Monday, July 15, 2013

પ્રોફેસર વાઈફનું લેક્ચર

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૪-૦૭-૨૦૧૩ | અધીર અમદાવાદી |





જેમ જુનું ઘર ખરીદતી વખતે એમાં શું ફેરફાર કરીશું તો પોતાના ટેસ્ટ અનુરૂપ થઈ જશે એવું બધાં વિચારતા હોય છે એમ જ પતિ પસંદ કરતી વખતે પત્નીઓએ પણ અમુક ફેરફાર કલ્પ્યા હોય છે. જેમ કે, એની સિગારેટ તો છોડાવી જ દઈશ, એની ડ્રેસિંગ સેન્સ થોડી વિઅર્ડ છે તે હું જ એનાં કપડાં ખરીદ કરીશ, મમ્મી મમ્મી બહુ કરે છે એનું કંઈક કરવું પડશે, એકવાર ડેન્ટીસ્ટને ત્યાં લઈ જવો પડશે, બટાકા સિવાયના બીજાં શાક ખાતો કરી દઈશ, વગેરે વગેરે. પત્ની બન્યા પછી ઘણી પત્નીઓની આવી મેલી મુરાદો બર આવતી હોય છે તો કેટલીનાં અરમાંનો અધૂરાં રહી જાય છે. આ મુરાદો બર લાવવાની પ્રક્રિયા અને અધૂરાં અરમાંનો બન્ને લેક્ચરમાં પરિણમે છે.


લેક્ચરની શરૂઆત માટે બિગ બેંગ જેવી કોઈ ધમાકેદાર ઘટનાની જરૂર નથી પડતી. જેમ સ્કૂલમાં બેલ વાગે અને ટીચર ક્લાસમાં આવી એટેન્ડન્સ લઈ લેક્ચર ચાલુ કરે છે એમ જ આ લેક્ચરની શરૂઆત પતિ સાંજે ઘેર આવે અથવા જમવા બેસે અથવા તો છાપું વાંચતો હોય ત્યારે થાય છે. શરૂઆત એકદમ નાની, સામાન્ય કે અણધારી ઘટનાથી થાય છે. જેમ કે, ચા ઢોળાવી, શર્ટના ખીસામાંથી મસાલાની પડીકી જડવી, થાળી પીરસાયા પછી મોબાઈલમાં જોઈ રહેવું વગેરે વગેરે. પછી ચા ઢોળાવાનાં મનોવૈજ્ઞાનિક કારણોની છણાવટ થાય છે. જેમાં ધ્યાન ક્યાંક બીજે છે’, ‘મમ્મીએ કશું શિખવાડયું નથી’, ‘સફેદ કપડાં પહેરે એટલે ખાસ ઢોળાય’, જેવા રસપ્રદ તારણોની વિગતવાર સમીક્ષા સહિતનો મૌખિક અહેવાલ પતિને આપવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન પતિ વિરોધ કરે તો કોઈક વખત રસોઈના સાધનોને ફ્લાઈંગ ઓબજેક્ટસ્ તરીકે પણ પત્નીઓ દ્વારા પ્રયોજવામાં આવે છે.

લેક્ચરના ટોપિકમાં ખાસું વિષય વૈવિધ્ય જોવા મળે છે. આમ છતાં લેક્ચર્સને વિષયવાર તારવવા હોય તો મુખ્યત્વે ભૂલ-સુધાર, જાહેર વર્તણૂક, સાસરિયાં સાથે સભ્યતાથી વાત, વ્યવહારમાં સમજ, મમ્મી-પપ્પાનું કહ્યું કેટલું કરવું, કેવી રીતે નોકરી કરવી, મિત્રો કેવાં બનાવવા, કેવી સ્ત્રીઓ સાથે વાતચીત કરવી કે ન કરવી, જેવા વિષયોમાં તારવી શકાય. એક જ વિષયમાં અનેકવાર લેક્ચર આપવા છતાં અમુક વિષયો જ એટલાં અગાધ હોય છે કે એનો કોર્સ જીવનપર્યંત પૂરો નથી થતો. પ્રોફેસર જેવી પત્નીઓ અમુક વિષયમાં વર્ષો જૂની, એની એજ નોટ્સ વાપરે છે, અને વિદ્યાર્થીને બોર કરે છે. વિદ્યાર્થી પરિણામ ઉપર અસર ન પડે એટલે ચાલુ લેક્ચરમાં પ્રોફેસર મૂંઝાઈ જાય એવા પ્રશ્નો પૂછતાં નથી, પરંતુ પોતાના જેવા અન્ય વિદ્યાર્થીઓ સાથે જ્યારે બેચલર્સ પાર્ટી યોજાય ત્યારે હૈયાવરાળો ઠાલવતા જરૂર નજર આવે છે.

