Sunday, September 07, 2014

શું લેશો, ચા કે કોફી?



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૭-૦૯-૨૦૧૪ | અધીર અમદાવાદી |

ભારતીયોની એક ખાસિયત છે. એમણે ચાલશે, ફાવશે અને ભાવશે સૂત્રને અપનાવી લીધું છે. એટલે જ ઘેર મહેમાન આવે તો જુનાં રિવાજ પ્રમાણે એમને શું લેશો, ચા કે કોફી?’ પૂછીએ તો કંઈ પણ ચાલશેએવો જવાબ મળશે. જુનો રિવાજ એટલાં માટે કહ્યું કે નવા રિવાજમાં કોલ્ડ્રીંક-કોલા-જ્યુસ અને આઈસ્ક્રીમ ઉમેરાયા છે. હવે દરેક ઘરમાં રેફ્રિજરેટર આવી ગયાં છે. પણ જુનાં રિવાજમાં માનનારાને આમ રેડીમેડ આઇટમ ફ્રીજમાંથી ઉઠાવીને આપી દેવામાં મહેમાનગતિ દેખાતી નથી.

ઘણાં લોકો હોય છે જ એવાં. જેમણે પોતાની કોઈ ચોઈસ ન હોય. પપ્પાએ કહ્યું એ કોર્સ કર્યો, ગામ આખું જેની પાછળ હતું એ છોકરીની પાછળ પડ્યા, મામાએ અપાવી એ નોકરી જોઈન કરી, બોસે કીધું એટલું કામ કર્યું, મમ્મીએ કહ્યું ત્યાં પરણી ગયાં, પત્નીએ કહ્યું ત્યાં ઘર લીધું, છોકરાઓએ બતાવ્યું એ ટીવી લીધું, વેવાઈએ કીધું એટલું દહેજ આપ્યું અને સંતોએ કીધાં એટલાં કર્મ કર્યા. પોતાનું કંઈ જ નહીં! એટલે જ જયારે એમને ચા કે કોફી વચ્ચે ચોઈસ પૂછો તો કંઈ પણ ચાલશેએવો જવાબ આપશે. બિચારા!

પણ ચા એ ચા છે અને કોફી એ કોફી છે. કોઈ ચાનાં રસિયાને કોફીનું પુછજો. ‘ના ભાઈ, આપણને કોફી ન ફાવે તો સામે કોફીના ખરા રસિયાને ચાનું પૂછી જોજો, કહેશે, ‘ચા પીધી જ નથી મેં જિંદગીમાં, એકવાર ભૂલમાં પી લીધી હતી તેમાં ઉલટી જેવું થઈ ગ્યુતુ.’ આમાં ઉલટી જેવુંશું હોય એ અંગે આપણે ડોક્ટરને પૂછવું પડે. પણ અમે નોંધ્યું છે કે ચા પીનારા સેક્યુલર હોય છે અને બીજાં પીણાં તરફ સમાન આદર ધરાવે છે. ચા પીનારા ક્યારેક કોફી પી લેવામાં અચકાતા નથી, પરંતુ કોફી પીનાર મોટા ભાગના કટ્ટરપંથી હોય છે, કોફી એટલે કોફી બીજું કંઈ જ નહી. વરસે એકાદ વખત આપણા ઘેર એમનાં પાવન પગલાં પાડનાર આવા કટ્ટરપંથીઓ માટે જ આપણે કોફી રાખવી પડે છે, જે ઘણુંખરું સુકાઈને ગાંગડા થઈ જતી હોય છે.

કોફી પીનાર કદાચ એમ માનતાં હશે કે કોફી ક્લાસ માટે અને ચા માસ માટે છે. ગાવસ્કરે હિન્દી ફિલ્મોનાં સંદર્ભમાં આ માસશબ્દ વાપર્યો હતો. કોફી પાવડરનો ભાવ ચાની પત્તી કરતાં લગભગ પાંચથી સાત ગણો હોય છે, કદાચ એટલે જ ‘મોંઘું એટલું સારું’ એ દાવે ઘણાં કોફી પીતાં હશે. કંઇક અલગ છેટાઈપ કરણ જોહરે કોફી વિથ કરણ શો બનાવ્યો એ પણ કોફીના અલગ ક્લાસ થિયરીને આધાર આપે છે. મોટા માણસ ઘેર પધારે તો હજુ પણ એમને કોફી જ પૂછવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં તો કમસેકમ કોફી પીનારા લઘુમતીમાં છે જ. દેશમાં લઘુમતીઓને જેમ સાચવવામાં આવે છે એમ કોફી પીનારને સાચવવામાં આવે છે. કોફી પીનારાઓની ખાસ વોટબેંક ન હોવા છતાં!

