Monday, March 04, 2013

સાત ખૂન માફ, ઇમ્પેક્ટ ફી ભરીને !

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૩-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
ઇમ્પેક્ટ ફી નો કાયદો મઝાનો છે. બિલ્ડર ગેરકાયદેસર બાંધકામ કરે, જેમ કે પાર્કિંગમાં દુકાનો, વધારાના માળ, માર્જીનમાં બાંધકામ. મ્યુનિસિપાલિટીનો સ્ટાફ ટેવ મુજબ આંખ આડા કાન કરે. વેપારીઓ એ દુકાનો-પ્રોપર્ટી ખરીદે. બિલ્ડર તો રૂપિયા મળે એટલે પૃષ્ઠ ભાગ ખંખેરીને ચાલતો થાય. પછી પાર્કિંગ વગેરેની સમસ્યાઓ સર્જાય. જયારે કોર્ટ ઓર્ડરથી આવા બાંધકામ તોડી પાડવાનો વારો આવે ત્યારે સરકાર ઇમ્પેક્ટ ફીનો નવો કાયદો લાવી આવા બાંધકામ રૂપિયા ભરી નિયમિત કરવાનો ફાઈનાન્સર્સને મોકો આપે. પણ વેપારી કીધાં કોને? આટલા રૂપિયા પણ એમને વધારે લાગે એટલે ભરે નહિ. પછી મુદતમાં વધારો અને ફીમાં ઘટાડાના નાટક થાય. છેવટે મફતના ભાવે બાંધકામો કાયદેસર થાય અને પાર્કિંગ અને સુવિધાઓને મુદ્દે પબ્લિક ઠેરની ઠેર રહે! અમદાવાદનો સીજી રોડ આનું ઉદાહરણ છે.

ટ્રાફિક વિભાગમાં આવું કંઇક થાય છે. હવે કોર્ટના આદેશ મુજબ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી શકાતી નથી. પણ વિદ્યા બાલન જેવી ફિલ્મની હિરોઈન બ્લેક ફિલ્મ લગાડેલી કારમાં જ ફરે છે. પોલીસ પકડે તો ખુશીથી દંડ ભરી દે છે. જેટલી વાર પકડાય એટલી વાર દંડ ભરે છે. કોઈપણ માથાકૂટ વગર. એકદમ કાયદેસર રીતે આવા કેટલાય સેલીબ્રીટી આ ફિલ્મના કાયદાનો ભંગ કરે છે.

હવે તો એવું સંભળાય છે કે ઇમ્પેક્ટ ફીના ધોરણે અન્ય વસ્તુઓ જેવી કે લાંચને કાયદેસર કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામની જેમ લાંચ પણ ગેરકાયદેસર છે. અનધિકૃત બાંધકામની જેમ લોકો લાંચ લે છે જ. તો પછી ઇમ્પેક્ટ ફીના ધોરણે લાંચ પણ કાયદેસર કરવી જોઈએ. લેનાર અને આપનાર બન્ને લાંચના ચોક્કસ ટકા સરકારમાં જમા કરાવે એટલે કાયદેસર. ન એન્ટી-કરપ્શન બ્યુરોનો કે ન સીબીઆઈનો ડર. સરકાર જેમ ઇમ્પેક્ટ ફી માટે જંત્રીમાં ઠેરવેલ દરનો આધાર લે છે એમ જુદાજુદા પ્રકારની લાંચ માટે ઠેરવેલા દર હોય. લેનાર અને આપનાર ભલે જુદાં ભાવે સોદો કરે, પણ સરકારમાં તો નિયત ધોરણે રૂપિયા જમા કરવાના થાય. નિયમ એટલે નિયમ.

