| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૦૫-૨૦૧૪ | અધીર અમદાવાદી |
સો રૂપિયામાં કોઈ સ્વિત્ઝરલેન્ડની ઠંડક ઑફર કરે તો હવે ચોંકી નથી જવાતું. કદાચ
માથામાં નાખવાના ઠંડા તેલની, અળાઈ પર લગાડવાના
પાઉડરની કે પછી એ ગંજીની જાહેરાત હોઈ શકે છે. ગરમીમાં ગંજી પુરુષનો સાચો સાથી છે.
ઘરમાં એસી ન હોય. આજુબાજુવાળા ફ્લૅટ એટલાં નજીક હોય, કે બાજુના બ્લૉકના રસોડામાં થતી વઘારની
ખુશ્બુથી તમારા ઘરમાં ઝઘડા થતાં હોય એવામાં ઘરમાં કુદરતી પવન તો ક્યાંથી આવે?
એમાંય જો તમે મધ્યમવર્ગીય
પુરુષ હોવ અને ટોપ ફ્લોર પર રહેતા હોવ તો જ ગંજીનો ખરો મહિમા સમજી શકો.
આજકાલ જોકે ગંજીની જાહેરાતો જોઈ એવું લાગે છે કે ગંજી પરસેવો શોષવાનું કામ પણ
કરે છે એ આપણા અહોભાગ્ય કહેવાય. ગંજીનું મૂળ કામ તો ચોર-મવાલી સામે લડવાનું,
મોટી આફતોમાં મર્દાનગી
જગાડવાનું છે. સ્ત્રીઓ ગંજી નથી પહેરતી એટલે જ કદાચ સ્ત્રીઓ મર્દાનગીના કામ નથી
કરી શકતી. સ્ત્રીઓ મર્દાનગીના કામ કરે તો એને આમેય મર્દાનગી નહિ ઓર્તાનગી નામ
આપવું પડે. પણ એવું નામ નથી અપાયું. એટલે ગંજી અને એના થકી પ્રાપ્ત થતી મર્દાનગી એ
ભારતીય પુરુષોનો જ ઇજારો છે.
ભારતીય પુરુષ એવું અહીં એટલાં માટે લખવું પડ્યું કે અમેરિકામાં ગંજીનો મહિમા
નથી. અમેરિકામાં બહુ ઠંડી પડે છે. ત્યાં ગંજીને બદલે ઇનર મળે છે જે તમને ઠંડીથી રક્ષણ આપે. પણ અમેરિકન
જાહેરાતોમાં આવું ઇનર પહેરેલ વ્યક્તિ ગોડ્ઝીલા અથવા અન્ય માનવસર્જિત કે કુદરતી
પ્રકોપ સામે સફળતાપૂર્વક લડી લેતો હોય એવું નથી જોવામાં આવ્યું. આ કદાચ અમેરિકન એડ
મેકર્સની સર્જકતાની લીમીટ દર્શાવે છે. બાકી અમેરિકન ફિલ્મો જોતાં અમેરિકન પ્રજા
કુદરતી આપત્તિઓ સામે ફાટી પડે એટલે ‘ઓ માય ગોડ ..’ બોલી, બેબાકળી
બની, છોકરાં-છૈયાને કારમાં
બેસાડી ને ભાગતી જ જોઈ છે. ફૂલ-સ્લીવ ગંજીની જાહેરાત માટે અમેરિકા એ આદર્શ જગ્યા
છે. ખેર, એ અમેરિકન એડ-મેકર્સે
જોવાનું છે આપણે શું બધી વાતમાં પંચાત કરવાની?
જોકે ગંજીની જાહેરાતોમાં જેટલું જોશ આવ્યું છે એટલું ગંજીમાં નથી આવ્યું. મતલબ
વર્ષોથી બાંયવાળા (પોલીસકર્મીઓની પહેલી પસંદ) અને બાંય વગરના એમ બે વરાયટી જ જોવા
મળે છે. એમાં હવે બાંય વગરનાં ગંજીમાં ગળાનો કટ જરીક બદલાયો છે. વર્ષો પૂર્વે
અમિતાભે અને રિશી કપૂરે કુલી અને અમર અકબર એન્થની જેવી ફિલ્મોમાં જાળીવાળા ગંજી
પહેર્યા હતાં. એ ગંજી બહાર દેખાડવાના ગંજી હતાં. ગરમીમાં પહેરતા ગંજી તડકે સુકાતા
હોવાથી રંગીન અને પ્રિન્ટેડ ગંજી ખાસ ચાલતા નથી. જરીની બોર્ડરવાળી ડિઝાઈનર ગંજી
ફિલ્મોમાં ક્યારેક જોવા મળે છે. પોપસ્ટાર્સ લેધર, રેકઝીન કે ચિત્ર વિચિત્ર મટીરીયલના ગંજી પહેરે.