રસોઈ માટેની ‘લોટ, પાણી ને લાકડા’ કહેવત ચા-કોફી બનાવનારાઓએ અપનાવી લીધી છે. એજ કોફી, એજ દૂધ, એજ ખાંડ, અને એજ ગેસ વપરાવા છતાં કોફીમાં સો જાતના સ્વાદ આવી શકે છે. જેનાં વિષે બનાવનાર અજ્ઞાન હોય છે. સૌરાષ્ટ્રનાં નાના સેન્ટરમાં કોફી પીવો તો કોફી ફ્લેવરનું દૂધ કે શરબત પીતાં હોવ એવું લાગે. એમાંય ઈલાયચી નાખી આપેલું પીણું કોફી છે કે ઉકાળો એ નક્કી કરવા ફોરેન્સિક સાયન્સ ડીપાર્ટમેન્ટની મદદ લેવી પડે.

જોકે શહેરની વાત જુદી છે. આજકાલની કોફીશોપ્સ મોટ્ટો કપ ભરીને રિચ કોફી આપે છે. અમદાવાદમાં તો એટલીસ્ટ એટલી બધી કોફી પીવાની કોઈને ટેવ નથી. કારણ કે માણસ કોફી પીવા જાય ત્યારે બેમાંથી એક પરિસ્થિતિ હોય જ છે; ક્યાં તો એ જમીને ગયો હોય છે અથવા એને જમવાનું બાકી હોય છે. આમ બંને પરિસ્થિતિમાં મોટો કપ અનુકુળ નથી આવતો. પાછું કોફીશોપ્સવાળા એકમાંથી બે નથી કરી આપતાં. જોકે ખર્ચની બાબતમાં અમદાવાદીઓ હવે પોતાની કંજુસની છાપ ભૂસી રહ્યાં છે. કોફી શોપ્સમાં જઈને વાતો કરવાના પણ હવે એ રૂપિયા ખર્ચતા થઈ ગયાં છે.

કોફીના મોટા કપની સામે અમદાવાદની કટિંગ ચા ફેમસ છે. એની સાઈઝ ઘટતા ઘટતાં દવાની ઢાંકણી જેટલી મીનીએચર થઈ ગઈ છે. એક ઘૂંટડે પી શકાય એટલી ચા હવે અપાય છે. ચાનાં કપ બોન ચાઈનાનાં બદલે કપનું બોન્સાઇ હોય એવું લાગે છે. પણ ખાસ કરીને દુકાનદારો દ્વારા ઘરાકોને ચા પીવડાવવાનો રિવાજ અસ્તિત્વમાં છે જ્યાં સુધી છે ત્યાં સુધી આ મીનીએચર કપ વધું મીનીએચર થશે, પણ લુપ્ત નહી થાય એવું લાગે છે.

આ તો ક્વોન્ટીટીની વાત થઈ. મુખ્ય વાત તો ક્વોલીટીની છે. ફાઈવસ્ટાર હોટલમાં રહીને કોઈ ચા પીવા રોડસાઈડ કાફેમાં જાય તો સમજવું કે એ અમારા જેવા દેશી ચાના શોખીન હશે. દુલ્હેરાજા ફિલ્મમાં કાદરખાનની ફાઈવ સ્ટાર હોટલનાં ઘરાકો જમવા ગોવિંદના ઢાબા ઉપર જાય છે એમ જ સરકારી કામે અમારે દિલ્હીની જનપથ હોટેલમાં ઉતરવાનું થાય ત્યારે અમે પણ ચા પીવા બાજુની ગલીમાં આવેલી ઢાબા ટાઈપ રેસ્ટોરાંમાં જતાં. અમને તો સૌરાષ્ટ્રના માંગરોળની સગડા ઉપર ધીમા તાપે ઉકળતી ઘટ્ટ રગડા જેવી ચા ખાસ ભાવે. એવું કહેવાય છે કે સર્વિસ ટી માટે ટેસ્ટ ડેવલપ કરવો પડે. વિમાનમાં કે શતાબ્દી ટ્રેઈનમાં ટીકીટભાડામાં ફ્રી અપાતી ચા પીને ટેસ્ટ ડેવલપ કરવા ઘણી કોશિશ અમે કરી જોઈ છે, પણ છેવટે વડોદરા ઉતરીને કીટલીની ચા ગાંઠના રૂપિયા ખર્ચીને પીધી છે. અમદાવાદી કહેવડાવવાને અમે લાયક નથી રહ્યાં.

