલર હશે તેવું માની શકાય. જો કે એ સંજોગોમાં જોક બનાવનારે ચાર દિવસની મુદત આપી હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એ ચારેય ધર્મોનાં તહેવારોને  જોકમાં સ્થાન આપ્યું હોત તો દેશના બિનસાંપ્રદાયિક અને બુદ્ધિજીવી લોકો પણ આ જોકને માણી શકત. ખેર, જોક બનાવનારને જે ગમ્યું તે ખરું! થોડું લખ્યું છે, ઝાઝું કરીને વાંચજો!

ડ-કાકા
આઈ હેઈટ ટીયર્સ બકા, સોરી, કાકા ! !

No comments:

Post a Comment