Monday, March 17, 2014

ગબ્બર બેવકૂફ હતો

|

 | ઉત્સવ સપ્લીમેન્ટ | ૧૬-૦૩-૨૦૧૪ |


આમ તો દર વર્ષે કેટલીય એવી હિન્દી ફિલ્મો બને છે કે જેને હોળીમાં હોમી દેવાની આપણને અદમ્ય ઇચ્છા થાય. પણ હવે ક્યાં પહેલાની જેવા રિલ આવે છે કે તમે એને હોળીમાં ઝીંકી શકો? પણ આની સામે કેટલીય હિન્દી ફિલ્મો એવી પણ બની છે જેમાં હોળીના યાદગાર દ્ગશ્યો કે ગીતો આપણને મળ્યા છે. જોકે અમારો સ્વભાવ થોડો કૂતરાની પૂંછડી જેવો છે. એટલે અમને એ યાદગાર ફિલ્મોમાં પણ અવનવું દેખાય છે.

શોલેમાં આપણા દેશના મહા-માજી જયાજી ઉર્ફે રાધાના રોલમાં કૉન્ટ્રાસ્ટ ઊભો કરવા માટે હોળીના પ્રસંગનો સરસ ઉપયોગ થયો છે. અડધી રાત્રે જય અને વીરુ ઠાકુરની તિજોરીમાં ઝાડુ લગાવવાની કોશિશ કરતા હોય છે ત્યારે હિન્દી ફિલ્મના ટીપીકલ ભૂતની જેમ પ્રગટ થયેલ રાધાને જોઈને ખબર જ ન પડે કે એ પુર્વાવતારમાં હોળી માટે આટલી હરખપદુડી હશે. એ તો રામલાલે રાધાની વાર્તા ઘુસાડી એટલે આપણને ખબર પડી. જોકે એમાં બચારા સચિનનો રોલ કપાઈ ગયો એ આડ વાત. પણ સાથે સાથે ઠાકુર સ્ટાઇલની હોળીના નામે આપણા તહેવારમાં ચુટકીવાલી હોલીની ઘો ઘૂસી ગઈ જે તિલક હોળીના નામે આજે પણ આપણને કનડે છે!          

શોલેમાં ગબ્બર સાવ અભણ હતો. એક સીનમાં એને રઘવાયો થઈને હોલી  કબ હૈ, કબ હૈ હોલીએવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ અહીં બોસ, ફાગણ સુદ પૂનમ પછીનો દિવસજેવો જવાબ નથી આપતા. ખરેખર તો આવા સવાલનો કોઈ જવાબ ન હોઈ શકે. એટલે જ ગબ્બરના પ્રશ્ન પછી સીન બદલાઈ જાય છે.

જોવાની વાત એ છે કે ગબ્બર રામગઢ પર ધુળેટીના દિવસે ધાડ પાડવાનું વિચારે છે પણ ડફોળ એને હોળી કહે છે. કદાચ ત્યાં ધુળેટી પણ હોળી તરીકે ઓળખાતી હશે. પણ જો ગબ્બરમાં જરા જેટલી અક્કલ હોત તો એણે જે દિવસે હોળી પ્રગટાવે એ દિવસે બપોરે ધાડ પાડી હોત. કારણ કે હોળીના દિવસે લોકો સામાન્ય રીતે હોળી-ભૂખ્યા રહેતા હોય છે. આવા સમયે ધાડ પાડો તો સામનો કરવા કોણ આવે? પણ હશે, ગબ્બરમાં એટલી અક્કલ નહિ હોય, એટલે જ તો એ ડાકુ બન્યો. નહીંતર નેતા ન બનત? પણ બીજા કોઈ દિવસે નહીંને ધુળેટીના દિવસે? ખરેખર તો એને ઠાકુરના બે ભાડૂતી માણસો આ દિવસે ઓળખાયા એ જ બહુ કહેવાય, નહિતર ધારોકે જય અને વીરુએ મોઢા પર મેશ ચોપડી દીધી હોત તો એમને ઓળખતા પહેલા કેટલા લોકોના મ્હોં ધોવડાવવા પડત? આમ એકંદરે ગબ્બર બેવકૂફ તો હતો જ.

પણ ચુટકીવાલી હોળીનો મહિમા ગાતા આ શોલેમાં આગળ જતા બસંતી હોલી કે દિન ..ગીતમાં રંગોની ઢગલીઓને પગ વડે લાતો મારી ઉડાડી રંગનો જે બગાડ કરે છે એ કોઈ અમદાવાદી સહન ન કરી શકે. પાછું આખા ગીતમાં એકબીજાને રંગવાને બદલે રંગ હવામાં ઉડાડ્યા જ છે. આમ જુઓ તો હોળી આવે ત્યારે ડબલ સીઝન હોય. શરદી અને વાઈરલ રોગચાળો ફેલાયેલો હોય. એમાં પાછું રામગઢમાં પાકા રસ્તા પણ નહોતા એટલે ધૂળ તો ઊડતી જ હોય. એવામાં આમ રંગ ઉડાડે એ આંખ-કાન-ગળાના ડોક્ટરોને ફાયદો જ કરાવે ને? ને રામગઢમાં ડૉક્ટર ક્યાંથી હોય? એટલે ત્યાંના લોકો ધાણી-ચણા ખાઈ અને મીઠાના પાણીના કોગળા કરી હોળી પર થયેલ ખાંસી મટાડતા હશે.

