Sunday, August 17, 2014

જિંદગી એક જુગાર

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૭-૦૮-૨૦૧૪

જિંદગી એક જુગાર છે એવું લોકો કહે છે. બાળક જન્મે ત્યારે જ છોકરો જનમશે કે છોકરી એની અટકળ થાય છે. જન્મ પછી ઘણાં દાવો કરે છે કે અમને તો ખબર જ હતી કે બેબી કે બાબો જ આવશે. એટલું જ નહિ બેબી ગર્લ કે બેબી બોયનું (માંકડા જેવું) મોઢું કોની સાથે મળતું આવશે તેની પણ આગાહીઓ પોતપોતાનાં કુટુંબ તરફી કરવામાં આવે છે. બાળકના જન્મના સમાચાર મળે એટલે એ નોર્મલ ડીલીવરી થઈ હશે કે સિઝેરીયન એની અટકળો પણ થાય છે. ખર્ચની રીતે જોઈએ તો બાળકના બાપના માટે એ જુગાર જ છે. પછી તો જે થવાનું હોય એ જ થાય છે. નોકરી પણ એક સટ્ટો છે. તમારો બોસ કેવો મળશે એ તમારા નસીબ પર આધાર રાખે છે. એમાં બોસનો મુડ બોસની પત્ની પર આધાર રાખે છે. એટલે તમે શાંતિથી નોકરી કરી શકશો કે નહિ તે બોસના ઘરની આબોહવા ઉપર આધાર રાખે છે. જોકે બોસ કુંવારા હોય એટલે સારા હોય એવું પણ નથી, કારણ કે બીજું કોઈ એની મેથી મારનાર ન હોવાથી એ સ્ટાફની મેથી નહિ મારે એવું માનવું ભૂલ ભરેલું છે.

લગ્ન એ જુગાર હોય તો એરેન્જડ-મૅરેજ એ તીન-પત્તીની બ્લાઇન્ડ
ગેમ છે. એમાં ઘણું બધું દાવ પર લાગી જાય પછી અસલી પત્તા કેવાં ફાલતું છે એ ખબર પડે છે. લગ્ન પહેલાં જીવ આપી દેવાની કસમો ખાતો સાવરિયો લગ્ન પછી ખરેખર જીવ આપી દીધો હોત તો રોજના કકળાટમાંથી છુટત એવું માનતો થઈ જાય છે. એરેન્જડ-મેરેજ જો તીન પત્તીની બ્લાઈન્ડ ગેમ હોય તો લવ-મેરેજમાં બાજી ઓપન હોય છે. એમાં સામેવાળના પત્તા કયા છે તમને ખબર હોય છે, પણ પત્તા ખબર હોવાથી બાજી બદલાઈ નથી જતી. એ તો જે હોય એ જ રહે છે. જેમ ઘરમાં શાક બન્યું હોય તો કેવું બન્યું હશે તે દેખાવ ઉપરથી તમારે કલ્પના કરવાની હોય છે, પણ ખરેખર કેવું બન્યું છે એ તો ચાખ્યા પછી જ ખબર પડે. એમ લવ થયા બાદ મેરેજ થાય પછી ધીમેધીમે એનો ટેસ્ટ ખબર પડે છે. એમાંય દરેકનો ટેસ્ટ જુદો હોય છે. કોક્ને મોળું ભાવે તો કોઈને સ્પાઈસી. જોકે આપણે ત્યાં જેવો ટેસ્ટ હોય તે ફવડાવી દેવાનું શીખવાડવામાં આવે છે.

જોકે લગ્નની સફળતા બાબતની અનિશ્ચિતતાઓને લઇને એની સરખામણી જુગાર સાથે ભલે કરવામાં આવતી હોય પણ એ ખોટી છે, કારણ કે લગ્નમાં તો પડ્યું પાનું નિભાવવાનું હોય છે જ્યારે જુગારમાં નકામા પાના આવ્યા હોય તો બાજી 'પેક' કરી શકાય છે. આપણે ત્યાં તો દૂરી-તીરી-પંજાની ‘શ્રી ૪૨૦’ બ્રાન્ડ બાજી પર આયખું કાઢી નાખનારા મળી આવે! જુગારમાં હારી જાવ તો મનોબળ મક્કમ કરીને ઊભા થઈ જવાય છે, પણ લગ્નજીવનમાં એમ ઊભા નથી થઈ શકાતું. અમેરિકામાં છૂટાછેડા ખર્ચાળ છે છતાં લોકો ‘નથી રમવું શિવશંભુ’ કરીને ઉભા થઇ જઈ શકે છે. આપણે ત્યાં એ ખાટી દ્રાક્ષ છે! હારેલો જુગારી બમણું રમીને હારેલું કવર કરી શકે છે, જયારે લગ્નમાં હારેલો ખેલાડી તીન પત્તી છોડીને ઢગલા-બાજી કે સાત-આઠ જેવી વેજીટેરીયન ગેમ્સ પર આવી જવામાં ભલાઈ સમજે છે.

ઘણા ઘરોમાં પતિ-પત્નિ બંને પત્તાના શોખીન હોય છે. સાતમ-આઠમ પર પત્તા ટીચી ટીચીને તાશ-મય થઇ ગયેલા આવા લોકોને ઓળખવા સહેલા છે. તમે એમને ત્યાં જમવા જશો તો એની પત્ની ડિલ કરતી હોય એમ ટેબલ પર બેઠેલા મહેમાનોને વારાફરતી એક એક રોટલી વહેંચશે અને બધી રોટલી વહેંચાઈ જશે તો ‘ડેવિલ્સ-કટ’ એનાઉન્સ કરીને બધા પાસે એક એક ભજિયું પાછું મૂકાવશે! તો એનો હબી પણ થાળીમાં ત્રણ રોટલી થાય પછી પત્તા જોતો હોય એમ રોટલીનો છેડો ઉંચો કરીને જોઇ લેશે. તમારે ચેક કરવું હોય તો તમારી થાળીમાંથી એક ભજિયું સર્વિંગ બાઉલમાં નાખીને 'શો' બોલી જોજો – પેલો એની થાળીની બધી રોટલીઓ ઉંધી કરી નાખશે! આ દિવસોમાં આવા કોઈ શોખીનના ઘરે જાવ તો ડોર-બેલ મારવાના બદલે દરવાજાના ઉંબરા ઉપર દસની નોટ મુકીને 'શૉ' બોલશો તો જલ્દી દરવાજો ખુલશે.

આવા જ એક પત્તાના શોખીન મિત્રને ત્યાં પારણાના દિવસે જમવા જવાનું થયું. અમે બધા ટેબલ પર બેઠા, જમવાનું પિરસાયૂં અને બધાએ જમવાનું ચાલુ કર્યું. રોટલીના રાઉન્ડ ચાલુ થયા અને લોકો અડધે પહોંચી ગયા ત્યાં સુધી ઝોકા ખાતા યજમાને થાળીને હાથ સુધ્ધાં ન અડાડ્યો! અમે પુછ્યું કે 'પારણા નથી કરવાના?' તો બગાસું ખાતા એ કહે 'મારે બ્લાઇન્ડ છે.' જય શ્રી કૃષ્ણ!

મસ્કા ફ્ન 
કાચી કેરીની ચીરી જેવી તું,
એક્કા, દૂરી પછી
બ્લાઇન્ડમાં ખુલેલી 
તીરી જેવી તું.  

2 comments: