Wednesday, May 22, 2013

ગુજરાતી કાર્યક્રમ સંચાલકોનો ઘરસંસાર

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૫-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
કવિ એટલે
એ કે
જેના પરસેવામાં
કસ્તુરી મૃગોના
નિશ્વાસથી ફૂંકાતા
વાયરા વડે ચાલતાં
ઈચ્છાઓના
શઢવાળા વહાણ
આખાને આખા
ડૂબી જાય છે
--
ગુજરાતી સાહિત્યરસીકોનું સદભાગ્ય છે કે એમને શ્રેષ્ઠ કવિઓ અને ઉત્તમ સંચાલકો મળ્યા છે. ઘણીવાર મૂળ કાર્યક્રમ કરતાં સંચાલન વધારે રસપ્રદ થઈ જતું હોય છે એ આપણા સૌનો અનુભવ છે. આમ છતાં સતત ગળ્યું ખાવાથી જેમ મોં ભાંગી જાય એમ એમની મીઠાશને લીધે અને વધુમાં સરકારી ખજાનો હોય એમ અલંકાર અને ઉપમા લુંટાવતા આ સંચાલકો ને કારણે હવે ગુજરાતી કવિ સંમેલનો, સુગમ સંગીત અને પુસ્તક વિમોચનના કાર્યક્રમો બીબાઢાળ બનતા જાય છે. એમાં સંચાલકની હાજરજવાબી બાદ કરતાં બાકીની રજૂઆત પ્રેડીકટેબલ બનતી જાય છે. ઉપર વાંચી એવી કવિતાઓ કાર્યક્રમમાં વંચાય એટલે એનો અર્થ શું થાય એ શોધતાં શોધતાં અમુક તો હતપ્રભ થઈને તાળીઓ વગાડવા લાગે છે. એટલે જ ઘણાં લોકો હવે એવા સવાલો પૂછવા માંડ્યા છે કે શું આ સંચાલકો એમનાં વાસ્તવિક જીવનમાં પણ આવા મૃદુભાષી હશે? જો હોય તો કેવી પરિસ્થિતિ થાય એની અમે થોડી કલ્પના કરી છે.

પ્રસંગ-૧ : સંચાલકના પત્ની એમને ચા આપે છે. આ ઘટના સંચાલક શ્રી પોતાના મિત્રને આ રીતે વર્ણન કરે છે. આમાં સંચાલનનો મૂળ મુદ્દો એ છે કે દરેક શબ્દનો પ્રાસ મેળવી ગદ્ય-પદ્ય રચવું. જેમ કે..
સંચાલક શ્રી: ‘સ્વર્ણલતા જ્યારે ચા આપે ત્યાર ચા નથી આપતી ચાહ આપે છે. એનાં હાથે જ્યારે કપ ટેબલ પર મુકાય છે ત્યારે એ ટેબલ ટેબલ નહિ વૃંદાવન બની જાય છે અને રકાબી મૂકવાના ઠક અવાજમાં જાણે વૃંદાવનમાં હાઈ-હિલ્સ પહેરીને ગોપીઓ રાસ રમતી હોય, એવો કાનને જ નહિ સમગ્ર અસ્તિત્વને ભ્રમ થાય છે. સવાર સ્વરમાં સ્વર્ણ લતાના હાથમાં ચાનો કપ એ કાનજી બની જાય છે અને અંદર ચા એ રાધા બની જાય છે. ડાઈનીંગ ટેબલ આખું  વૃંદાવન બની જાય છે અને આજુબાજુની ખુરશીઓ જાણે ગોપીઓ. સ્વર્ણલતાના સગ્ગા હાથે ટેબલ પર પહોંચીને ઠંડી ચા પણ તાપણેમઢી હોય તેવી કોકરવરણી લાગે છે. આવી ચાહ વાળી ચા પીને આપણા મ્હોમાંથી વાહ સિવાય બીજું શું નીકળે ???
એમાં જાણકારને જ ખબર હોય કે વાતમાં મોણ નાખવા આણે પત્ની નામે લતાને  સ્વર્ણલતા બનાવી દીધી છે.