શોલેના હોળી ગીતની બે-ત્રણ વાત જાણવા જેવી છે. એક તો એ કે આ ગીતમાં બસંતી ધર્મેન્દ્ર પાજીને બેસરમકહે છે. એ મિલનફિલ્મથી (સાવન કા મહિના પવન કરે સોરફેમ) પ્રભાવિત થઈને લખ્યું હોય એવું લાગે છે. લાગે છે શું, છે જ. બંને ગીતોના ગીતકાર આનંદ બક્ષી જ છે. બીજી વાત એ કે આખા ગીતમાં વીરુ બસંતીની આસપાસ ઘૂમરાયા કરે છે અને ગીત ગાય છે ત્યારે રામગઢના અન્ય યુવાનો બૅકગ્રાઉન્ડમાં ડાન્સ કર્યા કરે છે. આમ ગામ બહારનો છોરો, એ પણ પીધ્ધડ, ગામની આવી છેલબટાઉ અને બટકબોલી બસંતીને વટલાવી જાય એ જોયા કરે એ જોતાં રામગઢના યુવાનો ઘણાં સહિષ્ણુ અને સાલસ સ્વભાવના હશે એવું ફલિત થાય છે. ત્રીજી વાત એ કે આ ગીતમાં વીરુ ગીલે શિકવે ભૂલ કર દોસ્તો, દુશ્મન ભી ગલે મિલ જાતે હૈએવું સાંભળવામાં સારું લાગે એવું ગાય છે, પણ વીરુ અહીં ખરેખર ભ્રમમાં છે. આ ગીત પૂરું થતા સુધીમાં તો ગબ્બર જેવો જાની દુશ્મન ગલે મિલવા નહિ, પણ ગોળીએ દેવા ગામને પાદર સુધી પહોંચી ગયો હોય છે!

અમને હિન્દી ફિલ્મોના હોળી ગીતો વિષે અણગમો હોવાનું એક કારણ સિલસિલા છે. આપણા પોતાના ગુજ્જુ સંજીવ કુમાર રંગ બરસે..ગીતમાં પહેલેથી છેલ્લે સુધી ઢોલકું ટીચે રાખે છે. આખા ગીતમાં બચારાના ભાગે લોન્ગાં ઈલાચી કા ભાઈએટલું જ, અને એ પણ સાવ ખખડી ગયેલ ડોસાના પ્લેબેકમાં બોલવાનું આવે તે આપણને ગુજરાતી તરીકે ચચરે તો ખરું જ ને? પછી ભલે એ ફિલ્મની સ્ટોરીની જરૂરિયાત મુજબ એવું હોય! પણ બીજી તરફ બચ્ચનભાઈ તો ભાંગ જમાવીને ખુલ્લંખુલ્લા સંજીવ કુમારની પત્ની એવી રેખાની પાછળ પડી જાય છે. આમ હોળીના દિવસે ભાંગ ન પીવી, અને ખાસ કરીને પૂર્વ પ્રેમી કે પ્રેમિકાના ઘેર હોળી રમવા જાવ ત્યારે તો નહીં જ, એવો સંદેશો પણ યશ ચોપરાએ સિલસિલામાં આપ્યો છે, એ હિન્દી ફિલ્મોની ઊજળી બાજુ ગણવી.

નવી ફિલ્મોમાં યે જવાની હે દીવાનીફિલ્મમાં બલમ પિચકારી જો તુને મુઝે મારીએવું ગીત છે. આ ગીતમાં પણ પિચકારી પ્રતીકાત્મક હોય એવું પ્રતીત થાય છે. કારણ કે આખા ગીતમાં બલમના હાથમાં પિચકારી આવતી જ નથી. કારણ કે બલમને હોળી રમવા કરતાં ઠૂમકા મારવામાં વધુ રસ હોય છે. બલમ રણબીર અને એની બાલિકા દીપિકા આખા ગીતમાં હાથ ઉલાળી ઉલાળીને દોડાદોડી કરવાનું કામ કરે છે. હોળીના દિવસે અહીં અમદાવાદમાં કોઈ આટલું દોડાદોડી કરતું નથી. અહીં તો ટુ-વ્હીલર પર કે કારમાં રંગવા જવાનો રિવાજ છે. પણ આ તો હિન્દી ફિલ્મ છે. એમાં હોય એ બધું સાચું થોડું હોય! અને હોય તો હોય, આપણે શું એ બધી વાતની પંચાત!  

 
 

No comments:

Post a Comment