બ્લોગ અને સોશિયલ નેટવર્કિંગ પર આજકાલ કોપી-પેસ્ટનું દૂષણ ખુબ વ્યાપ્યું છે. શિક્ષણ અને સાહિત્યમાં કોઈનું લખેલું આમ બઠાવી જવું એ પ્લેજીયારીઝ્મ ગણાય છે. પણ દલા તરવાડીઓ ભલભલાં ખેતરોમાંથી રીંગણા લઈ લે છે. એમાંય બે-ચાર લે તો ઠીક, આખી નાત જમાડાય એટલાં રીંગણાં બઠાવે. જોકે આવી ‘કોઈનું સ્ટેટ્સ કોઈની વોલે’ જેવી ઘટનાઓમાં સરકારને શું મળે? તો કહે શકોરું. એટલે જ સરકાર આમ સ્ટેટ્સ, કવિતા અને લેખની ઉઠાંતરીને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટમાંથી કાઢીને ઇમ્પેક્ટ ફીના પરવ્યુમાં લાવી રહી છે. પછી કોઈનું ઉઠાવેલું સ્ટેટ્સ રૂપિયા ભરીને કાયદેસર પોતાનું કરી શકાય. અરે, રમેશ પારેખની કવિતા કે મનોજ ખંડેરિયાની ગઝલ પણ ઇમ્પેક્ટ ફી ભરીને અંકે કરી શકશે. આમ જમા થયેલી રકમમાંથી પછી સાહિત્ય સર્જકોના કચડાયેલા વર્ગ માટે સરકાર સ્કીમો કાઢશે.

ઉપરની સ્ટેટ્સ બઠાવ સ્કીમનો વિદ્યાર્થીઓ પુરતો લાભ મળશે આમ છતાં કોઈને એમ ન થાય કે સરકાર યુવાનો માટે કંઈ કરતી નથી તો એમનાં માટે ખાસ એક્ઝામ ઇમ્પેક્ટ ફી સ્કીમ બહાર પાડવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થીઓ એક્ઝામ ફી ઉપરાંત ઇમ્પેક્ટ ફી ભરશે તો તેમને સરકારમાન્ય કાપલીઓ લઈ જવા દેવામાં આવશે. અમુક સ્પેશિયલ પરીક્ષાઓ અને એજ્યુકેશનલી બેકવર્ડ પરિવારોમાંથી આવતા નબીરાઓને ખાસ રાઈટર સ્કૂલ દ્વારા પુરા પાડવામાં આવશે. ખાસ કિસ્સાઓમાં શિક્ષકો પણ બાજુમાં ઉભા રહીને પેપર લખાવશે. પણ બધું નિયમ મુજબ. નિયત નમુનામાં અરજી કરવાની. ફી ભરવાની. અને પરીક્ષાખંડમાં દાખલા થતાં બન્ને ફી રસીદ દેખાડશે તેઓ જ એક્ઝામ ઇમ્પેક્ટ ફી ભરવાથી મળતી સવલતોનો લાભ લઈ શકશે.

આ રીતે તો પછી કેદીઓ પણ વહેલા જેલમાંથી છૂટી શકે. હાસ્તો ઇમ્પેક્ટ ફી ભરીને. પછી જેલમાં આવી ટનલ બનાવવાની મહેનત અને જોખમ શું કામ ખેડવાનું? જે લોકો ગેરકાયદેસર કામ કરી જેલમાં ગયા છે એ લોકો ઇમ્પેક્ટ ફી ભરીને ગુનાને કાયદેસર કરી શકશે. કોઈનું લાખો રૂપિયાનું કરી નાખ્યું હોય તો હજારો રૂપિયા ઇમ્પેક્ટ ફી આપીને છૂટી જવાય. કોઈનું ખુન કર્યું હોય અને વીસ વરસની સજા થઈ હોય તો સરકારે નક્કી કરેલા અમુક તમુક ટકા રૂપિયા ભરી દો એટલે પાંચ વરસમાં છુટા. જેટલી લાંબી મુદતની સજા એટલી ઉંચી ઇમ્પેક્ટ ફી. હા, કાયદો પાછો કડક રહેશે, એટલે આવી ઇમ્પેક્ટ ફીમાં સાત ખુન જ માફ થશે. એનાંથી વધારે હશે તો કાયદો કાયદાનું કામ કરશે હા! n

ડ-બકા
હું તો કહું છું જ, તું પણ ખુદ ખાતરી કર
તારાથી ખુબસુરત કોઈ છે, જા આયનામાં જો !
  
 

No comments:

Post a Comment