પત્નીઓ અભણ હોય તો પણ લેક્ચર આપવાની કળા તો જાણતી જ હોય છે. અને જેને આ લેક્ચર સાંભળીને કોઈ ડિગ્રી મળવાની નથી તે પતિદેવ એક આદર્શ વિદ્યાર્થીની જેમ લેક્ચર સાંભળી લે છે. આ લેક્ચર દિવસના ગમે તે સમયે હોઈ શકે છે. ગમે તે સ્થળે હોઈ શકે છે. ગમે તે ઓડિયન્સની સામે હોઈ શકે છે. હીંચકા પર બેઠાં હોવો ત્યાંથી હોનોલુલુમાં હાઈકિંગ કરતાં હોવ ત્યાં સુધીની કોઈ પણ જગ્યા આ પ્રોફેસર વાઈફનો વર્ગખંડ છે. જાહેર માર્ગો પર આવા લેક્ચર ચાલતા હોય ત્યારે અમારા જેવા એમાં વગર ટીકીટ લીધે મનોરંજન મેળવતા હોય છે. અત્યારે તો ટ્રાફિક એટલો ગીચ હોય છે કે વાહન ચલાવતાં  કે સિગ્નલ ઉપર આવા લેક્ચર ચાલતાં હોય એ ઇચ્છીએ નહી તો પણ માણવા મળે છે. અમે તો માણ્યા જ નહીં, અનુભવ્યા પણ છે. અરે, પત્નીને કાર ચલાવતાં ન આવડતું હોય તો પણ એ કેટલી સ્પીડે ચલાવવી, ક્યારે હોર્ન મારવું, તથા આગળ જતાં અને આજુબાજુથી આવતાં વાહનોથી કેમ બચવું એ અંગે વિગતવાર ટ્યુટોરીયલ પણ આપતી હોય છે.

વાઈફ ટીચર જ્યારે લેક્ચર આપતી હોય ત્યારે પતિની મનોદશા દશા વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલરને હેલ્મેટ પહેર્યા વગર રમતાં ખેલાડી જેવી હોય છે. એણે મોટા ભાગના બોલ ડક કરવાના હોય છે. જો ન કરી શકે તો આવે લમણા ઉપર. એમાં જો ક્યાંક કટ વાગીને ચોક્કો જતો રહે તો બીજાં બે બાઉન્સર આવે! વચ્ચે વચ્ચે પ્રશ્ન પણ પૂછાય. અનુભવી વિદ્યાર્થી હોય તો ક્યારે પ્રોફેસરનાં પ્રશ્નોનો જવાબ આપવો અને ક્યારે પ્રોફેસરને પોતે જવાબ આપવા દેવો એ જાણતા હોય છે. પણ જો પતિ અનાડી હોય તો એ પત્નીના આવા લેક્ચર દરમિયાન પુછાતા પ્રશ્નોના ઉત્તર આપવાની ઝુરર્ર્ર્ત કરે છે. પછી તો કરોળિયાની જેમ પોતે જ પોતાના જવાબોથી ઊભા થતાં નવા પ્રશ્નોમાં ખોવાઈ જાય છે. જેની પરિણામ પર માઠી અસર પડે છે!

વાઈફ નામનાં ટીચરની બોડી લૅન્ગ્વેજ સમજવી ક્યારેક સહેલી તો ક્યારેક અઘરી હોય છે. ઓફિસેથી આવો અને ચાના કપ સાથે લેક્ચર ચાલુ થશે કે બ્યુટી-પાર્લરના પૅકેજની માંગણી એ ચાના ટેસ્ટથી સમજી શકે એટલાં સ્માર્ટ ભાગ્યે જ કોઈ પતિ હોય છે. પાછું સ્કૂલ ટીચર અને કૉલેજના પ્રોફેસરમાં ફેર હોય. સ્કૂલ ટીચર વિદ્યાર્થીને બાળકની જેમ ટ્રીટ કરે. પ્રોફેસર હોય તો સ્ટુડન્ટને એડલ્ટ ગણી વાત કરે. પણ લેક્ચર તો બંનેમાં આવે. પાછું સ્કૂલ કૉલેજમાં તો ક્યારેક ટચલી આંગળી ઊંચી કરીને ક્લાસ છોડી જવાની રજા મળી પણ જાય, પણ પ્રોફેસર વાઈફના ક્લાસમાં આવી મુક્તિ આસાનીથી મળતી નથી. અને કવચિત મળી જાય તો એ લેક્ચર પોઝ કરી દે, અને પાછાં આવો એટલે એકઝટ એ જ જગ્યાએથી, ક્યારેક તો થોડુંક રીવાઈન્ડ કરીને ફરી લેક્ચર ચાલુ કરે!

પતિને સ્ટુડન્ટ ગણવો એ પત્નીઓનો મૂળભૂત સ્વભાવ છે. જોકે લગ્નજીવનની આ પણ એક મઝા છે. ને એક જણ આવું બસંતી ટાઈપ હોય અને બીજું મનમોહન ટાઈપ, એટલે સંસાર પણ ચાલ્યા કરે!

2 comments:

  1. ખરેખર સુંદર માણાવા જેવો લેખ છે લગભગ બધા પાસાઓ આવરી લીધા હોય તેમ જણાય છે.

    ReplyDelete
  2. સારું છે કે હું પ્રોફેસર હતો, મારી પત્ની નહિં. :)

    ReplyDelete