પ્રસંગ-૨ : સંચાલકના ઘેર લેન્ડલાઈન પર ફોન આવે છે. ફોન કરનાર સંચાલકની પત્નીની ખાસ સહેલી છે જેને સંચાલક શરૂઆતમાં ઓળખી નથી શકતાં.
સંચાલક શ્રી: ‘અરે, અરે, સુજાતા! સવારે ક્યારામાં ઊગેલ તાજા જાસૂદ પર ઝાકળ ચમકી રહ્યું હતું ત્યારે જાસૂદ જોઈ તારો ભીનો ચહેરો મને યાદ નહોતો આવ્યો હતો એવું કહું તો હું મારાં મન સાથે છેતરપીંડી કરું છું એવું મને જિંદગીભર સાલ્યા કરે. તને ખબર છે? તારો ફોન જયારે ફોન આવે ત્યારે ખાલી ફોન નથી આવતો, ફોનમાંથી ઘંટડીરૂપે સાક્ષાત લતાજી (મંગેશકર) વાગતાં હોય એવું લાગે છે, બે ક્ષણ તો નક્કી નથી થઈ શકતું કે આ કોઈ ગીત વાગે છે કે પછી ફોનની ઘંટડી! બસ એ એક-બે ક્ષણમાં હું તારી બાની હ્રદયસ્થ કરી રહ્યો હતો ત્યાં તેં સોંસરું પૂછી નાખ્યું ‘કેમ છો?’. ખરું કહું તો મારા ફોનમાં તારો અવાજ કાગડીના માળામાં કોયલ જેવો લાગે છે. લે, આ કાગડી સોરી, કોકિલા અવી ગઈ, એની સાથે વાત કર’.

પ્રસંગ-૩ : ઘરમાં કચરો લેવા માટે સવારે સફાઈ કર્મચારી આવે છે.
સફાઈ કર્મચારી: ‘બેન કચરો આપવાનો છે?’ દરવાજો ખોલતા સંચાલક ભાઈને એ કહે છે.
સંચાલક શ્રી (પત્નીને): ‘લતા, તું કહે તો ઘરના ઉતરેલા ઠાઠ જેવો કચરો આ બહેનના બારણે ટકોરા મારતા હાથમાં આપી દઉં. નહિતર એ બિચારી કચરાની રાહમાં અનિમેષ નયને બારણે લાગેલી મારી નામની તકતીને તાકી રહે તો પછી કહેતી નહિ કે તમને નજર બહુ લાગી જાય છે. ને હે સખી, નજરનું તો એવું છે કે મને તારી નજર લાગે છે અને તુંજ નજર ઉતારે છે એટલે સારું છે વાત ઘરની ઘરમાં જ રહે છે.’
આટલું બોલે ત્યાં સુધીમાં લતા ઘરના મુખ્ય દરવાજે પહોંચી જઈ ડસ્ટબીન પછાડે છે.

પ્રસંગ-૪ : સવાર સવારમાં બેસણામાં જવાનું છે. લતા સફેદ સાડી પહેરી તૈયાર થાય છે.
સંચાલક શ્રી: ‘આ સફેદ એ તારી સાડીનો રંગ નથી, એ તો જિંદગીના રંગની રંગહીનતા છે, જે કોઈના હ્રદયસ્થનાં સ્વર્ગસ્થ થવાથી ઉષાના કિરણોમાંથી રક્તકણ ખેંચીને વધેલું રક્ત અરવલ્લી પર બિછાવી દીધું હોય એવો ભાસ કરાવે છે. સફેદ અકવિની વિચારશૂન્યતા છે. સફેદ બરફની કચાશ છે. સફેદ દેશી ભોજન સાથેની છાશ છે. સફેદ એ માત્ર રંગ નથી, સફેદ એટલે સફેદ એટલે તારા અતૃપ્ત રક્તનો રંગ. ને લાલ એટલે મારાં બેચેન રક્તના સફેદ રંગમાં ભળવા માંગતો તારા પાનેતરનો રંગ.
લતા: ‘તમે ય શું પેલા આનંદભાઈ મરી ગયા છે ને પાનેતરની વાત કરો છો..’
સંચાલક શ્રી : ‘આનંદ મર્યો ન કહેવાય સુવર્ણલતા, આનંદ મરતા નથી, આનંદ તો આપણા હ્રદયસ્થ થયો છે એમ કહેવાય’
લતા(જીભડો બહાર કાઢતાં) : ‘પણ તમારા મોટાભાભી ‘ળ’ ને બદલે ‘ર’ બોલે છે, એ તો આવું ઘણીવાર બોલે છે, કે મને તો આમ કરવામાં આનંદ મરે છે.’  
સંચાલક શ્રી: ‘સાંભળ, ભાભીની વાત ન થાય લતા, હું એમનો ગુજરાતીનો શિક્ષક હોત તો ‘ઝળહળ ઝળહળ ખળખળ ખળખળ વહે સરિતા જળ, મન જગાવે આનંદ પણ માનવીનું મન અકળ, વિહ્વળ, અવિચળ’ એ કવિતા પચાસવાર મોઢે ન બોલે ત્યાં સુધી ગુજરાતીમાં પાસ ન કરત’
લતા : ‘તો તમને અભણ ભાભી મર્યા હોત, આઈ મીન મળ્યા હોત. ચાલો હવે નહીંતર બેસણું ઉભું થઈ જશે’.

