Sunday, November 09, 2014

પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઘટાડાનો વિરોધ કરતો પત્ર

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૧૧-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

માનનીય મંત્રી શ્રી,

અમો નીચે સહી કરનાર અરવિંદ કરસનદાસ આથી પેટ્રોલ અને ડીઝલમાં થતાં ભાવ ઘટાડાનો સખ્ખત વિરોધ કરીએ છીએ. આ ઘટાડો ચોવીસ કલાકમાં પાછો ખેંચી લેવા આપને અનુરોધ. પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આમ વધઘટ બંધ કરો અને વરસ વરસ માટે ભાવ બાંધી આપો અમારી એવી દરખાસ્ત છે. કારણ કે ઘણીવાર જે દિવસે અમે વીસ લીટર પેટ્રોલ ભરાવ્યું હોય તે રાતે બાર વાગ્યે અઢી રૂપિયાનો ઘટાડો જાહેર થાય છે. અમારા જેવા હજારો વાહનચાલકોની છાતીમાં સવારે છાપામાં આ ઘટાડાનાં સમાચાર વાંચી કળતર શરુ થાય છે. આનાં કરતાં ભાવ વધારાની જાહેરાત થાય ત્યારે અમે લાઈનમાં ઊભા રહીને પણ જુનાં ભાવે પેટ્રોલ ભરાવી શકીએ છીએ. પાછું એક દિવસ હોય તો ઠીક, આ તો રોજનું થયું.
અમારા કેટલાંક હોંશિયાર મિત્રોએ શોધી કાઢ્યું છે કે તમારા દ્વારા
કરવામાં આવતાં ભાવ ઘટાડા તમો પ્રજા માટે ઘસાઈને નથી કરતાં. હકીકતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે અહીં ભાવ ઘટે છે. જોકે અમારા જાણકાર મિત્રોના જણાવ્યા મુજબ વિદેશમાં ક્રુડનાં ભાવમાં જેટલા ટકા ઘટાડો થાય છે એટલાં ટકા ઘટાડો અહીં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતો નથી. તો વચ્ચેના રૂપિયા કયા સમુદ્રમાં પડી જાય છે એ અમારા મિત્રોને ડાયરેક્ટ સમજાવવા વિનંતી. એટલું જ નહીં, એમને સમજ પડી છે એવું લેખિતમાં લઈ ફેસબુક પર પોસ્ટ કરવા પણ વિનંતી. આ ઉપરાંત ઘણાં એવા છે જે આ ભાવ ઘટાડાને શંકાની નજરે જુએ છે. એવા લોકોને જુનાં, ઊંચા ભાવે પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની સુવિધા પણ સરકાર આપે એવી અમારી અરજ છે.

વધુમાં જણાવવાનું કે પેટ્રોલ ડીઝલ સસ્તું થવાથી ઘેર મહેમાનોની અવરજવર વધી જાય છે. અમારા અમદાવાદમાં છેક સુરત અને શિહોરથી મહેમાનો ટપકી પડે છે. આ તરફ ઘરમાંથી પણ લોંગ ડિસ્ટન્સ પર રહેતી ‘બહેનના ઘેર જઈએ’, કે ‘ભાઈના ઘેર જઈએ’ એવી ફરમાયશો થવા લાગે છે અને એવા સમયે ‘પેટ્રોલના ભાવ સાંભળ્યા છે?’ જેવો જવાબ આપી પ્રસ્તાવ પર ઠંડું પાણી રેડી નથી શકાતું. પેટ્રોલના ભાવમાં બે-ત્રણ ટકા ઘટાડો થાય છે પણ સત્તાણું ટકા અમારે ભોગવવા પડે છે એનું શું? હા, તમો આપણાં કલ્ચરને પ્રોત્સાહન મળે એવું ઇચ્છતા હોવ તો ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ-બહેન દિવાળી મિલાપ યોજના’, ભાઈ-ભાઈ માટે ‘ભરત-મિલાપ યોજના’, બહેન-બહેન માટે ‘સીતા ઓર ગીતા ભગિની મિલાપ યોજના’, દોસ્ત-દોસ્ત માટે ‘કૃષ્ણ-સુદામા મિલન યોજના’ અને સમગ્ર પરિવાર ભેગો થાય તે માટે ‘હમ આપકે હૈ કોન’ જેવી યોજના કાઢી દિવાળી બાદ કુટુંબને મળવા ટ્રાવેલ ગ્રાન્ટ આપો. તો શું !

પણ આવી કોઈ યોજના તમને બિનસાંપ્રદાયિકતાનાં બની બેઠેલાં રખેવાળો લાવવા દેશે નહી. માટે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો. ભાવ વધવાથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થશે, એટલે પ્રદુષણ ઘટશે. ખોટમાં ચાલતી બસ સેવાઓ નફો કરતી થશે. આ બસ અને સબર્બન રેલવે પર કેટલાય ખીસાકાતરું ભાઈ-બહેનોના પરિવાર નભે છે. એમની રોજગારીનું સ્તર અને જીવનધોરણ ઊંચું આવશે. જાહેર સાધનોનો ઉપયોગ કરશે એટલે પ્રજાને તકલીફો સહન કરવા શક્તિ મળશે. બસની રાહ ન જોવાની હોત તો એટલાં સમયમાં કેટલાં નિંદા અને કુથલી થાત? આમ પેટ્રોલ મોંઘું થવાથી આપણો સમાજ કુથલીમુક્ત સમાજ બનશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનાં ઉપયોગથી કેટલાય પ્રેમી-પંખીડા મળી શકશે અને જો ભાગીને લગ્ન કરશે તો લગ્ન અને દહેજના ખર્ચા પણ બચશે! આમ જો પેટ્રોલ-ડીઝલ વધું મોંઘું થાય એ સમાજના હિતમાં છે.