પણ એ બધું એકાદ વિડીયો માટે કે એકાદ શો માટે. જે પહેરીને પરફોર્મ કરવાના એમને લાખો
રૂપિયા મળતા હોય. એટલે ગરમી લાગે તો પણ પહેરી લે!
અસલ ગંજી હોઝિયરી મટીરીયલના હોય છે. હોઝિયરી મટીરિયલ સ્ટ્રેચેબલ હોય.
સાયન્સમાં એવું ભણવામાં આવે છે કે ઇલાસ્ટીક મટીરિયલ પર બાહ્યબળ લગાડેલું છોડી
દેવામાં આવે તો તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ગંજીની ઇલાસ્ટીસીટી સમય
આધારિત છે. શરૂઆતમાં ગંજી કાઢવામાં આવે અને ધોવાય એટલે ફરી પાછું પોતાનાં મૂળ
આકારમાં આવી જાય છે. પણ સમય જતાં એ પોતાની ઇલાસ્ટીસીટી ગુમાવી દે છે. બેથી છ
મહિનામાં ગંજી પહેરનાર પર રૂમાલી રોટી જેમ કારીગરના હાથ પર ચારે બાજુથી લટકતી હોય
છે એવા લટકતા થઈ જાય છે. રૂમાલી રોટી બનાવનાર કારીગર પણ ભઠ્ઠીની ગરમીમાં પરસેવે
રેબઝેબ હોય અને ગંજીધારીના પણ એ જ હાલ હોય છે. ગંજીને અમુક ગંજીફરાક પણ કહે છે.
ગંજીની નીચેની ધાર ચારેતરફ આમ રૂમાલી રોટીની જેમ ફેલાયેલી જોઈએ ત્યારે ગંજીને ગંજી
‘ફરાક’ કેમ કહેવાતું હશે તેનો અંદાજ આપણને આવે છે.
કપડા ધોવાના સાબુઓ અને વોશિંગ પાઉડરની સરિયામ નિષ્ફળતા વિષે કોઈએ
ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી હોય તો એ ફિલ્મની શરૂઆત ધોઈ ને સુકાતાં મેલા ગંજીના
શોટથી થઈ શકે. ગંજી કદાચ ઊજળા થવા માટે નહિ પરંતુ પરસેવામુક્ત થવા માટે જ ધોવાતાં
હશે એવું અમારું માનવું છે. અથવા તો પીળાશ પડતાં વોશિંગ પાવડર અથવા પીળા સાબુના
લાટાને કારણે એ પીળાશ પકડતા હશે. વધારેમાં ગંજી પર ચા ના ડાઘ તો લોકશાહીમાં ભ્રષ્ટ્રાચારની
જેમ હોય જ છે. ગંજીમાં કુલ ચાર મોટા કાણા તો પહેલેથી જ આપેલા હોય છે. એક ગળા,
બે હાથ માટે અને એક કાણું
નીચેની તરફ પહેરવા તથા હવા ઉજાસ માટે. પછી કપડાં સૂકવતા અને ગંજીના અતિશય ઉપયોગથી
એમાં વધારાના કાણા પડે છે. નાનું કાણું સમય જતાં મોટું બાકોરું બની જાય છે અને
પહેરનાર ઘણીવાર તેમાં હાથ નાખવાની ચેષ્ટા પણ કરી બેસે છે.
કાણું બાકોરું બની જાય ત્યાર પછી પણ ગંજી જલદીથી સેવાનિવૃત્ત નથી થતું. ભારતીય
રાજકારણમાં નેતાઓની જેમ જ. ગંજી ફાટે એટલે વાસણ કે વાહન લૂછવા વપરાય છે. એનું
મટીરિયલ એટલું ડિમ્પલના સસરા જેવું હોય છે કે વાસણ કે વાહનમાં સ્ક્રેચ નથી પડતો.
એટલે ગંજી પહેરવાનું બંધ થાય તો કોઈ એને કચરામાં નથી નાખી દેતું. જોકે પહેરવાનું
બંધ થાય તે પછી કુંભ રાશિનું ગંજી કુંભ રાશિનું જ એવું ગાભો નામ ધારણ કરે છે. આમ
ગંજી ગાભો થઈ જવા છતાં, તાર તાર થાય,
મેલું થાય, દૂષિત થાય પણ પોતે જે સપાટીને સ્પર્શે તેને સાફ
કરીને રહે છે. આમ છતાં જેવો અગરબત્તીનો મહિમા (પોતે બળી સુવાસ ફેલાવે છે વગેરે
વગેરે ..) ગવાય છે એવો ગંજીનો નથી ગવાતો, તે ગંજીની કરુણતા દર્શાવે છે. આમ છતાં
ગંજી આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. મહાપુરુષોથી લઈને આમજનતા ગંજી વગર રહી
શકતી નથી. ગંજી ગઈકાલે હતાં, આજે છે અને આવતી
કાલે પણ રહેશે.




No comments:
Post a Comment