પ્રસંગ-૫ : સંચાલકની આઠ વરસની દિકરી ડેડીને સુદામા વિષે જનરલ પૂછપરછ કરે છે.
સંચાલક શ્રી : ‘સુદામા કૃષ્ણના ખાલી સહાધ્યાયી નહોતાં, એતો કૃષ્ણના મનોધ્યાયી હતાં. સુદામા એ કૃષ્ણનો પર્યાય છે. સુદામા એ કૃષ્ણ જીવનનો ગીતાથી પણ જૂનો અધ્યાય છે. કૃષ્ણ-સુદામાની દોસ્તીને કોઈ નામ ન અપાય. એ દોસ્તીને નામ આપો તો નામનો મહિમા ઓછો થઈ જાય. આમ છતાં સુદામાની ગરીબી પર કૃષ્ણની નજર છે, ને કૃષ્ણની મહાનતામાં સુદામાની સાદગીભરી અસર છે. સુદામા અયાચક છે, તો કૃષ્ણ નાયક છે. સુદામાના આગમન પાછળનું પ્રયોજન એ સમજે છે ને છતાંય એમણે સુદામા માટે કરેલ પ્રાવધાન સુદામાને જણાવતા નથી. જે વિના કહે સમજે એ સખો છે. જે વિના વાદળ વરસે એ વાસુદેવ છે. જે વિના માંગે આપે એ માધવ છે. રેશનિંગની દુકાનથી લાવેલા સુદામાના તાંદુલ જે પ્રેમથી ખાઈ શકે એ કૃષ્ણ જ હોઈ શકે.’
છોકરી સુખેથી ઉંઘી ગઈ.  n

5 comments:

 1. ગુણસુંદરીનો ઘરસંસાર તો જાણ્યો'તો. આ ગુજરાતી કાર્યક્રમ સંચાલકોનો ઘરસંસાર આજે જાણ્યો! તમે બરાબરની પકડ જાળવી છે! વ્યંગ દ્વારા વાસ્તવિકતા રજૂ કરવાની રીત ગમી. ધન્યવાદ.

  ReplyDelete
  Replies
  1. bole to ekdam zaaakkkaaaasssss. :D

   Delete
 2. વાહ અધીરભાઈ, વાહ, આ વાંચીને મને તો ગુજરાતીના એક સંચાલક કવિ યાદ આવ ગ્ગયા અને આપની દરેક વાત જાને એમના મુખાર્વિન્દમાંથી આવતી હોય એવો ભાસ થયો, કદાચ આપના બંનેના મગજમાં જુદી જુદી વ્યક્તિઓ હોય પણ મઝા આવી ગઈ,

  ReplyDelete
 3. વ્યંગ્ય અને વાસ્તવિકતાને બહુ છેટુ નથી રાખ્યુ તોય વર્ણન બહુ સરસ કર્યુ છે.ખરેખર આનન્દ મળી ગયો.

  ReplyDelete
 4. ક્યાં બાત હૈ, મને લાગે છે કે તમે તો કદી કોઈ સાહિત્યિક કાર્યક્રમના સંચાલક નહિ જ બનો અને બનશો તો આવું જ બોલશો એવું લાગે છે, ભારે તૈયારી કરી છે, -- આપની વાત વાંચીને એક સંચાલક યાદ આવી ગયા જે હજી પણ સારા સંચાલક તરીકે જાણીતા છે અને એમની રોજબરોજની સ્ટાઈલ આવી જ છે, વધુ બોલીએ તો સેન્સર કરવું પડે ઘરના વ્યક્તિ જો ખરા, માટે કઈ વધારે અહી લખી શકાય નહિ (કદાચ આપના મિત્રવર્તુળ માં પણ હોઈ શકે) સુંદર લખાણ,

  ReplyDelete