ઘણાં મોંઘું એટલું સારું એ ફિલોસોફીમાં માને છે. રૂપિયા આવે એટલે આ ફિલોસોફીમાં શ્રધ્ધા વધે છે. પછી હજાર રૂપિયાના જીન્સ કે બુટના ચાર-પાંચ હજાર આપી આવે છે. પેન્ટ-શરતની જોડી આવે એટલાં રૂપિયામાં બ્રાન્ડેડ અન્ડરવેર લાવી પહેરે છે. તો પેટ્રોલમાં બ્રાન્ડેડ પેટ્રોલ કેમ નહી? પેટ્રોલનો ભાવ અમે તો કહીએ છીએ કે સીધો દોઢસો રૂપિયે લીટર કરી નાખો. તો શું! અને બીજું હલકી ક્વોલિટીનું પેટ્રોલ, કે જેમાં એવરેજ ઓછી આવતી હોય એવું, સો રૂપિયે લીટર રાખો. સોવાળું કેસરી જેવા કલરનું અને દોઢસો વાળું લીલા કલરનું કરી દેવાનું. તો શું થાય કે જે દોઢસો રૂપિયા વાળું પુરાવતા હોય એ કોલર ઊંચા રાખીને ફરી તો શકે. પછી તો પેટ્રોલ કંપની આ મોંઘા ભાવનું પેટ્રોલ નખાવનારની કાર પર સ્પેશિયલ સ્ટીકર લગાડી આપે એવું કરવાનું એટલે આખા ગામને ખબર પડે કે આ ભાઈનું સ્ટેટ્સ ઊંચું છે. ભવિષ્યમાં કાર કંપનીઓ જ પછી પેટ્રોલની ટાંકી પારદર્શક બનાવશે એટલે કોણ કેટલું નખાવે છે, અને કયા રંગનું નખાવે છે એ આખા ગામને ખબર પડે. અને તમને એ જ પેટ્રોલનો કલર બદલવાથી ડબલ રૂપિયા મળતાં હોય તો વાંધો શું છે? આજકાલ બધી કંપનીઓ કરે છે એવું. થોડો ખર્ચો માર્કેટિંગનો પાડી દેવાનો. કોઈ સ્ટાર કે હાઈ-સોસાયટીની વ્યક્તિ પાસે પ્રમોટ કરાવવાનું કે ‘હું તો લીલું પેટ્રોલ નખાવું છું, તમે?’

અને પેટ્રોલ જ શું કામ? ટુ-વ્હીલર ઓછામાં ઓછા લાખ રૂપિયાથી અને ફોર-વ્હીલરની કિંમત દસ લાખથી શરુ થાય એવું કરો. પહેલાના જમાનામાં રાજા-મહારાજા, શેઠ અને મહાનુભાવો જ પોતાનું વાહન વસાવી શકતાં. હવે તો આલિયા-માલિયા અને ગાદી ફેરવતા થઈ ગયા છે. અમે તો કહીએ છે ગાડીના ભાવ તો વધારો સાથે ઇન્સ્યોરન્સનું વાર્ષિક પ્રીમિયમ પણ વાહનની કિંમતના દસ ટકા કરી દો. વાહન માટે લોનના વ્યાજદર ૨૪ ટકા કરો અને લોન ભરવામાં ચૂક થાય એને આકરી જેલની સજા ઉપરાંત રોજ વોટ્સેપ પર ફોરવર્ડ થતાં સો-સો મેસેજ વાંચવાની સજાની જોગવાઈ કરો. પછી જુઓ ટ્રાફિક પ્રોબ્લેમ કેવા સોલ્વ થાય છે. પછી તો જે રોડ છે, એ પહોળા પડશે. ટોલ બુથવાળાઓએ સ્કીમો કાઢવી પડશે કે રીટર્ન જર્ની મફત, અને એ પણ ૨૪નાં બદલે છત્રીસ કલાક સુધી! હા, રોડ કોન્ટ્રાક્ટરો પછી ચૂંટણી ફાળો આપવામાં ઠાગાઠૈયા કરશે એ અલગ વાત છે!

ટૂંકમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે બેવકૂફો અને બુડથલોને રોડ પર આવતાં રોકો. આવા લોકો ડીટોનેટર કાઢી નાખેલા બોમ્બ જેવા હોય છે. એમને જો રોકી શકો એમ ન હોવ તો આવા બેવકૂફો અને બુડથલો માટે બીઆરટીએસનાં ધોરણે ડેડીકેટેડ કોરીડોર બનાવો. અમારી તો કમસેકમ જાન બચે આવા ડોબાં જેવા જડ અને ગમાર વાહનચાલકોથી !

લી.

અરવિંદ કરસનદાસનાં જયહિન્દ 

No comments:

Post a Comment