ચા પીનારામાં પણ થોડાક લીબરલ કે ડેમોક્રેટ હોય છે. તો ઘણાં સરમુખત્યાર. અમારા જેવા. ચાની કીટલીવાળો સવારની પહેલી ચા બનાવી રોડ પર રેડી દે છે. એ ચાને જગડખાની ચા કહેવાય છે. સ્વાભાવિક રીતે આવી ચાની ગુણવત્તા ખાસ સારી નથી હોતી. લીબરલ હોય એમનાં ત્યાં આવી જગડખાની ચા બને છે. તેઓ પોતે પણ એવી ચા પીવે છે અને બીજાંને પણ એવી ચા પીવડાવે છે. અમારા ઘેર અમારી ચા અલગ બને છે. કડક. દૂધનું પ્રમાણ પાણી કરતાં અડધું. પહેલાં પાણીમાં ચા નાખી ઉકાળવાની. બધી ચા ઓગળી જાય એ પછી અડધો કપ દૂધ નાખવાનું. પછી ઉકાળીને છેલ્લે ખાંડ નાખવાની. ખાંડ પહેલાં નાખો તો ચા પાણીમાં સારી રીતે ઓગળી ન શકે તે સાયન્સ ભણ્યા ન હોય તે કઈ રીતે સમજી શકે? એટલે જ અમે ચાની રેસીપી છપાવવાનું વિચારીએ છીએ. પછી યજમાનને કહેવાનું કે તમે અમને ચા પીવડાવ્યા વગર રહી જતાં હોવ તો આ પ્રમાણેની ચા બનાવો. અથવા રોકડા રૂપિયા આપી દો તો જાન છૂટે!

1 comment:

  1. "ચા" એ ચાહ નું અપભ્રંસ રૂપ હોવું જોયીએ એવું આપણું પેર્સ્નલ માનવું છે. આપણું એવું અનુમાન પણ છે કે લગભગ અખો સમાજ ચા સાથે ઈમોસનલી અટેચ્ડ છે. 'ચા' બનાવા ની રેસીપી જેટલી અગત્યની છે એટલી જ અગ્ય્ત્યતા 'ચા' પીવાની સભ્યતા ની પણ હોવી જોઈએ. હવે જુવોને તમારી રેસીપી પ્રમાણે ગરમા-ગરમ "ચા" બનાવી ને ...ભરેલો કપ કોઇ એક્ષ્ટ્રા સ્માર્ટ સ્માર્ટી ને આપીએ, ને પછી એ મહાનુભવ રકાબી માં ચા કાઢી ઠંડી સ્નો-ટી (ઓ. કે. આઈસ ટી) સબકડા ભરી-ભરી ને પીએ... તો ગરમ ચા બનાવવા ની મહેનત નું શું? મહેનત તો ગઇ ને પાણી માં!

    આપણે તો એવા લોકોને પણ ઓળખીએ છીએ જે 'ચા' માં પાર્લે-જી નું પેકેટ ઓગાળી ને, હાથ ની ફર્સ્ટ ફિંગર થી ઠરેલું પેસ્ટ ચાટી જાય... (હોઉં ચી...ઈપ! ...બટ ઈસ્ટાઈલ છે, બોસ!)
    બોલો, આ પાણી ઉકાળો, યાદ રાખો કે ચા પટ્ટી પહેલા નાખવા ની કે સાકર... આખું રસાયણ મિક્ષ થાય પછી ઉકાળવાનું કે પહેલા ઉકાળી ને પછી ચા પટ્ટી કે સાકરને નાખવાની... અરે બાપા દૂધ અથવા મિલ્ક પાવડર તો ભૂલી જ ગયો...

    ઓ બાપરે! કેટલો લોહી ઉકાળો છે!

    બાકી, "ટી - મેકીગ ચેલેન્જ" (આઈસ બકેટ ચેલેન્જ જેવુ કંઇક) આપવી હોય તો ૮૦ કલાક ની ફેસીલીટી આપવા નમ્ર વિનંતી.

    ReplyDelete